બીઝેડ ગ્રૂપ: ઉત્તર ગુજરાતમાં પકડાયેલા 6000 કરોડ રૂપિયાના કથિત કૌભાંડનો મામલો શું છે?

કૉંગ્રેસના પ્રવક્તાએ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે મુખ્ય મંત્રી સહિતના ભાજપના નેતાઓના ફોટા હોવાનો આક્ષેપ કર્યો હતો

ઇમેજ સ્રોત, GPCC

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના પ્રવક્તાએ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે મુખ્ય મંત્રી સહિતના ભાજપના નેતાઓના ફોટા હોવાનો આક્ષેપ કર્યો હતો
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાત પોલીસના સીઆઈડી ક્રાઇમ વિભાગ દ્વારા રૂપિયા 6,000 કરોડનું કથિત કૌભાંડ પકડવામાં આવ્યું છે. જેમાં બીઝેડ (BZ) ગ્રૂપ તરીકે ઓળખાતા ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટનું કામ કરતી ખાનગી પેઢીની ઑફિસો પર મોડાસા, હિમ્મતનગર, મહેસાણા, ગાંધીનગર જેવાં ઉત્તર ગુજરાતનાં વિવિધ શહેરોમાં દરોડા પાડીને દસ્તાવેજો એકઠા કરવામાં આવ્યા છે.

નોંધપાત્ર બાબત એ છે કે પોલીસે મળેલી એક નામ વિનાની અરજીને આધારે પગલાં ભરીને દરોડા પાડવાની આ તમામ કાર્યવાહી કરી હતી. દરોડામાં મળેલા દસ્તાવેજોને આધારે પોલીસે બીઝેડ ગ્રૂપના સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધી છે અને ગ્રૂપ માટે રોકાણ લઈ આવવાનું કામ કરતા સાત એજન્ટોની અટકાયત કરી છે.

આ કથિત કૌભાંડના ભોગ બનેલા લોકોમાંથી કોઈ હજી સુધી ફરિયાદ કરવા માટે આગળ આવ્યું નથી. પોલીસે પીડિતોને ફરિયાદ કરવા બહાર આવવા માટે અપીલ કરી છે.

આ ગ્રૂપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલા રાજ્યમાં સત્તાધારી ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના કાર્યકર્તા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યા બાદ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લઈને ભાજપમાં જોડાઈ ગયા હોવાની વિગતો મળી છે. જોકે ભાજપે આ મામલે પોતાને આ કૌભાંડના આરોપીથી અલગ કરી લીધો છે.

પોતાનાં રોકાણ પર વધુ વ્યાજ કમાઈ લેવાની લાલચમાં આવીને ઉત્તર ગુજરાતના હજારો લોકોએ કરોડો રૂપિયોનું રોકાણ કર્યુ હોવાની સીઆઇડી ક્રાઇમને માહિતી મળી હતી.

BBC
ઇમેજ કૅપ્શન, બીબીસી ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાઈને સચોટ સમાચારો અને રસપ્રદ કહાણીઓ જાણવા અહીં ક્લિક કરો

શું છે સમગ્ર મામલો?

સીઆઇડી ક્રાઇમના એડિ.ડી.જી.પી રાજકુમાર પાંડીયન પ્રેસકોન્ફરન્સનો ફોટો

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN

ઇમેજ કૅપ્શન, સીઆઇડી ક્રાઇમના એડિ. ડીજીપી રાજકુમાર પાંડિયનનો બુધવારની પ્રેસ કૉન્ફરન્સ દરમિયાનનો ફોટો

27 નવેમ્બરના રોજ સીઆઈડી ક્રાઇમ દ્વારા BZ ગ્રૂપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલા અને તેના મળતિયા એજન્ટો સામે ફરિયાદ દાખલ કરી છે. સીઆઈડી ક્રાઇમના અધિક પોલીસ મહાનિદેશક (એડી.ડી.જી.પી.) રાજકુમાર પાંડિયને આ અંગે બુધવારના રોજ પ્રેસ કૉન્ફરન્સ કરીને મીડિયાને માહિતી આપી હતી.

