શંભુ બૉર્ડર પર ઈજાગ્રસ્ત ખેડૂતોની સ્થિતિ : કોઈએ ગુમાવી આંખ, કોઈના તૂટ્યા પગ

    • લેેખક, ગગનદીપસિંહ જસ્સોવાલ
    • પદ, બીબીસી સંવાદદાતા

પંજાબ-હરિયાણાની શંભુ બૉર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ભાગ લેવા પહોંચેલા દવિંદરસિંહનું સ્વપ્ન હતું કે તેઓ પંજાબમાં સરકારી નોકરી કરશે.

દવિંદરના પરિવારજનો અનુસાર 13 ફેબ્રુઆરીના ખેડૂત આંદોલન દરમિયાન તેમની ડાબી આંખ પર ગંભીર ઈજા થવાને કારણે તેમની એક આંખ ખરાબ થઈ ગઈ.

22 વર્ષીય દવિંદરસિંહના મનજિતસિંહે કહ્યું કે તેમના પુત્રના ચહેરા પર પ્લાસ્ટિકની ગોળી અને ટિયરગૅસના સેલ વાગવાને કારણે કથિતપણે તેઓ ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા હતા.

તે બાદ દવિંદરને પટિયાલા જિલ્લાની સ્થાનિક સિવિલ હૉસ્પિટલ ખસેડાયા. બાદમાં તેમને ચંડીગઢના સૅક્ટર 32 સ્થિત સરકારી મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં રેફર કરાયા.

પંજાબના પટિયાલા જિલ્લાના શેખુપુરા ગામના મનજિતસિંહે બીબીસી ન્યૂઝને જણાવ્યું કે દવિંદરની 15 ફેબ્રુઆરીના રોજ સર્જરી થઈ અને તેમની ડાબી આંખ કાઢી લેવી પડી.

તેમણે ભાવુક થઈને કહ્યું, “મારો દીકરો વિદેશ ન ગયો, કારણ કે એ પંજાબમાં જ રહેવા માગતો હતો અને ખેતીની સાથોસાથ સરકારી નોકરી માટેની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.”

તેમનું કહેવું છે કે દવિંદરે વર્ષ 2020-21 દરમિયાન અગાઉના ખેડૂત આંદોલનમાં પણ સક્રિયપણે ભાગ લીધો હતો.

તેમણે જણાવ્યું, “મારા દીકરાના ચહેરા પર પ્લાસ્ટિકની ગોળી વાગી, જેના કારણે તેની ડાબી આંખ પર ગંભીર ઈજા થઈ.”

મનજિતસિંહ કહે છે કે, “અમે પંજાબ સરકારને વિનંતી કરીએ છીએ કે દવિંદરને સહાય કરાય, કારણ કે તેના ભવિષ્ય માટેની આશા ઝાંખી થઈ ગઈ છે.”

પંજાબના સ્વાસ્થ્યમંત્રી ડૉ. બલબીરસિંહે મીડિયાને જણાવ્યું કે, “ઓછામાં ઓછા ત્રણ ખેડૂતોએ પોતાની આંખની રોશની ગુમાવી છે, તે પૈકી એકને ચંડીગઢના સૅક્ટર 32ના સરકારી હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.”

તેમણે કહ્યું, “અમે એમની તપાસ કરી, પરંતુ તેમની આંખ ન બચાવી શકાઈ.”

15 ફેબ્રુઆરીના રોજ 74 ખેડૂતો ઈજાગ્રસ્ત થયા

પટિયાલાના ડેપ્યુટી કમિશનર શોકત અહમદ પરેએ બીબીસી ન્યૂઝને જણાવ્યું કે 15 ફેબ્રુઆરી સુધી લગભગ 74 ખેડૂતો ઈજાગ્રસ્ત થયા હતા, જે પૈકી 10-12ને ગંભીર ઈજા થઈ હતી.

તેમણે આગળ જણાવ્યું કે ઈજાગ્રસ્તોની સારવાર રાજપુરા સિટી સિવિલ હૉસ્પિટલ અને પટિયાલાની સરકારી રાજિંદરા હૉસ્પિટલમાં થઈ રહ્યું છે.

જ્યારે 15 ફેબ્રુઆરીની બપોરે બીબીસીએ રાજપુરાની સિવિલ હૉસ્પિટલની મુલાકાત લીધો તો ઇમર્જન્સી વૉર્ડ ઈજાગ્રસ્ત ખેડૂતોથી ભરાયેલું જોવા મળ્યું અને ડૉક્ટર તેમના ઇલાજમાં વ્યસ્ત જોવા મળ્યા. તે પૈકી મોટા ભાગનાને સામાન્ય ઈજા થઈ હતી.

