વિદેશમંત્રી જયશંકર યુએનમાં કૅનેડા મુદ્દે ચૂપ કેમ રહ્યા અને બહાર નીકળીને શું આરોપો લગાવ્યા?

વિદેશમંત્રી એસ. જયશંકરે ખાલિસ્તાની અલગતાવાદી શીખ નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલે કૅનેડાએ લગાવેલા આરોપોનો મંગળવારે જવાબ આપ્યો છે.

જયશંકર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક ગયા હતા. લોકોને એવી આશા હતી કે તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કૅનેડા વિશે કંઈક બોલશે, પરંતુ એવું ન થયું.

સંયુક્ત રાષ્ટ્રમાં બોલ્યા બાદ જયશંકરે ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ભારતમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત કૅનેથ જસ્ટર આ કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા હતા.

આ કાર્યક્રમમાં જયશંકરે કહ્યું કે ભારતે કૅનેડાને કહ્યું છે કે આ રીતે કામ કરવું એ સરકારની નીતિ નથી.

જયશંકરે કહ્યું, "જ્યાં સુધી અલગતાવાદી પ્રવૃત્તિઓનો સવાલ છે, કૅનેડામાં તેના માટેનું વાતાવરણ ખૂબ અનુકૂળ છે."

આ કાર્યક્રમમાં જયશંકરને જ્યારે હરદીપસિંહ નિજ્જરની હત્યા અંગે કૅનેડા દ્વારા લગાવવામાં આવેલા આરોપો વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, “અમે કૅનેડાને કહ્યું છે કે આ ભારત સરકારની કામ કરવાની રીત નથી. અમે કૅનેડાને કહ્યું હતું કે તમારી પાસે કોઈ ચોક્કસ માહિતી હોય તો અમને જણાવો.”

કૅનેડા વિશે બીજું શું બોલ્યા જયશંકર?

જયશંકરે કહ્યું કે કૅનેડામાં અલગતાવાદી દળો સાથે સંબંધિત સંગઠિત અપરાધના પણ ઘણા મામલા જોવા મળ્યા છે.

જયશંકરે કહ્યું, “અમે વારંવાર કૅનેડાને ખાલિસ્તાન સમર્થકો વિરુદ્ધ કાર્યવાહી કરવા કહ્યું છે. અમે કૅનેડાની ધરતી પર થઈ રહેલા સંગઠિત અપરાધને લગતી ઘણી બધી માહિતી પણ પૂરી પાડી છે.”

જયશંકરનું કહેવું છે કે ભારત સરકારે ઘણા લોકોના પ્રત્યાર્પણ માટે કૅનેડાને અપીલ કરી હતી.

ભારતીય વિદેશમંત્રીએ કહ્યું કે, “અમારી ચિંતા એ છે કે રાજકીય કારણોસર કૅનેડામાં અલગતાવાદી ગતિવિધિઓ માટે ખૂબ જ અનુકૂળ વાતાવરણ બન્યું છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે ભારતીય રાજદ્વારીઓને ધમકી આપવામાં આવી હતી અને કૉન્સ્યુલેટ પર હુમલો પણ કરવામાં આવ્યો હતો.”

જયશંકરે કહ્યું કે, “લોકશાહીના નામે ભારતીય રાજનીતિમાં દખલગીરી થઈ રહી છે.”

કૅનેડા અને ભારત વચ્ચેના રાજદ્વારી સંબંધો છેલ્લા અઠવાડિયાથી નોંધપાત્ર રીતે ખરાબ થયા છે.

રાજદ્વારી સંબંધોમાં આવેલી કડવાશ કદાચ સૌથી નીચલા સ્તરે છે. ગત મંગળવારે કૅનેડાની સરકારે કહ્યું હતું કે તે દેશની રાજનીતિમાં વિદેશી દખલગીરીને લઈને ચિંતિત છે.

‘ફાઇવ આઇઝે’ આપેલી માહિતી પર જયશંકર શું બોલ્યા?

‘ફાઈવ આઈઝ’ ઇન્ટેલિજન્સ ઍલાયન્સમાં અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલૅન્ડ, બ્રિટન અને કૅનેડાનો સમાવેશ થાય છે.

આ પાંચેય દેશો અરસપરસ ગુપ્ત માહિતી શેર કરે છે.

કૅનેડામાં યુએસ ઍમ્બેસેડર ડૅવિડ કોહેને શનિવારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ 'ફાઇવ આઇઝ ઇન્ટેલિજન્સ ઍલાયન્સ' પાસેથી મળેલી ગુપ્ત માહિતીના આધારે સંસદમાં નિવેદન આપ્યું હતું.

એવા અહેવાલો પણ આવ્યા હતા કે તે ઘટના પછી, અમેરિકાની એફબીઆઈએ કેટલાક લોકોને તેમના જીવના જોખમ વિશે ચેતવણી આપી હતી.

જ્યારે જયશંકરને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, "અમે ફાઈવ આઇઝનો ભાગ નથી અને ચોક્કસપણે એફબીઆઈનો પણ ભાગ નથી."

શું કૅનેડાની સરકારે નિજ્જરની હત્યાના આરોપો સંબંધિત કોઈ પુરાવા ભારતને આપ્યા છે?

