અમેરિકામાં ખતરનાક જંગલ પાર કરીને લોકો ઘૂસે છે એ રસ્તો બંધ થશે તો શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અલેજાન્દ્રો મિલાન વેલેન્શિયા
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
દુનિયાના કેટલાય દેશોમાંથી અમેરિકા અને પશ્ચિમી દેશોમાં પ્રવેશ માટે લાખો લોકો ગરકાયદેસર રીતે ખતરનાક રસ્તાઓ પરથી પસાર થતા હોય છે.
પનામા અને કોલંબિયા વચ્ચેની સરહદ પર આવેલો ડેરિન પ્રદેશ તાજેતરનાં વર્ષોમાં આવા જ લોકો માટે વિશ્વના સૌથી જટિલ અને ખતરનાક રસ્તાઓ પૈકીનો એક બની ગયો છે.
અમેરિકામાં ઘૂસવાનો આ રસ્તો બંધ કરવાની વાત આજકાલ ચાલી રહી છે. જો એ બંધ થશે ત્યારે શું થશે?
સંયુક્ત રાષ્ટ્ર સંઘની માઇગ્રેશન ઑફિસના જણાવ્યા અનુસાર, 2024માં અત્યાર સુધીમાં જ આ ગાઢ તથા ભેદી જંગલના માર્ગે લગભગ 1.20 લાખ લોકો અમેરિકા તરફ જતા જોવા મળ્યા છે. તેમાં ઘણા વૃદ્ધો અને સગીરોનો સમાવેશ થાય છે.
જંગલમાં પડતી મુશ્કેલીઓને લીધે માત્ર 2023માં જ 34 માઇગ્રન્ટ્સ લોકો મૃત્યુ પામ્યા હોવાનો પણ અંદાજ છે.
પનામાના નવા ચૂંટાયેલા પ્રમુખ રાઉલ મુલિનો માને છે કે આ પરિસ્થિતિ બદલવી જોઈએ. તેઓ દેશના આ પ્રદેશમાંથી માઇગ્રન્ટ્સના પસાર થવાનું બંધ કરવાના વચન સાથે ચૂંટણી લડ્યા હતા.
મધ્ય એપ્રિલમાં ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે કહ્યું હતું, "અમે ડેરિયન પાસ બંધ કરી દઈશું અને માનવ અધિકારનો આદર કરીને તમામ લોકોને પાછા મોકલી આપીશું."
તેમણે ઉમેર્યું હતું, "અમેરિકાની સરહદ ટૅક્સાસમાં હોવાને બદલે પનામા તરફ છે. તેથી આપણે અમેરિકા, કોલંબિયા તથા પનામા સાથે મળીને ત્રિપક્ષી કામ કરવાનું છે. તેમણે સમજવું પડશે કે પનામા ઇમિગ્રન્ટ્સ માટેનો ટ્રાન્ઝિટ દેશ નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ અઠવાડિયે તેમણે આ મુદ્દો ફરી છેડ્યો હતો. ચૂંટાયેલા પ્રમુખ તરીકે તેમને પ્રમાણિત કરતા ઓળખપત્રો રજૂ કરવાના સમારંભ દરમિયાન મુલિનોએ જંગલમાંના બૉર્ડર ક્રૉસિંગને બંધ કરવાની તેમની ઇચ્છાનો પુનરોચ્ચાર કર્યો હતો. મુલિનો અગાઉની સરકારમાં સુરક્ષામંત્રી હતા.
તેમણે કહ્યું હતું, "પનામા અને આપણું ડેરિયન એક કોઈ ટ્રાન્ઝિટ રૂટ નથી. તે આપણી સરહદ છે. તેથી ત્યાંના લોકો અને જેઓ ત્યાં આવવા ઇચ્છે છે તેમણે સમજી લેવું જોઈએ કે અહીં જે આવશે તેમને તેમના મૂળ દેશમાં પાછા મોકલી દેવાશે."
જોકે, પ્રચાર દરમિયાન તેમણે જે વચન આપ્યું હતું તેનું પાલન ધાર્યા કરતાં વધારે જટિલ હોઈ શકે છે.
બીબીસી મુંડોએ કેટલાક વિશ્લેષકોનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે "ડેરિયનને બંધ કરવાનો વિચાર માત્ર અવ્યવહારુ જ નથી, પરંતુ જીવના જોખમે દરરોજ જંગલ પાર કરતા હજારો લોકોના જીવન માટે જોખમી છે."
વૉશિંગ્ટનસ્થિત માઇગ્રેશન પૉલિસી ઇન્સ્ટિટ્યૂટ (એમઆઈપી)ના સિનિયર મૅનેજર ડિએગો ચાવેસ-ગોન્ઝાલેઝે બીબીસીને કહ્યું હતું, "હું આ દરખાસ્તને વ્યવહારુ ગણતો નથી, કારણ કે એક પૉઇન્ટ બંધ કરવામાં આવશે તો નવા ત્રણ પૉઇન્ટ્સ ખૂલી શકે છે, જ્યાં લોકોની ભીડ નથી, પરંતુ વધારે જોખમી છે."
તેમણે ઉમેર્યું હતું, "લેટિન અમેરિકામાં સ્થળાંતરના પ્રવાહના આપણા અનુભવને ધ્યાનમાં લેતાં આ રીતે સ્થળાંતર અટકાવવું તે ભૂલ હોઈ શકે છે. તેનાથી વિપરીત, આ પ્રક્રિયાને સુવિધાજનક બનાવતા સત્તાવાર પૉઇન્ટ્સ શરૂ કરવા જોઈએ.”
જંગલ બંધ કરો

ઇમેજ સ્રોત, Getty Images
પનામા ખાતેની સંયુક્ત રાષ્ટ્ર સંઘની માઇગ્રેશન એજન્સીના જણાવ્યા અનુસાર, 2023માં લગભગ પાંચ લાખ લોકોએ ડેરિયન પાસ પાર કર્યું હતું, જે એક વિક્રમ છે.
આ લોકો મુખ્યત્વે વેનેઝુએલા, કોલંબિયા, ઇક્વાડોર અથવા ચીનથી આવતા લોકો હતા, પરંતુ સત્ય એ છે કે 70 દેશોના હજારો લોકો રોજ આ ગાઢ જંગલ પાર કરે છે.
ઘણા લોકો તેમનાં સંતાનો સહિત પારિવારિક જૂથોમાં જાય છે. હકીકતમાં, સંયુક્ત રાષ્ટ્રસંઘે આ અઠવાડિયે જણાવ્યું હતું કે આ જંગલમાંથી મુસાફરી કરતા સગીરોની સંખ્યામાં આગલા વર્ષની સરખામણીએ 40 ટકા વધારો થયો છે.
ડેરિયન ગૅપ તરીકે પણ ઓળખાતો આ પ્રદેશ લગભગ 500 ચોરસ કિલોમીટર લાંબો છે. વચ્ચે ખંડને પાર કરતો પાન-અમેરિકન રૂટ આવે છે અને કોલંબિયાથી પનામા જવા માટે કોઈ માર્ગ ખુલ્લો નથી.
આ પ્રદેશના ભૂગોળને કારણે ડેરિયન ગૅપને માઇગ્રેશન રૂટ તરીકે બંધ કરવાના મુલિનોના પ્રસ્તાવને ઘણા લોકો અવ્યવહારુ માને છે.
પનામાસ્થિત સંયુક્ત રાષ્ટ્ર સંઘની માઇગ્રેશન ઑફિસના વડા જિયુસેપ લોપ્રેટેએ કહ્યું હતું, "તે એક બંધ જંગલ છે. તેમાં પ્રવેશવાનો કે નીકળવાનો કોઈ પૉઇન્ટ નથી અને લોકોનો પ્રવાહ એટલો મોટો છે કે તેનું પ્રમાણ એ વિસ્તારની સ્થાનિક વસ્તી કરતાં પણ વધુ છે."
લોપ્રેટેએ જણાવ્યું હતું કે ભૂતપૂર્વ પ્રમુખ લોરેન્ટિનો કોર્ટીઝોની પનામા સરકારે આવું કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વ્યાપને તાગવામાં નિષ્ફળતાને કારણે તેમણે ડેરિયનમાંના પૅસેજને ફરીથી અધિકૃત કરવો પડ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે કહ્યું હતું, "નવનિયુક્ત પ્રમુખની કોઈ ચોક્કસ યોજના અમારા ધ્યાનમાં આવી નથી. ડેરિયન સંબંધી કોઈ પણ પગલાં માટે મોટા પ્રમાણમાં સંસાધનોની જરૂર પડશે, એટલું જ નહીં આ ક્ષેત્રના અન્ય દેશો સાથે સંવાદ પણ કરવો પડશે."
જોકે, કેટલાક વિશ્લેષકો નવનિયુક્ત પ્રમુખની દરખાસ્તનો બચાવ કરે છે અથવા તેને સંપૂર્ણપણે નકારતા નથી.
પનામાના રાજકીય વિશ્લેષક રોડ્રિગો નોરિગા માને છે કે મુલિનો સરહદ સલામતી મુદ્દાઓના નિષ્ણાત છે અને તેમના પ્રસ્તાવને શાબ્દિક અર્થમાં જોવો જોઈએ નહીં. આ વાત સૌથી પહેલા ધ્યાનમાં રાખવી જોઈએ.
નોરીગાએ પનામાના અખબાર વોઝ ડે લાસ અમેરિકાસે કહ્યું હતું, "તેને ભૌતિક રીતે બંધ કરવાની જરૂર નથી. પોલીસ પહેરો ગોઠવીને કે કુદરતી અવરોધોનો ઉપયોગ કરીને અથવા ઇલેક્ટ્રોનિક મૉનિટરિંગ વ્યવસ્થા દ્વારા તેને બંધ કરી શકાય. સંખ્યાબંધ ઉપાય ઉપલબ્ધ છે."
નોરીગા માને છે કે નવનિર્વાચિત પ્રમુખના પ્રસ્તાવને પ્રાદેશિક સંવાદ શરૂ કરવાના વિચાર સાથે વધારે સંબંધ છે.
તેમણે ઉમેર્યું હતું, "આ સ્થળાંતર કરવા માગતા લોકો સાથેના વ્યવહાર સંબંધી આક્ષેપોથી નિરાશ થયેલા પનામાનું વધુ એક પ્રતિબિંબ છે. આ વલણ સ્થળાંતરકર્તાઓના સાતત્યસભર પ્રવાહ સંદર્ભે જવાબદાર પગલાં લેવાની હિમાયત કરતા અન્ય દેશો સાથે વાટાઘાટ શરૂ કરવાની તક આપે છે."
દેશનિકાલ

ઇમેજ સ્રોત, Getty Images
એ અર્થમાં નવનિયુક્ત પ્રમુખ તરફથી સાંભળવા મળેલી નક્કર વાત સ્થળાંતરકર્તાઓને સ્વદેશ પરત મોકલવાનો અથવા દેશનિકાલનો મુદ્દો છે.
લોપ્રેટેએ કહ્યું હતું,"વતનવાપસી બાબતે વાત કરતા પહેલાં એ દેશોની મંજૂરી મેળવવી જોઈએ, જ્યાં તમે આ લોકોને પાછા મોકલવાના છે. એ માત્ર કોલંબિયા કે ઇક્વાડોર જ નહીં, પરંતુ ચીન તથા આફ્રિકા જેવા દૂરના દેશો પણ છે. તેના વિના આવી જટિલ અને ખર્ચાળ પ્રક્રિયા વિશે વિચારવાનું શરૂ કરવું અશક્ય છે."
કોલંબિયાની ઍક્સટર્નાડો યુનિવર્સિટીમાં માઇગ્રેશન ઍબ્ઝર્વેટરીના સહ-નિદેશક ઈરેન કેબ્રેરાના જણાવ્યા મુજબ, ડેરિયનમાંના સ્થળાંતરકર્તાઓને પાછા સ્વદેશ મોકલવાનો સંભવિત ઉકેલ “એક સૌમ્યોક્તિ” છે.
