જીએસટીના દરમાં ઘટાડાને લીધે દિવાળી સહિતના તહેવારોમાં લોકો વધુ ખરીદી કરશે?

    • લેેખક, નિખિલ ઈનામદાર અને અર્ચના શુક્લ
    • પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ

લાખો ભારતીયોનો દૈનિક આર્થિક બોજો ગયા સોમવારથી થોડો હળવો થયો હોવાની આશા છે.

દૂધ અને બ્રેડ, જીવન અને તબીબી વીમો તથા જીવનરક્ષક દવાઓ કરમુક્ત થઈ ગઈ છે. નાની કાર, ટેલિવિઝન સેટ અને ઍર કંડિશનર પરનો વપરાશ કર 28 ટકાથી ઘટીને 18 ટકા થયો છે. હેર ઑઇલ, ટૉઇલેટ સોપ અને શેમ્પુ જેવી અન્ય સામાન્ય ચીજવસ્તુઓ પર 12 તથા 18 ટકાને બદલે પાંચ ટકાના દરે કર વસૂલવામાં આવશે.

આ મોટો ઘટાડો વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મહિનાની શરૂઆતમાં જાહેર કરવામાં આવેલી દેશની જટિલ માલ અને સેવા કર (જીએસટી) નીતિમાંના એક મોટા ફેરફારનો હિસ્સો છે.

આ ફેરફારને લીધે કરમાળખું સરળ બનશે અને ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)ના અડધાથી પણ વધુ હિસ્સો ધરાવતા ઘરેલુ વપરાશને જરૂરી મદદ મળશે, એવી અપેક્ષા છે.

ફેરફાર અમલી બનાવવા માટે આ અત્યંત ઉત્તમ સમય છે.

તહેવારોની લાંબી સિઝનના પ્રારંભે ભારતીયો સામાન્ય રીતે નવી કારથી માંડીને કપડાં સુધીનું બધું ખરીદતા હોય છે ત્યારે નીચા જીએસટી દરનો અમલ એકદમ સુસંગત છે.

આ ચાર મહિનામાં પૅકેજ્ડ ફૂડ ઉત્પાદકો અને વસ્ત્ર ઉત્પાદકો જેવી કન્ઝયુમર ગૂડ્ઝ કંપનીઓના વાર્ષિક વેચાણમાં પણ જંગી વૃદ્ધિ થતી હોય છે.

અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફનો પ્રભાવ જીએસટીના નવા દરને લીધે થોડો ઘટશે, લોકો પાસે ખર્ચ માટે વધારે પૈસા હશે અને સ્થાનિક અર્થતંત્રમાં તેજી આવશે એવી અપેક્ષા છે.

ફેબ્રુઆરીમાં આવકવેરામાં જાહેર કરાયેલી 12 અબજ ડૉલરની છૂટ અને રિઝર્વ બૅન્ક દ્વારા વ્યાજદરમાં ઘટાડો, આ બધા વપરાશમાં વધારો થવાના શુભ સંકેત છે.

રિલાયન્સ, એચયુએલ જેવી અગ્રણી કન્ઝ્યુમર કંપનીઓ અને મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા જેવી વાહન ઉત્પાદક કંપનીઓ માગ વધારવા માટે ગ્રાહકો પર ઓછો કર લાદશે.

કર નીતિમાં ફેરફાર બાદ કંપનીઓ કેવી વ્યૂહરચના અપનાવી રહી છે?

કાર ઉત્પાદકો પણ આ ઘટાડા પર મોટો મદાર રાખીને બેઠા છે. ઑગસ્ટમાં નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી એ પછી શૅરના ભાવમાં છથી 17 ટકા સુધીનો ઘટાડો થયો છે ત્યારે બીજી તરફ વેચાયા વગરનો માલ પડ્યો છે ત્યારે ડીલરશીપ ઇન્ક્વાયરીમાં વધારો થયાનું જણાવી રહી છે.

ભારતના સૌથી મોટા મોટરબાઇક ઉત્પાદક હીરો મોટોકૉર્પના મુંબઈ શોરૂમમાં એક ડીલરે બીબીસીને જણાવ્યું હતું કે ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ આગામી બે મહિનામાં વેચાણમાં 30-40 ટકા વધારો થવાની તેમને અપેક્ષા છે.

હીરો ઇન્ડિયાના ચીફ બિઝનેસ ઑફિસર આશુતોષ વર્માએ બીબીસીને કહ્યું હતું, "પહેલી વખત વાહન ખરીદતા લોકો પરનો ખર્ચનો બોજ હળવો થવાથી ઇન્ક્વાયરી અને મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે."

ખાસ કરીને "સસ્તા વેરિએન્ટ્સ" માટે આવું થઈ રહ્યું છે. તેમાં પ્રાઇસ સેન્સિટિવિટી વધારે હોય છે, એમ તેમણે જણાવ્યું હતું.

શોરૂમમાં ઉપસ્થિત સોફ્ટવેર ડેવલપર વિશાલ પવારે જણાવ્યું હતું કે તેઓ આ વર્ષે 200 સીસીની બાઇકમાં અપગ્રેડ કરવા વિચારી રહ્યા છે.

વિશાલ પવારે કહ્યું હતું, "તહેવારોમાં ડિસ્કાઉન્ટ અને કરમાં ઘટાડો એકસાથે થાય ત્યારે ખરીદી કરવાનો શ્રેષ્ઠ સમય હોય છે. હું દશેરાના તહેવાર વખતે ખરીદી કરીશ."

ગ્રાહક વપરાશની ચીજો બનાવતી કંપનીઓ પણ માગના વધારો થવા બાબતે ઉત્સાહિત છે.

ગોદરેજ એન્ટરપ્રાઇઝ ગ્રૂપના સવ્યસાચી ગુપ્તાએ જણાવ્યું હતું કે કરમાં ઘટાડા અને સારા પાકને લીધે ઍર કંડીશનર જેવી વિવેકાધીન પ્રોડક્ટ્સના માર્કેટનો વિસ્તાર મેટ્રો શહેરોની બહાર થઈ શકે છે.

કર નીતિમાં ફેરફારને કારણે તેમના જેવી કંપનીઓમાં છેલ્લી ઘડીએ થોડી ધમાચકડી થઈ છે. નવી કિંમત દર્શાવતા નવા લેબલ બનાવવાથી માંડીને અનિશ્ચિત માગ સાથે સંતુલિત ઉત્પાદન કરવા સુધીનું બધું તેમણે કરવું પડ્યું છે.

સવ્યસાચી ગુપ્તાએ બીબીસીને કહ્યું હતું, "અમે જૂનાં અને નવાં લેબલને બાજુબાજુમાં રાખ્યાં છે, જેથી ગ્રાહકોને તેમની બચતનો ખ્યાલ આવે."

કર નીતિમાં ફેરફારના સમાચાર નાની બ્રાન્ડ્સ અને દુકાનદારોમાં ધીમી ગતિએ પહોંચે છે. ઘણા લોકો કહે છે કે પ્રાઇસ અને પૅકેજિંગને ટૂંકા ગાળામાં સમાયોજિત કરવાની ક્ષમતા તેમની પાસે નથી.

મુંબઈની પ્રતિષ્ઠિત, સૌથી મોટી જથ્થાબંધ તથા છૂટક વેચાણની ક્રાફર્ડ માર્કેટમાં મસાલાથી માંડીને સિક્વિન્સ સુધીનું બધું વેચાય છે. આ માર્કેટમાં બહુ ઓછા દુકાનદારો જીએસટીના દરમાં કરવામાં આવેલા ફેરફારોથી વાકેફ હતા.

જેઓ તેના વિશે જાણતા હતા તેઓ મૂંઝવણમાં હતા.