ખેડૂતોના પ્રદર્શન દરમિયાન ગંભીરપણે ઈજાગ્રસ્ત ખેડૂતોની સરકારી રાજિંદરા હૉસ્પિટલના ઇમર્જન્સી વૉર્ડમાં ઇલાજ ચાલી રહ્યો છે. તેમના પરિવારજનો અને ખેડૂત સંગઠનોના કાર્યકર્તા ઈજાગ્રસ્તોની દેખભાળ કરી રહ્યા હતા. જ્યારે તેમના પરિવારના સભ્યો તણાવગ્રસ્ત અને થોડા ઘણા અંશે ચિંતિત હતા.

પંજાબના હજારો ખેડૂતો, મુખ્યત્વે ભારતીય કિસાન યુનિયન (સિદ્ધુપુર) અને કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના નેતૃત્વમાં પંજાબ અને હરિયાણાની સીમા પર પટિયાલા જિલ્લામાં આવેલી શંભુ બૉર્ડર અને સંગરુર જિલ્લાની ખનૌરી બૉર્ડર પર ઉગ્ર વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.

ખેડૂત યુનિયનના આ જૂથે 13 ફેબ્રુઆરીના રોજ ‘દિલ્હી ચલો’નું આહ્વાન કરાયું હતું, પરંતુ હરિયાણાએ પંજાબ રાજ્ય સાથે જોડાયેલી પોતાની બૉર્ડર સીલ કરી દીધી અને પોલીસ-અર્ધસૈનિક બળોને ભારે પ્રમાણમાં સ્થળ પર ગોઠવી દેવાયાં.

જ્યારે 13 અને 14 ફેબ્રુઆરીના રોજ ખેડૂત હરિયાણા દ્વારા લગાવાયેલા બૅરિકેડ હઠાવવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે તેમના પર હરિયાણા પોલીસ દ્વારા કથિતપણે ટિયરગૅસ સેલ અને પેલેટ ફાયર કર્યા.

‘સાજો થઈને હડતાળ કરીશ’

પંજાબના ફરીદકોટ જિલ્લાના ધનિવાલ ગામના રહેવાસી બલવિંદરસિંહ 13 ફેબ્રુઆરીની ખનૌરી બૉર્ડર પર ઈજાગ્રસ્ત થયા હતા. તેમના શરીરના ઉપરના ભાગે પેલેટ ગોળીઓનાં નિશાન જોઈ શકાય છે.

બલવિંદરસિંહે કહ્યું, “અમે 13 ફેબ્રુઆરીના રોજ યુવાનોને હરિયાણાની બૅરિકેડિંગ તરફ જવાથી રોકી રહ્યા હતા, ત્યારે જ અચાનક હરિયાણા પોલીસે અમારા પર ટિયરગૅસના સેલ અને પેલેટ ગોળીઓ ચલાવી, જે મારા શરીરે વાગી.”

તેમણે આગળ કહ્યું, “અમે પંજાબ અને હરિયાણાની બૉર્ડરે શાંતિથી ઊભા હતા છતાં હરિયાણા પોલીસે અમારા પર પેલેટ ગોળીઓ ચલાવી. તે બાદ મને સ્થળ પર જ પ્રાથમિક ઉપચાર આપ્યા બાદ સ્થાનિક હૉસ્પિટલે લઈ જવાયો, જ્યાંથી પટિયાલાની રાજિંદરા હૉસ્પિટલ રેફર કરાયો.”

બલવિંદરસિંહ પોતાની જાતને એક નાના ખેડૂત ગણાવે છે, તેઓ કહે છે કે, “ભલે હું મરી કેમ ન જઉં, હું અહીંથી ખેડૂત આંદોલન પર જઈશ.”

તેમણે કહ્યું, “અમે સ્વામીનાથન કમિશનનો રિપોર્ટ લાગુ કરવા માટે લડી રહ્યા છે.”

બલવિંદરસિંહે કહ્યું, “જ્યારે દેશને જરૂર હતી ત્યારે ખેડૂતોએ દેશના અનાજ ભંડાર ભરી દીધા અને હવે અમે સરકાર માટે આતંકવાદી બની ગયા છીએ.”

બલવિંદર સિવાય પટિયાલા જિલ્લાના અરનુ ગામના વિક્રમજિતસિંહ પણ ખેડૂત આંદોલનમાં ભાગ લેવા ખનૌરી બૉર્ડરે ગયા હતા. હરિયાણા પોલીસ દ્વારા છોડાયેલા ટિયરગૅસ સેલથી તેમના ડાબા પગે ફ્રૅક્ચર થઈ ગયું.

વિક્રમજિતસિંહના બનેવી અંગ્રેજસિંહે બીબીસી ન્યૂઝને જણાવ્યું કે બિક્રમજિત પાસે ત્રણ એકર જમીન છે અને તેઓ 2020ના ખેડૂત પ્રદર્શન બાદ પણ ભારતીય કિસાન યુનિયન (ક્રાંતિકારી)ના સક્રિય સભ્ય હતા.

અંગ્રેજસિંહે કહ્યું કે વિક્રમ ખનૌરી બૉર્ડર પર ઊભા હતા, જ્યાં ટિયરગૅસ સેલ તેમના પગે વાગ્યો, જે બાદ તેમને રાજિંદરા હૉસ્પિટલ લઈ જવાયા, જ્યાં 15 ફેબ્રુઆરીના રોજ તેમની સર્જરી થઈ છે.

વિક્રમજિતસિંહ હૉસ્પિટલની પથારી પરથી જ સતત ખેડૂતોનાં ધરણાંની તાજા જાણકારી મેળવવા માટે ફોન કરી રહ્યા હતા. અંગ્રેજસિંહે જણાવ્યું કે વિક્રમજિતસિંહ સાજા થયા બાદ ફરી એક વખત ધરણાંમાં ભાગ લેવાની વાત કરી રહ્યા છે.

રાજિંદરા હૉસ્પિટલના ઑર્થોપેડિક્સના પ્રમુખ ડૉ. ગિરીશ સાહનીએ બીબીસી ન્યૂઝને જણાવ્યું કે વિક્રમજિતસિંહનો ડાબો પગ સંપૂર્ણપણે ફ્રૅક્ચર થઈ ગયો હતો અને તેમનું ઑપરેશન કરીને તેમના પગમાં ઇટરલૉક રૉડ નાખવામાં આવી છે.

તેમણે આગળ કહ્યું કે વિક્રમજિતસિંહને સંપૂર્ણપણે સાજા થવામાં ચાર અઠવાડિયાંનો સમય લાગશે અને તેમને જલદી જ હૉસ્પિટલમાંથી રજા આપી દેવાશે.

પંજાબ વિધાનસભા સ્પીકરે શું કહ્યું?

પંજાબ વિધાનસભાના સ્પીકર કુલતારસિંહ સાંધવાંએ પણ પટિયાલાની રાજિંદરા હૉસ્પિટલની મુલાકાત લીધી અને ઈજાગ્રસ્ત ખેડૂતોનાં ખબર-અંતર પૂછ્યાં.

પત્રકારો સાથેની વાતચીતમાં કુલતારસિંહ સાંધવાંએ કહ્યું કે કેન્દ્ર સરકાર સ્વામીનાથન કમિશનનો રિપોર્ટ લાગુ કરવાના પોતાનો વાયદો પૂરો નથી કરી રહી.

તેમણે કહ્યું, “અમે આખા દેશના ખેડૂતો માટે લડી રહ્યા છીએ, કારણ કે પંજાબના ખેડૂતોને પહેલાંથી જ ન્યૂનતમ સમર્થન મૂલ્ય મળી રહ્યું છે, પરંતુ અમે સમગ્ર દેશના ખેડૂતોને મજબૂત કરવા માગીએ છીએ.”

તેમણે કહ્યું કે ખેડૂતોની તમામ માગો વાજબી છે અને એ જલદી જ પૂરી થવી જોઈએ. તેમણે પંજાબના ખેડૂતોને બૉર્ડર પર રોકવાની હરિયાણા સરકારની કાર્યવાહીની ટીકા કરી.

કેન્દ્રીય કૅબિનેટ મંત્રી પીયૂષ ગોયલના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના મંત્રી સમાધાન માટે ખેડૂત આગેવાનો સાથે વાત કરી રહ્યા છે.

ખેડૂત આગેવાનો સાથે સાથે તેમની આગામી બેઠક રવિવારે ચંદીગઢ ખાતે થશે. એ પહેલાં કેન્દ્રીય મંત્રી અને ખેડૂત આગેવાનો સાથે થયેલી બેઠકનું કોઈ પરિણામ નહોતું આવી શક્યું.