સબમરીન કેવી રીતે ટાઇટેનિક બતાવે છે, દરિયામાં યાત્રા કરી ચૂકેલા યૂટ્યૂબરનો અનુભવ કેવો રહ્યો?

    • લેેખક, ફેલિપ લમ્બિયાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

ટાઇટેનિકના અવશેષો પોતાની આંખોથી જોવા માટે સમુદ્રના ઊંડાણમાં 4 હજાર મીટર સુધી અંદર ડૂબકી લગાવવું કંઈક એવું છે, જે અત્યાર સુધી ઘણા ઓછા લોકોએ કર્યું છે.

ગત રવિવારે ટાઇટેનિક બતાવતી સબમરિન પાંચ લોકો સાથે ગાયબ થઈ ગઈ.

બે વર્ષ પહેલાં મૅક્સિકન યૂટ્યૂબર અને અભિનેતા એલન એસ્ત્રાદાને ટાઇટેનિક બતાવતી આ સબમરીનનું આકર્ષણ થયું હતું.

એલને પોતાની યૂટ્યૂબ ચેનલ ‘એલન અરાઉન્ડ ધ વર્લ્ડ’ માટે જાણીતા છે.

એલન એસ્ત્રાદાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, “આ યાત્રામાં સામેલ તમામ લોકો એ વાતથી સારી રીતે વાકેફ હતા કે અમે કેવું જોખમ લઈ રહ્યા છીએ.”

તેમણે કહ્યું, “મેં ક્યારેય અસુરક્ષા નહોતી અનુભવી. મને જોખમ વિશે સંપૂર્ણ જાણકારી હતી. મને જાણકારી હતી કે જો કંઈક થયું અને અંદર ઊંડાણમાં જઈને સબમરીનને નુકસાન થાય છે, તો કદાચ અમને ખબર પણ ન પડી હોત.”

એલનને સમુદ્રની અંદર આ પ્રકારની યાત્રાઓ વિશે કોરોના મહામારી વિશે જાણકારી મળી હતી.

એ દરમિયાન એલન પોતાના યૂટ્યૂબ ચેનલ પોતાની સીમાથી બહાર લઈ જઈ કંઈક નવું કરવાની કોશિશમાં હતા.

તેમણે સબમરીનની યાત્રા વિશે રિસર્ચ કરી અને પોતાના માટે સ્પોન્સર્સ તૈયાર કર્યા.

પછી વર્ષ 2021માં જ્યારે એલને યાત્રા માટે અરજી કરી તો એ દરમિયાન તેમણે એક કરોડ રૂપિયા ચૂકવ્યા જે સામાન્ય કરતા બેગણા છે. જુલાઈ 2021માં તેમનો પ્રથમ પ્રયાસ અસફળ રહ્યો.

તેઓ ત્રણ અન્ય યાત્રીએ અને પાઇલટ સ્ટૉકટન રશ (ઑશનગેટ કંપનીના અધ્યક્ષ અને સબમરીનના નિર્માતા) સાથે ટાઇટન પર ઊતર્યાં પરંતુ તકનિકી સમસ્યાઓના કારણે તેમણે યાત્રા શરૂ થયા પછી થોડા જ સમય બાદ સપાટી પર પરત ફરવું પડ્યું હતું.

એક વર્ષ પછી તેઓ બીજા ચાલકદળ અને યાત્રીઓ સાથે રવાના થયા. આ વખતે એલનની યાત્રા સફળ રહી.

પરંતુ યાત્રા પહેલાં તેમણે એક દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવા પડ્યા હતા.

એમાં લખ્યું હતું કે એટલાન્ટિક મહાસાગરના તળમાં ટાઈટન સબમરીન જેવા પ્રયોગ દરમિયાન યાત્રામાં સામેલ જોખમો માટે યાત્રી ખુદ જવાબદાર છે.

એસ્ત્રાદા કહે છે, “તમે એ બધી જ બાબતોને ધ્યાનથી વાંચો છો જે ઘટી શકે છે. પરંતુ વિમાનમાં સફર કરવી પણ એક જોખમ જ છે. આ વારંવાર સાંભળવા મળેલ વાત લાગે છે પરંતુ જીવન એક જોખમ જ છે. પરંતુ અંતમાં જે લોકો એને સફળતાપૂર્વક પૂરું કર્યું, તેમનું કહેવું હતું કે જોખમની સામે ડૂબેલા ટાઇટેનિકને જોવું એક સુખદ છે.”

તેમનું કહેવું છે, “આ ઘણાં કારણોને લીધે શાનદાર છે. એ વાત કે બહુ ઓછા લોકો આટલા ઊંડાણ સુધી ગયા છે, છતાં એ ડૂબેલા જહાજને જોવું ખાસ છે. તમારી સામે એક એવી તસવીર છે જેને તમે ફિલ્મો અને ડૉક્યૂમેન્ટરીમાં કેટલીય વાર જોઈ ચૂક્યા છે.”

ટાઈટન સબમરીનની સવારી કેવી હોય છે?

એલન એસ્રાદા જણાવે છે કે સબમરીનમાં યાત્રાની શરૂઆત કરતા એવું લાગે છે કે જેમ કોઈ રૉકેટ લૉન્ચ થઈ રહ્યું હોય.

એલન કહે છે, “સાચું કહું તો સબમરીનની યાત્રા કંઈ ખાસ નથી. તમે એક કૅપ્સ્યૂલની અંદર છો, જે ક્લૉસ્ટ્રોફોબિયાવાળી કોઈ પણ વ્યક્તિ માટે અલકલ્પનીય છે, પરંતુ એનાથી વધુ કંઈ નથી. ટાઇટેનિક જહાજની તબાહી સામે હોવું સૌથી પ્રભાવશાળી છે.”

કાર્બન ફાઇબર અને ટાઇટેનિયમથી બનેલી સબમરીનમાં ચાલવા-ફરવા માટે વધારે જગ્યા નથી.

તે 6.7 મીટર લાંબી, 2.8 મીટર પહોળી અને 2.5 મીટર ઊંચી છે.

સાથે જ તેમાં 5 લોકો માટે 96 કલાકનો ઓક્સિજન છે. યાત્રામાં કુલ 8 કલાક લાગે છે.

સમુદ્રમાં 4 હજાર મીટર જવા માટે 2 કલાક, ટાઇટેનિકને જોવા માટે 4 કલાક અને પછી પરત આવવામાં 2 કલાક લાગે છે.

સબમરીનમાં અંદર રહેવા દરમિયાન એલન એને કંટ્રોલ કરવામાં સક્ષમ હતા.

તેને એક વાયરલેસ વીડિયો ગેમ કંટ્રોલરની જેમ દેખાતા ડિવાઇસથી કંટ્રોલ કરવામાં આવે છે.

એલન જણાવે છે, “સબમરીનને કંટ્રોલ કરવી સરળ છે. તેને આગળ, પાછળ, ઉપર નીચે ફેરવી શકાય છે. એ અંધારી જગ્યામાં કૉમ્યુનિકેશન અને નેવિગેશન સિસ્ટમની મદદથી ટાઇટેનિકના અવશેષો સુધી પહોંચવું મુશ્કેલ છે.”

પોતાની યાત્રા દરમિયાન એલને ડૂબેલા જહાજ સુધી પહોંચવાની રાહમાં ટાઇટેનિક ફિલ્મનો એક ભાગ પણ જોયો હતો, જેવું તેમના એક વીડિયોમાં બતાવ્યું હતું.

સબમરીનને અંદરથી નથી ખોલી શકાતી. તેને કેટલાક ખાસ ઉપકરણોની મદદથી બહારથી જ ખોલી શકાય છે.

એટલે યાત્રી વગર કોઈ મદદે બહાર નહીં નીકળી શકે.

એલન એસ્ત્રાદા, “તેઓ કંઈ બીજું નથી કરી શકતા. માત્ર બચાવની પ્રતીક્ષા કરે. મને લાગે છે કે તેઓ સતત સંપર્ક સાધવાની કોશિશ કરી રહ્યા હશે.”

‘ધનિકોનો શોખ’ અને વૈજ્ઞાનિક શોધ

એલનનું કહેવું છે કે તેઓ જાણે છે કે આ પ્રકારની યાત્રાઓ ઘણી વિવાદાસ્પદ હોય છે, કેમ કે આવી યાત્રાઓમાં મોટી રકમ ખર્ચાતી હોય છે.

એલન અનુસાર, “કેટલાક લોકો આવી યાત્રાઓને હળવાશમાં લે છે જેમ કે ધનિકો માટે એ ખેલ છે. પરંતુ મારું માનવું છે કે અને હું જે વૈજ્ઞાનિકોને મળ્યો છું, તેમની વાત માનીએ તો આ રીતે સમુદ્રના ઊંડાણમાં શોધ ચાલુ રાખી શકાય છે, કેમ કે આ કંઈક એવું છે જે ઘણું ખર્ચાળ છે.”

જાણીતા યૂટ્યૂબર એલન એસ્ત્રાદાને આશા છે કે બચાવદળ સબમરીનમાં સવાર યાત્રીઓને શોધી લેશે અને “અંતમાં આ માત્ર એક કાળો અધ્યાય છે જેનાથી ઘણું શીખી શકાય છે.”