ક્રોકરી સ્ટોરના માલિક શેખ રહેમાને જણાવ્યું હતું કે પહેલેથી જ ખરીદેલી ઇન્વેટરી પરનો ટૅક્સ કેવી રીતે મૅનેજ કરવો એ બાબતે તેઓ તેમના સપ્લાયર્સ સાથે વાટાઘાટ કરી રહ્યા છે.

બાજુમાં આવેલા બ્રાઇડલ શોરૂમમાં નિરાશાનું વાતાવરણ હતું. સરકારે 29 ડૉલરથી ઓછી કિંમતનાં કપડાં પરનો જીએસટી ઘટાડીને પાંચ ટકા કર્યો છે, પરંતુ તેનાથી વધારે કિંમતના વસ્ત્રો પર હવે 18 ટકા જીએસટી વસૂલવામાં આવશે.

5.4 અબજ ડૉલરના મહેસૂલી નુકસાનનું સરકારનું અનુમાન

લગ્નના પોશાકની કિંમત ભાગ્યે જ 29 ડૉલરથી ઓછી હોય છે. તેનો અર્થ એ થયો કે નરેશ જીના સ્ટોરમાંના લગભગ દરેક પોશાક પર વધુ કર લાગશે. તેની કારીગરોથી માંડીને ડિઝાઇનરો તથા રિટેલર્સ સુધીની સપ્લાય ચેઇન પર વ્યાપક અસર થઈ શકે છે.

નરેશે કહ્યું હતું, "ભારતીયો લગ્નના પોશાક માટે મોટો ખર્ચ કરતા હોય છે અને લગ્નની સિઝન શરૂ થવામાં છે ત્યારે કરમાં વધારો તેની ચમક છીનવી શકે છે."

જોકે, ચોખ્ખા સ્તરે જીએસટી ઘટાડાની અસર મોટા ભાગે હકારાત્મક રહેવાની ધારણા છે.

રેટિંગ એજન્સી ક્રિસિલના મતાનુસાર, ઓછા કરને લીધે સરેરાશ ગ્રાહકના માસિક ખર્ચમાં એક તૃતીયાંશ લાભ થશે અને મધ્યમ વર્ગના ખરીદશક્તિમાં સુધારો થશે.

ક્રિસિલે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે જીએસટીમાં ઘટાડાની અસર "ઉત્પાદકો કર ઘટાડાનો કેટલો લાભ ગ્રાહકો સુધી પહોંચાડે છે" તેના પર નિર્ભર હશે. તેનો પ્રભાવ આગામી નાણાકીય વર્ષમાં જોવા મળશે.

જીએસટીમાં ઘટાડાની એક કિંમત પણ નિશ્ચિત રીતે ચૂકવવી પડશે.

સરકારનું અનુમાન છે કે ઘટાડાને કારણે આ વર્ષે લગભગ 5.4 અબજ ડૉલરનું મહેસૂલી નુકસાન થઈ શકે છે, પરંતુ સ્વતંત્ર નિષ્ણાતો અને મૂડીઝ જેવી રેટિંગ એજન્સીઓ માને છે કે તે આંકડો વધુ મોટો હશે અને આગામી વર્ષોમાં સરકારી તિજોરી પર "દબાણ વધશે."

આ નુકસાન એક નિરાશાજનક વ્યાપક દૃશ્ય પ્રસ્તુત કરે છે. ગત વર્ષના સમાન સમયગાળાની 20 ટકા વૃદ્ધિની સરખામણીએ આ વર્ષે પહેલા ચાર મહિનામાં કેન્દ્રીય ટૅક્સ રેવન્યુમાં બહુ મુશ્કેલીથી થોડોઘણો વધારો થયો છે, જ્યારે ખર્ચ પહેલાંથી જ 20 ટકાથી વધારે વધી ગયો છે.

રાજકોષીય ખાધને નિયંત્રણમાં રાખવાના નવી દિલ્હીના ઈરાદા સાથે, મોદી સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં દેશના વિકાસને વેગ આપનારા મોટા માર્ગ તથા બંદર વિકાસ પ્રકલ્પોના ખર્ચ પર બ્રેક મારવી પડે તેવી શક્યતા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન