You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત: આર્સેલર મિત્તલના પ્લાન્ટમાં દાઝી જવાથી ચાર કામદારોનાં મૃત્યુ, જાણો સમગ્ર ઘટનાક્રમ
સુરત નજીક હજીરામાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (એએમએનએસ)ના પ્લાન્ટમાં વિસ્ફોટમાં ચાર લોકોનાં મોત થયાં પછી મૃતકોના પરિવારજનો પરેશાન છે અને ઘટનાના 18 કલાક કરતાં વધુ સમય પછી પણ કંપની જરૂરી માહિતી નથી આપતી તેવો સ્વજનોનો આરોપ છે.
મંગળવારે સાંજે આર્સેલર મિત્તલના પ્લાન્ટમાં ધડાકા સાથે આગ લાગ્યા પછી ચાર કામદારો માર્યા ગયા હતા, જેઓ કૉન્ટ્રાક્ટ પર કામ કરતા હતા.
મૃતકોની હાલત ઓળખી ન શકાય તેવી હતી તેથી ઓળખની પુષ્ટિ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.
હજીરા એમએમએસ કંપનીમાં કૉરેક્સ-ટુ પ્લાન્ટમાં રૉ મટીરિયલની ટ્યૂબ ફાટી જવાના કારણે તેમાંથી અત્યંત ગરમ રૉ મટીરિયલ બહાર આવી ગયું હતું, જેની ઝપેટમાં આવવાથી લિફ્ટમાં જઈ રહેલાં ચાર કર્મચારીઓનાં મૃત્યુ થયાં છે.
મૃતકોનાં નામ જિજ્ઞેશ દિલીપકુમાર (રહેવાસી અડાજણ, સુરત), ધવલકુમાર નરેશભાઈ (જવાહર ફળિયું, વ્યારા), સંદીપકુમાર અશોકભાઈ પટેલ (મહુવા, કોદાદા, સુરત) અને ગણેશ સુરજબુદ (સેગાવ ભુડાણા) હોવાનું જાણવા મળે છે.
આ તમામના મૃતદેહો નવી સિવિલ હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે લઈ જવાયા હતા.
જીવલેણ વિસ્ફોટ અંગે પોલીસ અને કંપની શું કહે છે?
આ ઘટના વિશે સુરતના ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, "સુરતમાં હજીરામાં એએમએનએસ કંપનીમાં કોરેક્સ ટુ પ્લાન્ટની એક પાઇપલાઇનમાં રૉ મટીરિયલ અને કોલસાનું એકસાથે વહન થઈ રહ્યું હતું."
"તેનું તાપમાન ઘણું ઊંચું હોય છે. તેમાં બ્લાસ્ટ થયો અને લિફ્ટમાં રહેલા ચારેય કામદારોનું તાત્કાલિક મૃત્યુ થયું હતું. તેમને હૉસ્પિટલે રિફર કરવામાં આવ્યા હતા. અમે તેમની ઓળખાણ માટે તે સમયે ડ્યૂટી પર હાજર લોકોની યાદી મગાવી, તો તેમાં ચાર લોકો મિસિંગ હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"હવે મૃતકોની યોગ્ય ઓળખ માટે તેમના ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. ઘટના જ્યાં બની તે સ્થળને જેમનું તેમ જાળવી રાખવા માટે ત્યાં ગાર્ડ રાખવામાં આવ્યા છે. અમે સૅફ્ટી રૅગ્યુલેશનના ઍક્સપર્ટને બોલવીને આગળની કાર્યવાહી કરવામાં આવશે."
કંપનીએ જણાવ્યું કે આગની ઘટના પછી તરત ઇમજન્સી પ્રોટોકૉલ લાગુ કરીને અસરગ્રસ્ત વિસ્તારને લેવામાં આવ્યો હતો.
કંપનીનું કહેવું છે કે તેણે તે સ્થાનિક સંબંધિત અધિકારીઓ સાથે મળીને કામ કરી રહી છે અને દુર્ઘટનાના કારણો અંગે આંતરિક તપાસ શરૂ કરી છે.
'કંપની તરફથી કોઈ સ્વજનોને મળવા નથી આવ્યું'
દરમિયાન સુરતની સિવિલ હૉસ્પિટલે આખી રાતથી કામદારોના સ્વજનો હાજર હતા.
જિજ્ઞેશ પારેખ નામના કામદારનાં બહેને બીબીસી ગુજરાતીને કહ્યું કે, "કંપની કે પોલીસ તરફથી અમને કોઈ જવાબ નથી મળ્યો. મારા ભાઈ પરિણીત છે અને ગઈ કાલે સવારે ઘરેથી નીકળ્યા હતા પરંતુ હજુ સુધી તેમની કોઈ માહિતી નથી મળી. અમને તેમના કોઈ મિત્રે જણાવ્યું કે તમારા ભાઈ પ્લાન્ટમાં મિસિંગ છે અને તેઓ મૃત્યુ પામ્યા છે. પોલીસ પણ આખી રાતથી અમને ગોળગોળ ફેરવે છે."
મૃતકોના સ્વજનોની માગ છે કે કંપનીના ઉચ્ચ અધિકારીઓ આવીને તેમની સાથે વાત કરે અને તેમને ન્યાય મળે.
લક્ષ્મણ વાઘ નામની એક વ્યક્તિએ મીડિયાને કહ્યું કે તેઓ નાસિકથી આવ્યા છે અને તેમના જમાઈના નાના ભાઈનું આર્સેલર મિત્તલના પ્લાન્ટમાં મૃત્યુ થયું છે. કંપનીના એચઆરે હૉસ્પિટલે મળવાની વાત કરી હતી અને અમને આખી રાત બેસાડી રાખ્યા, પરંતુ હજુ કોઈ આવ્યું નથી.
સ્વજનોએ જણાવ્યું કે ગઈ કાલે સાંજે 6 વાગ્યાની આસપાસ ઘટના બની હોવા છતાં બુધવારે સવારે 11.30 વાગ્યા સુધી કંપનીની જવાબદાર વ્યક્તિ સિવિલ હૉસ્પિટલે આવી નહોતી.
વિવેક પટેલ નામના એક સ્વજને બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "સ્ટીલને પીગાળતા બૉઇલરમાં બ્લાસ્ટ થવાથી લિફ્ટમાં કામ કરતા મારા બે સંબંધી અને બીજા બે છોકરાનાં કરુણ મોત થયાં છે. કંપનીના પ્લાન્ટ હેડ કે કોઈ જવાબદાર વ્યક્તિ હજુ નથી આવી. અમે આખી રાતથી સિવિલ હૉસ્પિટલે ઊભા છીએ. કંપનીએ કહ્યું કે મૃતકોને ઍમ્બ્યુલન્સમાં સિવિલ હૉસ્પિટલે મોકલી દેવાયા છે. અહીં અમને કોઈ મદદ નથી મળી."
કંપનીને મેનપાવર સપ્લાય કરનાર શ્રીજિત નામની વ્યક્તિએ કહ્યું કે, "ચારેય કર્મચારી મારા હતા. અમને સાંજે ખબર પડી કે આવી દુર્ઘટના થઈ છે અને કોઈનો ફોન નથી લાગતો. અમે કંપનીએ પહોંચ્યા તો ઘટના જાણવા મળી. અમે ગઈ કાલથી રાહ જોઈએ છીએ, પણ સિવિલ હૉસ્પિટલમાં કંપનીના કોઈ જવાબદાર માણસ હાજર નથી. અમે આઈપીએસ અધિકારી સાથે વાત કરી તો તેમણે કહ્યું કે કંપનીના લોકો સવારે આવશે."
આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા અને હજીરા
AM/NS (આર્સેલર મિત્તલ ઍન્ડ નિપ્પોન સ્ટીલ) ઇન્ડિયા એ વિશ્વની અગ્રણી સ્ટીલ કંપનીઓ આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેનું સંયુક્ત સાહસ છે જેની રચના 2019માં એસ્સાર સ્ટીલને હસ્તગત કર્યા પછી થઈ હતી.
આ કંપની ફ્લેટ સ્ટીલ ઉત્પાદક છે જેમાં આયર્ન ઓરથી લઈને રેડી-ટુ માર્કેટ પ્રોડક્ટ બનાવવામાં આવે છે.
કંપનીની વેબસાઇટ પર જણાવાયા પ્રમાણે તે 1.6 લાખ કરતાં વધુ લોકોને રોજગારી આપે છે તથા 2070 સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનવાના ભારતના લક્ષ્યને સુસંગત રહીને કામ કરી રહી છે.
હજીરા એ ગુજરાતમાં સૌથી વધુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગણવામાં આવે છે અને અહીં ઑઇલ, ગૅસ, ફર્ટિલાઇઝર, કેમિકલ્સ અને વીજ ઉત્પાદન સાથે સંકળાયેલી કંપનીઓની હાજરી છે.
આર્સેલર નિપ્પોન એસ્સાર સ્ટીલના સૌથી મોટા પ્લાન્ટમાં હજીરાનો સમાવેશ થાય છે અને 2029 સુધીમાં તે તેની ઉત્પાદન ક્ષમતા રેકૉર્ડ લેવલે પહોંચાડશે એવી કંપનીએ જાહેરાત કરેલી છે.
આર્સેલર મિત્તલના ચૅરમૅન લક્ષ્મી મિત્તલે 2024ની વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જણાવ્યું હતું કે હજીરાને સૌથી મોટી ઉત્પાદન સાઇટ બનાવશે. હજીરામાં લાર્સન ઍન્ડ ટુબ્રો, એનટીપીસી, ઓએનજીસી, ગેઈલ, આઈઓસી, એચપીસીએલ, બીપીસીએલ સહિતની કંપનીઓ હાજરી ધરાવે છે.
હજીરામાં ડીપ-વોટર એલએનજી ટર્મિનલ પણ આવેલું છે જેના કારણે તેનું વ્યૂહાત્મક મહત્ત્વ વધી જાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન