'ખેતરે પાણી વાળવા જવા હથિયારબંધ માણસો રાખવા પડે છે', અરવલ્લી ખેડૂતોને શેનો ડર છે?

    • લેેખક, અંકિત ચૌહાણ
    • પદ, બીબીસી ગુજરાતી માટે, અરવલ્લીથી

"થોડા દિવસ પહેલાં હું રાત્રે ખેતરમાં પાણી વાળવા આવ્યો હતો. કડકડતી ઠંડી હોવાને કારણે મને અચાનક છાતીમાં દુખાવો ઊપડ્યો. એ તો સારું થયું કે મારી સાથે રહેલા માણસોને મારી સ્થિતિની ખબર પડી અને તેઓ તાત્કાલિક ગાડી બોલાવીને મને મોડાસા હૉસ્પિટલે લઈ ગયા. નહીંતર કદાચ હું બચ્યો જ ન હોત."

અરવલ્લીના સજાપુર ગામના ખેડૂત મહેશભાઈ પટેલ કડકડતી ઠંડીમાં પોતાના ખેતરે પાણી વાળવા જવા મજબૂર છે. અતિશય ઠંડીમાં જંગલ વિસ્તારની નજીક ખેતરો ધરાવતા ઘણા ખેડૂતો મહેશભાઈની જેમ જ દીપડાના હુમલામાં જીવ ગુમાવવાનું જોખમ લઈ રાત્રે પોતાના પાકને પાણી પાવા મજબૂર છે.

કતારબદ્ધ માણસો રાતના અંધારામાં હાથમાં ટૉર્ચ, લાકડી અને ધારિયાં સાથે આગળ વધતાં મોટેથી બૂમો પાડતાં સંભળાય છે. અરવલ્લીના કેટલાક ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે આ એક સામાન્ય દૃશ્ય બની ગયું છે.

ખેડૂતોની ફરિયાદ છે કે અરવલ્લીના મેઢાસણ, ટીંટીસર, સજાપુર, લાલપુર અને સરડોઈના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાં માત્ર રાત્રે જ વીજળી પુરવઠો અપાતો હોઈ તેઓ માત્ર રાત્રે જ ખેતરની પિયતની વ્યવસ્થા કરી શકે છે.

દીપડાના હુમલાની બીકને કારણે ખેડૂતોએ ખેતરે જવા દસ-12 માણસના ટોળા સાથે જ જવું પડે છે.

ટોળામાં રહેલા લોકો દીપડાને ગભરાવી દૂર ભગાડવા તેમજ આત્મરક્ષણ માટે નાનાં મોટાં હથિયાર-ઓજાર સાથે રાખી મોટેથી બૂમો પાડવા જેવી વ્યૂહરચના અપનાવે છે.

ખેડૂતોની ફરિયાદ છે કે ‘અનેક વખત રજૂઆતો છતાં માત્ર પરિપત્રો-જોગવાઈઓ કરાય છે, પરંતુ સ્થિતિ સુધારવા નક્કર પગલાં લેવાતાં નથી.’

જ્યારે સામેની બાજુએ સંબંધિત અધિકારી આ અંગે ખેડૂતોની રજૂઆત સક્ષમ સત્તામંડળ સુધી પહોંચાડી દેવાયાની અને વીજળી પુરવઠા અંગેનો નિર્ણય ‘ગાંધીનગરથી થતો’ હોવાની વાત કરે છે.

વનવિભાગે પણ ખેડૂતોની ફરિયાદ મામલે ‘યોગ્ય વ્યવસ્થા કરવા’ સંબંધિત વિભાગને ભલામણ કરી હોવાની વાત કરી હતી.

બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા વર્ષ ડિસેમ્બર, 2024 સુધી આ સમસ્યાના નિરાકરણની ‘બાંયધરી’ અપાઈ છે.

ભયના ઓથાર હેઠળ પસાર થાય છે ખેડૂતોની રાત

"ઓ રામભાઈ... હું આવી ગયો છું. તમે જોતા રહેજો..." હાથમાં ટૉર્ચ અને લાકડી સાથે પોતાના ખેતરે પહોંચેલા 70 વર્ષીય વીરસંગભાઈ પટેલ માટે કડકડકતી ઠંડીમાં દરરોજ પાણી આપવા ખેતરે પહોંચવું એ નિત્યક્રમ બની ગયો છે.

તેમની માફક આ વિસ્તારના ઘણા ખેડૂતો રાત ‘ભયના ઓથાર હેઠળ ગાળવા મજબૂર’ છે.

તેઓ પોતાની ફરિયાદ કરતા કહે છે કે, "મારું ખેતર જંગલની સાવ નજીક છે. એ ખેતરમાં જવા માટે પણ મારે દસ-બાર માણસોને સાથે રાખવા પડે છે. મારે રાત્રે ખેતરમાં પાકને પાણી પાવાનું હોય છે. કડકડતી ઠંડીમાં પાણી વાળવાને કારણે અમારા શરીરને જાતભાતની તકલીફો પડવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. અમે ખૂબ હેરાન થઈ ગયા છીએ."

જંગલની નજીક આવેલાં ખેતરોમાં દીપડાના હુમલાનો ખેડૂતોને સતત ભય રહે છે. દીપડાના ભય અને રાત્રે વીજળી આપવાના સરકારી નિર્ણયને કારણે ખેડૂતોની સ્થિતિ ‘દયનીય’ બની ગઈ હોવાની ફરિયાદ છે.