કાર્યક્રમમાં પૂછાયેલા આ પ્રશ્નના જવાબમાં જયશંકરે સ્પષ્ટપણે ના પાડી હતી.

જયશંકરના વલણ વિશે ચર્ચા

જયશંકરે કૅનેડા પર બોલવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને બદલે બીજી ઇવેન્ટ પસંદ કરી.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેઓ આ અંગે મૌન રહ્યા.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર ડિફેન્સ ફોરમ ઇન્ડિયાના તંત્રી યુસુફ ઉંઝાવાલાએ ટ્વીટ કર્યું હતું કે, “ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આ મુદ્દો ન ઉઠાવવો જોઈએ કારણ કે એ યોગ્ય જગ્યા નથી. એક ઊભરતો દેશ હોવા છતાં ગત વર્ષોમાં આપણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનો ઉપયોગ વૈશ્વિક મુદ્દાઓ ઉપાડવા માટે જ કર્યો છે. ”

યુસુફે લખ્યું છે કે, “આપણે આ પ્લૅટફૉર્મ પરથી પાકિસ્તાન વિશે પણ વાત નથી કરતા. આ કામ એક જુનિયર ડિપ્લોમેટને સોંપવામાં આવે છે જેથી તે પાકિસ્તાનને જવાબ આપી શકે.”

વિદેશી બાબતોના નિષ્ણાત એસએલ કંઠન કહે છે- “વિદેશ મંત્રી જયશંકર ખૂબ જ સ્માર્ટ છે. અમે નથી કર્યું એમ કહેવાને બદલે તેઓ કહે છે કે આ સરકારની નીતિ નથી."

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કૅનેડા અને ભારત

સમાચાર ઍજન્સી એપી પ્રમાણે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારત અને કૅનેડાના રાજદ્વારીઓએ નિજ્જરની હત્યાથી શરૂ થયેલા વિવાદને લઈને એકબીજાને સીધા સંબોધિત ન કર્યા પરંતુ બંનેએ કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર વાત કરી.

જયશંકરે કહ્યું, "રાજકીય સુવિધાઓ આતંકવાદ, હિંસા અને ઉગ્રવાદની પ્રતિક્રિયાઓ નક્કી કરે છે. દુનિયાએ તેને સ્વીકારવું જોઈએ નહીં."

સંયુક્ત રાષ્ટ્રમાં કૅનેડાના રાજદૂત રૉબર્ટ રેએ જણાવ્યું હતું કે, "રાજકીય લાભ માટે અમે સરકારો વચ્ચેના સંબંધોના નિયમોમાં ફેરફાર કરી શકતા નથી."

જયશંકરે પોતાના ભાષણમાં આતંકવાદ, ઉગ્રવાદ અને હિંસાનો ઉલ્લેખ કર્યો હતો. કૅનેડાના આરોપો પછી ભારતની પ્રતિક્રિયાનું આ પુનરાવર્તન હતું. તે પાકિસ્તાનને લગતી ભારતની ફરિયાદો જેવી જ હતી. ભારત પાકિસ્તાન પર પણ આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવી રહ્યું છે.

કૅનેડિયન એમ્બેસેડર રૉબર્ટ રેએ કહ્યું, "સત્ય એ છે કે જો આપણે તે નિયમોનું પાલન નહીં કરીએ કે જેના પર આપણે સહમત થયા છીએ, તો પછી આપણો સ્વતંત્ર અને મુક્ત સમાજ તૂટી શકે છે."

જયશંકરે યુનાઈટેડ નેશન્સ જનરલ ઍસેમ્બલીમાં કહ્યું છે કે હવે એ દિવસો પૂરા થઈ ગયા છે જ્યારે કેટલાક દેશો ઍજન્ડા નક્કી કરતા હતા અને અન્ય લોકો તેને અનુસરે તેવી અપેક્ષા રાખતા હતા.

જયશંકરે કહ્યું, "એ સમયે કે જ્યારે પૂર્વ-પશ્ચિમ ધ્રુવીકરણ આટલું તીવ્ર છે અને ઉત્તર-દક્ષિણનું વિભાજન આટલું ભયંકર છે, ત્યારે નવી દિલ્હી સંમેલન એ વાતની પણ પુષ્ટિ કરે છે કે કૂટનીતિ અને સંવાદ જ એકમાત્ર અસરકારક ઉકેલ છે."

તેમણે કહ્યું, "નવી દિલ્હીમાં આયોજિત જી20 સમિટમાંથી જે પણ હાંસલ કરવામાં આવ્યું હતું તેના પડઘા આવતાં ઘણાં વર્ષો સુધી સાંભળવા મળશે. બિન-જોડાણવાદી ચળવળના યુગથી આપણે હવે વિશ્વ મિત્રો તરીકે ઊભરી આવ્યા છીએ.”

જયશંકરે કહ્યું, "હવે એ દિવસો વીતી ગયા છે જ્યારે કેટલાક દેશો એક ઍજન્ડા નક્કી કરતા હતા અને અન્ય દેશો પણ તેને અનુસરવાની અપેક્ષા રાખતા હતા. હજુ પણ કેટલાક દેશો છે કે જેઓ ઍજન્ડાને આકાર આપે છે અને નિયમો બનાવવાનો પ્રયાસ કરે છે. પણ આવું કાયમ શક્ય નહીં બને.”