'31 વર્ષની હતી અને મને ડૉક્ટરે કહ્યું કે હું દારૂ પીવાનું બંધ નહીં કરું તો મરી જઈશ'

    • લેેખક, હેઝલ માર્ટીન
    • પદ, બીબીસી પેનોરામા

31 વર્ષની ઉંમરે ડૉક્ટરોએ મને કહી દીધું કે હું દારૂ પીવાનું બંધ નહીં કરું, તો હું મરી જઈશ.

હું ચોંકી ગઈ, કારણ કે હું દરરોજ શરાબ નહોતી પીતી. મેં ક્યારેય એકલા બેસીને શરાબ નથી પીધો. હું માત્ર સોશિયલ પ્રવૃત્તિ તરીકે શરાબ પીતી હતી. એટલે કે મિત્રો સાથે ક્યાંક બહાર જાઉં તો ક્યારેક શરાબ પીતી. મને શરાબ વગર ચાલે જ નહીં એવું પણ ન હતું.

પરંતુ વ્યાખ્યાની રીતે જોવામાં આવે તો મારી કિશોરાવસ્થાથી માંડીને વીસીના દાયકાના અંત સુધીમાં મેં જે શરાબ પીધો તેને અતિશય કહેવામાં આવશે. મને તે સામાન્ય લાગતું હતું કારણ કે મારી આસપાસના લોકો પણ એવું જ કરતા હતા. અને હવે મને પણ શરાબની ટેવ પડી રહી હતી.

તાજેતરમાં હું સ્થાનિક ડૉક્ટર (જનરલ પ્રેક્ટિશનર) પાસે ગઈ, કારણ કે મને સતત થાક લાગતો હતો. ત્યાર પછી લોહીના પરીક્ષણ કરવામાં આવ્યા અને મારું લીવર કેટલું કામ કરે છે તેની તપાસ થઈ.

વધુ પરીક્ષણો પરથી જાણવા મળ્યું કે મને ગંભીર આલ્કોહોલ-સંબંધિત લીવર ફાઇબ્રોસિસ છે, એટલે કે મારા લીવર પર ગંભીર ક્ષતિ (સ્કાર) છે. મોટા ભાગે તે મારી શરાબ પીવાની ટેવના કારણે છે.

હું સ્તબ્ધ થઈ ગઈ અને મારી દીકરીને સ્ટ્રોલરમાં બેસાડીને હૉસ્પિટલેથી ઘરે પહોંચી. મેં વિચાર્યું કે આ મારી સાથે બન્યું છે, પણ હું કદાચ એકલી નહીં હોઉં.

હું જાણવા માંગતી હતી કે યુકેમાં શરાબ પીવાની સંસ્કૃતિ વિશે શું કહેવામાં આવે છે. હું બીબીસી પેનોરમા પ્રોગ્રામમાં તેની માહિતી શોધવા લાગી.

2001થી રેકૉર્ડ રાખવાનું શરૂ થયું ત્યાર પછી યુકેમાં શરાબના કારણે થતા મૃત્યુ તેની સર્વોચ્ચ સપાટીએ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે જૂન 2019ના ડેટાના આધારે જાણવા મળ્યું છે કે વૈશ્વિક સ્તરે દર વર્ષે 26 લાખ લોકો દારૂને લગતી તકલીફોથી મૃત્યુ પામે છે.

શરાબસેવનને કારણે 45થી ઓછી વયની મહિલઓનો મૃત્યુદર વધ્યો

યુકેની ઑફિસ ફૉર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ઓએનએસ)ના 2001-22થી અત્યાર સુધીના આંકડા મુજબ પુરુષોમાં આ સમસ્યા ઘણી વધારે છે. ખાસ કરીને વૃદ્ધ પુરુષોમાં તે વધારે જોવા મળે છે. પરંતુ દારૂ સંબંધિત લીવરની બીમારીઓ અથવા એઆરએલડીને કારણે 45 વર્ષથી ઓછી વયની મહિલાઓ પણ પહેલાં કરતાં વધુ મૃત્યુ પામી રહી છે.

લાંબા સમયગાળે જેટલો શરાબ પીવાતો હોય, એટલો જ શરાબ એક સાથે પીવામાં આવે, જેમકે એક રાતે પીવાય, તો તે ઘણું વધારે નુકસાન કરે છે.

યુનિવર્સિટી કૉલેજ લંડન અને યુકેની ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીની એક ટીમ દ્વારા કરાયેલું નવું સંશોધન સૂચવે છે કે એકસાથે ચિક્કાર શરાબ પીવો એ લીવર માટે ચાર ગણું નુકસાનકારક હોઈ શકે છે.

આપણે જ્યારે વધુ પડતા દારૂ પીવાનો વિચાર કરીએ છીએ, ત્યારે આપણા મનમાં દારૂના નશામાં બહાર નીકળતા લોકો અને બસ સ્ટૉપ પર લથડી પડતા લોકોનો ખ્યાલ આવે છે. પરંતુ તમે ધારો છો તેના કરતાં ઓછો દારૂ પણ ભારે પડી શકે છે.

યુકેમાં મહિલાઓ એક સાથે છ અથવા વધુ યુનિટ શરાબ પી જાય અને પુરુષો એક સાથે આઠ કે વધારે યુનિટ પી જાય તો તેને ચિક્કાર શરાબ ઢીંચ્યો તેમ કહેવામાં આવે છે. મહિલાઓ માટે આ વાઇનના બે મોટા ગ્લાસ જેટલું થયું.

40થી 50ની વય ધરાવતી મહિલાઓમાં લીવરની બીમારી

લંડનની કિંગ્સ કૉલેજ હૉસ્પિટલનાં કન્સલ્ટન્ટ હેપેટોલૉજિસ્ટ ડેબી શૉક્રોસે મને કહ્યું કે તેમની પાસે લીવરની બીમારીઓ ધરાવતી ઘણી પ્રોફેશનલ મહિલાઓ આવે છે, જેઓ તેમની ઉંમરના 40 અથવા 50ના દાયકામાં છે.

તેઓ કહે છે, "તેઓ (મહિલાઓ) એક સાથે ઘણાં કામ કરી રહી છે અને કદાચ તેમના પરિવારમાં નાની વયના સભ્યો છે." "તેઓ આલ્કોહોલિક નથી... પરંતુ તેઓ માત્ર એક આદત તરીકે ખૂબ શરાબ પીતી હોય છે."

હું હજુ ઉંમરની ચાળીસીમાં નથી પહોંચી, પરંતુ તેમની વાત મને લાગુ થાય છે.

હું જ્યારે નાની હતી ત્યારે રાતની પાર્ટી દરમિયાન આરામથી ઘણો શરાબ પી જતી હતી. મારી બીમારીનું નિદાન નહોતું થયું ત્યાં સુધી મને એ વાતનો વિચાર પણ નહોતો આવ્યો.

મારા લોહીના ટેસ્ટનો રિપોર્ટ અસામાન્ય આવ્યો, ત્યાર પછી મને ગ્લાસગોની ન્યૂ વિક્ટોરિયા હૉસ્પિટલમાં મોકલવામાં આવી, જ્યાં મારું અલ્ટ્રાસાઉન્ડ અને અંતે ફાઇબ્રોસ્કેન કરવામાં આવ્યું. આ બધું લગભગ એક વર્ષ સુધી ચાલ્યું.

ફાઇબ્રોસ્કેન એ નૉન-ઇનવેઝિવ અલ્ટ્રાસાઉન્ડનો એક પ્રકાર છે જે યકૃતની જડતાને માપે છે. સાત કેપીએ (લોહીમાં ઓક્સિજનનું સ્તર માપવા માટેનું યુનિટ) અથવા તેનાથી નીચેનું રીડિંગ સામાન્ય ગણવામાં આવે છે. મારું કેપીએ 10.2 હતું.

તે બહુ ગંભીર સ્કારિંગ સૂચવે છે. જો તે પકડાયું ન હોત અને મેં શરાબ છોડ્યો ન હોત, તો મને સિરોસિસ થઈ ગયું હોત.

ફેબ્રુઆરી 2024માં મારું નિદાન થયું. મારા કન્સલ્ટન્ટ ડૉ. શૌરેન દત્તાએ કહ્યું કે હું શરાબ પીવાનું છોડી દઈશ, તો મારા ફાઇબ્રોસિસને ઉલટાવી શકાય તેવી શક્યતા છે.

હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું કે સમયસર મારી સમસ્યાનું નિદાન થયું અને સમયસર મળી ગઈ.

મારા થાકનાં કારણોની તપાસ કરતી વખતે ડૉક્ટરોએ સમસ્યા શોધી કાઢી હતી

જોકે, લીવરના રોગમાં સમસ્યા એ છે કે તેમાં ઘણી વખત કોઈ પ્રારંભિક લક્ષણો દેખાતાં નથી.

લીવરની છેલ્લા સ્ટેજની બીમારી ધરાવતા 10માંથી સાત લોકોને જ્યાં સુધી કમળો, ફ્લુઇડ રિટેન્શન અને અસામાન્ય રક્તસ્ત્રાવ જેવાં લક્ષણો ન દેખાય અને હૉસ્પિટલમાં દાખલ ન થાય ત્યાં સુધી તેમને બીમારીનો અંદાજ નથી આવતો.

મૂળ નૉર્થ વેલ્સનાં 39 વર્ષીય એમા જોન્સ સાથે પણ આવું જ થયું હતું. તેમના સફળ લીવર ટ્રાન્સપ્લાન્ટના 15 મહિના પછી હું તેમને મળી હતી.

એમા પણ મારી જેમ સોશિયલ ડ્રિંકર હતાં. તેઓ સફળ કારકિર્દી ધરાવતાં હતાં અને તેમની સોશિયલ લાઇફ જીવંત હતી. પરંતુ કોવિડના લૉકડાઉન દરમિયાન બધું બદલાઈ ગયું. એક સમયે તેઓ રોજની ત્રણ બૉટલ વાઇન પીતાં હતાં.

એમાને હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં જ્યાં તેમને ખબર પડી કે તેમને છેલ્લા સ્ટેજની લીવરની બીમારી છે. તેમની પાસે જીવિત રહેવા માટે 36 કલાકથી ઓછો સમય હતો.

ચમત્કારિક રીતે તેઓ બચી ગયાં. છ મહિના સુધી શરાબ છોડ્યા પછી તેમને ટ્રાન્સપ્લાન્ટ મળી ગયું જેની તેમને સખત જરૂર હતી.

એમાની રિકવરી ચાલુ છે પણ તેમના જીવનમાં મોટા ફેરફાર આવી ગયા છે. તેમણે આખી જિંદગી ઍન્ટી-રિજેક્શન દવાઓ ચાલુ રાખવી પડશે, તેમની રોગપ્રતિકારક શક્તિને દબાવવામાં આવી છે. એટલે કે તેમના શરીર માટે ચેપ અને રોગ સામે લડવું મુશ્કેલ છે.

પરંતુ તેઓ જીવિત છે, સાજાં છે અને બહુ ખુશ છે. તેમની સકારાત્મકતા અને દૃઢ નિશ્ચયથી હું પ્રભાવિત થઈ છું.

'જીન ઓ'ક્લોક' અને "વાઇન ટાઇમ"

યુકેની ઑફિસ ઑફ નૅશનલ સ્ટેટિસ્ટિક્સના તાજેતરના ડેટા મુજબ 2018થી 39-45 વર્ષની વયની મહિલાઓમાં દર વર્ષે મૃત્યુનાં ત્રણ મુખ્ય કારણોમાં લીવરની બીમારી સામેલ છે.

લિવરપૂલ યુનિવર્સિટી ખાતે ડ્રિંક અને ડ્રગ કલ્ચરના નિષ્ણાત પ્રોફેસર ફિયોના મિશેમ કહે છે, "એકદમ ટૂંકા ગાળામાં... લગભગ 10 વર્ષમાં મહિલાઓમાં ડ્રિંકિંગનું પ્રમાણ બમણું થયું છે."

તેમનું સંશોધન સૂચવે છે કે 1990 અને 2000ના દાયકામાં યુકેના શરાબ ઉદ્યોગે મહિલા ડ્રિંકરો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે આલ્કોપોપ્સ અને શોટ્સ જેવા ઉત્પાદનો સાથે તેમને લક્ષ્ય બનાવ્યા અને નારીવાદ, સ્ત્રી સશક્તિકરણ તથા સ્વતંત્રતાનો માર્કેટિંગના સાધન તરીકે ઉપયોગ કર્યો.

તેઓ માને છે કે આ પ્રથાઓએ યુવા મહિલાઓની આખી પેઢીમાં શરાબ પીવાની એક સંસ્કૃતિ વિકસાવી છે જેની કાયમી અસર રહેશે.

તેઓ કહે છે, "અમે હવે જોઈ રહ્યા છીએ કે યુવાનોમાં તેનો વપરાશ ઝડપથી ઘટી રહ્યો છે. આમ છતાં, ઉંમરના 30, 40 અને 50ના દાયકાના પ્રવેશેલા લોકો માટે એકદમ સ્થિર છે."

ગ્લાસગો કેલિડોનિયન યુનિવર્સિટીના પ્રોફેસર કેરોલ એમ્સ્લી માને છે કે આલ્કોહોલ ઉદ્યોગમાં આજે પણ એટલો જ આક્રમક અભિગમ યથાવત છે. હવે તેઓ આખા દિવસના સખત કામ પછી મહિલાઓને રિલેક્સ થવા માટે પ્રોસેકો, "જીન ઓ'ક્લોક" અને "વાઇન ટાઇમ" જેવી ચીજોનો પ્રચાર કરે છે.

શરાબ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતું પોર્ટમેન ગ્રૂપ કહે છે, "યુકેમાં મહિલાઓ અને પુરુષો, બંનેમાં શરાબ સંબંધિત લીવરની બીમારીઓમાં વધારો એ ગંભીર ચિંતાનો વિષય છે. પરંતુ એ યાદ રાખવું જરૂરી છે કે શરાબ હંમેશાથી એક કાનૂની ઉત્પાદન રહ્યું છે."

તે કહે છે કે તેની આચારસંહિતા... "ખાસ કરીને લિંગ-આધારિત માર્કેટિંગ સામે રક્ષણ આપતી નથી" પરંતુ "શરાબ ઉત્પાદકો માટે તેમના ઉત્પાદનોનું જવાબદારીપૂર્વક માર્કેટિંગ કરવાના લઘુત્તમ ધોરણો" નક્કી કરે છે.

તથા તે "પ્રમાણસર શરાબપાનને પ્રોત્સાહન આપવા તેમજ શરાબ ઉદ્યોગને જવાબદાર બનાવવાના પ્રયાસ ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે."

મારા નિદાનના કેટલાક મહિના પછી સ્થિતિમાં કોઈ સુધારો થયો છે કે કેમ તે જાણવા માટે મેં ફરીથી ફાઈબ્રોસ્કેન કરાવ્યું.

મારું ફાઈબ્રોસ્કેન રીડિંગ 10.2 થી 4.7 થઈ ગયું હતું. એટલે કે સામાન્ય અને તંદુરસ્ત રેન્જમાં આવી ગયું તે જોઈને મને રાહત થઈ.

શરાબ છોડવાથી આટલા ઓછા સમયમાં આવું નાટકીય પરિવર્તન આવ્યું તેનું મને આશ્ચર્ય થયું.

હું ફરીથી શરાબ પીવાનું વિચારતી નથી. મને હવે શરાબ ન પીવાની સલાહ અપાઈ છે.

લગભગ એક વર્ષથી મેં શરાબ ચાખ્યો નથી અને મને સારું લાગે છે. છતાં મને એક પ્રકારનું દુખ થાય છે જેનું કારણ સમજી શકતી નથી.

શરાબ એ બ્રિટિશ સંસ્કૃતિનો હિસ્સો છે. અમે જન્મદિવસની પાર્ટીઓ, લગ્નો અને અંતિમ સંસ્કારમાં શરાબ પીએ છીએ. આ ઉપરાંત તહેવારોની મોસમમાં ક્રિસમસ અગાઉથી પીવાનું શરૂ થઈ જાય છે અને નવા વર્ષના દિવસ સુધી ચાલે છે.

હું મોટી થતી હતી ત્યારે શરાબ પીવો બહુ સામાન્ય લાગતું હતું. મને શરાબ છોડવાની ફરજ પાડવામાં આવી ત્યાં સુધી મને ખબર ન હતી કે શરાબ પીવા માટે કેટલું દબાણ થતું હતું.

જોકે, શરાબ છોડવો સહેલો નથી. શરાબ એ કોઈ પુરસ્કારની ચીજ નથી અને રિલેક્સ થવા માટે અથવા સામાજિક આનંદ માણવા માટે શરાબ અનિવાર્ય નથી, તે વાત મારા મગજમાં ઉતારવામાં મને ઘણો સમય લાગી ગયો છે.

મને લાગે છે કે તે સમયે તે મારા માટે સમસ્યાનું કારણ હતું, અને હવે તે આપણા સમાજ માટે સમસ્યા છે.

(એમ્બર લતીફ અને કિર્સ્ટી બ્રિવરના વધારાના રિપોર્ટિંગ સાથે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.