મોખા વાવાઝોડું : બાંગ્લાદેશ કૉક્સ બાઝારમાં 10 હજાર ઘરોને નુકસાન, 180 કિમીની ઝડપે પવન ફૂંકાયો

મ્યાનમારમાં તબાહી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મ્યાનમારમાં તબાહી

શક્તિશાળી વાવાઝોડા મોખાને કારણે બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠામાં ત્રાટક્યું છે.

બીબીસી બાંગ્લા સેવા અનુસાર, બાંગ્લાદેશના કૉક્સ બાઝાર જિલ્લામાં આનાથી લગભગ 10 હજાર ઘરોને નુકસાન થયું છે.

વાવાઝોડું ત્રાટક્યા બાદ મ્યાનમાર અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે અને અનેક સ્થળોએ વૃક્ષો ઊખડી ગયા છે.

કૉક્સ બાઝારમાં રોહિંગ્યા માટેના રાહત શિબિરોમાં લોકોનો સામાન વિખેરાયેલો પડ્યો છે.

જોકે હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે સાંજ બાદ આ વાવાઝોડું નબળું પડી જશે પરંતુ તેમણે ચેતવણી આપી છે કે વાવાઝોડું ભલે સમાપ્ત થઈ જાય પરંતુ આવનારા બે-ત્રણ દિવસ સુધી સતત વરસાદ વરસતો રહેશે

કૉક્સ બાઝારમાં વાવાઝોડું નબળું પડ્યા બાદ લોકો પોતાના ઘર પાછા ફરી રહ્યા છે.

પાછલા અમુક દિવસોથી બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી સાયક્લોનિક પરિસ્થિતિના કારણે સર્જાયેલું ‘મોખા’ વાવાઝોડું રવિવારે ભારતના પાડોશી દેશ મ્યાનમાર અને બાંગ્લાદેશના કેટલાક ભાગો પર ત્રાટક્યું હતું.

ભારતીય હવામાન વિભાગે જાહેર કરેલી માહિતી અનુસાર ‘અત્યંત પ્રચંડ વાવાઝોડું’ મોખા ઉત્તર મ્યાનમાર-દક્ષિણ પૂર્વ બાંગ્લાદેશના તટોને પાર કરી ગયું છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નોંધનીય છે કે આ ચક્રવાતને પાછલા એક દાયકાનું 'સૌથી ભીષણ વાવાઝોડું' ગણાવાઈ રહ્યું છે.

મોખા વાવાઝોડું પાછલા ત્રણ કલાકથી 25 કિલોમીટરની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું હતું.

વાવાઝોડાના કારણે સપાટી પર 180-190 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા હતા. તેમજ સુસવાટાની ગતિ 210 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી.

આ ગતિ સાથે ભારતીય સમાયાનુસાર અઢી વાગ્યે વાવાઝોડું ઉત્તર મ્યાનમાર અને દક્ષિણ-પૂર્વ બાંગ્લાદેશના સમુદ્રકાંઠે આવેલા કૉક્સ બાઝાર અ મ્યાનમારના ક્યોકપ્યૂ અને સિત્ત્વેના ઉત્તરેથી વાવાઝોડું પસાર થયું હતું.

માહિતી અનુસાર આગામી લગભગ ત્રણ કલાકમાં વાવાઝોડું નબળું પડી જશે.

ભારતના પશ્ચિમ ભાગે આવેલા સમુદ્ર વિસ્તારમાં સર્જાયેલ આ વાવાઝોડાના કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે તેની સંભવિત અસરો અંગે ભારતમાં પણ કુતૂહલ સર્જાયું હતું.

મોખા વાવાઝોડાના કારણે સર્જાયેલ પરિસ્થિતિને કારણે બંગાળની ખાડીની આસપાસ અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદ સાથે 195 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે.

આ વાવાઝોડાને હાલ કરાયેલા વર્ગીકરણ પ્રમાણે ‘અતિ તીવ્ર સાયક્લોનિક સ્ટૉર્મ’ની કૅટગરીમાં મૂકવામાં આવ્યું છે.

આ આપત્તિથી લોકોને બચાવવા માટે બાંગ્લાદેશમાં તંત્રે પાંચ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયા છે.

ભારતની વાત કરાય તો એનડીટીવીના અહેવાલ મુજબ આપત્તિ પ્રબંધન બળના અધિકારીઓને પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર અને દક્ષિણ 24 પરગણા જિલ્લામાં હાઇ ઍલર્ટ રખાયા હતા.

એક અધિકારીએ જણાવ્યું હતું કે પૂર્વ મેદિનીપુર જિલ્લાના ડિઘા-મંદારમણિ કાંઠા વિસ્તારમાં દરિયો તોફાની બનતા એનડીઆરએફના અધિકારીઓ ગોઠવાયા હતા.

વાવાઝોડાની સ્થિતિને કારણે દરિયામાં સર્જાયેલાં ચાર મીટર ઊંચાં મોજાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલાં ગામોમાં પાણી ભરાઈ શકે છે.

આ વાવાઝોડાને કારણે બાંગ્લાદેશ ખાતેના વિશ્વના સૌથી મોટા રૅફ્યૂજી કૅમ્પ કોક્સ બાઝારમાં અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને પવનો ફૂંકાઈ રહ્યા છે.

નોંધનીય છે કે આ વિસ્તારમાં રોહિંગ્યા શરણાર્થીઓ માટે બનાવાયેલા રાહત કૅમ્પોમાં દસ લાખ કરતાં પણ વધુ લોકો રહે છે.

બપોરના દોઢ વાગ્યાની સ્થિતિ પ્રમાણે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયા હતા તેમજ મ્યાનમારના સિત્ત્વે શહેર ખાતે પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી.

બાંગ્લાદેશ હવામાન વિભાગના અધિકારી પ્રમાણે ચત્તોરગ્રામ અને બારિશાલ ડિવિઝનમાં રવિવારે વાવાઝોડાની અસરનો અનુભવ થવાનું શરૂ થઈ ગયું હતું.

ગ્રે લાઇન

મ્યાનમાર અને બાંગ્લાદેશમાં વાવાઝોડાનું પ્રકોપ જોવા મળ્યું

મોખા વાવાઝોડું

ઇમેજ સ્રોત, Reuters

સિત્ત્વેના મોટા ભાગના વિસ્તારોમાં વાઇફાઇ કનેક્શન પ્રભાવિત થયા હતા. આ વિસ્તારમાંથી આવી રહેલા વીડિયોમાં ઊંચાં મોજાં ઊઠતાં દેખાઈ રહ્યાં હતાં.

સાથે જ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂરના પાણી સાથે અન્ય ચીજવસ્તુઓ પણ શેરીમાં ધકેલાતી જોવા મળી હતી.

સિત્ત્વેની બચાવ ટીમે કહ્યું કે તેમને પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકો પાસેથી મદદ માટેના કૉલ આવી રહ્યા છે. આ ટીમે જણાવ્યું હતું કે આ વિસ્તારોમાં મદદ પૂરી પાડવાનું કામ ખૂબ જ જોખમી હતું.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર મ્યાનમારના રખિને રાજ્યમાં વૃક્ષ પડવાને કારણે એક 14 વર્ષીય કિશોરનું મૃત્યુ થયું હતું.

જ્યારે બાંગ્લાદેશમાં પણ પવનો પૂર ઝડપે ફૂંકાઈ રહ્યા છે. સાથે જ ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે. કોક્સ બાઝારમાં વાવાઝોડાનું જોર વધતાં શેરીઓ સૂની પડવાની શરૂઆત થઈ ગઈ હતી.

પવનની દિશામાં નમી ગયેલાં વૃક્ષો અને કાળુંમેશ થઈ ગયેલું આકાશ વાવાઝોડાની તીવ્રતા પ્રતિબિંબિત કરી રહ્યાં છે.

કોક્સ બાઝારમાં ઊભાં કરાયેલાં સ્કૂલો અને મઠો શરણાર્થીઓથી ભરાઈ ગયાં છે. શનિવારે આ વિસ્તારમાં પોલીસે લોકોને આશ્રય મેળવવા અને સમુદ્રકિનારે જવાનું ટાળવા સતત સમજાવ્યા હતા.

રવિવારે તંત્ર દ્વારા કરાયેલી આગાહીમાં ભારે વરસાદને પરિણામે ભૂસ્ખલન અંગે પણ આધિકારિક ચેતવણી અપાઈ હતી.

ઢાકા ખાતેના સ્ટોર્મ વૉર્નિંગ સેન્ટરના હવામાનશાસ્ત્રી ડૉ. એમ. એમ. મલિકે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે વાવાઝોડાનો વ્યાપ 520 કિલોમીટરનો છે. જેનો અર્થ એ છે કે તેને પસાર થવામાં થોડો સમય લાગશે.

તૈયારીના ભાગરૂપે નજીકનાં ઍરપૉર્ટ બંધ કરી દેવાયાં હતાં. તેમજ માછીમારોને તેમનું કામ મોકૂફ રાખવા દિશાનિર્દેશ જાહેર કરાયાં હતાં.

અસરગ્રસ્ત વિસ્તારોમાંથી આવી રહેલા લોકોને આશ્રય માટેની વ્યવસ્થા કરવા માટે 1,500 શેલ્ટર ઊભા કરાયા હતા.

આ વાવાઝોડાને લઈને ખાસ કરીને કોક્સ બાઝાર ખાતે રોહિંગ્યા રૅફ્યૂજી કૅમ્પોમાં રહેતા શરણાર્થીઓ અને મ્યાનમારના પશ્ચિમ કાંઠે આવેલા વિસ્તારોમાં રહેતા લોકોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી.

રેડ લાઇન
રેડ લાઇન