મુસ્લિમ મહિલાએ બરફમાં રમતાં વીડિયો બનાવ્યો અને પછી વિવાદ કેમ થઈ ગયો?

મુસ્લિમ, મુસ્લિમ મહિલા, ધર્મ, ધર્મગુરુ, ઇસ્લામ, કુરાન, કેરળ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, સોશિયલ મીડિયા પર મહિલાની ટીકા- સાંકેતિક તસવીર
    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બીબીસી માટે, બેંગલુરુથી

કેરળમાં એક મુસ્લિમ ધર્મગુરુએ 55 વર્ષની મહિલાની ટીકા કરી એ પછી સોશિયલ મીડિયામાં હોબાળો થઈ ગયો છે.

ગત વર્ષે ડિસેમ્બરમાં એક 55 વર્ષનાં મુસ્લિમ મહિલા મનાલી ગયાં હતાં અને ત્યાં તેઓ બરફ સાથે રમતાં હોય તેવી એક રીલ તેમણે સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. આ રીલને જોઈને એક મુસ્લિમ ધર્મગુરુએ મહિલાની ટીકા કરી હતી.

તેમની ટીકા પછી સોશિયલ મીડિયા પર તેને લઈને વિવાદ થઈ ગયો છે.

મુસ્લિમ ધર્મગુરુએ જે વીડિયો જોઈને મહિલાની ટીકા કરી હતી તેમાં તે મહિલા તેમની દીકરીઓ સાથે બરફમાં આનંદ માણતાં જોવા મળે છે.

વીડિયોમાં મહિલા તેમના મિત્રો અને સંબંધીઓને ખૂબ ઉત્સાહથી બરફમાં રમવાનો આનંદ લેવાનું કહી રહ્યાં હોય તેવું દેખાય છે.

તેમની દીકરીઓએ આ રીલ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, પછી આ રીલ વાઇરલ થઈ ગઈ હતી.

કોઝિકોડના નાદાપુરમના રહેવાસી આ મહિલાના પતિનું 25 વર્ષ પહેલાં જ નિધન થઈ ગયું હતું.

ત્યાર પછી તેમણે સિંગલ મધર તરીકે તેમની ત્રણ દીકરીઓનું પાલન-પોષણ કર્યું હતું. નિશ્ચિતપણે એક લાંબા સમયગાળા પછી બરફ અને સુકૂનની આ પળોએ તેમને ઉત્સાહિત કર્યાં હશે.

પરંતુ તેમનો આ આનંદ વધુ દિવસો સુધી ન ટક્યો. તેમનો આ વીડિયો જોઈને પરંપરાગત સુન્ની સમસ્ત સમૂહ કંઠપુરમ અબુબકર મુસલિયાર ઇબ્રાહિમ સકાફી પુજાક્કતિરી નારાજ થઈ ગયા અને તેમણે મહિલાની ટીકા કરી.

તેમનું કહેવું હતું કે વિધવા મહિલાએ આ રીતે ફરવા અને બરફમાં રમવાને બદલે ઘરમાં કુરાન વાંચવું જોઈએ.

કેરળ યુનિવર્સિટીમાં ઇસ્લામી ઇતિહાસના પ્રોફેસર અશરફ કદક્કલે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "આ અતિશય બિનજરૂરી ટિપ્પણી છે. પોતાની દીકરીઓ અને પરિવારના સભ્યો સાથે એક મહિલાનું મનાલી જવું એ આ માણસને કેમ ખૂંચે છે. તેનાથી ઇસ્લામ કેવી રીતે પ્રભાવિત થઈ જાય?"

દીકરીએ પણ પૂછ્યા સવાલો

મુસ્લિમ, મુસ્લિમ મહિલા, ધર્મ, ધર્મગુરુ, ઇસ્લામ, કુરાન, કેરળ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, ઇબ્રાહિમ સકાફી પુજાક્કતિરી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ મહિલાની પુત્રી જિફાના પણ આ વાતથી ખૂબ જ પરેશાન હતાં.

તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે કેવી રીતે એક ધાર્મિક નેતાએ તેમનાં માતાની જાહેરમાં ટીકા કરીને તેમને હતોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો.

જિફાનાએ કહ્યું કે ધર્મગુરુની ટીકા પછી તેમના સંબંધીઓ અને પાડોશીઓએ પણ તેમનાં માતાની ટીકા કરવાનું શરૂ કર્યું, જેની તેમનાં માતા પર ઊંડી અસર પડી.

જિફાનાએ એક સોશિયલ મીડિયામાં લખ્યું, "અમારી આ શાનદાર ટ્રિપ દરમિયાન, મારાં માતા પહેલી વાર બરફ જોઈ રહ્યાં હતાં. તેઓ આ જોઈને ખૂબ ખુશ થઈ ગયાં. અમે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવીને આ ખુશીને લોકો સાથે વહેંચી. પરંતુ ત્યારબાદ લોકોએ તેમને ગમે તેમ સલાહો આપવાનું શરૂ કર્યું. સોશિયલ મીડિયા પર તેમના વિશે ખરાબ લખનારા લોકોનો પ્રવાહ જાણે કે ઉમટી પડ્યો."

"હું મારી માતાને દિલાસો આપીને તેમનો આત્મવિશ્વાસ પાછો અપાવવામાં સફળ રહી. પણ મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે અમારી ખુશીની ક્ષણો આ રીતે ધાર્મિક વિવાદમાં ફેરવાઈ જશે."

તેમણે ધર્મગુરુ પર સીધો હુમલો કર્યો અને કહ્યું કે, "એક જાણીતા વિદ્વાને અમારા પરિવારની શાંતિ ભંગ કરી દીધી છે."

તેમણે કહ્યું, "શું 25 વર્ષ પહેલાં પોતાના પતિ ગુમાવનાર અને પૌત્ર-પૌત્રીઓ ધરાવતી સ્ત્રીને ખૂણામાં બેસીને માત્ર કુરાન શીખવવું પૂરતું છે? વિધવા સ્ત્રીને દુનિયાનો અનુભવ કરવાથી કેમ રોકવી જોઈએ? શું આ દુનિયા ફક્ત પુરુષો માટે જ બની છે?"

મહિલાએ શું કર્યું હતું?

મુસ્લિમ, મુસ્લિમ મહિલા, ધર્મ, ધર્મગુરુ, ઇસ્લામ, કુરાન, કેરળ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહિલા મનાલી ફરવા ગયાં હતાં અને બરફમાં તેમને આનંદ કરતાં જોઈને તેમની દીકરીએ તેમનો વીડિયો બનાવ્યો હતો

મુસ્લિમ ધર્મગુરુએ જે મહિલાની ટીકા કરી છે તે વીડિયોમાં લાલ ડ્રેસ પહેરેલાં જોવા મળે છે.

કાળા ચશ્માં પહેરેલ આ મહિલા ઉત્સાહમાં મોટેથી કહી રહ્યાં છે - "મિત્રો, હઝારા, શાફિયા, નસીમા અને સફીના - તમે ઘરે કેમ બેઠા છો? તમારો ઉત્સાહ ક્યાં છે? તમારે બધાએ અહીં આવવું જ જોઈએ. આટલી 55 વર્ષની ઉંમરે પણ, હું અહીં મજા કરી રહી છું. હું બરફ પર આળોટી રહી છું. આ ખૂબ સુંદર છે. તમને લોકોને આવી મજા ક્યાંથી મળશે? અહીં આવી જાઓ. આપણે ફરી અહીં આવીશું."

વીડિયોમાં કૅમેરાની પાછળથી એક અવાજ સંભળાય છે. "અમ્માચી (મા) તમારો મૂડ કેમ છે હવે.."

જવાબ મળે છે - "પોલી મુડુ (જબરદસ્ત)"

મહિલાને મળ્યું સમર્થન

મુસ્લિમ, મુસ્લિમ મહિલા, ધર્મ, ધર્મગુરુ, ઇસ્લામ, કુરાન, કેરળ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહિલાને સોશિયલ મીડિયા પર મળ્યું સમર્થન

ભલે આ ઇસ્લામી ધર્મગુરુએ મહિલાની ટીકા કરી હોય, પરંતુ હવે આ ધર્મગુરુની પણ ટીકા થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા તેમની ટીકા કરવામાં આવી છે.

પ્રોફેસર અશરફ આની પ્રશંસા કરે છે. તેઓ કહે છે, "લગભગ બધાએ મહિલાને ટેકો આપ્યો છે. આ ખૂબ જ સકારાત્મક વલણ છે."

