વિરાટે 'ઉપરવાળાના આશીર્વાદ' ગણીને પાકિસ્તાનના હાથમાંથી કેવી રીતે જીત છીનવી હતી?

વિરાટ કોહલી ભારત ક્રિકેટ વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, Getty Images

તારીખ- 12 નવેમ્બર, 2023 (દિવાળી)

મેદાન- ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ

વિરાટ કોહલી- 51 રન, 56 બૉલ

વિરાટ કોહલી આ ઇનિંગ સાથે વર્લ્ડકપ 2023ના ટૉપ સ્કોરર બની ગયા.

તેમના ખાતામાં હવે 594 રન છે અને તે રન તેમણે 99ની સરેરાશથી બનાવ્યા છે. દિવાળીની રાત સુધી દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોક વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર બૅટ્સમેનોની યાદીમાં પહેલા ક્રમે હતા. પરંતુ નેધરલૅન્ડ સામે જીતમાં બેટિંગ અને બૉલિંગ બંનેમાં સારી ભૂમિકા ભજવનાર વિરાટ કોહલીએ તેમને પાછળ છોડી દીધા છે. કોહલી જે અંદાજમાં રમી રહ્યા છે તેનાથી ભારતીય ટીમની વર્લ્ડકપ જીતવાની આશા વધુ મજબૂત થઈ રહ્યો છે.

બધા ખેલાડીઓ ફોર્મમાં છે પરંતુ ટીમ જ્યારે-જ્યારે પણ મુશ્કેલીમાં ફસાઈ છે ત્યારે ખાસ કોહલીએ તેને તેમાંથી બહાર કાઢી છે. ઘણા લોકોને લાગે છે કે તેની શરૂઆત ઑસ્ટ્રેલિયા સામે રમાયેલ વર્લ્ડકપ 2023ની મૅચથી થઈ. વર્લ્ડકપની તેની પહેલી મૅચ રમી રહેલી ભારતની ટીમે માત્ર 2 રનમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ કોહલીએ 85 રન બનાવીને ભારતને આસાન જીત અપાવી હતી.

જોકે, કોહલીના આ જાદુની શરૂઆત એક વર્ષ પહેલાં થઈ હતી.

‘ભગવાનના મળ્યા આશીર્વાદ’

વિરાટ કોહલી ભારત ક્રિકેટ વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, Getty Images

તારીખ- 23 ઑક્ટોબર 2022

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગ્રાઉન્ડ- મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ

વિરાટ કોહલી- 82* રન, 53 બોલ

દિવાળીની આગલી સાંજે રમાયેલી એ ઇનિંગની યાદ દરેક દર્શકના મનમાં તાજી છે.

આ એ ઇનિંગ હતી જેના દ્વારા વિરાટ કોહલીનો નવો અવતાર વિશ્વ સમક્ષ આવ્યો જેને ઘણા નિષ્ણાતોએ 'વિરાટ કોહલી 2.0' નામ આપ્યું છે.

ટ્વેન્ટી-20 વર્લ્ડકપની તે મૅચ પાકિસ્તાન સામે હતી. ત્યારે ટીમ ઈન્ડિયાએ 31 રને ચાર વિકેટ ગુમાવી દીધી હતી. લગભગ બધા લોકોએ જીતની આશા છોડી દીધી હતી.

તે સમયે વિરાટ કોહલી ભારતની હાર અને પાકિસ્તાનની ટીમ વચ્ચે જાણે કે દીવાલ બનીને ઊભા હતા. એ પહેલાં તેમના ટ્વેન્ટી-20 વર્લ્ડકપની ટીમમાં સમાવેશ પર પણ સવાલો કરાયા હતા.

તે ઇનિંગ્સની 19મી ઓવરના પાંચમા બૉલ પર વિરાટ કોહલીના બૅટથી જે સિક્સ લાગી હતી તેને 'શૉટ ઑફ ધ સેન્ચ્યુરી' એટલે કે સો વર્ષનો શ્રેષ્ઠ શૉટ કહેવામાં આવ્યો હતો.

