ઉત્તર કોરિયા સરહદે શું બનાવી રહ્યું છે? સેટેલાઇટ તસવીરમાં સામે આવ્યું સત્ય

- લેેખક, જેક હોર્ટન, યી મા, ડેનિયલ પાલુમ્બો
- પદ, બીબીસી વેરિફાઈ
દક્ષિણ કોરિયા સાથેની પોતાની સરહદ નજીક ઉત્તર કોરિયા ઘણી જગ્યાએ દીવાલ જેવી વાડ બનાવી રહ્યું છે. આ માહિતી સેટેલાઇટ તસવીરોથી સામે આવી છે.
બીબીસી વેરિફાઈ દ્વારા કરવામાં આવેલા સેટેલાઇટ તસવીરોના વિશ્લેષણથી માહિતી મળી છે કે અસૈન્ય વિસ્તાર (ડિમિલિટરાઇઝ્ડ ઝોન)ની અંદરની જમીન ખાલી કરાવાઈ છે.
નિષ્ણાતો અનુસાર આ દક્ષિણ કોરિયા સાથે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધવિરામ કરારનું આ ઉલ્લંઘન હોઈ શકે છે.
ડિમિલિટરાઇઝ્ડ ઝોન એટલે કે અસૈન્ય વિસ્તાર ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે એક બફર ઝોન છે જે ચાર કિલોમીટર પહોળો છે.
આ તકનીકી રીતે હજુ પણ યુદ્ધની સ્થિતિમા છે, કારણ કે તેને લઈને ક્યારેય કોઈ શાંતિ સંધિ કરવામાં આવી નથી.
આ ઝોન બે ભાગોમાં વહેંચવામાં આવ્યો છે. બંને દેશ પોતપોતાના ભાગે આવેલા વિસ્તારને નિયંત્રિત કરે છે.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
અંદાજે એક કિલોમીટર વિસ્તારમાં ફેરફાર

ડિમિલિટરાઇઝ્ડ ઝોનમાં હાલમાં જે ફેરફાર થયો છે તેને નિષ્ણાતો 'અસામાન્ય' ગણાવી રહ્યા છે. આ માહિતી એવા સમયે સામે બહાર આવી છે જ્યારે બંને દેશો વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એનકે ન્યૂઝના સંવાદદાતા શ્રેયસ રેડ્ડી દક્ષિણ કોરિયાના પાટનગર સોલમાં રહે છે. તેઓ બીબીસીને કહે છે કે, અત્યારે આપણે માત્ર અનુમાન લગાવી શકીએ છીએ કે ઉત્તર કોરિયા સરહદ પર પોતાની સૈન્ય હાજરી અને કિલ્લેબંધી મજબૂત કરવા માગે છે."
ઉત્તર કોરિયા જે ફેરફારો કરી રહ્યું છે તેની તપાસ કરવાના એક પ્રોજેક્ટના ભાગરૂપે બીબીસી વેરિફાઈએ સરહદની સાત કિલોમીટર વિસ્તારની હાઇ રિઝૉલ્યુશનની સેટેલાઇટ તસવીરો લીધી છે.

આ તસવીરોથી ખબર પડે છે કે ડીએમઝેડ ઝોનની નજીક ઓછામાં ઓછાં ત્રણ સ્થળોએ દીવાલ જેવું બાંધકામ કરવામાં આવ્યું છે. આ વિસ્તાર સરહદના પૂર્વ ભાગે છે અને અંદાજે એક કિલોમીટરમાં ફેલાયલો છે.
એ પણ શક્ય છે કે સરહદના બીજા ભાગોમાં પણ આ પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું હોય. આ વિસ્તારની અગાઉના સમયના હાઇ રિઝોલ્યુશન તસવીરો ઉપલબ્ધ નથી. માટે એ ચોક્કસ રીતે જાણી શકાયું નથી કે ઉત્તર કોરિયાએ કેટલા સમય પહેલાં આ બાંધકામ શરૂ કર્યું.
જોકે, નવેમ્બર 2023માં લેવામાં આવેલી તસવીરોમાં આ બાંધકામ નજરે પડતું નથી.
કિમ જોંગ ઉનની શું ઈચ્છા છે?

ડૉ. યુકે યાંગ સોલમાં આવેલી આસન ઇન્સ્ટિટ્યૂટ ફૉર પૉલિસી સ્ટડીઝમાં સૈન્ય અને સંરક્ષણ નિષ્ણાત તરીકે કાર્યરત્ છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, "મારું આકલન છે કે આ પહેલી વખત છે કે એક વિસ્તારને બીજા વિસ્તારથી અલગ પાડવા માટે આ પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું હોય."
"1990ના દાયકામાં ઉત્તર કોરિયાએ યુદ્ધની સ્થિતિમાં ટૅન્કની આગેકૂચ અટકાવવા માટે ટૅન્ક વિરોધી દીવાલો બનાવી હતી. હાલમાં ઉત્તર કોરિયા જે રીતે બે અથવા ત્રણ મીટર ઊંચી દીવાલો બનાવી રહ્યું છે તેનાથી નથી લાગતું કે આ દીવાલો ટૅન્કને અટકાવી શકે."
સેટેલાઇટ તસવીરોની સમીક્ષા કરનાર ડૉ. યાંગ કહે છે કે, "દીવાલોનો આકાર દર્શાવે છે કે તે માત્ર ટૅન્કો માટે નથી પરંતુ તેમનો હેતુ વિસ્તારને વિભાજિત કરવાનો છે."
આ સિવાય ઉત્તર કોરિયાની તરફ અસૈન્ય વિસ્તારને સાફ કરવાના પુરાવા પણ મળ્યા છે.
સરહદના પૂર્વ વિસ્તારની જે નવી સેટેલાઇટ તસવીરો સામે આવી છે તેને જોઈને ખબર પડે છે કે ઉત્તર કોરિયાએ હાલમાં વાહન-વ્યવહાર માટે રસ્તાઓ બનાવ્યા છે.

ઇમેજ સ્રોત, REUTERS
દક્ષિણ કોરિયાના જૉઇન્ટ ચીફ ઑફ સ્ટાફ (જેસીએસ)ના એક અધિકારીએ હાલમાં એક ઇન્ટરવ્યૂ આપ્યો છે.
તેઓ કહે છે કે અમારી સેનાએ વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી રસ્તાઓને મજબૂત કરવા, લૅન્ડમાઇન નાખવી અને બિનઉપજાઉ જમીનને સાફ કરવા સંબંધિત ચાલતી પ્રવૃત્તિઓ ઓળખી કાઢી છે.
કોરિયા યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ સિક્યૉરિટીના પ્રોફેસર કિલ ઝૂ બાન કહે છે કે, "જમીનની સફાઈ લશ્કરી અને બિનલશ્કરી હેતુ માટે હોઈ શકે છે."
તેઓ કહે છે કે નવા બાંધકામના કારણે ઉત્તર કોરિયા માટે દક્ષિણ કોરિયામાં સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખવી સરળ બની જશે. ઉપરાંત સરહદ પાર કરીને દક્ષિણ કોરિયામાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં લોકોને પણ સરળતાથી ઓળખી શકાશે.
સેન્ટર ફૉર સ્ટ્રેટેજિક ઍન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સમાં એશિયા અને કોરિયાના ઉપાધ્યક્ષ પ્રોફેસર વિક્ટર કહે છે કે, "અસૈન્ય વિસ્તારમાં બાંધકામ અસામાન્ય છે અને આ યુદ્ધવિરામનું ઉલ્લંઘન હોઈ શકે છે."
ઉત્તર કોરિયાની નીતિમાં મોટો ફેરફાર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સાલ 1953માં યુદ્ધવિરામ સાથે કોરિયાઈ યુદ્ધનો અંત થયો હતો. બંને દેશોએ અસૈન્ય વિસ્તારની અંદર અથવા તેની મારફત અથવા તેની વિરુદ્ધ કોઈ પણ દુશ્મનાવટ ભરેલું કૃત્ય ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. જોકે બાદમાં કોઈ શાંતિકરાર થઈ શક્યો નહોતો.
છેલ્લાં ઘણાં વર્ષોથી બંને દેશો એક થાય એવી સંભાવના ખૂબ જ ઓછી રહી છે. 2024ની શરૂઆતમાં ઉત્તર કોરિયાના દરેક નેતાનું આ જાહેર કરેલું લક્ષ્ય હતું, પરંતુ હવે કિમ જોંગ ઉને જાહેરાત કરી છે કે તેમણે આ વિચાર છોડી દીધો છે. હવે તેઓ આ લક્ષ્યનો પીછો નહીં કરે.
કેટલાક નિષ્ણાતોએ કિમ જોંગ ઉનની આ જાહેરાતને અભૂતપૂર્વ ગણાવી હતી. આ વર્ષની શરૂઆતમાં કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયાને પોતાનો સૌથી મોટો દુશ્મન ગણાવ્યો હતો. નિષ્ણાતોએ તેને ઉત્તર કોરિયાની નીતિમાં મોટો ફેરફાર તરીકે ગણાવ્યો હતો.
આ પછી ઉત્તર કોરિયાએ બંને દેશોની એકતાને દર્શાવતાં પ્રતીકોને હટાવવાનું શરૂ કરી દીધું છે. આમાં સ્મારકોને તોડી પાડવાં અને સરકારી વેબસાઇટમાંથી એક દેશની રચનાની વાત કરતા સંદર્ભો દૂર કરવા સામેલ છે.
લંડનની કિંગ્સ કૉલેજના યુરોપીયન અને આંતરરાષ્ટ્રીય અભ્યાસના વડા ડૉ. રેમન પૈચેકો પાર્ડો કહે છે કે, "જો દક્ષિણ કોરિયા હુમલો કરે તો તેને અટકાવવા માટે ઉત્તર કોરિયાને વાસ્તવમાં વધારે અવરોધની જરૂર નથી. પરંતુ સરહદ પર આ પ્રકારનું બાંધકામ કરીને ઉત્તર કોરિયા સંકેત આપવામા માગે છે કે તે હવે તે એકીકરણમાં માનતો નથી.
કેટલાક નિષ્ણાતો એમ પણ કહે છે કે સરહદ પર જોવામાં આવેલા તાજેતરના ફેરફારો કિમ જોંગ ઉનની વ્યાપક કાર્યવાહી સાથે મેળ ખાય છે.
ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં કાર્યરત્ ડૉ. ઍડવર્ડ હૉવેલએ કોરિયાઈ વિસ્તાર પર સંશોધન કર્યું છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, “ઉત્તર કોરિયા હવે અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે વાતચીતનો દેખાડો પણ નથી કરી રહ્યું. હાલમાં જ જાપાને વાતચીત માટે પ્રયત્નો હાથ ધર્યા હતા જેને ઉત્તર કોરિયાએ ફગાવી દીધા છે.”
તેઓ કહે છે, “રશિયા સાથે ઉત્તર કોરિયાના મજબૂત થઈ રહેલા સંબંધોથી આપણે નવાઈ ન થવી જોઈએ. આ વર્ષના અંત સુધી ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે ઘર્ષણની સ્થિતિમાં વધારો જોવા મળશે.”