બીબીસી સાથે વાત કરતાં કેબ્રેરાએ કહ્યું હતું, “યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે ત્યારે સરહદ પરથી લોકોને પાછા મોકલવાની અપીલોનો સામનો બહુ મુશ્કેલ છે. તેનું પાલન કરાવવા માટે પનામા સરકાર પાસે તેનાં તમામ સંસાધનો આ પ્રક્રિયા માટે કામે લગાડવાં પડશે.”
સેનાફ્રન્ટ પનામાની નેશનલ બૉર્ડર સર્વિસ છે. તે એ પ્રકારનું સશસ્ત્ર દળ છે, જે સરહદોને નિયંત્રિત કરે છે અને સ્થળાંતરકર્તાઓના પ્રવાહ સાથે કામ પાર પાડવા માટેની માઇગ્રેશન ઑફિસ છે.
કેબ્રેરાના કહેવા મુજબ, “આ દરખાસ્તમાં લોકપ્રિયતાનો ધ્વનિ છે. શક્ય હોય તે બધું પ્રાપ્ત કરી શકાતું નથી. આ દરખાસ્તની સાથે એક જોખમ પણ સંકળાયેલું છે. તેનાથી વિદેશી લોકો પ્રત્યેના દ્વેષમાં અને સ્થળાંતરકર્તાઓ પરના લાંછનમાં વધારો થશે. આ એક એવી બાબત છે, જે પહેલેથી જ અનિશ્ચિત પરિસ્થિતિને વધારે મુશ્કેલ બનાવશે.”
એ ઉપરાંત માઇગ્રેશનનો મુદ્દો ચૂંટણી ઝુંબેશ દરમિયાન આપેલા વચનને આધીન ન હોઈ શકે, એવી દલીલ પણ તેમણે કરી હતી.
તેમણે ઉમેર્યું હતું, “પનામામાં ચૂંટણી યોજાઈ ચૂકી છે અને આ વર્ષે અમેરિકા, મૅક્સિકો તથા વેનેઝુએલામાં યોજાવાની છે. એટલે કે આગામી થોડા મહિનામાં સમગ્ર પ્રદેશમાં ઇમિગ્રેશન નીતિ બદલાઈ શકે છે અને તેની મુખ્યત્વે સ્થળાંતરકર્તાઓને અસર થશે.”
લેટિન અમેરિકન અફેર્સ (વોલા) માટેની વૉશિંગ્ટન ઑફિસના પ્રમુખ કેરોલિના જિમેનેઝ માને છે કે રાઉલ મુલિનોની દરખાસ્તની સૌથી મોટી સમસ્યા એ છે કે તે સ્થળાંતરકર્તાઓના અધિકારોના વ્યવસ્થિત ઉલ્લંઘનના આક્ષેપમાં સપડાઈ શકે છે.
તેમણે કહ્યું હતું, “જંગલને બંધ કરી શકાતું નથી અને પ્રત્યાવર્તન દરખાસ્તને ધ્યાનમાં લેતાં સામૂહિક દેશનિકાલનું જોખમ છે, જે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાની વિરુદ્ધ છે. એ ઉપરાંત તેનાથી ડેરિયનની માઇગ્રેશન સમસ્યાનું નિરાકરણ થવાનું નથી.”
સંગઠિત ગુનાખોરી

ઇમેજ સ્રોત, Getty Images
ડેરિયન મારફતે સ્થળાંતરમાં છેલ્લાં પાંચ વર્ષમાં ઝડપથી વધારો થયો છે.
પહેલાં આ પ્રવાસમાં પાંચ-છ દિવસ લાગતા હતા, પરંતુ હવે જંગલમાંથી પસાર થતો માર્ગ ઊઘડ્યો હોવાને કારણે સ્થળાંતરકર્તાઓને ત્રણ દિવસ લાગે છે. જોકે, આ સમગ્ર પ્રવાસ ગુનાખોર સંગઠનોના નિયંત્રણ હેઠળ થાય છે. એ ટોળકીઓ સ્થળાંતરકર્તાઓનું શોષણ કરે છે.