તાજેતરમાં જ આવેલી એક ડૉક્યુમેન્ટરીમાં તે ઇનિંગ વિશે વાત કરતાં વિરાટ કોહલીએ કહ્યું, “હું તેને આશીર્વાદ કહીશ. તે ઉપરવાળા તરફથી મળેલી ભેટ હતી.”

વિરાટ કોહલીને યાદ છે કે આ ઇનિંગ પહેલા તેમના બૅટથી રન બનતા જ ન હતા. તેમણે ક્રિકેટમાંથી બ્રેક લેવો પડ્યો. એ ત્રણ વર્ષોમાં બૅટ વડે તેમની એકમાત્ર સદી અફઘાનિસ્તાન સામેની ટી-20 મૅચમાં બની હતી.

તેમણે નવેમ્બર 2019થી ટૅસ્ટમેચમાં સદી ફટકારી નહોતી. ઑગસ્ટ 2019 પછી તેમણે વન-ડેમાં પણ સદી ફટકારી ન હતી.

પાકિસ્તાન સામે રમાયેલી બેજોડ ઇનિંગને યાદ કરતાં વિરાટ કોહલીએ કહ્યું, "જો તમે મને મૅચના ત્રણ મહિના પહેલા પૂછ્યું હોત કે શું હું આ પ્રકારે રમી શકું છું? તો મેં ચોક્કસપણે ના પાડી હોત."

વિરાટ કોહલીનો જવાબ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ઇનિંગ તેના માટે પણ કેટલી અવિશ્વસનીય રહી હશે.

તેઓ કહે છે, “જો મેં સપનું જોયું હોત તો તેમાં પણ હું આટલી પરફેક્ટ ઇનિંગ ન રમી શક્યો હોત.”

પાકિસ્તાન સામે 8 બૉલમાં 28 રન કરવાના હતા

વિરાટ કોહલી ભારત ક્રિકેટ વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, Getty Images

અત્યાર સુધી સૌથી વધુ ચર્ચા વિરાટ કોહલીએ એ મૅચમાં ફટકારેલા બે છગ્ગાની છે જે તેમણે 19મી ઓવરના પાંચમા અને છઠ્ઠા બૉલ પર હરિસ રઉફ સામે ફટકાર્યા હતા.

રઉફ તે મૅચમાં શાનદાર બૉલિંગ કરી રહ્યા હતા અને તેમણે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની વિકેટ ઝડપી હતી.

અને મૅચમાં ભારતની સ્થિતિ શું હતી તેનો અંદાજ ઇએસપીએન ક્રિકઇન્ફોના વિન અલ્ગોરિધમ પરથી લગાવી શકાય છે. તે પ્રમાણે ભારતની જીતની સંભાવના માત્ર 3.1 ટકા હતી. ભારતને ત્યારે આઠ બૉલમાં 28 રન કરવાના હતા. એટલે કે દરેક બોલમાં ત્રણથી વધુ રન કરવાના હતા.

વિરાટ કોહલી કહે છે, “તે સમયે હું મારી સાથે વાત કરી રહ્યો હતો. મેં મારી જાતને કહ્યું હતું કે મારે બે છગ્ગા મારવા પડશે. મારા મગજમાં એ વાત સ્પષ્ટ હતી કે મારે બે છગ્ગા મારવાના હતા.

‘શૉટ ઑફ ધી સેન્ચુરી’

વિરાટ કોહલી ભારત ક્રિકેટ વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, Getty Images

વિરાટ કોહલીએ દાવો કર્યો હતો કે તેને પોતે પણ ખ્યાલ નથી રહ્યો કે પછી આગળ શું થયું.

તે કહે છે, “એ પછી શું થયું તે હું આજ સુધી કહી શકતો નથી. એ કેવી રીતે થયું. કેમ થયું? એ મને પણ ખબર નથી."

હૉટસ્ટારની ડૉક્યુમેન્ટરી 'વિલીવઃ ધી દિવાલી મિરેકલ'માં એ ક્ષણોને યાદ કરતાં વિરાટ કોહલી કહે છે, “આવી મૅચોમાં પ્રેશર એટલું વધી જાય છે કે તમારું મગજ બંધ થઈ જાય છે. ,

વિરાટ કોહલી ભલે આ ક્ષણોને વર્ણવી ન શકે પરંતુ જે બન્યું હતું તે ક્રિકેટ જગતને યાદ છે. રઉફે લૅન્થ બૉલ નાખ્યો. કોહલીએ ફટકારેલો બૉલ એ બૉલરના માથા ઉપરથી ઊછળીને બાઉન્ડ્રીની બહાર ગયો. એ છગ્ગો હતો.

ઘણા ક્રિકેટ નિષ્ણાતોએ વિરાટ કોહલીના આ શોટને 'અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ શોટ' ગણાવ્યો હતો જ્યારે આઇસીસીએ તેને 'શૉટ ઑફ ધી સેન્ચુરી' ગણાવ્યો હતો.

વિરાટ કોહલીના 'હીરો' અને ક્રિકેટના સૌથી સફળ બૅટ્સમૅન સચીન તેંડુલકરે તેને 'અદ્ભુત' ગણાવ્યું હતું.

જોકે, વિરાટ કોહલી કહે છે, “હું શ્રેય લેતો નથી પરંતુ તેઓ કહે છે કે "આ શોટ પછી મારો આત્મવિશ્વાસ વધ્યો."

વખાણથી ભાવુક થઈ જવાયું

વિરાટ કોહલી ભારત ક્રિકેટ વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, Getty Images

ત્યારબાદ વિરાટ કોહલીએ તે પછીના બૉલ પર ફ્લિક કર્યું અને બૉલને ફાઇન લેગ ઉપરથી જઈને સ્ટૅન્ડમાં પડ્યો.

હવે ભારતે છેલ્લી ઓવરમાં 16 રન બનાવવાના હતા. છેલ્લી ઓવરમાં બે વિકેટ ગુમાવ્યા બાદ પણ ટીમ ઇન્ડિયાએ છેલ્લા બૉલે આ લક્ષ્યાંક પાર પાડી લીધો હતો.

એ બે સિક્સર વિશે વિરાટ કોહલી કહે છે, “મેં મારા જીવનમાં ક્યારેય આ પ્રકારે રમ્યું નથી. હું તેનો શ્રેય પણ લઈ શકતો નથી. એ બંને બૉલ હું પહેલા ક્યારેય રમ્યો ન હતો એ રીતે મેં તેને ફટકાર્યા. હું તે શોટનું પુનરાવર્તન પણ કરી શકતો નથી."

વિરાટ કોહલીએ આ બંને શોટ્સને 'ભગવાનના આશીર્વાદ' ગણાવ્યા છે.

તેઓ કહે છે, “જ્યારે બૉલ એ બૅટ સાથે અથડાયો ત્યારે મને ખ્યાલ આવી ગયો હતો કે તે સિક્સ છે. બંને શોટમાં એવું થયું હતું. આ બંને બૉલ હું પહેલાં ક્યારેય ન રમ્યો હોઉં એ રીતે રમ્યો હતો. તેથી જ એ ક્ષણોને ભૂલી શકાય તેમ નથી.”

દિવાળીની આગલી સાંજે રમાયેલી વિરાટ કોહલીની આ 'સ્પેશિયલ ઇનિંગ' દર્શકો માટે ખૂબ જ ખાસ હતી.

તેઓ યાદ કરે છે, “આ મૅચ પછી મને જે પ્રકારના મૅસેજ મળ્યા તેનાથી હું ખૂબ જ ભાવુક થઈ ગયો. બીજા દિવસે દિવાળી હતી. બીજા દિવસે જ્યારે મેં અનુષ્કા સાથે વાત કરી તો તેણે કહ્યું કે તમે નથી જાણતા કે તમે દરેક લોકોને કેટલી ખુશીઓ આપી છે. લોકો ખૂબ ખુશ છે.”

પેડી અપ્ટન અને રવિ શાસ્ત્રીનો રૉલ

વિરાટ કોહલી ભારત ક્રિકેટ વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, Getty Images

વિરાટ કોહલીએ પોતાના મુશ્કેલ દિવસો વિશે પણ વાત કરી હતી અને મેન્ટલ કન્ડિશનિંગ કૉચ પેડી અપ્ટન તરફથી મળેલા સમર્થનનો ઉલ્લેખ કર્યો.

તેમણે કહ્યું, “પેડી અપ્ટન એક એવી વ્યક્તિ હતી જેમની સાથે બ્રેકમાંથી આવ્યા પછી મેં સૌથી વધુ વાતચીત કરી, હતી. હું કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થયો, લાંબી કારકિર્દીમાં કેવા પ્રકારના અપ-ડાઉન હોય છે એ અંગે મારે વાત થઈ હતી. તેઓ પોતે પણ ક્રિકેટ રમી ચૂક્યા છે એટલે તેઓ આ બધી વાતોને સમજે છે. તેમણે મારો ઉત્સાહ વધાર્યો અને મને સમાધાન તલાશવા તરફ સતત વિચારતો કર્યો.”

તે સમયે મેદાન પર હાજર રહેલા પૂર્વ કોચ રવિ શાસ્ત્રીનો ઉલ્લેખ કરતા વિરાટ કોહલીએ કહ્યું, “પછી રવિભાઈએ મને ગળે લગાવ્યો, હું જેમાંથી પસાર થઈ રહ્યો હતો તેને તેમણે નજીકથી જોયું હતું. મેં તેમની સાથે ઘણી વાતો કરી હતી, તેઓ જાણતા હતા કે શું થઈ રહ્યું છે.”

એ ઇનિંગ પછી શું બદલાયું?

વિરાટ કોહલી ભારત ક્રિકેટ વર્લ્ડકપ

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાન સામે રમેલી મૅચ વિનિંગ ઇનિંગ પછી વિરાટ કોહલી અને ભારતીય ક્રિકેટ માટે ઘણું બધું બદલાઈ ગયું.

વિરાટ કોહલી એ ઇનિંગ પછી વન-ડેમાં છ અને ટૅસ્ટમાં બે સદી ફટકારી ચૂક્યા છે.

હાલના વર્લ્ડકપમાં પણ તેમણે બે સદી ફટકારી છે અને તેઓ તેંડુલકરે વન-ડેમાં સૌથી વધુ ફટકારેલી સદીના રેકૉર્ડની બરાબરી કરી ચૂક્યા છે.

તેમના નામ સાથે જોડાયેલું ‘ચેઝ માસ્ટર’નું છોગું હવે વધુ ચમકી રહ્યું છે.

વિરાટ કોહલીને એ અનુભવ હજુ સુધી જાણે કે મદદ કરી રહ્યો છે. એ પછી ઑસ્ટ્રેલિયા સામેની મૅચ હોય કે દક્ષિણ આફ્રિકા સામેની હોય, દક્ષિણ આફ્રિકા સામે જલદી વિકેટો પડી ગયા બાદ પણ વિરાટ કોહલીએ ભારતને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાતાં બચાવ્યું છે અને ઊગાર્યું પણ છે.

સ્વાભાવિક છે કે તેમની નજર હવે પછીની બે મૅચ- સેમિફાઇનલ અને ફાઇનલ પર હશે અને વર્લ્ડકપની ટ્રોફી પર પણ.