લોથલમાં સંશોધન કરતી વખતે IIT દિલ્હીનાં મહિલા સંશોધકનું મોત કેવી રીતે થયું?

લોથલ આઈઆઈટી દિલ્હી

ઇમેજ સ્રોત, Ahmedabad Rural Police/Verma Family

ઇમેજ કૅપ્શન, લોથલમાં માટીની ભેખડ નીચે દટાઈ જવાથી આઈઆઈટી દિલ્હીનાં 23 વર્ષીય સુરભિ વર્માનું 27 નવેમ્બર, બુધવારે મૃત્યુ થયું હતું
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

અમદાવાદથી 75 કિમી દૂર આવેલા અને ભારતમાં હડપ્પાની પુરાતન સંસ્કૃતિના અવશેષોનું સ્થળ ગણાતા લોથલમાં માટીની ભેખડ નીચે દટાઈ જવાથી દેશની અગ્રણી એન્જિનિયરિંગ કૉલેજ આઈઆઈટી (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી) દિલ્હીનાં 23 વર્ષીય સુરભિ વર્માનું 27 નવેમ્બર, બુધવારે મૃત્યુ થયું હતું.

પીએચ.ડી.ની પદવી માટે સંશોધન કરી રહેલાં સુરભિ વર્માની સાથે તેમનાં પીએચડી ગાઇડ પ્રોફેસર યામા દીક્ષિત પણ ભેખડ પડવાથી દટાઈ ગયાં હતાં, પરંતુ તેમને સ્થાનિક લોકોએ પોલીસ સાથે મળીને બચાવી લીધાં હતાં.

તપાસમાં જાણવા મળ્યું છે કે, આ સંશોધકોએ તેમના સંશોધન માટે આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા પાસે લેવાની હોય તે જરૂરી મંજૂરીઓ મેળવી નહોતી.

લોથલમાં કેન્દ્ર સરકાર દ્વારા નૅશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ બનાવવાનું કામ પૂરઝડપમાં ચાલી રહ્યું છે તેવા સમયે એક સંશોધકનું આ રીતે મૃત્યુ થવાથી પુરાતત્ત્વશાસ્ત્રીઓ આઘાતમાં છે.

ભોગાવો નદીના કાંઠે આવેલું લોથલ પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિનું એક મોટું બંદર ધરાવતું નગર હોવાનું મનાય છે. હડપ્પીય સંસ્કૃતિને સિંધુ ખીણની સંસ્કૃતિ પણ કહેવાય છે.

લોથલ ખાતે લગભગ સાત હેક્ટરમાં ફેલાયેલા અવશેષો ઇસવી સન 2400થી ઇસવી સન 1600 એટલે કે લગભગ 4400 વર્ષ અગાઉની સંસ્કૃતિના સાક્ષી હોવાનું મનાય છે. જેને કારણે લોથલ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની કામચલાઉ યાદીમાં સ્થાન પામ્યું છે.

આ ઘટનામાં પુરાતત્ત્વીય સ્થળોએ સંશોધન માટે નિર્ધારિત કરેલી પ્રક્રિયાઓ (સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર - એસઓપી)નું પાલન થયું હતું કે નહીં તેની તપાસ ચાલી રહી છે.

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાઈને સમાચારો અને રસપ્રદ કહાણીઓ વાંચવા અહીં ક્લિક કરો
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાઈને સમાચારો અને રસપ્રદ કહાણીઓ વાંચવા અહીં ક્લિક કરો

બુધવારે લોથલમાં શું થયું, જેનાથી સુરભિ વર્માનું મૃત્યુ થયું

લોથલ, ઇતિહાસ સંશોધન, દિલ્હી, મહિલા સંશોધક, બીબીસી ગુજરાતી, ગુજરાત, હડપ્પા સંસ્કૃતિ

ઇમેજ સ્રોત, Ahmedabad Rural Police

ઇમેજ કૅપ્શન, પ્રો. દીક્ષિત અને સુરભિ સિંધુ ખીણની સંસ્કૃતિ પર આબોહવા પરિવર્તનની અસર પર સંશોધન કરી રહ્યાં હતાં

