You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : ખનૌરી બૉર્ડરે મૃત્યુ પામનાર યુવક કોણ છે?
પંજાબ અને હરિયાણા વચ્ચે સ્થિત શંભુ અને ખનૌરી બૉર્ડરે બુધવારે અફરાતફરીનો માહોલ રહ્યો.
આ તણાવપૂર્ણ માહોલ વચ્ચે ખનૌરીમાં એક યુવાન ખેડૂતનું ગોળી વાગવાને કારણે મૃત્યુ થયાના સમાચાર મળ્યા હતા. ખેડૂત સંગઠનોની સાથોસાથ પંજાબ સરકારે પણ આ યુવાનના મૃત્યુની પુષ્ટિ કરી છે.
જોકે, હરિયાણા પોલીસે ખેડૂત આંદોલનમાં કોઈ પણ ખેડૂતનું મૃત્યુ થયાના સમાચારને અફવા ગણાવી છે.
ખનૌરી બૉર્ડરે હાજર જસવીરસિંહ મૃતક શુભકરણસિંહના નિકટના સંબંધી હતા. તેમણે આરોપ કર્યો છે કે શુભકરણસિંહ, ખેડૂતો અને પોલીસ વચ્ચે થઈ રહેલા ઘર્ષણની જગ્યાથી લગભગ 500 ગજના અંતરે ખેતરમાં ઊભા હતા. તેમણે કહ્યું, “ત્યારે જ અચાનક શુભને ગોળી વાગી અને એ અચાનક પડી ગયો.”
તે બાદ શુભને સ્થાનિક હૉસ્પિટલે લઈ જવાયા. બાદમાં તેમને પટિયાલાના રજિંદરા હૉસ્પિટલમાં રેફર કરાયા, જ્યાં તેમને મૃત જાહેર કરી દેવાયા.
મરનાર યુવક કોણ હતા?
બીબીસી પંજાબી સંવાદદાતા ગગનદીપસિંહને મળેલી જાણકારી પ્રમાણે શુભકરણસિંહ ભટિન્ડા જિલ્લાના બાલોન ગામના રહેવાસી હતા. તેઓ પોતાના પરિવારની એકમાત્ર કમાનારી વ્યક્તિ હતી અને પોતાના કાકા બલજિતસિંહ સાથે ખેતી કરતા હતા.
તેમના પરિવાર પાસે માત્ર બે એકર જમીન હતી. પરંતુ તેઓ લીઝ પર 15 એકર જમીન લઈને ખેતી કરી રહ્યા હતા. પોતાના ભત્રીજા વિશે વાત કરતાં બલજિતસિંહે બીબીસીને જણાવ્યું કે, “શુભકરણની મા 15 વર્ષ પહેલાં જ ગુજરી ગઈ હતી. તે પાછળ બે બહેનો અને દાદીને મૂકી ગયો.”
ખેતીની સાથોસાથ ખેડૂત આંદોલન
બલજિતસિંહે બીબીસીને જણાવ્યું કે શુભ ઘરનાં કામ સંભાળવાની સાથોસાથ ખેડૂત આંદોલનમાં ભાગ લેતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે, “એ ઘરનાં બધાં કામ સાચવવાની સાથોસાથ ખેડૂત આંદોલનમાં ભાગ લઈ રહ્યો હતો. એ દિલ્હીવાળા આંદોલનમાં પણ સામેલ રહ્યો હતો. એ પોતાના મિત્રો સાથે 13 ફેબ્રુઆરીના રોજ અહીં આવ્યો હતો. મેં તેને 19 ફેબ્રુઆરીએ ફોન કરીને પરત આવવા કહ્યું હતું. પરંતુ તેણે કહ્યું કે એ ફેબ્રુઆરીમાં દિલ્હી પહોંચીને પરત ફરશે.”
તેમણે શુભકરણસિંહ મૅટ્રિક પાસ હોવાનું જણાવ્યું. મૅટ્રિક પાસ કર્યા બાદ તેઓ તરત જ ખેતીકામમાં જોડાઈ ગયા હોવાનું કાકા જણાવે છે.
તેમણે કહ્યું કે, “શુભ મને કેન્દ્રીય મંત્રીઓ સાથે ચાલી રહેલી બેઠકો વિશે જણાવતો રહેતો, એને આશા હતી કે સરકાર આ માગો માની લેશે.”
પંજાબ સરકારે શું કહ્યું?
પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને કહ્યું કે શુભકરણસિંહના પોસ્ટમૉર્ટમ બાદ પંજાબ સરકાર એફઆઇઆર નોંધાવશે અને અધિકારીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે. તેમણે કહ્યું કે પંજાબ સરકાર ખેડૂતોની સાથે છે.
માને કહ્યું, “આજે શુભકરણસિંહનું ખનૌરી બૉર્ડરે મૃત્યુ થયું. વીડિયો જોઈને હું દુ:ખી થઈ ગયો. એ બે એકર જમીનવાળો એક નાનો ખેડૂત હતો. એ દિલ્હી જવા માગતો હતો. શું અમે અમારા હક માટે દેશના પાટનગર ન જઈ શકીએ.”
ભગવંત માને એવું પણ કહ્યું કે પંજાબ સરકારે હરિયાણા-પંજાબ બૉર્ડરે પ્રદર્શનસ્થળોએ સુરક્ષાબળોને તહેનાત કરી દીધાં છે.