લોપ્રેટે માને છે કે ડેરિયનને બંધ કરતા પહેલાં અથવા સ્થળાંતરકર્તાઓને તેમના દેશ પાછા મોકલવાની દરખાસ્તના અમલ પહેલાં ત્યાં કાર્યરત આવી ગુંડા ટોળકીઓ સામે લડવું જોઈએ.
તેમણે કહ્યું હતું, “આ પ્રદેશમાંનો સ્થળાંતરકર્તાઓનો પ્રવાહ આ ટોળકીઓ માટે આવકનો એક મોટો સ્રોત છે. આ માર્ગ બંધ કરવામાં આવશે કે સામૂહિક દેશનિકાલની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તો આ ટોળકીઓ અન્ય વૈકલ્પિક માર્ગ શોધી કાઢશે, જેથી તેમનો ધંધો ચાલતો રહે.”
કોઈ ચોક્કસ આંકડો ઉપલબ્ધ નથી, પરંતુ કોલંબિયા સરકારના અંદાજ મુજબ, આ વાર્ષિક ત્રણ કરોડ ડૉલરનું ટર્નઓવર ધરાવતો ધંધો છે.
અમેરિકન સરકારે ‘સેફ મોબિલિટી’ નામના કાર્યક્રમ માટે કોલંબિયા, ગ્વાટેમાલા, કોસ્ટા રિકા અને એક્વાડોર સાથેના કરાર પર તાજેતરમાં હસ્તાક્ષર કર્યા હતા.
સંયુક્ત રાષ્ટ્રસંઘના સમર્થનયુક્ત આ પહેલનો ઉદ્દેશ સ્થળાંતરકર્તાઓને વિવિધ દેશોમાંથી પસાર થતા અમેરિકા સુધીના તેમના રૂટ પર સલામતી પ્રદાન કરવાનો છે.
એમઆઈપીના ચાવેસ-ગોન્સાલેઝે કહ્યું હતું, “ડેરિયનમાં સ્થળાંતરની પરિસ્થિતિ સુધારવા માટે આ કાર્યક્રમ એક સારો વિકલ્પ છે. તેણે દર્શાવ્યું છે કે સત્તાવાર સર્વિસ પૉઇન્ટ્સના સર્જનથી પ્રાદેશિક પરિસ્થિતિ સુધારવામાં મદદ મળે છે.”
કેબ્રેરાના મતાનુસાર, પનામામાંથી પસાર થતા સ્થળાંતરકર્તાઓને ટ્રાન્ઝિટ વિઝા આપીને તેમની પરિસ્થિતિને નિયત કરવાનો સમાવેશ નિરાકરણમાં થાય છે.
તેમણે કહ્યું હતું, “સામાન્ય રીતે સરહદ પરનાં ગુનાખોર જૂથો દ્વારા નિયંત્રિત મધ્યસ્થીકારોને આ રીતે ટાળી શકાશે. આ સંદર્ભે પનામાની ભૂમિકા સ્થળાંતરકર્તાઓને એક સરહદ પરથી બીજી સરહદે પહોંચાડવા પૂરતી મર્યાદિત ન હોવી જોઈએ.”
કેબ્રેરાએ એમ પણ જણાવ્યું હતું કે મુલિનો દ્વારા પ્રસ્તાવિત નીતિઓ, સ્થળાંતર તથા સરહદો જેવા મુદ્દે અન્ય દેશો દ્વારા કરવામાં આવી રહેલા કામની વિરુદ્ધની છે.
તેમણે કહ્યું હતું, “અમેરિકા તેની દક્ષિણ સરહદ પરની સ્થળાંતરની સમસ્યાના નિરાકરણના અન્ય માર્ગો વધુ ખુલ્લા દૃષ્ટિકોણ સાથે શોધી રહ્યું છે. તે શરણાર્થીઓના, આંતરરાષ્ટ્રીય સુરક્ષા ઇચ્છતા અથવા ફક્ત સારા આર્થિક ભવિષ્યની શોધમાં હોય તેવા લોકોના કેસો પર વ્યક્તિગત ધોરણે ધ્યાન આપે છે.”