પોલીસના જણાવ્યા અનુસાર પ્રો. દીક્ષિત અને સુરભિ સિંધુ ખીણની સંસ્કૃતિ પર આબોહવા પરિવર્તનની અસર પર સંશોધન કરી રહ્યાં હતાં. આ સંશોધનના ભાગ રૂપે માટીના નમૂના લેવા તેઓ લોથલ આવ્યાં હતાં.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના પોલીસ અધીક્ષક ઓમપ્રકાશ જાટે કહ્યું, "લોથલમાં આવેલ સિંધુ ખીણની સંસ્કૃતિના રક્ષિત અવશેષોના વિસ્તારની નજીકની જમીનમાંથી આ સંશોધકોએ માટીના નમૂના લેવાનું નક્કી કર્યું હતું. બાજુમાં એક રોડ બનાવવાનું કામ ચાલે છે ત્યાં એક જેસીબી કામ કરી રહ્યું હતું. સંશોધકોએ જેસીબીના ડ્રાઇવરને વિનંતી કરી કે સંશોધનના કામ માટે એક ખાડો ખોદી આપો. તેથી જેસીબીના ડ્રાઇવરે રોડ નજીક એક ખાડો ખોદ્યો.”

તેમણે વધુમાં કહ્યું, “પ્રો. દીક્ષિત અને સુરભિ માટીના નમૂના લેવા માટે ખાડામાં ઊતર્યાં હતાં. તેઓ જ્યારે ખાડામાં હતાં ત્યારે ખાડામાં પાણી ભરાવા લાગ્યું અને સવારે લગભગ 10:50 વાગ્યે ભેખડ ધસી પડતાં બંને સંશોધકો માટીમાં દબાઈ ગયાં હતાં. સ્થાનિક લોકો અને કોઠ પોલીસ સ્ટેશનના અમારા સ્ટાફે પ્રો. દીક્ષિતને બચાવી લીધાં, પણ સુરભિને માટીમાંથી બહાર કાઢ્યા ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું."

લોથલ, ઇતિહાસ સંશોધન, દિલ્હી, મહિલા સંશોધક, બીબીસી ગુજરાતી, ગુજરાત, હડપ્પા સંસ્કૃતિ

ઇમેજ સ્રોત, Ahmedabad Rural Police

ઇમેજ કૅપ્શન, પ્રો. દીક્ષિત અને સુરભિ માટીના નમૂના લેવા માટે ખાડામાં ઊતર્યાં હતાં. તેઓ જયારે ખાડામાં હતાં ત્યારે ખાડામાં પાણી ભરવા લાગ્યું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આઈઆઈટી દિલ્હીની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર પ્રો. દીક્ષિત પુરાતનકાળની આબોહવા, હાઇડ્રોલૉજી (જળપ્રવાહો)માં પરિવર્તન, આબોહવામાં અચાનક આવેલાં પરિવર્તનો અને તેની પ્રાચીન સંસ્કૃતિઓ પર અસર વગેરે વિષયોને સાંકળી લેતી બાબતો પર સંશોધન કરી રહ્યાં છે.

કોઠ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એન. ગોહિલે બીબીસીને જણાવ્યું કે "સુરભિ ભેખડ ધસી પડતા ખાડામાં માટી નીચે દટાઈ જતાં તેમનો શ્વાસ રુંધાઈ ગયો હતો. જ્યારે તેમને બહાર કઢાયાં ત્યારે જ તેમના શ્વાસ અટકી ગયા હતા. અમે તેને બગોદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લઈ ગયા પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં. પ્રો. દીક્ષિતને વધારે સારવારની જરૂર હોવાથી તેમને અમદાવાદની ઍપોલો હૉસ્પિટલ ખસેડાયાં હતાં."

કોઠ પોલીસ સ્ટેશન લોથલથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલું છે અને પીએસઆઈ ગોહિલે ઉમેર્યું, “માટીના નમૂના લેવાનું કામ ચાલું હતું, ત્યારે આઈઆઈટી, ગાંધીનગરના ઍસોસિએટ પ્રોફેસર વી. એન. પ્રભાકર અને સિનિયર રિસર્ચ ફૅલો શીખા રાય ખાડાની બહાર ઊભા હતાં. જેસીબી મશીનની મદદથી તેમણે લગભગ 10 ફૂટ ઊંડો, 13 ફૂટ લાંબો અને લગભગ ચારેક ફૂટ પહોળો ખાડો ખોદ્યો હતો. ખાડો ખોદાયા બાદ પ્રો. દીક્ષિત અને સુરભિ જેસીબીની મદદથી ખાડામાં ઊતર્યાં હતાં અને માટીના નમૂના લેવાનું ચાલુ કર્યું હતું. ત્યાર પછી જેસીબી નજીકમાં ચાલતા રોડના કામે જતું રહ્યું હતું."

સુરભિ વર્મા કોણ હતાં?

લોથલ, ઇતિહાસ સંશોધન, દિલ્હી, મહિલા સંશોધક, બીબીસી ગુજરાતી, ગુજરાત, હડપ્પા સંસ્કૃતિ

ઇમેજ સ્રોત, Verma Family

ઇમેજ કૅપ્શન, સુરભિ વર્મા ઉત્તર પ્રદેશના સીતાપુર શહેરનાં વતની હતાં. તેમના પિતા રામ વર્મા સરકારી શાળામાં શિક્ષક છે

સુરભિ વર્મા ઉત્તર પ્રદેશના સીતાપુર શહેરનાં વતની હતાં. તેમના પિતા રામ વર્મા સરકારી શાળામાં શિક્ષક છે, જ્યારે તેમનાં માતા ગૃહિણી છે.

સુરભિના પિતરાઈ ભાઈ અઝીર વર્માએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "સુરભિ શાળામાં ટૉપર રહેતી. અલાહાબાદ યુનિવર્સિટીમાંથી તેણે એમ.એસ.સી. કર્યું હતું અને ત્યાં પણ ટૉપર રહી હતી. તે ખૂબ મહેનતુ વિદ્યાર્થિની હતી અને પોતાના ધ્યેય બાબતે સ્પષ્ટ હતી. તેણે નક્કી કરી લીધું હતું કે તે એક સંશોધક બનશે અને પેલીઓકલાઇમૅટોલૉજી (પુરાતનકાળની આબોહવાનું વિજ્ઞાન)નો અભ્યાસ કરશે.”

તેમણે વધુમાં કહ્યું, “આ વિષય પર સંશોધન કરી, નિષ્ણાત થઈ પીએચ.ડી.ની ડિગ્રી મેળવવા 2024ના જાન્યુઆરી મહિનામાં તે આઈઆઈટી, દિલ્હીમાં જોડાઈ હતી. પરંતુ નિષ્કાળજીના કારણે તેણે જીવ ગુમાવ્યો."

સુરભિ રામ વર્માનાં ચાર સંતાનમાં બીજાં હતાં તેમ અઝીર વર્માએ જણાવ્યું.

સંશોધકોએ રક્ષિત અવશેષો પાસે ખાડો ખોદવાની મંજૂરી લીધી હતી?

લોથલ, ઇતિહાસ સંશોધન, દિલ્હી, મહિલા સંશોધક, બીબીસી ગુજરાતી, ગુજરાત, હડપ્પા સંસ્કૃતિ

ઇમેજ સ્રોત, Ahmedabad Rural Police

ઇમેજ કૅપ્શન, સુરભિ વર્માની સાથે પ્રો. યામા દીક્ષિત પણ ખાડામાં ઊતર્યાં હતાં, તસવીરમાં તેઓ જોઈ શકાય છે

અમદાવાદ ગ્રામ્ય પોલીસના અધીક્ષક ઓમપ્રકાશ જાટે જણાવ્યું કે પોલીસ તપાસ કરી રહી છે કે દિલ્હી આઈઆઈટીની ટીમે લોથલ નજીક સંશોધન કરવા માટે જરૂરી મંજૂરીઓ લીધી હતી કે નહીં.

ઓમપ્રકાશ જાટે કહ્યું, "લોથલમાં આવેલી હડપ્પીય સંસ્કૃતિના અવશેષો એક રક્ષિત સ્થળ છે અને નિયમ મુજબ એએસઆઈ એટલે કે આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (ભારતીય પુરાતત્ત્વ વિભાગ)ની પૂર્વ મંજૂરી સિવાય આવાં રક્ષિત સ્થળોની હદથી 100 મીટરની ત્રિજ્યામાં ખોદકામ થઈ શકતું નથી. અમે તપાસ કરી રહ્યા છીએ કે દિલ્હી આઈઆઈટીની ટીમે આવી કોઈ મંજૂરી મેળવી હતી કે નહીં.”

તેમણે વધુમાં જણાવ્યું, “પ્રો. દીક્ષિત પેલીઓકલાઇમૅટોલૉજીમાં નિષ્ણાત ગણાય છે. લોથલ આવતા પહેલાં તેમણે હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતનાં આણંદમાંથી પણ સંશોધન માટે માટીના નમૂના લીધા હતા. અમે તપાસ કરી રહ્યા છીએ કે લોથલમાં માટીના નમૂના લેતી વખતે આવી કામગીરી કરવાની નિયત પ્રક્રિયાનું પાલન થયું છે કે નહીં."

તેમણે ઉમેર્યું, "એએસઆઈ પણ આ ઘટનાની તપાસ ચલાવી રહ્યું છે."

લોથલ એએસઆઈના વડોદરા વર્તુળ કચેરી હેઠળનું સ્થળ છે અને ગુરુવારે આ વર્તુળના અધીક્ષક પુરાતત્ત્વશાસ્ત્રી અભિજિત આંબેકર અને અન્ય નિષ્ણાતોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આંબેકરે બીબીસી ગુજરાતી સાથે આ વિષય પર કોઈ પ્રતિક્રિયા આપવાની એમ કહીને ના પાડી કે તેમની મુંબઈ ખાતે બદલી થઈ ગઈ છે.

જોકે, પુરાતત્ત્વ વિભાગના અન્ય એક અધિકારીએ તેમની ઓળખ છતી ન કરવાની શરતે બીબીસીને જણાવ્યું કે આઈઆઈટી દિલ્હીની ટીમે જરૂરી મંજૂરીઓ મેળવી નહોતી.

આ અધિકારીએ કહ્યું, "તેમણે જે ખાડો ખોદ્યો છે તે લોથલના રક્ષિત વિસ્તારની હદથી 100 મીટરની ત્રિજ્યાની અંદર એટલે કે પ્રતિબંધિત વિસ્તારમાં હતો અને તેથી પુરાતત્ત્વ વિભાગની પૂર્વ મંજૂરી લેવી કાયદાકીય રીતે જરૂરી હતું. પરંતુ તેમણે મંજૂરી માટે કોઈ અરજી કરી નથી કે તેમને કોઈ મંજૂરી આપવામાં આવી નથી,” અધિકારીએ જણાવ્યું.

ભેખડ કેમ ધસી પડી અને લોથલની જમીન કેવી છે?

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના જિલ્લા પોલીસ અધીક્ષક જાટ એક આઈપીએસ અધિકારી હોવાની સાથે સાથે એક સિવિલ ઍન્જિનિયર પણ છે.

તેઓ જણાવે છે, "આ વિસ્તારમાં સોઇલ સ્ટેબિલિટી (માટીની સ્થિરતા) ખૂબ ઓછી છે, કારણ કે આ વિસ્તાર દરિયાથી નજીક આવેલો છે અને તેથી જમીનની થોડે નીચે જ પાણી ભરેલું હોય છે. અહીં, એ યાદ રાખવું જરૂરી છે કે લોથલ પ્રાચીનકાળમાં એક બંદર હતું. વળી, ચોમાસુ પૂરું થયાને થોડો સમય જ થયો છે. આ બધાં કારણસર ભેખડ ધસી પડી અને આ દુર્ઘટના સર્જાઈ."

પુરાતત્ત્વ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે સંશોધકોની ટીમથી કેટલીક ભૂલો થઈ ગઈ.

"લોથલ એક નીચાણવાળો વિસ્તાર છે અને બાજુમાં જ પાણી ભરાયેલું રહે છે. તેથી સોઇલ સ્ટેબિલિટી ખૂબ ઓછી હોય છે. આવી જગ્યાએ સંશોધકોએ એક સાંકડી ખાઈ પ્રકારનો ખાડો ખોદ્યો કે જેમાં ભેખડ ધસી પડે તો સલામત સ્થળે ખસી જવાની જગ્યા જ નહોતી. જો તેમણે થોડો પહોળો ખાડો ખોદ્યો હોત તો કદાચ આ કરુણાંતિકાને ટાળી શકાઈ હોત."

તેમણે ઉમેર્યું, "એક યુવા સંશોધકનું લોથલમાં આ રીતે મૃત્યુ થવાથી પુરાતત્ત્વવિજ્ઞાન સાથે જોડાયેલા લોકો હચમચી ગયા છે."

પ્રો. દીક્ષિતને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.

પીએસઆઈ ગોહિલે કહ્યું કે આ ઘટનામાં તપાસ ઘણી આગળ વધી ચૂકી છે. આઈઆઈટી, દિલ્હીનાં પ્રોફેસરને હૉસ્પિટલમાંથી ગુરુવારે રાજા આપી દેવાયા બાદ અમે તેમનું નિવેદન નોંધ્યું છે. અમે આઈઆઈટી ગાંધીનગરના પ્રોફેસર અને તેની સાથેના સંશોધકનાં પણ નિવેદન નોંધ્યાં છે. જેસીબીના ડ્રાઇવરનું નિવેદન પણ નોંધી લીધું છે અને તેણે જણાવ્યું કે સંશોધકોએ તેની મદદ માગતાં તેણે તેના સુપરવાઇઝરને એ બાબતે પૂછ્યું હતું અને સુપરવાઇઝરે મંજૂરી આપતા તેણે સંશોધકોને ખાડો ખોદી આપ્યો હતો."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.