ભગવંત માન પહેલાં પંજાબના સ્વાસ્થ્યમંત્રી ડૉ. બલબીરસિંહે આ મામલે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, “અન્નદાતા સાથે અન્યાય થઈ રહ્યો છે, એ ખૂબ ખોટું છે. તેમને માર પડી રહ્યો છે. હું એક યુવાનની હત્યા થઈ છે, એની તપાસ કરવા આવ્યો છું. હું અન્ય એક વ્યક્તિનેય મળ્યો છું. એ ભાગ્યશાળી હતો કે ગોળી તેને અડકીને નીકળી ગઈ.”
પટિયાલા જિલ્લાની સરકારી રાજિંદરા હૉસ્પિટલના ચિકિત્સા અધીક્ષક ડૉ. હરનામસિંહ રેખીએ જણાવ્યું છે કે 22 વર્ષીય યુવક શુભકરણસિંહની ગોળી વાગવાને કારણે મૃત્યુ થયું છે.
તેમણે કહ્યું, “પ્રાથમિક તપાસ મુજબ માથામાં પાછળના ભાગે ગોળી વાગવાને કારણે મૃત્યુ થયું છે. તેમને મૃત અવસ્થામાં જ પટિયાલાની રાજિંદરા સરકારી મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલ લઈ જવાયા હતા.”
તેમણે કહ્યું કે વિસ્તૃત જાણકારી પોસ્ટમૉર્ટમ બાદ જ સામે આવશે. મૃતદેહ શબઘરમાં રખાયો છે.
કૉંગ્રેસનેતા પ્રતાપસિંહ બાજવાએ કહ્યું, “ભટિન્ડા જિલ્લાના શુભકરણસિંહના મૃત્યુના સમાચાર અત્યંત અફસોસજનક છે. મેં ખુદ વીડિયો જોયો છે. તેને માથાના પાછળના ભાગે ગોળી વાગી છે.”
અકાલી દળે ભગવંત માનને ઘેર્યા
આ સમાચાર આવ્યા બાદથી પંજાબમાં રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે.
એક તરફ જ્યાં આમ આદમી પાર્ટી આ મામલામાં હરિયાણા સરકારને ઘેરતી દેખાઈ રહી છે, તો સામેની બાજુએ શિરોમણિ અકાલી દળ અને કૉંગ્રેસ આ મામલામાં પંજાબના સીએમ ભગવંત માનને ઘેરવાની કોશિશમાં છે.
શિરોમણિ અકાલી દળના સુખબીરસિંહ બાદલે એક્સ પર લખ્યું કે તેઓ અત્યંત દુ:ખી છે. “ભટિન્ડાના મૌરના રહેવાસી શુભકરણસિંહનું હરિયાણા પોલીસ ફાયરિંગમાં મૃત્યુ થવાથી આખું પંજાબ શોકમગ્ન છે.”
તેમણે કહ્યું, “પંજાબના મુખ્ય મંત્રી ભગવંતસિંહ માનની ડબલ ગેમ આ યુવાનના મૃત્યુ માટે જવાબદાર છે. બે બહેનોએ પોતાનો ભાઈ ગુમાવી દીધો.”
આ સાથે જ તેમણે કહ્યું, “ભગવંત માન પંજાબી ખેડૂતો વિરુદ્ધ હરિયાણા સાથે મળીને બીજા રાજ્યની પોલીસને પંજાબની જમીન પર પંજાબીઓ પર હુમલો કરીને તેમને મારવાની પરવાનગરી આપી રહ્યા છે. કોઈ પણ લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર ગોળીઓ વડે હુમલો નથી કરાતો. નિર્દોષ યુવક શુભકરણસિંહની હત્યા માટે ભગવંતસિંહ જવાબદાર છે.”
બીજી તરફ કૉંગ્રેસે પણ શુભકરણસિંહના મૃત્યુ પર પંજાબની આમ આદમી પાર્ટીની સરકારને કઠેડામાં ઊભી કરી છે.
સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરીને પ્રતાપસિંહ બાજવાએ કહ્યું, “ઘણા દિવસથી હરિયાણા પોલીસ કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર ફાયરિંગ કરી રહી છે. અમે ઘણા દિવસોથી ભગવંત માનને કહી રહ્યા હતા કે કેન્દ્ર સાથે વચેટિયા ન બનો, પંજાબના લોકો સાથે ઊભા રહો, પંજાબના ખેડૂતો સાથે ઊભા રહો. હવે 150 કરતાં વધુ ખેડૂત ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે અને તમે એકેય એફઆઇઆર દાખલ નથી કરી.”
બાજવાએ માગ કરી છે કે પંજાબ સરકાર તરત હરિયાણાના ગૃહમંત્રી અનિલ વીજ વિરુદ્ધ કેસ દાખલ કરે.
તેમણે કહ્યું, “પંજાબના ખેડૂતો શાંતિપૂર્વક દિલ્હી માટે કૂચ કરી રહ્યા છે, તેમને હરિયાણાથી થઈને સુરક્ષિતપણે દિલ્હી સુધી જવા દેવાય. હરિયાણા સરકાર હાલ જે કરી રહી છે એ અત્યંત નિંદનીય છે.”
હરિયાણા પોલીસે ગણાવી અફવા
હરિયાણા પોલીસે અત્યાર સુધી ખેડૂત આંદોલનમાં કોઈ પણ ખેડૂતનું મૃત્યુ થયાના સમાચારને અફવા ગણાવી છે.
આ સમાચાર છપાયાના અમુક કલાક પહેલાં જ સોશિયલ મીડિયા પર અપાયેલી જાણકારીમાં હરિયાણા પોલીસે લખ્યું છે કે, “અત્યાર સુધી પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર આજે ખેડૂત આંદોલનમાં કોઈ પણ ખેડૂતનું મૃત્યુ નથી થયું. આ માત્ર અફવા છે.”