'બોલવા-ચાલવામાં જન્મથી જ અસમર્થ' હોવાની બીમારીને માત આપી આ મહિલા કઈ રીતે વિખ્યાત મૉડલ બની?

મોડેલિંગ મહિલા

ઇમેજ સ્રોત, ADAMA JALLOH/BRITISH VOGUE

    • લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
    • પદ, .

જ્યારે ઍલી ગોલ્ડસ્ટેઇનનો વર્ષ 2001માં જન્મ થયો ત્યારે ડૉક્ટરોએ કહી દીધું હતું કે તેઓ ક્યારેય બોલી-ચાલી નહીં શકે કારણ કે તેમને ડાઉન સિન્ડ્રોમ હતો.

પરંતુ થોડાં વર્ષો પછી જ તેઓ ખોટાં સાબિત થયાં હતાં. ઍલિએ ઇતિહાસ રચ્યો છે અને વિશ્વ પ્રસિદ્ધ ‘વૉગ’ મૅગેઝિનનાં કવરપેજ પર તેમની તસવીર છપાઈ છે. આવી શારીરિક પરિસ્થિતિ ધરાવનાર તેઓ પ્રથમ મૉડેલ છે જેમના વિશે આ મૅગેઝિનમાં છપાયું છે.

22 વર્ષની ઉંમરે તેમણે લંડન નજીક ઍસેક્સ કાઉન્ટીમાં તેમનું પોતાનું ઘર લીધું છે અને પોતાના જીવન વિશે એક પુસ્તક પણ લખ્યું છે, જેનું શીર્ષક છે ‘અગેઇન્સ્ટ ઑલ ઑડ્સ’.

અહીં ઍલી અને તેમનાં માતા વૉન તેમની કહાણી તેમના જ શબ્દોમાં રજૂ કરે છે જેમાં ઍલી જન્મ્યા ત્યારથી કેવી આશાઓ હતી તેમના વિશે તેઓ વાત કરે છે.

વૉનના શબ્દોમાં ઍલીની કહાણી

મહિલા મૉડેલિંગ વૉગ મેગેઝિન

ઇમેજ સ્રોત, YVONNE GOLDSTEIN

જ્યારે ઍલીનો જન્મ થયો હતો ત્યારે તેને ડાઉન સિન્ડ્રોમની બીમારી છે તે જાણીને તેમનો પરિવાર ચોંકી ઊઠ્યો હતો. ડૉક્ટરોએ એવું કહ્યું હતું કે તેઓ ક્યારેય બોલી-ચાલી નહીં શકે અને નર્સે તો તેમને ત્યાં સુધી કહ્યું હતું કે ઍલીને હૉસ્પિટલમાં જ મૂકીને જવું પડે.

વૉન કહે છે કે, “અમારા માટે એ નિદાન સ્વીકારવું અઘરૂં હતું અને ત્યારબાદ મારી દીકરીને કઈ રીતે સંભાળવી એ પણ મોટો પડકાર હતો.”

“અમને એવું પણ કહેવામાં આવ્યું કે ઍલીના હૃદયની સર્જરી કરવી પડશે. તે માત્ર પાંચ મહિનાની હતી ત્યારે જ તેના હૃદયનાં કાણાંને બંધ કરવા માટે તેના પર દસ કલાક સુધી ઑપરેશન કરવામાં આવ્યું હતું. તેને દસ દિવસ સુધી ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રાખવામાં આવી હતી અને ત્યારબાદ પછીના અઠવાડિયે તેને હાઇ-રિસ્ક યુનિટમાં રાખવામાં આવી હતી.”

ત્રણ અઠવાડિયા પછી ઍલીને ઘરે લાવવામાં આવી હતી અને ત્યારપછી જાણે કે તેનું એક અલગ જ વ્યક્તિત્ત્વ જોવા મળ્યું.

વૉન કહે છે, “મેં અને મારા પતિએ નક્કી કર્યું હતું કે તેનો ઉછેર ઍલી તરીકે કરવો, તે એક ડાઉન સિન્ડ્રોમ ધરાવતી છોકરી છે એ રીતે ન કરવો.”

મહિલા મૉડેલિંગ વૉગ મેગેઝિન

ઇમેજ સ્રોત, DAVID PD HYDE/GUCCI/VOGUE ITALIA

ડૉક્ટરોએ જે અનુમાન લગાવ્યું હતું તેનાથી વિરુદ્ધ, ઍલી 18 મહિનાની ઉંમરે જ ચાલવા લાગી હતી, 3 વર્ષની ઉંમરે જ બોલવા લાગી હતી અને શાળાએ જતાં જ તે વાંચતા પણ શીખી ગઈ હતી.

તેઓ કહે છે, “જ્યારે અમે તેને એક સ્પેશિયલ સ્કૂલમાં દાખલ કરી ત્યારે ઍલીએ તેની પરીક્ષા આપવાનો સમય આવે ત્યાં સુધી અન્ય બાળકોની જેમ જ પરંપરાગત શિક્ષણ મેળવ્યું.

