અમદાવાદમાં અફઘાન ક્રિકેટરે મધરાતે એવું શું કર્યું કે તેણે લોકોનાં દિલ જીતી લીધાં?

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ રહમનુલ્લાહ ગુરબાઝ

ઇમેજ સ્રોત, SPORTSKEEDA

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારતમાં રમાઈ રહેલો ક્રિકેટ વર્લ્ડકપ 2023 હવે તેના રોમાંચક અંત તરફ જઈ રહ્યો છે.

વર્લ્ડકપમાં કેટલાક મોટા ઊલટફેર પણ થયા અને કેટલીક એવી ઘટનાઓ પણ ઘટી જેને કારણે સતત વર્લ્ડકપ સમાચારોમાં ચમકતો રહ્યો. ખાસ કરીને અફઘાનિસ્તાનની ટીમે આ વર્લ્ડકપમાં કરેલા પ્રદર્શને સૌ કોઇને ચોંકાવ્યા છે. અફઘાનિસ્તાનની ટીમે ઇંગ્લૅન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવી ટીમોને હરાવીને ઇતિહાસ રચી દીધો છે.

જોકે, હાલમાં અફઘાનિસ્તાનના જ એક ક્રિકેટર રહમનુલ્લાહ ગુરબાઝ તેમણે દર્શાવેલા દયાળુ સ્વભાવને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

અફઘાન ક્રિકેટર ગુરબાઝ કેમ ચર્ચામાં છે?

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ રહમનુલ્લાહ ગુરબાઝ

ઇમેજ સ્રોત, @RJ LOVE/FACEBOOK

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે એક વ્યક્તિ દિવાળીની આગલી રાત્રે અમદાવાદના થલતેજ ટેકરા પાસે આવેલા દૂરદર્શન કેન્દ્ર પાસે ફૂટપાથ પર ઊંઘીને રાત વિતાવી રહેલા લોકો સાથે વાતચીત કરી રહી હતી.

ત્યાંથી પસાર થતા લવ શાહનું તેના પર ધ્યાન પડ્યું અને તેમણે જોયું તો ખ્યાલ આવ્યો કે એ વ્યક્તિ તો અફઘાનિસ્તાનના ક્રિકેટર રહમનુલ્લાહ ગુરબાઝ છે. લવ શાહે એક વીડિયો ઊતાર્યો હતો જેમાં ગુરબાઝ આ લોકો સાથે વાતચીત કરતા અને તેમને કંઇક આપતાં નજરે ચઢે છે.

ગુરબાઝના ગયા પછી લવે ત્યાં જઈને જોયું તો ફૂટપાથ પર ઊંઘી રહેલા ઘણા લોકો પાસે ગુરબાઝ 500 રૂપિયાની નોટ મૂકીને ચાલ્યા ગયા હતા. સોશિયલ મીડિયાના પ્લૅટફૉર્મ્સ પર આ વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનની ટીમ તેમની અંતિમ લીગ મૅચ રમવા માટે અમદાવાદમાં રોકાયેલી હતી.

સોશિયલ મીડિયા પર લોકોએ કર્યા ભરપૂર વખાણ

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ રહમનુલ્લાહ ગુરબાઝ

ઇમેજ સ્રોત, @KKRiders/X

કૉલકાતા નાઇટ રાઇડર્સ ટીમના 'એક્સ' હૅન્ડલ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે, ‘અફઘાનિસ્તાન સે આયા એક ફરિશ્તા. ખૂબ મહેનત કરવી, અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં આવેલા ભૂકંપ માટે પૈસા એકઠા કરવાથી માંડીને હવે વિદેશની ધરતી પર પણ પોતાના દયાળુ સ્વભાવને અનુસરીને કામ કરવું. ગુરબાઝ આપણને બધાને પ્રોત્સાહિત કરી રહ્યા છે.’

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ રહમનુલ્લાહ ગુરબાઝ

ઇમેજ સ્રોત, @ShashiTharoor/X

કૉંગ્રેસ સાંસદ શશિ થરૂરે પણ આ વીડિયો પોસ્ટ કરતા લખ્યું હતું કે, “અફઘાનિસ્તાનના બૅટ્સમૅન રહમનુલ્લાહ ગુરબાઝે કરેલું આ કામ અદ્ભુત છે. એ કદાચ કોઈ સદી ફટકારશે તેના કરતાં પણ આ વધુ મહાન કામ છે. મને વિશ્વાસ છે કે એ સદીઓ તો ફટકારશે જ.”

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ રહમનુલ્લાહ ગુરબાઝ

ઇમેજ સ્રોત, @RoshanKrRaii/X

એક યુઝર રોશન રાઈએ લખ્યું હતું કે આ જ કારણ છે જેથી અફઘાન ખેલાડીઓને ભારતમાં આટલો પ્રેમ મળે છે. દિવાળીના તહેવારમાં જોવા મળેલી આ સૌથી શ્રેષ્ઠ ક્ષણ છે.

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ રહમનુલ્લાહ ગુરબાઝ

ઇમેજ સ્રોત, @Enraged_Indian

રાજેન્દ્ર કુમ્ભાત નામના એક યુઝરે લખ્યું હતું કે, “શુદ્ધ આત્મા અને એક સારા માણસ બનવા માટે તમારો ધર્મ ક્યો છે એ જરૂરી નથી. એવી આશા રાખીએ કે કેટલાક રાજનેતાઓ આમાંથી બોધપાઠ લે. અફઘાનિસ્તાનના બૅટ્સમૅન રહમનુલ્લાહ ગુરબાઝે ભારતીયોના દિલમાં કાયમ માટે એક સ્થાન બનાવી લીધું છે.”

કોણ છે રહમનુલ્લાહ ગુરબાઝ?

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ રહમનુલ્લાહ ગુરબાઝ

ઇમેજ સ્રોત, Getty Images

21 વર્ષીય રહમનુલ્લાહ ગુરબાઝ અફઘાનિસ્તાનના જમણેરી ઓપનિંગ બૅટ્સમૅન અને વિકેટકીપર છે.

તેમણે 2019માં ટી-20માં અને 2021માં અફઘાનિસ્તાનની વન-ડે ટીમમાં ડૅબ્યૂ કર્યું હતું. તેઓ આઇપીએલમાં પણ પંજાબ કિંગ્ઝ અને લખનૌ સુપર જાયન્ટ્સ જેવી ટીમો તરફથી રમી ચૂક્યા છે.

ગુરબાઝે 43 આંતરરાષ્ટ્રીય ટી-20 મૅચ અને 35 વન-ડે મૅચ રમી છે. જેમાં વન-ડેમાં પાંચ સદી પણ ફટકારી છે.

આ વર્લ્ડકપમાં તેમણે 9 મૅચમાં 280 રન બનાવ્યા છે અને બે અડધી સદી ફટકારી છે. ટીમને સારી શરૂઆત અપાવવામાં તેમનો ફાળો રહેલો છે.