આ ખેડૂતોએ દર વર્ષે કેટલાક મહિના દરમિયાન આ જ પ્રકારની ભયજનક સ્થિતિનો સામનો કરવો પડે છે.

ખેડૂતો ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં રહેતા હોઈ આ વિસ્તારની પ્રાદેશિક સમસ્યાઓ વિશિષ્ટ ધ્યાન માગી લે એવી છે.

દીપડાની બીકને કારણે ખેડૂતોએ મોટાં જૂથોમાં જ આવીને પાણી વાળવાનું નક્કી કર્યું છે.

કેટલાક ખેડૂતો પહેરો ભરે છે, તો કેટલાક પાણી વાળે છે. આમ, દરરોજ ભયના માહોલમાં જ આ ખેડૂતોની રાત પસાર થઈ રહી છે.

‘રજૂઆતો છતાં કોઈ નિરાકરણ નહીં’

સજાપુર ગ્રામ-પંચાયતના સરપંચ ચિંતન ચૌધરી આ સમસ્યા અંગે વાત કરતાં કહે છે કે, "સરકારે જંગલ વિસ્તારને અડીને આવેલાં ખેતરોમાં દિવસે વીજળી આપવા માટેનો પરિપત્ર પણ જાહેર કર્યો છે. તેમ છતાં અહીં રાત્રે જ વીજળી અપાય છે. આ સરકારનો અન્યાય છે. આ બાબત સાવ અયોગ્ય છે."

તેમણે દીપડાના ભય અંગે વાત કરતાં કહ્યું કે, "વનવિભાગ તરફથી પણ આ વિસ્તારોમાં દીપડાની હાજરી હોવાની પુષ્ટિ કરાઈ છે. અમારા અહીં દીપડાનો ઘણો ભય છે. તેથી ખેડૂત પાણી વાળવા માટે રાત્રે નથી જઈ શકતો. "

ખેડૂત મહેશભાઈ પોતાની ફરિયાદ કરતાં કહે છે કે, "આટલી કડકડકતી ઠંડી અને દીપડાનો ભય એ અમારા માટે ખૂબ મુશ્કેલી સર્જી રહ્યાં છે. જો અમે રાત્રે પાણી ન વાળીએ તો અમારા ખેતરમાં ઘઉંનું ઉત્પાદન કરી શકાય એમ જ નથી."

આ ખેડૂતોએ દિવસે વીજળી મેળવવા માટે જિલ્લા કલેક્ટરનેય રજૂઆત કરી હતી, પરંતુ આ સમસ્યાનું નિરાકરણ હજુ સુધી નથી આવી શક્યું.

ખેડૂતોની સમસ્યા અંગે પ્રતિક્રિયા માટે મોડાસા ગ્રામ્યના ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડના ઇજનેર એમ. ડી. અહારી સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, “કોને-ક્યારે વીજળી આપવી એ નિર્ણય ગાંધીનગરથી કરાય છે, એ અમારા હાથમાં નથી હોતું. સ્થાનિકોએ કરેલી રજૂઆતના અંગેના સમાચારોની કટિંગ સાથે અમે ખેડૂતોની માગણી ગાંધીનગર સુધી પહોંચાડી છે."

ધ પ્રિન્ટના એક અહેવાલ અનુસાર ગત વર્ષે ડિસેમ્બર માસમાં કેટલીક યોજનાઓના લોકાર્પણ માટે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી પહોંચ્યા હતા, ત્યારે એક સભામાં તેમણે આ બાબતે નિવેદન આપ્યું હતું.

તેમણે કહેલું કે, "અમે તમને ખાતરી આપીએ છીએ કે વર્ષ 2024ના ડિસેમ્બર માસ સુધી દિવસે વીજળીનો નિરંતર પુરવઠો આપવામાં આવશે. આ અંગે હુકમ આપી દેવાયો છે."

અરવલ્લીના મદદનીશ વનસંરક્ષક અજય રાઠોડે અસરગ્રસ્ત વિસ્તારોની સમસ્યા સમજાવતાં કહ્યું હતું કે, "આ વિસ્તારોની સ્થિતિની વાત કરીએ તો ખેતીની જમીન અને જંગલ ખૂબ નિકટ છે. તેમજ આ વિસ્તારમાં જંગલની જમીન અને ખેતરની જગ્યાને જુદી પાડવા માટે એ પ્રૉટેક્શન દીવાલ કરી શકાય એમ નથી. તેમજ ઘણા વિસ્તારોમાં ખેડૂતોને ખેતર સુધી જવાનો રસ્તો પણ જંગલમાંથી પસાર થઈને જાય છે. તેથી આ ઉપાય કારગત નથી."

વિસ્તારમાં દીપડાના ભય અંગે વનવિભાગ દ્વારા કરાયેલી કાર્યવાહી અંગે અરવલ્લીના નાયબ વનસંરક્ષક એસ. એમ. ડામોરે કહ્યું હતું કે, "થોડા સમય અગાઉ આ વિસ્તારના ખેડૂતોની રજૂઆત આવી હતી. જે બાબતે અમારો અભિપ્રાય માગવામાં આવ્યો હતો."

"અમે આ અભિપ્રાયમાં રાત્રે આ વિસ્તારોમાં વન્ય પ્રાણીઓ ફરતા હોવાનું કહી ખેડૂતોને રાતના સ્થાને દિવસે વીજળી અપાય એવી ભલામણ કરતો જવાબ કર્યો હતો. અમે અમારા અભિપ્રાયમાં જણાવેલું કે આ વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના કારણે માનવવસતિમાં ભયનું વાતાવરણ છે."

આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર સાથે વાત કરવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.