You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાએ ક્યાં કેટલું નુકસાન કર્યું?
ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી કાંઠાવિસ્તાર વચ્ચે ગુજરાતના જખૌ બંદર પાસે બિપરજોય વાવાઝોડું ગત મોડી રાત્રે ટકરાયું હતું. આ વિસ્તારોમાં તેનું લૅન્ડફૉલ થતાં સમગ્ર કચ્છ જિલ્લામાં તેની માઠી અસર જોવા મળી છે.
એ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જામનગર, બનાસકાંઠા, ગીર-સોમનાથ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં પણ તેની કેટલેક અંશે અસરો જોવા મળી છે.
તાજી જાણકારી મુજબ કચ્છ જિલ્લામાં બિપરજોયની અસર વધુ જોવા મળી હોય એવું લાગી રહ્યું છે.
વાવાઝોડાને લીધે કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં ભારે પવનો સાથે વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે ઘણું નુકસાન થયું છે.
આખાય કચ્છમાં ભારે વરસાદ વરસ્યો છે. ગતરાત્રે લૅન્ડફૉલ થયું જે વહેલી સવાર સુધી સક્રિય રહ્યું. એના લીધે 140 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે પવનો ફૂંકાયા હતા. એથી વૃક્ષો અને વીજળીના થાંભલા જમીનમાંથી ઊખડી ગયા છે તથા નીચાણવાળા વિસ્તારોમાં દરિયાના પાણી ઘુસી ગયાં છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર કચ્છનાં નલીયાનાં ગામોમાં 45 ગામોમાં અંધારપટ છે. કેમકે ચક્રવાતને લીધે વીજપુરવઠા માટેના તાર તૂટી ગયા છે અને વીજથાંભલાઓ પણ પડી ગયા છે.
દક્ષિણ રાજસ્થાન પર વાવાઝોડું ડીપ ડિપ્રેશન થવાની શક્યતા છે. જે હાલ ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે.
જનજીવન ઠપ
ગુરુવારે ભાવનગર જિલ્લામાં માલધારી પિતાપુત્ર જ્યારે તેમના પશુઓને પૂરના પાણીમાંથી બહાર કાઢી રહ્યા હતા ત્યારે તેમના મોત થયાં હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ કચ્છ જિલ્લાના કલેક્ટર અમિત અરોરા મુજબ કચ્છમાં હાલ કોઈ જાનહાનિ નથી નોંધાઈ. પણ ઇજા અને ટ્રોમાના કેસ નોંધાયા છે.
સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટરનું કહેવું છે કે તેમને હજુ સુધી મોત નોંધાઈ હોવાની માહિતી નથી મળી.
અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફ અને સ્થાનિક પ્રશાસનની ટીમો સક્રિય થઈ ગઈ છે. 8 અસરગ્રસ્ત જિલ્લામાં 500થી વધુ મેડિકલ ટીમો અને 600થી વધુ ઍમ્બ્લ્યુલન્સો મોકલી દેવાઈ છે.
હાલ દરિયાકાંઠાના કામચલાઉ આશ્રયશિબિરોમાં 94 હજાર લોકો રહી રહ્યાં છે. જેમને વાવાઝોડાને પગલે સ્થળાંતર કરવામાં આવ્યા હતા.
સમાચાર એજન્સી એએફપી સાથે ગુજરાત સરકારના પ્રવક્તાએ કરેલી વાતચીત અનુસાર મોટી સંખ્યામાં વીજળીના થાંભલાઓ પડી જતા વીજપુરવઠો બંધ છે અને ઘણા રસ્તાઓ પર પાણી ફરી વળતા કેટલાક વિસ્તારો સંપર્ક વિહોણા છે. રસ્તા પર વૃક્ષો અને કાટમાળ હોવાથી પ્રશાસન પણ ત્યાં પહોંચવામાં મુશ્કેલી અનુભવી રહ્યું છે.
વાવાઝોડા પહેલાં કુલ લગભગ 1 લાખ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું હતું. વાવાઝોડાને લીધે સામાન્ય જનજીવનને માઠી અસર પહોંચી છે.
સરકારના રાહત કમિશનર આલોક પાંડે મુજબ વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં આર્થિક નુકશાન છે, પરંતુ તેમાંથી પણ ઝડપભેર બહાર આવવાની આશા વ્યક્ત કરી છે.
આલોક પાંડેએ જણાવ્યું હતું કે, વાવાઝોડાના પરિણામે રાજ્યમાં 1137 જેટલાં વૃક્ષો ધરાશાયી થતાં 263 રસ્તાઓ બંધ થયા હતા. આ તમામ વૃક્ષોને હઠાવીને 260 રસ્તાઓ પુનઃ કાર્યરત કરાયા છે, જ્યારે 3 રસ્તામાં નુકશાન થયું હોવાથી તેને પૂર્વવત્ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે.
તેમણે ઉમેર્યું કે, ભારે પવન કારણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં 5120 જેટલા વીજ થાંભલાઓ પડી જતા 4600થી વધુ ગામમાં વીજપુરવઠો બંધ થઈ ગયો હતો, જેમાંથી 3580 જેટલાં ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. પીજીવીસીએલની ટીમો દ્વારા ચાલુ વરસાદે પણ બાકીનાં ગામોમાં વીજળી ચાલુ કરવા માટે સતત કામ કરી રહી છે.
તેમણે નુકશાની અંગે માહિતી આપતા ઉમેર્યું હતું કે, પ્રભાવિત જિલ્લાઓમાં 20 કાચાં મકાન, 9 પાકાં મકાન અને 65 જેટલાં ઝૂંપડીઓ સંપૂર્ણ રીતે ધરાશાયી થયાં છે. જ્યારે 474 જેટલાં કાચા મકાન અને 2 પાકાં મકાનને અંશતઃ નુકશાન થયું છે.
જામનગરમાં વીજપુરવઠો ખોરવાયો
જામનગર જિલ્લામાં વાવાઝોડાના પરિણામે ખોરવાયેલ વીજ પૂરવઠો પૂર્વવત કરવા પી.જી.વી.સી.એલ.ની 119 ટીમો કાર્યરત થઈ છે.
ભારે વરસાદ અને પવનના પરિણામે જિલ્લામાં 958 ફિડરો, 1255 વીજપોલ અને 40 ટીસી ક્ષતિગ્રસ્ત થયાં છે.
પી.જી.વી.સી.એલ. દ્વારા યુદ્ધના ધોરણે 414 ફિડરો, 221 વીજપોલ અને એક ટીસી કાર્યરત કરાયાં છે.
જામનગર જિલ્લામાં બિપરજોય વવાઝોડાના પરિણામે ભારે પવન અને વરસાદના પરિણામે વીજવિક્ષેપ ઊભો થયો છે. તે પૂર્વવત્ કરવા પીજીવીસીએલની ટીમો એક્શન મોડમાં છે.
જામનગર જિલ્લાના 367 ગામડાંમાં વીજ પૂરવઠો પૂર્વવત્ કરાયો છે. જ્યારે સુરક્ષા અને સલામતીના ભાગરૂપે 226 ગામડાંમાં વીજ સપ્લાય બંધ કરવામાં આવી છે. જેથી કરીને કોઈ નુકશાની તેમજ જાનહાનિ ન થાય.
બાકીની જે જગ્યાઓ પર વીજવિક્ષેપ ઊભો થયો છે, ત્યાં પીજીવીસીએલની ટીમો સતત કાર્યરત છે.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં 1 ટીસીમાં જે નુકશાન થયું હતું તે તાત્કાલિક ધોરણે રીપેર કરવામાં આવ્યું છે.
આમ વીજપુરવઠો ખોરવાયો છે. જેના લીધે સામાન્ય જનજીવનને અસર થઈ છે.
સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં કેવી છે સ્થિતિ?
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વીજળીના ઘણાં થાંભલાને નુકસાન થયું છે અને વૃક્ષો ધરાશાયી થયાં છે. જેનું સમારકામ ચાલુ કરી દેવાયું છે.
બિપરજોય વાવાઝોડાને કારણે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દિવસ -રાત ખડેપગે રહીને કામગીરી કરી રહ્યુ છે.
જિલ્લાની ફોરેસ્ટ ટીમ દ્વારા રસ્તાઓ પર ધરાશાયી થયેલાં વૃક્ષો તાત્કાલિક અસરથી દૂર કરવાની કામગીરી સુપેરે કરવામાં આવી રહી છે.
પાટણવાવથી માણાવદર રોડ, જામકંડોરણા - ગોંડલ રોડ, કાગવડ - જેતપુર રોડ, ઘોઘાવદર ગોંડલ બાયપાસ રોડ સહિત અત્યાર સુધીમાં આશરે 70થી વધુ ધરાશાયી થયેલાં વૃક્ષોને દૂર કરીને રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે.