સેક્સ માટે સહમતીની ઉંમર પર ચર્ચા ફરી કેમ શરૂ થઈ?

શારીરિક સંબંધો માટે ઉંમરની મર્યાદા પર ચર્ચા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસવીર
    • લેેખક, અભિનવ ગોયલ
    • પદ, બીબીસી સંવાદદાતા

જો 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો શારીરિક સંબંધ બાંધે છે તો તે ગુનો છે. ભલે એમાં બંનેની સહમતી હોય તેમ છતાં.

દાખલા તરીકે 17 વર્ષની યુવતી 22 વર્ષના કોઈ યુવકને પ્રેમ કરે છે અને સહમતીથી તેની સાથે શારીરિક સંબંધ બાંધે છે તો પણ તેને બળાત્કાર માનવામાં આવશે.

2012માં પૉક્સો એટલે કે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્શ્યુઅલ ઑફેન્સ કાયદા અનુસાર 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે શારીરિક સંબંધ બાંધવો અપરાધ છે.

આ કાયદામાં સહમતીને કોઈ સ્થાન નથી. આનો હેતુ સગીરોને યૌન હિંસાથી બચાવવાનો છે.

પૉક્સો જ નહીં પણ ભારતીય દંડ સંહિતામાં પણ 18 વર્ષથી ઓછી ઉંમરની કોઈ યુવતી સાથે જો કોઈ શારીરિક સંબંધ બાંધે છે તો તે બળાત્કાર માનવામાં આવે છે.

ફરક એટલો છે કે પૉક્સોમાં આઈ.પી.સી. કરતાં વધુ કડક જોગવાઈઓ છે. સુપ્રીમ કોર્ટના વકીલ નીતિન મેશ્રામ કહે છે કે આઈ.પી.સી.માં પુરૂષોને કેટલીક સુરક્ષા અપાઈ છે. જો છોકરીની ઉંમર 16 વર્ષથી વધુ હોય તો સંમતિ સાબિત કરી શકાય છે, જ્યારે પૉક્સોમાં એવું નથી.

યુવક અને યુવતીની પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસવીર

તેમનું કહેવું છે કે પૉક્સો હેઠળ ગુનેગારોને 20 વર્ષની જેલથી લઈ મૃત્યુદંડ સુધીની જોગવાઈ છે.

આ વાત એટલા માટે થઈ રહી છે કારણ કે દેશમાં ફરી એકવાર ચર્ચા તેજ થઈ છે કે 'શું સહમતીથી સેક્સની ઉંમર 18થી ઘટાડીને 16 વર્ષ કરવી જોઈએ?

આ ચર્ચાના કેન્દ્રમાં 22મા કાયદાપંચનો અહેવાલ છે, જેમાં એવી ભલામણ કરાઈ છે કે 'સહમતીયુક્ત જાતીય સંભોગ'ની ઉંમરમાં કોઈ ફેરફાર ન કરવામાં આવે.

પંચે તેના અહેવાલમાં કહ્યું છે કે ઉંમર 18થી ઘટાડીને 16 વર્ષ ન કરવી જોઈએ. જો આવું થાય તો યૌનહિંસાથી બચાવવા માટે જે કાયદાઓ આપણી પાસે છે તેનો લોકો દુરુપયોગ કરશે.

આ અહેવાલ કર્ણાટક હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ઋતુરાજ અવસ્થીની આગેવાનીવાળી પેનલે કાયદા વિભાગને સોંપ્યો છે. અહેવાલમાં કેટલીક ભલામણો પણ કરાઈ છે.

ન્યાયાલયોની કાયદાપંચને અપીલ

યુવક અને યુવતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગયા વર્ષે મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડે કહ્યું હતું કે સંસદે પૉક્સો હેઠળ સહમતીથી સેક્સની જે ઉંમર છે તેના પર વિચાર કરવો જોઈએ.

નવેમ્બર 2022માં, કર્ણાટક હાઇકોર્ટે કાયદા પંચને સંમતિથી શારીરિક સંબંધો બાંધવાની ઉંમર પર પુનર્વિચારણા માટે કહ્યું હતું.

કોર્ટે કહ્યું કે 16 વર્ષથી વધુ ઉંમરની સગીરાઓના છોકરાઓના પ્રેમમાં પડવા, ઘર છોડવા અને શારીરિક સંબંધ બાંધવાના વધતા કિસ્સાઓને ધ્યાનમાં લેવા જોઈએ કારણ કે તેમાં પૉક્સો અથવા ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ લાગુ પડે છે.

એપ્રિલ 2023માં મધ્યપ્રદેશ હાઈકોર્ટે કાયદાપંચને કહ્યું હતું કે હાલમાં પૉક્સોની જોગવાઈઓ સહમતીથી બનેલા જાતીય સંબંધો પર લાગુ છે, જે એક પ્રકારનો અન્યાય છે.

કોર્ટે કાયદાપંચને પણ અપીલ કરી હતી કે તે એવા કિસ્સાઓ કે જેમાં છોકરીની ઉંમર 16 વર્ષથી વધુ હોય અને જાતીય સંબંધો સહમતીથી થયા હોય તેવા કેસોના સંદર્ભમાં પૉક્સો ઍક્ટમાં સુધારા સૂચવે.

કોર્ટે કહ્યું કે આવા મામલાઓમાં કોર્ટે સામે એવી કોઈ મજબૂરીની સ્થિતિ ન હોવી જોઈએ કે તેને પૉક્સો હેઠળ ઓછામાં ઓછી સજા આપવી પડે. એટલે કે, જો સંમતિ સાબિત થાય તો વ્યક્તિને નિર્દોષ જાહેર કરવાનો અધિકાર મળી શકે છે.

કાયદાપંચની ભલામણો

રાષ્ટ્રીય ગુના રેકૉર્ડ બ્યૂરો

ઇમેજ સ્રોત, NCRB/BBC

કાયદા સંબંધિત બાબતો પર સૂચનો અને સલાહ આપવા કેન્દ્ર સરકાર બંધારણ વિશે જાણકાર લોકોનું એક પંચ નિયુક્ત કરે છે, જેને કાયદાપંચ કહેવાય છે.

સ્વતંત્ર ભારતમાં અત્યાર સુધીમાં 22 કાયદાપંચની રચના કરાઈ છે. 21મા કાયદાપંચનો કાર્યકાળ 2018 સુધીનો હતો.

આ ક્રમમાં 22મા કાયદાપંચે પૂછ્યું કે જાતીય સંબંધોમાં સંમતિની ઉંમર શું હોવી જોઈએ? તે અંગે ભલામણો કરાઈ છે જેને સરકાર સ્વીકારે તેવી શક્યતા છે અને જો સરકાર ઇચ્છે તો કાયદામાં ફેરફાર પણ કરી શકે છે.

કાયદાપંચે તેના અહેવાલમાં કહ્યું છે કે હાલના બાળ સુરક્ષા કાયદાઓ, અદાલતના નિર્ણયો અને બાળકોનું શોષણ, તસ્કરી અને વેશ્યાવૃત્તિ જેવાં કામોની સમીક્ષા કર્યા પછી પૉક્સો ઑક્ટમાં સહમતીની હાલની ઉંમરમાં ફેરફાર કરવો યોગ્ય નથી.

પંચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પૉક્સો ઍક્ટમાં શારીરિક સંબંધો બાંધવા માટે સહમતીની ઉંમર 18 વર્ષ રહેવી જોઈએ.

આ સાથે જ અદાલતોને ન્યાયિક વિવેકબુદ્ધિ આપવાનું એક મહત્ત્વનું સૂચન કરાયું છે. આનો અર્થ એ થયો કે જ્યાં છોકરીની ઉંમર 16 વર્ષથી વધુ છે અને તેણે સહમતિથી શારીરિક સંબંધો બાંધ્યા છે તો કોર્ટ પૉક્સો હેઠળ આપવામાં આવેલી ન્યૂનતમ સજાની જોગવાઈને દૂર કરી શકે છે.

સુપ્રીમ કોર્ટના વકીલ કામિની જયસ્વાલ કહે છે, “કાયદા પંચે પૉક્સો ઍક્ટમાં અપવાદ ઉમેરવાની વાત કરી છે. જો કોઈ કેસમાં છોકરીની ઉંમર 16 થી 18 વર્ષની વચ્ચે હોય અને તે સાબિત થાય કે શારીરિક સંબંધ સહમતીથી બંધાયો હતો તો કોર્ટ તેને બળાત્કારની શ્રેણીમાંથી બહાર રાખી શકે છે."

"જો આ અપવાદ ઍક્ટમાં ઉમેરવામાં આવે તો, કોર્ટ પાસે આવા કેસોમાં આરોપીઓને નિર્દોષ છોડવાનો વિશેષાધિકાર હશે."

તેઓ કહે છે કે જુવેનાઇલ જસ્ટિસ ઍક્ટમાં પણ સુધારો કરાયો હતો. હવે જો સગીરને ખબર હોય કે તે કયો ગુનો કરી રહ્યો છે તો આવા કેસમાં કોર્ટ કેસની ટ્રાયલને કિશોરમાંથી પુખ્ત વયના કેસમાં શિફ્ટ કરી શકે છે. આવી સ્થિતિમાં સગીરની ઉંમર બદલાતી નથી પરંતુ તેને સજા સામાન્ય કાયદા હેઠળ આપવામાં આવે છે.

શરતો સાથે વિશેષાધિકારનું સૂચન

સેક્સ પર સહમતીની ઉંમરની ચર્ચા

કાયદા પંચે તેના અહેવાલમાં પૉક્સો એક્ટની કલમ 4માં સુધારો કરવાની ભલામણ કરી હતી. જેમાં સજાની જોગવાઈ છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે અપવાદનો ઉપયોગ ફક્ત એ જ કેસોમાં થવો જોઈએ જેમાં બાળક અને આરોપી વચ્ચેની ઉંમરનો તફાવત ત્રણ વર્ષથી વધુ ન હોય અને એ પણ જોવું જોઈએ કે આરોપીનો કોઈ અગાઉનો ગુનાહિત ઈતિહાસ તો નથી ને?

આ સાથે આવા કેસમાં એ પણ જોવું જોઈએ કે ગુના પછી આરોપીનું વર્તન કેવું છે? આરોપી કે તેના વતી કોઈપણ વ્યક્તિ પીડિત બાળક પર ખોટું નિવેદન આપવા દબાણ તો નથી કરી રહી ને?

કાયદાપંચ કહે છે કે એવા કિસ્સા કે જેમાં બાળકની ઉંમર 16 વર્ષથી વધુ હોય ત્યારે સહમતીથી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હોય અને ઘટના પછી પીડિત બાળકની સામાજિક અથવા સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાં ફેરફાર થયો હોય અથવા બાળકનો ગેરકાયદેસર ઉપયોગ કરાયો હોય અથવા અશ્લીલ કૃત્યો હોય તો આવા કિસ્સામાં સજામાંથી મુક્તિ ના મળવી જોઈએ.

સૂચન આપતા પંચે કહ્યું કે આવા કિસ્સાઓમાં જો કોઈ બાળક જાતીય સંબંધોથી જન્મે છે તો તે સજામાંથી મુક્તિ મેળવવા માટે પૂરતું નથી.

કેટલાક લોકો સંમતિ સાથે શારીરિક સંબંધ માટે ઉંમર ઘટાડીને 16 વર્ષ ન કરવાના નિર્ણયનો પણ વિરોધ કરી રહ્યા છે. આવા લોકો માને છે કે આનાથી બાળકોના અધિકારોનું ઉલ્લંઘન થાય છે.

સુપ્રીમ કોર્ટના વકીલ નીતિન મેશ્રામ કહે છે, "આની સૌથી વધુ અસર આદિવાસી સમાજ પર પડશે કારણ કે એવા વિસ્તારોમાંથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે જ્યાં 16 થી 18 વર્ષનાં બાળકો સહમતીથી સેક્સ કરી રહ્યા છે પરંતુ તેમના પર પૉક્સો ઍક્ટ લગાવાય છે. આદિવાસી સમાજમાં જાતીય સંબંધો બાબતે વધારે પ્રતિબંધો નથી."

તેઓ કહે છે, "ભારતમાં છોકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષ નક્કી કરાઈ છે અને જો તે પહેલાં કોઈ છોકરી સેક્સ કરે છે તો તેને પૉક્સો હેઠળ ગુનો ગણવામાં આવશે. આવી સ્થિતિમાં તે અધિકારોનું ઉલ્લંઘન છે."

"આ ભારતની મર્યાદિત વિચારસરણી અને લિંગ ભેદભાવપૂર્ણ વિચારસરણીનું પરિણામ છે. કારણ કે તેમાં યોનિની શુદ્ધતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. લગ્ન પહેલાં તે શુદ્ધતાને જાળવી રાખવાનો આ એક માર્ગ છે. જેથી છોકરી 18 વર્ષની ઉંમર પહેલાં સેક્સ ન કરે."