આ કેસમાં અત્યાર સુધી બીઝેડ ગ્રૂપના સાત એજન્ટોની અટકાયત કરવામાં આવી છે. આ એજન્ટો 5 થી 25 ટકા કમિશન લેતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જે પૈકી એક એજન્ટ મયુર દરજીની ધરપકડ કરવામાં આવી છે. મયુરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેને 20 તારીખ સુધીના રિમાન્ડ આપ્યા છે.

સીઆઈડી ક્રાઇમે નોંધેલી ફરિયાદ અનુસાર આ કથિત વધારે વ્યાજ આપવાની લાલચથી ચાલી રહેલું આ કૌભાંડ રૂ. 6,000 કરોડનું છે. જોકે પાંડિયને એ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું, “આ કૌભાંડ 6000 કરોડ કરતાં વધારેનું પણ હોઈ શકે કે તેના કરતાં ઓછાનું પણ હોઈ શકે છે. તપાસ ચાલી રહી છે.”

પાંડિયને મીડિયા સાથે વાત કરતાં જણાવ્યુ હતું, “અમારા સૂત્રો દ્વારા મળેલી માહિતીને આધારે લગભગ એક મહિનાથી અલગ-અલગ જગ્યા પર સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. સર્વેલન્સમાં મળેલી માહિતીને આધારે ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા જિલ્લામાં આવેલી BZ ગ્રૂપની અલગ-અલગ ઑફીસો પર રેડ કરવામાં આવી હતી.”

BZ ફાઇનાન્સિયલ સર્વિસિસ, BZ ગ્રૂપ, BZ મૅનેજમેન્ટ નામની અલગ-અલગ કંપનીઓ બનાવીને તેની અલગ-અલગ સ્થળે ઑફીસો ખોલવામાં આવી હતી. તેના દ્વારા BZ ગ્રૂપની અલગ અલગ રોકાણ યોજનાઓમાં લોકોને રોકાણ કરાવવામાં આવતું હતું.

રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે “ભુપેન્દ્ર ઝાલા નામની વ્યક્તિ વર્ષ 2020થી BZ ફાઇનાન્સ સર્વિસ નામની સંસ્થા ચલાવે છે. તે કોઈ અધિકૃત સંસ્થા નથી. રીઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા કે અન્ય કોઈ અધિકૃત સંસ્થાનું લાઇસન્સ મેળવ્યા વગર સંસ્થા ચલાવતા હતા. અત્યાર સુધી મોટી સંખ્યામાં લોકો ભોગ બન્યા હોવાથી ચોક્કસ સંખ્યાનો અંદાજ મેળવવો મુશ્કેલ છે.”

મૉડસ ઑપરેન્ડી શુ હતી?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર સંસ્થા દ્વારા રોકાણકારોને ઍગ્રીમેન્ટ કરી આપવામાં આવતા હતા. ઍગ્રીમેન્ટમાં લેખિતમાં 7 ટકા વ્યાજ તેમજ મૌખિક 18 ટકા વ્યાજની આપવાની લાલચ આપવામાં આવતી હતી. આ યોજનાઓમાં પાંચ લાખનું રોકાણ કરનારને વ્યાજ ઉપરાંત 32 ઇંચનું એલઈડી ટીવી અને 10 લાખ રૂપિયાનું રોકાણ કરનારને વ્યાજ ઉપરાંત ગોવાની ટ્રીપ ઑફર કરવામાં આવતી હતી.

મોડસ ઑપરેન્ડી અંગે વાત કરતાં રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે BZ ગ્રૂપ દ્વારા મોટાભાગે શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓને નિશાન બનાવવામાં આવતા હતા. વધારે વળતર આપવાની લાલચ આપી તેમની પાસે રોકાણ કરાવવામાં આવતું હતું.

લોકોને ભરોસો અપાવવા માટે શરૂઆતમાં થોડું-થોડું વળતર પણ આપવામાં આવતું હતું. રોકાણ લાવવા માટે એજન્ટ રાખવામાં આવતા હતા. આ એજન્ટોને BZ ગ્રૂપ દ્વારા 5 ટકાથી 25 ટકા સુધી કમિશન આપવામાં આવતું હોવાની માહિતી મળી છે. અન્ય એજન્ટો કોણ છે તે અંગે તપાસ ચાલી રહી છે.

ફરિયાદમાં અનુસાર અન્ય સરકારી કર્મચારીઓ તેમજ ખેડૂતો પણ આ સ્કીમનો ભોગ બન્યા હોવાનું જણાય છે.

સીઆઈડી ક્રાઇમ દ્વારા 28 નવેમ્બર, ગુરુવારે તપાસ કાર્યવાહી અંગે જાહેર કરવામાં આવેલી પ્રેસનોટમાં જણાવ્યું હતું કે અટક કરાયેલ આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યુ કે આરોપી ભુપેન્દ્ર ઝાલાએ રોકાણકારોનાં નાણાંમાંથી ફૉર્ચ્યુનર અને હૅરિયર જેવી એસયુવી ખરીદી છે. પોલીસે આ ગાડીઓ કબજે કરવા કાર્યવાહી શરૂ કરી છે.

એજન્ટો વધુમાં વધું રોકાણ લાવે તેને ભુપેન્દ્રસિંહ ઝાલા તરફથી ઑડી અને ફૉર્ચ્યુનર જેવાં મોંઘાં વાહનો ભેટમાં આપતાં હોવાનું પોલીસ પણ તપાસમાં ધ્યાનમાં આવ્યું છે.

આ કથિત કૌભાંડનો ભોગ બનેલું કોઈ ફરિયાદ કરવા આગળ નથી આવ્યું.

રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું, "આ સ્કીમમાં કોઈ પીડિત અમારી પાસે ફરિયાદ કરવા આવ્યુ નથી. આ સ્કીમ અંગે અમને અમારા સૂત્રો દ્વારા જાણ થતા અમે અગમચેતીના ભાગરૂપે તપાસ હાથ ધરી ફરિયાદ દાખલ કરી છે. કેટલા લોકો આ સ્કીમનો ભોગ બન્યા છે, તે અંગે અમે અંદાજ લગાવી શકતા નથી. આ માહિતી મીડીયામાં જશે એટલે લોકો સામે આવશે. ભોગ બનનાર લોકો અમારો સંપર્ક કરે."

પોલીસે કે BZ ગ્રૂપમાં ભોગ બનેલા લોકો સીઆઈડી ક્રાઇમનો સંપર્ક કરવા વિનંતી કરી છે. પોલીસે સીઆઈડી ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. બી. ચૌધરીનો મો.નં. 9099081550 જાહેર કર્યો છે. જ્યાં ભોગ બનનાર લોકો સંપર્ક કરી શકે છે.

પોલીસને દરોડા દરમિયાન શું મળ્યું?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

રાજકમાર પાંડિયને વધુમાં જણાવ્યું હતું, “આ મલ્ટિલેવલ પોન્ઝી સ્કીમ છે. પોલીસે રેડ દરમિયાન તેના 2 બૅન્ક ઍકાઉન્ટની તપાસ કરી હતી. તપાસમાં માત્ર બે ઍકાઉન્ટમાંથી જ 175 કરોડના નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે.”

ફરિયાદમાં જણાવ્યા અનુસાર પોલીસને દરોડા દરમિયાન કેટલાક દસ્તાવેજો મળ્યા છે. જેમાં BZ ગ્રૂપ દ્વારા રોકાણકારો સાથે કરવામાં આવેલા ઍગ્રીમેન્ટની નકલો પણ મળી હતી. આ ઉપરાંત ફિક્સ ડિપોઝિટ, આઇડેન્ટિટી કાર્ડ, રોકાણને રિન્યૂ કરવાનાં ફૉર્મ, સર્ટિફિકેટ, ફાઇલ, પૅમ્ફ્લેટ્સ જેવા દસ્તાવેજો અને કાગળો મળ્યાં હતાં.

આ ઉપરાંત સહિવાળા ચેક, ચેકબુક, કૉમ્પ્યુટર, લૅપટૉપ, મોબાઇલ, પ્રિન્ટર, રબ્બર સ્ટેમ્પ, અલગ અલગ પેઢીનાં પાનકાર્ડ મળ્યાં હતાં. તેમજ પોલીસને રેડ દરમિયાન ઑફીસ કાઉન્ટરમાંથી 16.36 લાખ રૂપિયા રોકડા મળ્યા હતા.

પોલીસે ગુજરાત પ્રોટેક્શન ઑફ ઇન્ટરેસ્ટ ઑફ ડિપોઝીટર્સ ઍકટની સૅક્શન 3 તેમજ ધ બૅનિંગ ઑફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ ઍક્ટ 2019ની સૅક્શન 21 અને 23 તેમજ ભારતીય દંડ ન્યાય સંહિતાની કલમ 316 (5), 318 (4), 61 (2) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

આ મામલે કૉંગ્રેસે શું આરોપો કર્યા અને ભાજપે શું ખુલાસો કર્યો?

ભુપેન્દ્રસિંહ ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફૉર્મ ભર્યું હતું. જોકે તેમણે પાછળથી ફૉર્મ પાછું ખેંચી લીધું હતું. ત્યારબાદ ભાજપમાં જોડાઈ ગયા હતા.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ આક્ષેપ કરતાં જણાવ્યું, “ભુપેન્દ્રસિંહ ઝાલા ભાજપનો પ્રાથમિક સભ્ય છે. ભાજપના નેતાઓ સાથે તેની તસવીરો છે. મુખ્ય મંત્રી સહિતના ભાજપના નેતાઓ સાથેના ફોટો બતાવીને મનિષ દોશીએ ભુપેન્દ્રસિંહ ઝાલાને ભાજપ સાથે ઘરોબો હોવાના આક્ષેપ કર્યાં હતા. ભાજપના સભ્ય બનો અને ભ્રષ્ટાચારનું લાઇસન્સ મળતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.”

જોકે ભાજપના પ્રવકતા યજ્ઞેશ દવેએ કૉંગ્રેસનાં આક્ષેપોને પાયાવિહોણા હોવાનું જણાવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કૉંગ્રેસના આરોપોને રદિયો આપ્યો હતો.

તેમણે કહ્યું, “ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં 1 કરોડ સભ્ય છે. કોઈપણ વ્યક્તિ ફોન પરથી એક મિસકૉલ કરીને સભ્ય થઈ શકે છે. તેમજ કોઈપણ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને ફોટો પડાવે એટલે તે પદાધિકારી નથી થઈ જતો. ભુપેન્દ્રસિંહ ઝાલા વૉર્ડ કે પંચાયતના પણ કોઈપણ હોદ્દાની કોઈ જવાબદારી પર નથી.”

તેમણે વધુમાં જણાવ્યું, “આ યોજના અંગે સરકારને લાગ્યું કે આ સ્કીમમાં લોકોના પૈસા ફસાઈ રહ્યા છે. પ્રજાના પૈસા ડૂબી ન જાય તે માટે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ અંગે કોઈ ફરિયાદીઓ બહાર નથી આવ્યા, છતાં સરકારે પોતે ફરિયાદી બનીને તપાસ શરૂ કરી છે. કોઈપણ માણસ ભાજપનો પ્રાથમિક સભ્ય બને એટલે એને ભ્રષ્ટાચારનો પરવાનો મળતો નથી. કોઈપણ ગુનેગારોને છોડવામાં આવશે નહીં.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.