You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપે રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાને ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર કેમ બનાવ્યા?
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ ગુજરાતથી રાજ્યસભા માટે નામાંકન દાખલ કર્યું છે.
2024ની લોકસભા ચૂંટણી પહેલાં દેશમાં રાજ્યસભાની ચૂંટણી થવાની છે અને ગુજરાતમાંથી પણ ચાર બેઠક પર ચૂંટણી થવાની છે.
ગુજરાતમાંથી ભારતીય જનતા પક્ષ (ભાજપ) દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટેના ચાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાને પણ ઉમેદવાર બનાવાયા છે.
આ ઉપરાંત ગુજરાતમાંથી ભાજપે પક્ષના ઓબીસી મોરચાના અધ્યક્ષ મયંક નાયક, સુરતના હીરાઉદ્યોગના આગેવાન ગોવિંદ ધોળકિયા અને ડૉ. જશવંતસિંહ પરમારને પણ ઉમેદવાર બનાવ્યા છે.
નોંધપાત્ર બાબત એ છે કે નડ્ડા હાલમાં તેમના ગૃહરાજ્ય હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ છે અને હવે તેમનો છ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, પરંતુ તેમને ફરીથી હિમાચલ પ્રદેશમાંથી ઉમેદવાર નથી બનાવવામાં આવ્યા.
ગુજરાતમાંથી ભાજપના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ રાજ્યસભાના સભ્ય બને તે બાબત નવી નથી.
હાલમાં ભારતના વિદેશમંત્રી એસ જયશંકર પણ ગુજરાતમાંથી રાજ્યસભાના સંસદસભ્ય છે. આ અગાઉ કેન્દ્રીય કૅબિનેટનાં મંત્રી સ્મૃતિ ઈરાની પણ રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યાં છે.
નડ્ડા હિમાચલને બદલે ગુજરાતમાં કેમ આવ્યા?
ગુજરાતમાંથી કુલ 11 સભ્યો રાજ્યસભામાં ચૂંટવામાં આવે છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની કુલ બેઠકો ત્રણ છે. આ ત્રણ બેઠકોની ચૂંટણી દર બે વર્ષના અંતરાલે થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેપી નડ્ડા વર્ષ 2018માં રાજ્યસભાના સભ્ય બન્યા હતા. ત્યાર બાદ ભાજપમાંથી વર્ષ 2020 અને 2022માં અનુક્રમે ઇંદુ ગોસ્વામી અને સિકંદરકુમાર રાજ્યસભામાં સભ્ય તરીકે ચૂંટાયા હતા.
સામાન્ય રીતે રાજ્યસભામાં સભ્યોની સંખ્યા ચૂંટાવાનો આધાર જે તે રાજ્યની વિધાનસભામાં જે તે પક્ષના સભ્યોની સંખ્યા પર આધાર રાખે છે. હાલ હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસની સરકાર છે અને ડિસેમ્બર 2022માં પૂર્ણ થયેલી ચૂંટણીમાં વિધાનસભાની કુલ 68 બેઠકોમાંથી કૉંગ્રેસ પાસે 40, ભાજપ પાસે 25 અને અપક્ષ પાસે ત્રણ બેઠકો છે.
હાલમાં હિમાચલ પ્રદેશની માત્ર એક જ રાજ્યસભા બેઠક માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેને કારણે વિધાનસભાના કૉંગ્રેસના ધારાસભ્યોના સંખ્યાબળને ધ્યાનમાં લેવામાં આવે તો માત્ર કૉંગ્રેસના ઉમેદવાર જ રાજ્યસભામાં ચૂંટાઈ શકે તેમ છે.
વળી કૉંગ્રેસે સુપ્રીમ કોર્ટના વકીલ અને પક્ષના આગેવાન અભિષેક મનુ સિંઘવીને હિમાચલ પ્રદેશમાંથી પોતાના ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી દીધી છે. આથી જેપી નડ્ડા હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભાની ચૂંટણીમાં ઊભા રહે છતાં ત્યાં ભાજપના ધારાસભ્યોની ઓછી સંખ્યા જોતાં તેમણે હારનો જ સામનો કરવો પડી શકે.
જ્યારે ગુજરાતમાં હાલ ભાજપના કુલ 156 ધારાસભ્યો છે, જેને કારણે ગુજરાતમાંથી ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં ઉતારેલા સભ્યોનો વિજય નિશ્ચિત માનવામાં આવે છે.
ગુજરાતમાંથી ભાજપે ચાર ઉમેદવારો કેમ ઉતાર્યા?
એપ્રિલ 2024માં રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહેલા ગુજરાતના સભ્યોમાં બે કૉંગ્રેસ અને બે સભ્યો ભાજપના છે. જેમાં વર્તમાન કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા અને કેન્દ્રીય પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ડેરી વિભાગના મંત્રી પરસોત્તમ રૂપાલા ભાજપ તરફથી રાજ્યસભાના સભ્યો હતા જે હવે નિવૃત્ત થશે. જ્યારે નારણ રાઠવા અને અમી યાજ્ઞિક કૉંગ્રેસનાં સભ્યો છે.
હવે ભાજપે ચાર ઉમેદવારો એટલા માટે જાહેર કર્યા છે કે ગુજરાત વિધાનસભામાં ભાજપની સભ્યસંખ્યા એટલી છે કે આ ચારેય ઉમેદવારો સહેલાઈથી વિજેતા બનશે.
હાલ રાજ્યસભામાં ગુજરાતના 11 સભ્યોમાંથી 8 સભ્યો ભાજપના અને 3 કૉંગ્રેસના છે. જ્યારે 3 એપ્રિલ બાદ આ સમીકરણ બદલાઈ જશે અને રાજ્યસભામાં ગુજરાતના 11 સભ્યોમાંથી 10 સભ્યો ભાજપના અને એક સભ્ય (શક્તિસિંહ ગોહિલ) કૉંગ્રેસના રહેશે.
નોંધપાત્ર બાબત એ છે કે, હાલમાં નિવૃત્ત થઈ રહેલા ભાજપના બે સભ્યો મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા કેન્દ્ર સરકારમાં કૅબિનેટ મંત્રીઓ છે અને તેમને ફરીથી રાજ્યસભાની ચૂંટણીમાં ઉતારવામાં નથી આવ્યા.
જોકે, મીડિયાના અહેવાલો અનુસાર ભાજપ રાજ્યસભામાં ત્રીજી ટર્મ પૂર્ણ કરી ચૂકેલા સભ્યોને લોકસભાની ચૂંટણીમાં ઉતારે તેવી સંભાવનાઓ છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર “તાજેતરમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપે ચાર કેન્દ્રીય મંત્રી સહિત 18 સંસદસભ્યોને ઉતાર્યા હતા, જેના સારાં પરિણામો મળ્યાં હતાં. આથી પક્ષે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ રાજ્યસભાના સભ્યોને ઉતારવાનો નિર્ણય કર્યો છે. આ સભ્યોને પોતાને અનુકૂળ હોય તેવી લોકસભા બેઠક પસંદ કરવાની છૂટ આપવામાં આવી છે.”
રાજ્યસભાની ચૂંટણી કેવી રીતે થાય છે?
રાજ્યસભામાં કુલ 245 બેઠકો છે. આ બેઠકોમાંથી 233 બેઠકો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની હોય છે. જ્યારે 12 બેઠકો પર રાષ્ટ્રપતિ દ્વારા સૂચવાયેલા સભ્યો માટે હોય છે.
રાજ્યસભાની ચૂંટણીમાં પક્ષો પોતાના ધારાસભ્યોને પોતે જાહેર કરેલા ઉમેદવારોને મત આપવા માટે આદેશ આપે છે. આ આદેશનું પાલન ન કરનારા ધારાસભ્યો વિરુદ્ધ પક્ષ પગલાં લે છે.
ચૂંટણી દરમિયાન રાજ્યસભાની બેઠકો માટે નામાંકન કરનારા ઉમેદવારોની સામે મતદાતા ધારાસભ્યોએ પોતાની પસંદગીના ઉમેદવારોને એક, બે, ત્રણ એમ ક્રમાંક આપવાના રહે છે. જે ઉમેદવારોને સૌથી વધુ સંખ્યામાં પ્રથમ ક્રમાંક મળે છે તેમને વિજેતા જાહેર કરવામાં આવે છે.
આ વિજેતા ઉમેદવારને જો તેમના વિજેતા બનવા માટે જરૂરી મતો કરતાં વધુ મતો મળ્યા હોય ત્યારે તેમના એ વધારાના મતોમાં જે ઉમેદવારોને બીજા ક્રમે મત આપવામાં આવ્યા હોય તેમને વિજેતા જાહેર કરવામાં આવે છે.