અંતરિક્ષમાં ફસાયેલાં સુનિતા વિલિયમ્સ તથા વિલ્મૉરને પરત લાવવાની નાસાની યોજના તૈયાર

રવાના થતી વેળાએ સુનિતા વિલિયમ્સ તથા વિલ્મૉરની તસવીર

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, સુનિતા વિલિયમ્સ તથા વિલ્મૉર
    • લેેખક, હૉલી કૉલ, રૅબેકા મૉરેલ, ગ્રૅગ બ્રૉસનન
    • પદ, બીબીસી ન્યૂઝ

ગત બે મહિનાથી અવકાશમાં ફસાયેલાં અંતરક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ તથા બૅરી બુચ વિલ્મૉરને આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સ્પેસઍક્સ મારફત ધરતી ઉપર પરત લાવવામાં આવશે.

નાસાનું કહેવું છે કે બંને અવશયાત્રીઓને જે બૉઇંગ સ્ટારલાઇનર અંતરિક્ષ વિમાન મારફત આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ખાતે મોકલવામાં આવ્યાં હતાં, તે 'ક્રૂ વગર' જ પરત ફરશે.

વિલિયમ્સ તથા વિલ્મૉરે 5 જૂને આઈએસએસ માટે ઉડ્ડાણ ભરી હતી. પૂર્વનિર્ધારિત યોજના મુજબ બંને આઠ દિવસમાં મિશન પૂર્ણ કરીને પરત ફરવાનાં હતાં, પરંતુ હવે તેમણે અંતરિક્ષમાં આઠ મહિના જેટલો સમય પસાર કરવો પડશે.

સ્ટાઇરલાઇનર અંતરિક્ષયાન જ્યારે આઈએસએસની નજીક પહોંચ્યું, ત્યારે તેમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ હતી. યાનને દિશા આપતાં તેનાં પાંચ થ્રસ્ટર્સ બંધ પડી ગયાં હતાં. તેમાં રહેલો હિલિયમ ગૅસ ખલાસ થઈ ગયો, જેના કારણે યાન જ્વલનશીલ ઇંધણ ઉપર નિર્ભર થઈ ગયું.

નોંધનીય છે કે નાસાએ પોતાના અવકાશયાત્રીઓને સ્પેસમાં મોકલવા માટે બૉઇંગને 4.2 અબજ ડૉલરનો, જ્યારે સ્પેસઍક્સને 2.6 અબજ ડૉલરનો કૉન્ટ્રેક્ટ આપ્યો છે.

સ્પેસઍક્સમાં રખાશે બે સીટ

સ્ટારલાઇનર તથા આઈએસએસની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્ટારલાઇનર તથા આઈએસએસના જોડાણ સમયે મુશ્કેલીઓ આવી હતી

અત્યારસુધી સ્પેસઍક્સે માનવ સાથેની નવ ઉડ્ડાણો ભરી છે, પરંતુ બૉઇંગના યાનનું માનવસહિતનું આ પહેલું મિશન હતું. કંપની અને નાસાના એંજિનિયરો સ્ટારલાઇનરમાં આવેલી તકનીકી ખામીઓને સમજવા માટે ખાસ્સો સમય વીતાવી ચૂક્યાં છે.

તેમણે ધરતી પર તથા અવકાશમાં અનેક પરિક્ષણ કર્યાં છે તથા ડૅટા એકઠો કર્યો છે. તેમને આશા હતી કે તેઓ સમસ્યાના મૂળ સુધી પહોંચી જવાશે અને સ્ટારલાઇનર મારફત જ બંને અવકાશયાત્રિકોને સ્પેસમાંથી ધરતી પર પરત લાવવાનો કોઈ ને કોઈ રસ્તો શોધી લેશે.

શનિવારની પ્રૅસ કૉન્ફરન્સ દરમિયાન નાસાના ઍડમિનિસ્ટ્રૅટર બિલ નૅલ્સને જણાવ્યું કે આ યાનમાં કેવા પ્રકારના સુધારની જરૂર છે, તેને સમજવા માટે નાસા અને બૉઇંગ મળીને કામ કરી રહ્યાં છે.

તેમણે કહ્યું, "દરેક અંતરિક્ષ ઉડ્ડાણમાં જોખમ રહેલું હોય છે. ચાહે તે સૌથી સુરક્ષિત અને સૌથી રૂટિન ઉડ્ડાણ જ કેમ ન હોય. પરંતુ જ્યારે એક ટેસ્ટ ફ્લાઇટની વાત આવે, ત્યારે તે ન તો સુરક્ષિત હોય છે કે ન તો રૂટિન. સલામતી અમારા માટે સૌથી મોટી બાબત છે અને એ જ માર્ગદર્શક પણ છે."

બંને અવકાશયાત્રીઓના આઈએસએસમાં રોકાણનો સમય ફેબ્રુઆરી-2025 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ક્રૂના સભ્યો સ્પેસઍક્સના ડ્રૅગન મારફત પરત ફરી શકે.

આ વધારાના સમયને કારણે સ્પેસઍક્સને પોતાનું આગામી યાન લૉન્ચ કરવા માટે સમય મળી જશે. અગાઉ તે સપ્ટેમ્બર મહિનાના અંતભાગમાં લૉન્ચ થવાનું હતું.

પહેલા આ યાન ફેબ્રુઆરી મહિનામાં લૉન્ચ થવાનું હતું તથા એના મારફત ચાર અવકાશયાત્રી જવાના હતા, પરંતુ હવે માત્ર બે જ આઈએસએસ સુધી જશે, જેથી કરીને ધરતી પર પરત આવતી વખતે વિલિયમ્સ તથા વિલ્મૉર માટે જગ્યા રહેશે.

