છાતીના દુખાવાના ઈલાજની શોધ કરતા કરતા વાયગ્રા કઈ રીતે મળી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પીટર શટ્ટલવર્થ
- પદ, બીબીસી ન્યૂઝ
વાયગ્રા.
એ દવા જેનો પ્રચાર પ્રખ્યાત ફૂટબૉલર પેલે એ કર્યો અને પોપે તેને અનુમતી આપી.
પરંતુ આપણે વાયગ્રા વિશે ક્યારેય ન સાંભળ્યું હોત જો દક્ષિણ વેલ્સના ઔદ્યોગિક શહેર મૈથિર ટાઈડફિલ ન હોત.
એક સમયે આ શહેરનાં બધાં કારખાનાં બંધ થઈ ગયાં અને લોખંડનાં કારખાનાંમાં કામ કરતા ઘણા પુરુષોએ નોકરીઓ ગુમાવી. આ લોકોએ પૈસાની ભયંકર તંગીને કારણે પૈસા માટે ભીખ માગી અને સ્થાનિક તબીબી સંશોધન કેન્દ્રમાં એક અભ્યાસ માટે પ્રાયોગિક ઉંદરોની જગ્યાએ ભાગ લેવા માટે ગયા.
પરંતુ તેમણે ખબર ન હતી કે આ તબીબી સંશોધન કે જેમાં તેઓ ભાગ લઈ રહ્યા છે તે વિશ્વને કઈ રીતે અસર કરશે.
આ તબીબી સંશોધનમાં ભાગ લેનારામાંથી કેટલાક લોકોને 30 વર્ષ પછી ખબર પડી કે આ સંશોધન થકી દુનિયાના લાખો પુરુષો જે ઇરેક્ટાઇલ ડિસફંક્શનથી પીડાય છે તેમને એક સમાધાન પૂરું પાડ્યું.
આ સંશોધનની શરૂઆત કેવી રીતે થઈ?

દવા બનાવનારી કંપની ફાઇઝર 1990ના દાયકાની શરૂઆતમાં સિલ્ડેનાફિલ યુકે-92,480નું પરીક્ષણ કરી રહી હતી. આ પરીક્ષણનું લક્ષ્ય ઊંચું બલ્ડપ્રેશર અને છાતીના દુખાવાનો ઈલાજ શોધવાનું હતું.
કંપનીએ આ સંશોધન માટે દક્ષિણ વેલ્સના ઔદ્યોગિક શહેર મૈથિર ટાઈડફિલની સ્થાનિક તબીબી સંશોધન કેન્દ્ર પર ભરોસો મૂક્યો અને આ શહેરના યુવાઓ પર આ દવાનો પ્રયોગ કરવાનું નક્કી કર્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈદ્રિસ પ્રાઈસે આ સંશોધનમાં ભાગ લીધો હતો. તેઓ આ સંશોધનમાં 1992માં જોડાયા. તેમની પાસે ત્યારે કોઈ સ્થાયી નોકરી ન હતી અને એક સ્ટીલના કારખાનામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું, “જ્યારે પણ મારી પાસે પૈસાની અછત રહેતી ત્યારે હું સિમ્બેક નામની જગ્યાએ જતો.”
“પરંતુ તે દવા વિશે અમને કોઈ માહિતી આપવામાં ન આવતી. તેઓ માત્ર એટલું જ કહેતા કે તે છાતીના દુખાવાનો ઈલાજ માટે છે અને તેની અમુક આડઅસરો છે.”
પ્રાઈસે કહ્યું આ પ્રયોગમાં ભાગ લેનાર ઘણા યુવા પુરુષો આ સંશોધન દરમિયાન શું થશે તે વિશે ચિંતિત હતા.
આ સંશોધનમાં ભાગ લેનાર યુવા પુરુષોએ શું કહ્યું?

આ પ્રયોગમાં ભાગ લેનાર યુવા પુરુષોને સિલ્ડેનાફિલ યુકે-92,480નું દિવસમાં ત્રણ વખત સતત દસ દિવસ સેવન કરવા માટે પૈસા ચૂકવવામાં આવ્યા.
એક બીબીસી ડૉક્યુમેન્ટરીમાં વાતચીત કરતા જણાવાયું હતું કે, તેઓ 1980ના દાયકાના અંતમાં અને 1990ના શરૂઆતી વર્ષોમાં ભયાનક આર્થિક તંગીમાં હતા અને કોઈ પણ રીતે થોડા પૈસા કમાવવાનો પ્રયાસ કરતા હતા.
પ્રાઈસે કહ્યું કે તેમને પોતાના પરિવાર માટે રૂપિયાની ખૂબ જ જરૂર હતી. આ પ્રયોગમાં ભાગ લેવાથી મને બહુ મહેનત કર્યા વિના થોડીક આવક થઈ અને અમે ખાવાની ચીજો ખરીદી શક્યા. અને અમે ચૂલો સળગાવવા કોલસાનાં પાંચ બંડલ લીધાં.
આ પ્રયોગો પૂર્ણ થયા પછી જે પરિણામો મળ્યાં તે ફાઈઝરને એક નવા વિચાર તરફ દોરી ગયા.
છાતીના દુખાવાનો ઈલાજની શોધ કરતા વાયગ્રા કઈ રીતે મળી?
આ સવાલનો જવાબ આપતા ફાઈઝરના તે સમયના નવી દવાઓની શોધ અને વિકાસ કરતા વિભાગના વડા ડૉ. પેટ એલિસે કે કહ્યું વાયગ્રાની શોધ આકસ્મિક રીતે થઈ હતી.
ડૉ. એલિસે કહ્યું કે આ પ્રયોગમાં ભાગ લેનાર એક પુરુષે એક ચોક્કસ સમસ્યાની જાણ કરી.
તેમણે જણાવ્યું કે, “આ કહેવું થોડું શરમજનક છે પણ આજકાલ મને વારંવાર ઉત્થાન થાય છે અને તે પહેલાં કરતાં વધુ સખત છે.”
ફાઈઝરને આ જાણકારી મળતા કંપનીએ ઈરેક્ટાઈલ ડિસફંક્શનની શોધ માટે અલગ ફંડની ફાળવણી કરી.
ઇંગ્લૅન્ડસ્થિત બ્રિસ્ટોલની સાઉથમેડ હૉસ્પિટલમાં ઈરેક્ટાઈલ ડિસફંક્શનથી પીડિત પુરુષો પર એક પરીક્ષણ શરૂ કરાયું. એક પરીક્ષણ 1994માં સ્વાનસીમાં પણ કરવામાં આવ્યું.
કોની તપાસ કરવામાં આવી?

સ્વાનસીસ્થિત મોરીસન હૉસ્પિટલમાં સૌથી વ્યાપક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં હૃદયના રોગ અને ડાયાબિટીસથી પીડિત પુરુષોને પણ સામેલ કરવામાં આવ્યા હતા.
યુરોલૉજી અને રિપ્રોડક્ટિવ ઑર્ગેનોલૉજીના નિષ્ણાત ડૉ. ડેવિડ પ્રાઈસે આ પરીક્ષણનું નેતૃત્વ કર્યું હતું. તેમણે કહ્યું કે ફાઈઝરે જાહેરાત કરી હતી કે વિજાતીય આકર્ષિત પુરુષો જે એક સ્થાયી સંબંધ ધરાવે છે તે જ આ પરીક્ષણમાં ભાગ લેવા માટે યોગ્ય છે.
ડૉ. પ્રાઈસે કહ્યું કે, “તેઓ બધા સામાન્ય માણસો અને કામદારો હતા. આ પરીક્ષણના ભાગરૂપે તેમને શારીરિક ઉત્તેજના પેદા થાય તેવા વીડિયો બતાડવામાં આવ્યા.”
આ પરીક્ષણમાં ભાગ લેનાર પુરુષોના લિંગ પર એક યંત્ર લગાડવામાં આવ્યું હતું. જેથી આ દવાની અસરનું નિરીક્ષણ કરી શકાય. ડૉક્ટરોએ તેમને ખાતરી આપી હતી કે આ પ્રયોગ દરમિયાન તેમનો કોઈ પરેશાની નહીં થાય.
વાયગ્રાની ગોળી – અદભુત કે ખતરનાક?

ઇમેજ સ્રોત, Getty Images
સ્વાનસી અને બ્રિસ્ટોલની હૉસ્પિટલમાં કરેલાં પરીક્ષણોનાં પરિણામો ખૂબ જ આશાસ્પદ હતાં.
ફાઈઝરને તરત જ સમજ પડી ગઈ હતી કે તેમણે એક ક્રાંતિકારી દવાની શોધ કરી છે.
આ પરીક્ષણનાં પરિણામો એટલાં સારા હતાં કે તેમાં ભાગ લેનાર પુરુષોએ તેમની પાસે રહેલી વધારાની ગોળીઓ પાછી આપવાની ના પાડી દીધી.
ફાઈઝરના સેલ્સ વિભાગે કોઈ પણ સમય વેડફ્યા વગર આ દવાને લોકો સુધી કેમ પહોંચાડવી તેના વિશે વિચારવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન એક નિષ્ણાતોની પેનલે આ દવા અદભુત છે કે ખતરનાક તે અંગે ચર્ચા કરી હતી.
તેમણે એક રૂઢિચુસ્ત સમાજમાં “સેક્સ ડ્રગ” તરીકે ગણી શકાય તેવી ગોળીના વેચાણમાં આવી શકે તેવી સમસ્યાઓ વિશે વિચારવાનું શરૂ કર્યુ. આ વ્યાવસાયિક વ્યૂહરચના બનાવવા માટે તેમણે પ્રયોગમાં ભાગ લેનાર પુરુષોના અનુભવોનો ઉપયોગ કર્યો.
વાયગ્રાની ગોળી કઈ રીતે વેચાતી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
ફાઈઝરની વરિષ્ઠ સેલ્સ મૅનેજર જેનિફર થોબ્લરે કહ્યું કે, “અમે વિચાર્યું કે કેવી રીતે ઈરેક્ટાઈલ ડિસફંક્શન પુરુષના સ્વાભિમાનને અસર કરે છે અને તેની અસર તેના સબંધો પર કેવી પડે છે.”
તેણીએ ઉમેર્યું કે, “જ્યારે પુરુષોએ મને કહ્યું કે તે તેમના સંબંધોને કેટલી અસર કરે છે અને તે તેમના માટે કેટલું મહત્ત્વપૂર્ણ છે તે ખરેખર મને સ્પર્શી ગયું.”
ફેઈસ્ચરને પોપના પણ આશીર્વાદ મળ્યા. પોપે કહ્યું કે ઈરેક્ટાઈલ ડિસફંક્શનનો ઈલાજ કરતી દવા મુશ્કેલીવાળાં લગ્નોને અને આ રીતે પરિવારોને તૂટવાથી બચાવશે.
અમેરિકા અને બ્રિટેનમાં 1998માં વાયગ્રાનું વેચાણ કરવામાં આવ્યું અને તેની જાહેરાત પ્રથમ ઓરલ ઈરેક્ટાઈલ ડિસફંકશન દવા તરીકે કરવામાં આવી હતી.
આ ઇતિહાસમાં સૌથી વધારે ઝડપથી વેચાતી દવા છે. વર્ષ 2008માં સૌથી વધારે તેની 16,700 કરોડ ગોળીઓ વેચાઈ હતી.
30 વર્ષ પછી એક જાણીતું સત્ય

ઈદ્રિસ પ્રાઈસ એ વાતથી અજાણ હતા કે જે આડઅસરોની જાણકારી તેમણે અને પરીક્ષણમાં ભાગ લેનાર અન્ય લોકોએ આપી હતી તે વાયગ્રાની શોધમાં મહત્ત્વની પુરવાર થઈ હતી. તેઓ પોતાના મૂળ વતન મેર્થરની ભૂમિકાથી પણ અજાણ હતા.
કેટલાક શોધકર્તાઓએ પ્રાઈસને આ વિશેની માહિતી આ વર્ષે જ આપી હતી.
પ્રાઈસે કહ્યું, “જ્યારે મેં આ સાંભળ્યું ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય થયું. વાયગ્રા આજે એક મહત્ત્વપૂર્ણ દવા છે.”
વાયગ્રાના શોધકોમાંના એક ડૉ. ડેવિડ બ્રાઉને કહ્યું કે, “આ પરીક્ષણો વગર દક્ષિણ વેલ્સના પુરુષો પાસે વાયગ્રા ન હોત. તેમણે ઇતિહાસ રચ્યો છે.”
તેમણે ઉમેર્યું કે, “તેઓ થોડા પૈસા કમાવવા માગતા હતા પણ તેમણે ઘણા લોકોનાં જીવનને પ્રભાવિત કર્યાં છે અને તેમણે આ વાતનો ગર્વ હોવો જોઈએ.”
ઈરેક્ટાઈલ ડિસફંકશન કેટલી મોટી સમસ્યા છે?
સંશોધનો અનુસાર 40થી 60 વર્ષની ઉંમરના અડધા પુરુષોને ઈરેક્ટાઈલ ડિસફંક્શનની સમસ્યા છે.
અમુક બીજા સંશોધન અનુસાર, દુનિયાના 3.2 કરોડ પુરુષો આ સમસ્યાથી 2025 સુધીમાં પ્રભાવિત થશે. નોંધનીય છે કે 1995માં આ સંખ્યા 15 કરોડ હતી.