જ્યારે તે તરૂણાવસ્થામાં પ્રવેશી ત્યારે અમે તેને ડાઉન સિન્ડ્રોમ છે એવું કહી દેવાનું નક્કી કર્યું. તે કેવી પ્રતિક્રિયા આપશે તે અંગે અમે બેચેન હતાં.

અમે તેને એક વિશેષ પુસ્તક બતાવ્યું, પરંતુ એમ જ કહેતી રહી કે, “હું એવી દેખાતી નથી. હું અલગ જ છું, હું હું છું.”

“અમને એ વાતની ચિંતા હતી કે તેનાથી તેનાં આત્મસન્માનને અસર થશે, પણ તેવું ન થયું.”

મહિલા મૉડેલિંગ વૉગ મેગેઝિન

ઇમેજ સ્રોત, YVONNE GOLDSTEIN

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એક દિવસ મારી સહેલીએ મને ઝેબેડી નામની એક નવી ટૅલેન્ટ ઍજન્સી વિશે કહ્યું. આ ઍજન્સી વિકલાંગ હોય અથવા અન્ય લોકો કરતાં દેખીતી રીતે અલગ તરી આવતાં હોય તેવા લોકો સાથે કામ કરવા માંગતી હતી. તેથી મેં ઍલી માટે અરજી કરવાનું નક્કી કર્યું.

ત્યાં પ્રવેશ થયાના થોડા સમય પછી, ઍલીને 2018માં ફાર્મસી ચેઇન ‘સુપરડ્રગ’ માટે ક્રિસમસની એક જાહેરાતમાં અભિનય કરવા માટે પસંદ કરવામાં આવી હતી. ત્યારથી તેની કારકિર્દી શરૂ થઈ.

મારી મમ્મી કહેતી હતી, "તે ચોક્કસ એક દિવસ ઊગી નીકળશે. તે ખૂબ જ હઠીલી અને મહેનતુ છે. તે જ ઍલીને ઍલી બનાવે છે.”

ખરેખર, ઍલી હજુ પણ મને આશ્ચર્યચકિત કરે છે. તેને કૅમેરા અને ઍટેન્શન મળે તે ગમે છે. મને દેખાય છે કે તે તેનો કેટલો આનંદ લે છે અને તેને પ્રેમ કરે છે.

ઍલીએ હમણાં જ તેની મૉડેલિંગની આવકથી પોતાનું ઘર ખરીદ્યું છે. પરંતુ અમને ખબર નથી કે તે ક્યારેય સ્વતંત્ર રીતે જીવી શકશે કે નહીં. અમે અત્યારે તેની બાજુમાં રહીએ છીએ.

જોકે, અમારું પોતાનું અલગ ઘર છે અને અમે તેને વધુ સ્વતંત્ર બનવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ તે હજી પણ ખૂબ જ સંવેદનશીલ છે.

અમારે તેને એ દિવસ માટે તૈયાર કરવી જોઈએ કે જે દિવસે નહીં હોઈએ ત્યારે તે પોતાને કઈ રીતે સંભાળશે.

અલબત્ત, તેની મોટી બહેન ઍમી તેનું ધ્યાન રાખશે પણ અમે આ બધી જવાબદારી તેના પર ક્યારેય નહીં નાખીએ.

ઍલીનો જન્મ થયો ત્યારથી ડાઉન સિન્ડ્રોમ પ્રત્યેનું વલણ બદલાઈ ગયું છે, પરંતુ હજુ પણ તેના વિશે ઘણી ગેરસમજણો પ્રવર્તે છે.

શેરીમાં લોકો વારંવાર મને ઍલી વિશે પૂછે છે પણ તેઓ તેને બોલાવતા નથી. તેઓ સમજી શકતા નથી કે તે પણ વાત કરી શકે છે અને તે કેટલું વિશાળ વ્યક્તિત્ત્વ ધરાવે છે.

ઍલીના શબ્દોમાં ઍલીની કહાણી

મહિલા મૉડેલિંગ વૉગ મેગેઝિન

ઇમેજ સ્રોત, Getty Images

હું હંમેશાં એક મૉડેલ બનવા માંગતી હતી, પરંતુ મૅગેઝિનના કવર પર મારા જેવા દેખાતા કોઈને મેં ક્યારેય જોયા ન હતા. તેથી મને એ ખાતરી નહોતી કે હું તે કરી શકીશ કે કેમ, પરંતુ હવે મને લાગે છે કે મેં મારું સ્વપ્ન સાકાર કર્યું છે.

મેં એવી કલ્પના નહોતી કરી કે હું એક દિવસ આટલી પ્રખ્યાત થઈશ, પરંતુ મને સુંદર પોશાક પહેરવામાં ખૂબ જ મજા આવે છે. મેં આ વર્ષે લંડન ફૅશન વીકમાં ત્રણ કૅટવૉક શો કર્યા અને તે જોવાલાયક હતા.