ક્રૂ વગર આવશે સ્ટારલાઇનર

વીડિયો કૅપ્શન, Banaskantha નાં Drone Didi જે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરી કમાય છે લાખો રૂપિયા

નાસાનું કહેવું છે કે આ બંને અવકાશયાત્રી અગાઉ બે વખત અંતરિક્ષમાં લાંબો સમય માટે રહ્યાં છે, એટલે તેઓ ટેસ્ટફ્લાઇટમાં રહેલાં જોખમો વિશે સારી રીતે જાણે છે. સંભવિત જોખમોમાં લાંબા સમય માટે અવકાશમાં રહેવું જેવી બાબત પણ સામેલ છે.

નાસાનું કહેવું છે કે તે 58-વર્ષીય સુનિતા વિલિયમ્સ તથા 61-વર્ષીય વિલ્મૉરે તેમને ધરતી ઉપર પાછા લાવવાની યોજનાનું 'પૂરેપૂરું' સમર્થન કર્યું છે. બંને અવકાશયાત્રી આઈએસએસ પર વૈજ્ઞાનિક કામો, આઈએસએસની સારસંભાળ અને કદાચ સ્પેસવૉક પણ કરશે.

અંતરિક્ષયાનને વિકસાવવામાં અસફળતાઓને કારણે બૉઇંગનું સ્ટારલાઇનર લૉન્ચ કરવામાં અગાઉ જ ઘણાં વર્ષોની ઢીલ થઈ છે. ગત માનવરહિત ઉડ્ડાણોમાં પણ બૉઇંગે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

એક નિવેદન બહાર પાડીને બૉઇંગે કહ્યું હતું કે તે "ક્રૂ તથા અંતરિક્ષયાનની સુરક્ષા" ઉપર ધ્યાન કેન્દ્રિત રાખશે. અમે નાસાના નિર્ધારિત મિશન ઉપર અમલ કરી રહ્યા છીએ અને સુરક્ષિત તથા સફળ માનવરહિત ઉડ્ડાણ માટે તૈયારીઓ કરી રહ્યા છીએ.

સ્ટારલાઇનરની સમસ્યા

અવકાશમથકમમાં સુનિતા વિલિયમ્સનીતસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અવકાશયાત્રીઓનાં આરોગ્ય ઉપર નિયમિત નજર રાખવામાં આવે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જ્યારે સ્ટારલાઇનરને અવકાશમાં મોકલવામાં આવ્યું, ત્યારે તેમાંથી હિલિયમ વાયુ લીક થવા લાગ્યો હતો. લૉન્ચ સમયે લીક નાનકડું હતું, પરંતુ બીજું લીકેજ પાંચગણું મોટું હતું.

જ્યારે યાન આઈએસએસ તરફ આગળ ધપી રહ્યું હતું, ત્યારે તેને દિશાનિર્દેશ આપતાં 28 થ્રસ્ટર બંધ થઈ ગયાં હતાં, જેમાંથી ચારને ફરી શરૂ કરવામાં આવ્યાં હતાં. એ પછી પ્રપલ્શન સિસ્ટમમાં વધુ બે લીકેજ વિશે માહિતી મળી હતી.

જમીન પરથી હાથ ધરવામાં આવેલી તપાસમાં માલૂમ પડ્યું હતું કે ગર્મીને કારણે ટૅફ્લોનનું સીલ ફૂલાઈ ગયું હતું, જેના કારણે ઇંધણ કંબસ્ટન ચૅમ્બર સુધી પહોંચી નહોતું શકતું.

બૉઇંગના માર્ક નાપીના કહેવા પ્રમાણે, માનવસહિતની ટેસ્ટ ફ્લાઇટ્સ દરમિયાન જ આવી સમસ્યાઓ વિશે જાણ થઈ શકે છે. જોકે, કેટલાક એંજિનિયરોનું કહેવું છે કે યાનની ડિઝાઇનિંગના શરૂઆતના તબક્કે અથવા તો માનવહિત મિશન સમયે પણ આ પ્રકારની સમસ્યાઓ વિશે જાણી શકાયું હોત.

બૉઇંગના યાનમાં અગાઉ પણ સમસ્યાઓ ઊભી થઈ છે. વર્ષ 2019માં બૉઇંગે પહેલી માનવરહિત ઉડ્ડાણ ભરી હતી, પરંતુ સૉફ્ટવેરમાં સમસ્યા ઊભી થવાને કારણે તેનું એંજિન ચાલુ જ નહોતું થયું.

વર્ષ 2022માં બીજું પરીક્ષણ થયું, પરંતુ ત્યારે યાનના અમુક થ્રસ્ટરમાં તથા તેના કુલિંગ સિસ્ટમમાં સમસ્યાઓ થઈ હતી.

બીજી બાજુ, બૉઇંગના હરીફ ઍલન મસ્કે સ્પેસઍક્સનું ડ્રૅગન સ્પેસક્રાફ્ટ ચાર વર્ષ અગાઉ જ આઈએસએસ પહોંચાડી દેખાડ્યું હતું. એ પછી અંતરિક્ષયાત્રીઓ તથા સામાનને લાવવા લઈ જવા માટે તે નિયમિત રીતે ઉડ્ડાણ ભરતું રહ્યું છે.

એવું લાગે છે કે લૉન્ચપૅડ બનવા માટે બૉઇંગના સ્ટારપાઇનરે લાંબી મજલ કાપવાની છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.