ચીનને 75 વર્ષના સૌથી ભયાનક વાવાઝોડાએ ઘમરોળ્યું, હજારો લોકોનું સ્થળાંતર

શાંઘાઈ, ચીન, વાવાઝોડું, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, CFOTO/Future Publishing

ઇમેજ કૅપ્શન, બૅબિન્કા વાવાઝોડું ત્રાટક્યું એ પહેલાં શાંધાઈનું આકાશ જાંબલી રંગનું થઈ ગયું હતું
    • લેેખક, નિક માર્શ
    • પદ, બીબીસી ન્યૂઝ

ચીનના ‘ફાઇનાન્શિયલ હબ’ ગણાતા શાંઘાઈમાં ખતરનાક વાવાઝોડું ત્રાટકતાં હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ચીનના હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, બૅબિન્કા ટાયફૂને સોમવારે ચીનના સ્થાનિક સમય પ્રમાણે સવારે સાત વાગ્યે શાંઘાઈના પૂર્વમાં આવેલા લિંગાગ ન્યૂ સિટીમાં દસ્તક દીધી હતી.

ચીનના સરકારી મીડિયા અનુસાર શાંઘાઈમાં છેલ્લાં 75 વર્ષમાં આવેલું આ સૌથી ખતરનાક વાવાઝોડું છે.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, અગમચેતીના ભાગરૂપે શાંઘાઈ મેટ્રોપોલિટન વિસ્તારમાંથી અંદાજે ચાર લાખ લોકોને સ્થળાંતરિત કરીને રવિવારે જ સલામત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા હતા.

ત્યારબાદ 9 હજાર લોકોને ચોંગમિંગ જિલ્લામાંથી ખસેડી લેવામાં આવ્યા હતા. ચોંગમિંગ એ શાંઘાઈનો જ ભાગ છે પરંતુ યાંગત્ઝે નદીનું મુખ ગણાય છે અને એક ટાપુ જેવો વિસ્તાર છે.

સેંકડો ફ્લાઇટ કૅન્સલ કરી દેવામાં આવી હતી અને તમામ વિમાનોનું શાંઘાઈના બે ઍરપૉર્ટમાં પાર્કિંગ કરી દેવામાં આવ્યું હતું. ટ્રેન સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી અને હાઇવે બંધ કરી દેવામાં આવ્યા હતા. શહેરની અંદરના રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે 40 કિમી/કલાકની ઝડપ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

શાંઘાઈના અઢી કરોડ રહેવાસીઓને ઘરમાંથી બહાર ન નીકળવા માટે જ સૂચના આપવામાં આવી છે.

સત્તાવાળાઓએ બૅબિન્કા વાવાઝોડા માટે રેડ ઍલર્ટ જાહેર કર્યો હતો અને વાવાઝોડાંની આંખમાં પવનની ગતિ 151 કિમી/કલાકની ઝડપ હતી. લૅન્ડફૉલ કર્યા પછી પવનની ગતિ ઓછી થાય તેવી સંભાવના છે.

અનેક જગ્યાએ મોટું નુકસાન

શાંઘાઈ, ચીન, વાવાઝોડું, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનમાં વાવાઝોડાને કારણે થયેલું નુકસાન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઓનલાઇન વાઇરલ થયેલા વીડિયોમાં અનેક વૃક્ષો ઉખડી ગયેલાં દેખાય છે અને લોકો તેમની સાઇકલો અને બાઇક ખેંચીને કે ઢસડીને લઈ જતાં દેખાય છે. શાંઘાઈ ડેઇલી દ્વારા શેર કરવામાં આવેલી ક્લિપમાં દેખાઈ રહ્યું છે કે એક મોટું જાહેરાતનું બૉર્ડ ઉડીને રસ્તા પર આવે છે અને તેનાથી બચવા માટે બસ બ્રૅક મારે છે.

ચીનના સોશિયલ મીડિયા વીબો પર આ વાવાઝોડું એ સૌથી વધુ ચર્ચાતો વિષય બન્યો હતો. લોકોએ એ ડર પણ વ્યક્ત કર્યો હતો કે હજુ આનાથી પણ ભયાનક પરિસ્થિતિ આવી શકે છે.

એક વીબો યુઝરે લખ્યું હતું કે, "આ એ પ્રકારની વસ્તુ છે કે જે તમે ફક્ત ટેલિવિઝન પર જ જોઇ શકશો." તેમણે કાર પાર્કિંગમાં ભયાનક રીતે લહેરાતાં વૃક્ષોનો વીડિયો પોસ્ટ કરીને કહ્યું.

અન્ય એક યુઝરે લોકોને સલાહ આપી હતી કે તેઓના દરવાજા અને બારીઓ યોગ્ય રીતે લૉક કરીને રાખે અને બિનજરૂરી રીતે તેમના ઘરની બહાર ન નીકળે.

શાંઘાઈને ભયાનક ટાયફૂનથી સીધો ફટકો પડ્યો છે એ દુર્લભ ઘટના છે. સામાન્ય રીતે ચીનમાં આવતાં વાવાઝોડાં ચીનના દક્ષિણ ભાગ સાથે ટકરાય છે.

શહેરના ફ્લડ કંટ્રોલ હૅડક્વાર્ટરે જણાવ્યું હતું કે તેમને ટાયફૂન સંબંધિત ઘટનાઓના ડઝનેક રિપોર્ટ પ્રાપ્ત થયા છે. તેમાં મોટાભાગે પડી ગયેલાં વૃક્ષો અને બિલબૉર્ડની ફરિયાદો છે.

શાંઘાઈમાં આવેલા રિસોર્ટ્સ કે જેમાં શાંઘાઈ ડિઝની રિસોર્ટ, જિનજિયાંગ એમ્યુઝમેન્ટ પાર્ક અને શાંઘાઈ વાઈલ્ડ એનિમલ પાર્કનો સમાવેશ થાય છે, તેને અસ્થાયીરૂપે બંધ કરી દેવામાં આવ્યા છે.

હજુ ગત અઠવાડિયે જ આવ્યું હતું યાગી વાવાઝોડું

શાંઘાઈ, ચીન, વાવાઝોડું, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાવાઝોડાની અસરથી બચવાની કોશિશમાં ચીની નાગરિકો

આ મહિનામાં જ જ્યારે યાગી વાવાઝોડું ચીન સાથે ટકરાયું ત્યારે ચીનના દક્ષિણ ભાગમાં આવેલા હેનાન ટાપુને તેની વ્યાપક અસર થઈ હતી.

ચીનના હવામાન વિભાગના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે તેનાથી ઓછામાં ઓછાં ચાર લોકોનાં મોત થયાં હતાં અને 95 લોકો ઘાયલ થયા હતા.

યાગી વાવાઝોડાને કારણે ચીન સિવાય દક્ષિણપૂર્વ એશિયામાં પણ ભારે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. તેના કારણે વિયેતનામ અને મ્યાનમારમાં સેંકડો લોકો માર્યા ગયા હતા.

આ વાવાઝોડું બૅબિન્કા એ જાપાન તથા મધ્ય અને દક્ષિણ ફિલિપીન્ઝમાંથી પણ પસાર થયું હતું. ત્યાં વૃક્ષો પડતાં છ લોકોનાં મોત થયાં હતાં.

ચીનના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે બૅબિન્કા વાવાઝોડું હવે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની ધારણા છે. તેના કારણે જિઆંગસુ, ઝેજિયાંગ અને અનહુઈ પ્રાંતમાં ભારે વરસાદ અને ભારે પવનો ફૂંકાવાની સંભાવના છે.

(ઍડિશનલ રિપોર્ટિંગ: કૅલી એનજી, બીબીસી ન્યૂઝ)

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.