"આ મહિલાની પુત્રી સહિત ઘણા લોકોએ એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે. શું કુરાન, હદીસ કે કોઈ અધિકૃત ઇસ્લામિક ગ્રંથમાં કોઈ પુરાવા કે સંદર્ભ છે જે વિધવાને પર્યટન સ્થળોની મુલાકાત લેવા કે તેના પરિવારના સભ્યો સાથે મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂકે છે?"

તેઓ કહે છે, "આવા કોઈ પણ લખાણમાં આવું કંઈ કહેવામાં આવ્યું નથી. આવો કોઈ સંદર્ભ નથી. બીજી બાજુ, કુરાન હંમેશા ઇસ્લામના અનુયાયીઓને દુનિયાભરમાં મુસાફરી કરવા માટે પ્રોત્સાહિત કરે છે જેથી તેઓ અલ્લાહના સંકેતો જોઈ શકે. કુરાનમાં તેના માટે સ્પષ્ટ નિર્દેશ છે."

પ્રો. અશરફ કહે છે, "ઘણા મુસ્લિમ વિદ્વાનો પણ છે જે લોકોને દુનિયાની અજાયબીઓ જોવા માટે પ્રોત્સાહિત કરે છે કારણ કે તે અલ્લાહમાં તમારી શ્રદ્ધા વધારે છે."

ઇસ્લામના વિદ્વાનોએ શું કહ્યું?

પ્રશ્ન એ ઊભો થાય છે કે મુસ્લિમ ધર્મગુરુઓના કહેવા પ્રમાણે શું મુસ્લિમ વિધવા સ્ત્રીએ ખૂણામાં બેસીને કુરાન વાંચવા સિવાય બીજું કંઈ ન કરવું જોઈએ?

પ્રો. અશરફે કહ્યું, "એવું કંઈ નથી. હકીકતમાં, મેં એક પ્રખ્યાત ઇસ્લામિક વિદ્વાન સાથે ઇસ્લામના કેટલાક નિયમો વિશે વાત કરી હતી, જેનું પાલન વિધવા મુસ્લિમ મહિલાઓએ કરવું પડે છે. વિદ્વાને મને કહ્યું કે કોઈપણ મહિલા ચાર મહિનાની ઇદ્દત પૂર્ણ કર્યા વિના પણ બહાર જઈ શકે છે."

(ઇદ્દત એ સમયગાળો છે જે દરમિયાન સ્ત્રીને તેના પતિના મૃત્યુ પછી લગ્ન કરવાની મંજૂરી નથી. આ એટલા માટે છે કે તે આ સમયગાળા દરમિયાન ગર્ભવતી ન થાય.)

પ્રોફેસર અશરફે કહ્યું, "આનો અર્થ એ છે કે જો કોઈ મહિલાના પતિનું મૃત્યુ થાય છે અને તે ભાવનાત્મક રીતે પોતાને સંભાળી શકે છે, તો તેને તે જે કંપની કે સરકારી વિભાગમાં કામ કરે છે ત્યાં જતાં પણ તેને અટકાવી શકાતી નથી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે તે સમય દરમિયાન, મહિલાએ ફક્ત સફેદ કપડાં પહેરવા જોઈએ. પણ આવો કોઈ નિર્દેશ નથી."

તેમના મતે ઇસ્લામિક વિદ્વાને કહ્યું કે, "લોકો ઘણી ખોટી માન્યતાઓમાં માને છે. આ લોકો ઇસ્લામની મૂળ ભાવનાથી અજાણ છે. સામાન્ય રીતે, ઇસ્લામિક વિદ્વાનો આવી ટિપ્પણીઓ કરતા નથી."

પર્યટન માટે મહિલાની ટીકા કરનારા મૌલવી ઇબ્રાહિમનો સંપર્ક કરવાનો અમારો પ્રયાસ નિષ્ફળ ગયો.

મહિલા અને તેમનાં પુત્રી જિફાનાની જેમ, તેમનો મોબાઇલ ફોન પણ બંધ હતો.

કંથાપુરમ અબુબકર મુસલીયારના પુત્ર હકીમ અઝહરીનો અમે સંપર્ક કરી શક્યા નહીં કારણ કે, તેમના સેક્રેટરીએ અમને કહ્યું હતું કે તેઓ દિલ્હી ગયા છે અને તેઓ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશે. જ્યારે તેમનો પ્રતિભાવ મળશે ત્યારે આ અહેવાલને અપડેટ કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.