આ વર્ષે પાછળ ફરીને જોઉં છું તો લાગે છે કે ઘણી બધી સારી વસ્તુઓ બની છે. પરંતુ જ્યારે મારું પુસ્તક બહાર આવ્યું તે સૌથી શ્રેષ્ઠ ક્ષણ હતી.

હું ખૂબ ગર્વ અનુભવું છું અને ખરેખર ઉત્સાહિત છું. તે મારું પોતાનું પુસ્તક છે, અને હું તેને વાંચવા માટે સક્ષમ છું તે જાણીને મને ખૂબ ખુશી થાય છે.

આ વર્ષે હું મારી એજન્સી વિશે ‘ચેનલ 4’ માટે એક ડૉક્યુમૅન્ટરી ફિલ્મ પણ કરી રહી છું. આ ફિલ્મ આવતા વર્ષે ટીવી પર આવશે, તે ક્યારે આવશે તેની રાહ મારાથી જોવાઈ રહી નથી.

હું પર્ફોર્મિંગ આર્ટ્સ સ્કૂલનાં મારા છેલ્લા વર્ષમાં છું અને હું સ્નાતક થયા પછી ખરેખર મૉડેલિંગ અને અભિનય ચાલુ રાખવા માંગુ છું. હું ક્યારેય નર્વસ થતી નથી. મને મારી જાત પર અતિશય ભરોસો છે અને હું ખૂબ હિંમતવાન છું.

મહિલા મૉડેલિંગ વૉગ મેગેઝિન

ઇમેજ સ્રોત, LAUREN HILLIER/UNHIDDEN

જ્યારે મેં વૉગ માટે ફોટોશૂટ કર્યું ત્યારે મને ખબર નહોતી કે મારો ફોટો કવર પર દેખાશે.

જ્યારે મને આ વાતની ખબર પડી ત્યારે મારા પ્રિય પ્રોફેસરો મારી સાથે હતા, હું કૉલેજમાં હતી અને હું રડવા લાગી હતી અને ચીસો પાડવા લાગી હતી.

મારા મિત્રોના શબ્દો હતા, "વી લવ યુ” અને "વી પ્રાઉડ ઑફ યુ” અને "વેલ ડન" .

ડાઉન સિન્ડ્રોમ સાથેની પ્રથમ બાર્બી ડોલ આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થઈ હતી અને મને ફોટોગ્રાફી સેશન કરવાનું કહેવામાં આવ્યું હતું. હું ગૌરવ અનુભવું છું.

જ્યારે મેં એ ઢીંગલી જોઈ ત્યારે મેં મનમાં કહ્યું, "ઑહ માય ગોડ, આઇ લવ ઇટ". મારા જેવી દેખાતી ઢીંગલી જોઈને મને અતિશય આનંદ થયો હતો.

મહિલા મૉડેલિંગ વૉગ મેગેઝિન

ઇમેજ સ્રોત, ADAMA JALLOH/BRITISH VOGUE

દુનિયામાં મારી સૌથી પ્રિય વસ્તુ ડાન્સ છે. મારી ઇચ્છા છે કે એક દિવસ હું ‘સ્ટ્રિક્ટલી કમ ડાન્સિંગ’ (બ્રિટિશ ટીવી પરની એક લોકપ્રિય ડાન્સ સ્પર્ધા) પર આવું. હું થોડાં સપ્તાહ પહેલાં તેનું ફિલ્માંકન જોવા ગઈ હતી, પરંતુ હું પ્રેક્ષકોમાં રહેવા માંગતી ન હતી, હું ડાન્સ ફ્લૉર પર જવા માંગતી હતી!

મેં હમણાં જ નવું ઘર ખરીદ્યું છે અને મને ક્રિસમસ અત્યંત પ્રિય છે. મને મારા બે વર્ષના ભત્રીજા સાથે સમય પસાર કરવો અને ઘણી બધી ગિફ્ટ્સ ખોલવી ગમે છે. મને તેમની માસી બનવું અને તેમને ભેટવું ગમે છે.

હું મારાથી અલગ લોકોને એ વાત દેખાડું છું કે હું મારા જેવા લોકો માટે એક ઉદાહરણ છું. ડૉક્ટરોએ કહ્યું હતું કે હું ક્યારેય બોલીશ નહીં અને હવે હું વાતો કરવાનું બંધ કરતી નથી! તમારે હંમેશા તમારી જાતમાં વિશ્વાસ રાખવો જોઈએ.

એક દિવસ હું ન્યૂયૉર્કમાં રેડ કાર્પેટ અને રન-વે પર મૉડેલિંગ કરવા માંગું છું.

તમારી આશાઓ અથવા તમારાં સપનાઓને ક્યારેય છોડશો નહીં. તમે જેવા છો તેવા જ રહો અને ખુશ રહો. તમારી બધી જ શક્તિનો મહત્તમ ઉપયોગ કરો.