પાર્નટર સાથે જાતીય સંસર્ગથી ફેલાતો 'મહાન નકલખોર' ચેપી રોગ શું છે?

સીફિલિસ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, કૃપા પાંધી
    • પદ, બીબીસી ફ્યુચર

સીફિલિસ જાતીય સંસર્ગને લીધે થતો સૌથી જૂના રોગ પૈકીનો એક છે. તેમાં ઘટાડો થયો હોવાનું એક સમયે માનવામાં આવતું હતું, પરંતુ હવે તેના દર્દીઓની સંખ્યામાં ભયજનક દરે વધારો થઈ રહ્યો છે.

સીફિલિસ નામના રોગની નોંધ 1490ના દાયકામાં સૌપ્રથમ થઈ એ પછી તેને અનેક નામથી ઓળખવામાં આવે છે. તેમાં ધ ફ્રેન્ચ ડિસીઝ, ધ નેપોલિટન ડિસીઝ અને ધ પોલીશ ડિસીઝ જેવાં નામોનો પણ સમાવેશ થાય છે.

તેમાં સૌથી આકર્ષક નામ છે : મહાન નકલખોર.

સીફિલિસ અન્ય ચેપની નકલ કરવામાં ઉસ્તાદ છે અને તેનાં પ્રારંભિક લક્ષણો ન દેખાય તે શક્ય છે. તેની સારવાર ન કરવામાં આવે તો ગંભીર પરિણામ આવી શકે છે.

ઍમ્સ્ટેરડૅમના 33 વર્ષીય પ્રોજેક્ટ ઑફિસર તુષારને બે વખત સીફિલિસ થયો હતો. તેમને આ વાતની ખબર તેમના સેક્સ્યુઅલ પાર્ટનર તરફથી વૉટ્સઍપ મૅસેજ દ્વારા પડી હતી.

તુષાર કહે છે, "તેઓ ખરેખર નારાજ થયા હતા. તેમણે મારા પર દોષારોપણ કર્યું હતું, જે વિન્ડો પિરિયડને કારણે શક્ય ન હતું. મને સીફિલિસ થયાનું થોડું અજુગતું લાગ્યું હતું. તેના નિવારણમાં થોડો સમય લાગ્યો હતો."

એ જ સપ્તાહે તુષારની તબીબી ચકાસણી કરવામાં આવી હતી અને ઉપચાર કરવામાં આવ્યો હતો.

તુષાર કહે છે, "સીફિલિસનો કોઈ ઇલાજ નથી, એવું લોકો ખોટી રીતે માને છે. સીફિલિસ ઍન્ટિબૉડીઝ હોવાનો અને ચેપ ન લાગવાનો અર્થ લોકો સમજતા નથી."

ગ્રે લાઇન

સમગ્ર વિશ્વમાં કેસોમાં વધારો

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alamy

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાએ જાતીય સંસર્ગને લીધે થતા રોગ(એસટીઆઈ)ના તાજા આંકડા એપ્રિલમાં જાહેર કર્યા હતા.

સીફિલિસના કેસોમાં મોટો વધારો નોંધાયો હતો. 2020 અને 2021 દરમિયાન તેનું પ્રમાણ 32 ટકા વધીને છેલ્લાં 70 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું હતું. આ રોગચાળો નિયંત્રણમાં આવવાનાં કોઈ ચિહ્ન દેખાતાં ન હોવાની ચેતવણી સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન(સીડીસી)એ આપી છે. આ રોગના દર્દીઓની સંખ્યામાં અચાનક થયેલો વધારો ચિંતાજનક હોવાનું પણ તેણે જણાવ્યું છે.

માતાની ગર્ભાવસ્થા દરમિયાન જ બાળકને આ રોગનો ચેપ લાગે તેને કંજેનિટલ (જન્મજાત) સીફિલિસ કહેવામાં આવે છે.

માતાને તેનો ચેપ ઘણી વખત જીવનસાથીથી લાગે છે. આ કંજેનિટલ સીફિલિસમાં મોટો વધારો થયો છે. ખાસ કરીને 2020-2021 દરમિયાન અમેરિકામાં તેનું પ્રમાણ 32 ટકા વધ્યું છે.

આ રોગ મૃત શિશુના જન્મ, શિશુ અવસ્થામાં જ મૃત્યુ અને જીવનભરની આરોગ્ય સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે.

તાજેતરના આંકડાથી ઘણા આરોગ્ય નિષ્ણાતો ચિંતાતુર થઈ ગયા છે.

સીડીસીના એસટીઆઈ નિવારણ વિભાગના ડિરેક્ટર લીઑન્ડ્રો મેના કહે છે, "15 કે 20 વર્ષ પહેલાં આપણે એવું માનતા હતા કે સીફિલિસ નાબૂદ થઈ ગયો છે. સીફિલિસના દર્દીઓની સંખ્યામાં છેલ્લાં 20 વર્ષમાં વધારો થઈ રહ્યો તેમાં કોઈ શંકા નથી."

આવું ફક્ત અમેરિકામાં જ થઈ રહ્યું છે તેવું નથી.

ગ્રે લાઇન

અન્ય રોગોનું કારણ

સીફિલિસ

ઇમેજ સ્રોત, Getty Images

જાતીય સ્વાસ્થ્યના ડૉક્ટરો સીફિલિસના કેસોમાં થતા વધારાથી વાકેફ છે. બ્રિટનમાં 2020-2021 દરમિયાન સીફિલિસના દરમાં 8.4 ટકા વધારો થયો છે.

બ્રિટનના એસટીઆઈ ફાઉન્ડેશનના સહાધ્યક્ષ જોડી ક્રોસમેન કહે છે, "2005માં મેં સેક્સુઅલ હેલ્થ નર્સિંગ શરૂ કર્યું ત્યારે પ્રાયમરી સીફિલિસના પણ બહુ ઓછા દર્દી જોવા મળતા હતા. હવે મોટા ભાગનાં શહેરી દવાખાનાંમાં દરરોજ ઓછામાં ઓછા બેથી ત્રણ દર્દી સીફિલિસની સારવાર માટે આવે છે.’"

ટ્રેપોનેમા પેલીડમ નામના બૅક્ટેરિયમથી આ રોગનો ચેપ લાગે છે અને તેનાં લક્ષણો ચાર તબક્કામાં વહેંચાયેલાં હોય છે. તેમાં સૌપ્રથમ સંસર્ગના સ્થાને પીડારહિત ફોલ્લીઓ અથવા ઉઝરડા જોવા મળે છે.

પેનિસિલિનનો ઇન્ટ્રામસ્ક્યુલર ડોઝ આ ચેપની સૌથી અસરકારક સારવાર માનવામાં આવે છે. અલબત્ત, સારવાર ન કરવામાં આવે તો સીફિલિસ લાંબા ગાળાના ન્યુરોલૉજિકલ અથવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું કારણ બની શકે છે.

ટોરોન્ટો યુનિવર્સિટીના ચેપી રોગોના ચિકિત્સક અને સંશોધક આઇઝેક બોગોચ કૅનેડામાં સીમા પાર અમેરિકાથી ફેલાઈ રહેલા સીફિલિસના રોગચાળા પર સતત નજર રાખતા રહ્યા છે.

તેઓ કહે છે, “આવો ટ્રેન્ડ વિશ્વના અનેક દેશોમાં જોવા મળી રહ્યો છે. તે બહુ ચિંતાજનક છે, કારણ કે સીફિલિસની સારવાર સામાન્ય રીતે બહુ સરળ છે અને વ્યાપક રીતે ઉપલબ્ધ છે. તેથી આ રોગના દર્દીઓમાં થયેલો વધારો જાહેર આરોગ્ય સેવાઓનું કથળેલું સ્તર સૂચવે છે.”

કૅનેડામાં 2011થી 2019 દરમિયાન ચેપી સીફિલિસના કેસોની સંખ્યામાં 389 ટકાનો વધારો નોંધાયો હતો, જે અન્ય એસટીઆઈ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે.

તાજેતરના દાયકાઓમાં ગે, બાયસેક્સ્યુઅલ અને પુરુષો સાથે જાતીય સંબંધ રાખતા પુરુષોમાં જ સીફિલિસના કેસોમાં વધારો થયો છે.

જોકે, વિશ્વના કેટલાક હિસ્સામાં પુરુષોમાં સીફિલિસના કેસોમાં ઘટાડો નોંધાયો છે. દાખલા તરીકે, કૅનેડામાં પુરુષોમાં ચેપી સીફિલિસનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ માત્ર કૅનેડા જ નહીં, વૈશ્વિક સ્તરે આ રોગનો ચેપ લાગ્યો હોય તેવી સ્ત્રીઓનું પ્રમાણ વધ્યું છે.

તેને લીધે વિશ્વના ઘણા દેશોમાં કંજેનિટલ સીફિલિસનું પ્રમાણ વધ્યું છે. 2021માં સમગ્ર અમેરિકામાં માતાને લીધે બાળકને સીફિલિસનું સંક્રમણ થયું હોય તેવા 30,000 કેસ નોંધાયા હતા.

આરોગ્ય અધિકારીઓએ આ આંકડાને “અસ્વીકાર્ય રીતે વધારે પડતો” ગણાવ્યો હતો.

બીબીસી ગુજરાતી

તબીબી વ્યવસ્થામાં ‘જાતિવાદ’

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સગર્ભાવસ્થા દરમિયાન અજાત બાળકમાં સીફિલિસનું સંક્રમણ કસુવાવડ, મૃત શિશુના જન્મ, અકાળ પ્રસૂતિ, ઓછું વજન ધરાવતા બાળકના જન્મ અને જન્મ પછી તરત જ શિશુના મૃત્યુ સહિતની સમસ્યાઓનું કારણ બની શકે છે.

અમેરિકામાં કંજેનિટલ સીફિલિસનો દર આભને આંબી રહ્યો છે. 2016ની સરખામણીએ 2020માં તેનું પ્રમાણ સાડા ત્રણ ગણું વધ્યું હતું અને 2021માં તેમાં વધુ વધારો થયો હતો.

રાષ્ટ્રીય આંકડા, દેશના કેટલાક વિસ્તારોમાં આ રોગના દર્દીઓની સંખ્યામાં થયેલા જોરદાર વધારાને છુપાવતા દેખાય છે.

કંજેનિટલ સીફિલિસના કેસોમાં છેલ્લાં પાંચ વર્ષમાં 900 ટકાથી વધુ વધારો થયો હોવાનું મિસિસિપીના ડૉક્ટરોએ જણાવ્યું હતું.

અશ્વેત અમેરિકન અને હિસ્પેનિક મહિલાઓમાં તેનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે.

વિન્સ્કોન્સિનની માર્શફિલ્ડ ક્લિનિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનાં સહયોગી સંશોધન વિજ્ઞાની મારિયા સુંદરમ કહે છે, “આ હકીકત આપણી જાહેર આરોગ્ય અને તબીબી વ્યવસ્થામાં કેટલી હદે અસમાનતા તથા જાતિવાદ પ્રવર્તે છે તે પ્રતિબિંબિત કરે છે.”

ઘર છોડવું પડ્યું હોય તેવી અને માદક દ્રવ્યોના વ્યસનનો ભોગ બનેલી સ્ત્રીઓને આની સૌથી વધુ અસર થઈ છે. વિશ્વભરમાં આવી અસમાનતામાં કોવિડ-19 રોગચાળાને કારણે મોટો વધારો થયો હતો.

મારિયા સુંદરમ કહે છે, “રોગચાળા દરમિયાન એસટીઆઈ નિવારણ સંસાધનોમાં પડેલો વિક્ષેપ સીફિલિસ સહિતના એસટીઆઈના પ્રમાણમાં વધારા માટે જવાબદાર છે. આ બાબતે જાહેર આરોગ્ય સમુદાયમાં સર્વસંમતિ પ્રવર્તે છે.”

બીબીસી ગુજરાતી

કેમ વિકટ બની સમસ્યા?

આ સમસ્યાનાં કારણોમાં એસઆઈટી ટેસ્ટિંગ સેન્ટરોની અપૂરતી સુવિધા, સીફિલિસને કલંક ગણવાની માન્યતા અને ભાષાકીય અવરોધોનો સમાવેશ થાય છે.

કેલિફોર્નિયાની કેર્ન કાઉન્ટીમાં રાજ્યના કુલ પૈકી 2.3 ટકા લોકો વસે છે, પરંતુ 2018માં અહીં કંજેનિટલ સીફિલિસના રાજ્યના કુલ પૈકીના 17 ટકા કેસ નોંધાયા હતા.

કેર્ન કાઉન્ટીમાં થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે સીફિલિસનો ચેપ લાગવામાં ઇમિગ્રેશનની સ્થિતિ, તબીબી વીમાના સ્થિતિ અને પ્રસૂતિ પૂર્વેની સારસંભાળ ઇચ્છતી ગર્ભવતી મહિલાઓમાં જાતીય અથવા ઘરેલુ હિંસાની ભૂમિકા પણ હોય છે.

આ અભ્યાસમાં આવરી લેવાયેલી ગર્ભવતી અને પ્રસૂતિ થઈ ગઈ હોય તેવી મહિલાઓ પૈકીની અડધોઅડધ મહિલાઓ હિસ્પેનિક, લૅટિન અથવા સ્પેનિશ મૂળની હતી.

ઑસ્ટ્રેલિયામાં સીફિલિસ સંબંધે 2020માં હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે આવા કેસોની સંખ્યામાં 2015 પછી લગભગ 90 ટકા વધારો થયો હતો. એબૉરિજિનલ અને ટોરસ સ્ટ્રેઈટ આઈલેન્ડર સમુદાયોમાં સીફિલિસના લગભગ 4,000 કેસ જોવા મળ્યા હતા. દેશની કુલ વસ્તીમાં આ લોકોનું પ્રમાણ માત્ર 3.8 ટકા હતું.

આ રોગ પર નિયંત્રણ માટે રાષ્ટ્રીય પરીક્ષણ અને સારવારની યોજના અમલમાં છે ત્યારે નિષ્ણાતો જણાવે છે કે હાલ થયેલા વધારાનું પ્રમાણ પ્રકોપ પૂર્વેના સ્તરે લાવવા માટે વ્યાપક સામુદાયિક પરીક્ષણ કરવું જરૂરી છે.

દેશના કેટલાક વિસ્તારોમાં સગર્ભા સ્ત્રીઓએ પ્રસૂતિ પૂર્વે સીફિલિસ સંબંધી તપાસ માટે સમસ્યાનો સામનો કરવો પડતો હોવાનું પણ જાણવા મળ્યું હતું.

બીબીસી ગુજરાતી

ડેટિંગ ઍપ અને સીફિલસનો સંબંધ?

જીવનનિર્વાહના સંકટ અને રોગચાળાને લીધે જાહેર આરોગ્ય સંભાળનાં સંસાધનોને માઠી અસર થઈ છે ત્યારે એસટીઆઈ પ્રત્યેનું લોકોનું વર્તન તથા વલણ પણ બદલાયા છે.

લીઓન્ડ્રી મેના કહે છે, “1990ના દાયકાની મધ્યમાં એચઆઈવી માટે એન્ટિ-રેટ્રોવાયરલ થૅરપીના આગમન સાથે મોટું પરિવર્તન જોવા મળ્યું હતું. એચઆઈવી સંક્રમણની રોકથામ અને સારવારમાં થયેલી પ્રગતિને લીધે હવે એચઆઈવીને એક દીર્ઘકાલીન રોગ ગણવામાં આવી રહ્યો છે.”

ડેટિંગ ઍપ્લિકેશન તથા સીફિલિસ વચ્ચેની કડીને ધ્યાનમાં રાખીને જાપાનના સંશોધકો સમાગમની પદ્ધતિમાંના ફેરફારનો અભ્યાસ કરી રહ્યા છે.

તેમણે તારણ કાઢ્યું છે કે ડેટિંગ ઍપ્લિકેશનના ઉપયોગને “સીફિલિસના પ્રસાર સાથે ગાઢ સંબંધ છે.”

આવી ઍપના ઉપયોગને અસુરક્ષિત કેઝ્યુઅલ સેક્સ સાથે સંબંધ હોવાનું પણ તેઓ માને છે.

આ વાત, જાપાની યુવા સંસ્કૃતિ અને સેક્સ વર્ક વિશે લખતા સાસાકી ચિવાવાને પણ સેક્સ વર્કરો સાથેની વાતચીત દરમિયાન જાણવા મળી હતી. ચિવાવાના જણાવ્યા મુજબ, વધુને વધુ સેક્સ વર્કરો હવે કૉન્ડોમનો ઉપયો ગ કરતા નથી અને એસટીઆઈ માટે પરીક્ષણ કરાવવાની કોઈ જવાબદારી ગ્રાહકની હોતી નથી. કોઈ સેક્સ વર્કરને ચેપ લાગે તો એ તેને પોતાનું દુર્ભાગ્ય માને છે, એમ જણાવતાં ચિચાવા કહે છે, “એ પૈકીની મોટા ભાગની સેક્સવર્કરો જોખમને બદલે પૈસા કમાવાને વધુ મહત્ત્વ આપે છે.”

મોટા ભાગના આરોગ્ય અધિકારીઓ માટે સીફિલિસના સામનાનો માર્ગ સ્પષ્ટ છે. તેના સામના માટેની દવાઓ પહેલેથી જ ઉપલબ્ધ છે અને એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સની ઘટનાઓ વધી રહી હોવા છતાં પેનિસિલિન આજે પણ ઉત્તમ સારવાર છે.

સલામત જાતીય સંબંધને પ્રોત્સાહિત કરવા વ્યાપક લોકજાગૃતિ ઉપરાંત આ રોગનો સામનો કરવા માટે વધુ પરીક્ષણ, વધુ સારી સમજણ વગેરેની ભૂમિકા બહુ મોટી છે.

“આપણે સામાજિક પ્રાણીઓ છીએ. તેથી એસટીઆઈના નિદાનમાં કોઈ શરમ હોવો ન જોઈએ,” એમ કહેતાં ક્રોસમેન ઉમેરે છે, “અમે એસટીઆઈ પરીક્ષણને ડરામણી અને જજમેન્ટલ બાબતને બદલે જાતીય સુખાકારીનો હિસ્સો, સલામત તથા આનંદપ્રદ સેક્સ લાઈફનો મહત્વપૂર્ણ ભાગ બનાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ.”

જોકે, અન્ય પ્રકારના એસટીઆઈ કરતાં સીફિલિસના કેસ કેમ વધી રહ્યા છે તે બાબતે વિજ્ઞાનીઓ હજુ સુધી કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી. લીઓન્ડ્રી મેના જણાવે છે કે આ રોગનો ચેપ વધુ તીવ્ર બન્યો હોવાનું સૂચવતા મજબૂત પુરાવા નથી. બોગોચના જણાવ્યા મુજબ, સીફિલિસના કેસીસમાં થયેલા વધારાના કારણ સમજવા એન્ટિબાયોટિક રેઝીસ્ટન્સની દલીલ પણ અપૂરતી છે.

બીજી તરફ તુષાર એસટીઆઈ માટે દર ત્રણ મહિને પરીક્ષણ કરાવતા રહે છે. તેઓ કહે છે, “આપણે સીફિલિસ બાબતે મોકળાશથી વાત કરવી જોઈએ. કહેવાતા બુદ્ધિશાળી લોકો, આ બાબતે વૈજ્ઞાનિક રીતે વિચારવાને બદલે તે બાબતે આક્ષેપબાજી કરતા રહે છે. આપણે સેક્સ કરીએ છીએ. આવું થતું હોય છે.”

રેડ લાઇન
રેડ લાઇન