સુરતમાં રૂ. 75 લાખ રોકડા પકડાવાનો મામલો રાજકીય ગરમાવો કેમ પકડી રહ્યો છે?

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

સુરત પોલીસે તાજેતરમાં એક ઈનોવા કારમાં 75 લાખ રૂપિયા સાથે બે લોકોને પકડ્યા હતા. જોકે, પોલીસની આ કાર્યવાહીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કારણ કે ભાજપે આ રૂપિયા અને કાર કૉંગ્રેસની હોવાનો, તો કૉંગ્રેસે ભાજપ દ્વારા વિરોધપક્ષને બદનામ કરવા માટે આમ કરાયું હોવાનો આરોપ લગાવ્યો છે.

બુધવારે રાત્રે સુરતના મહિધરપુરા પોલીસસ્ટેશન નજીક તપાસ માટે તહેનાત ચૂંટણીપંચની ફ્લાઇંગ સ્ક્વૉડની ટીમને એક ઈનોવા કારમાંથી મોટી સંખ્યામાં ચલણી નોટોના બંડલો મળી આવ્યા હતા.

પોલીસ સૂત્રો પ્રમાણે કુલ કારમાં 74.80 લાખ રૂપિયા સાથે કુલ ત્રણ લોકો હતા. જે પૈકી એક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જ્યારે બે વ્યક્તિ પકડાઈ ગયા હતા.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવતી હોવાથી આ મુદ્દાને લઈને રાજકીય પક્ષો આમને સામને આવી ગયા છે. જોકે, રોકડા કે અન્ય કોઈ વસ્તુઓ પકડાવાની આ કંઈ પહેલી ઘટના નથી

ચૂંટણીપંચના સૂત્રો અનુસાર, સુરતમાં ચૂંટણી દરમિયાન 2.69 કરોડ રોકડા, 2.57 કરોડના સોના-ચાંદી, 94 લાખનો દારુ અને 4.85 કરોડનું ડ્રગ્ઝ પણ પકડાયું છે.

શું હતી સમગ્ર ઘટના?

સુરત પોલીસના જણાવ્યા પ્રમાણે, જે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે, તેમના નામ ઉદય ગુર્જર અને મોહમ્મદ ફૈઝ છે.

એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે બીબીસીના સહયોગી ધર્મેશ અમીનને જણાવ્યું કે પકડાયેલા બે લોકો પૈકી ઉદય ધર્મેશ રાજસ્થાન યુથ કૉંગ્રેસનો કાર્યકર્તા છે અને મોહમ્મદ ફૈઝ સુરતનો રહેવાસી છે.

જોકે, ઘટનાસ્થળેથી ફરાર થનારા વ્યક્તિ વિશે પોલીસે કોઈ ફોડ પાડ્યો નથી. જોકે, એ વ્યક્તિ કૉંગ્રેસ નેતા બી. એમ. સંદિપ હોવાનો ભાજપ દ્વારા આક્ષેપ કરાયો છે.

સુરતના પોલીસ કમિશનર અજય કુમાર તોમરે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, “ચૂંટણીપંચ સાથે સંકળાયેલી ફ્લાઇંગ સ્ક્વૉડે આ લોકોને પકડ્યા છે. આગળની તપાસ ઇન્કમટૅક્સ દ્વારા કરવામાં આવી રહી છે.”

સુરતના કલૅક્ટર આયુષ ઓકે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ફ્લાઇંગ સ્ક્વૉડે 74.80 લાખ રૂપિયા જપ્ત કર્યા છે.

શું છે આરોપ-પ્રત્યારોપ?

ભાજપ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે સુરતના મહિધરપુરા પોલીસમથકના વિસ્તારની ઘટનામાં કૉંગ્રેસના રાષ્ટ્રીય સચિવ 75 લાખ રૂપિયા લેવા આવ્યા હતા પરંતુ પોલીસને જોઈને ભાગી ગયા હતા. રાજસ્થાન સાથે જોડાયેલી આ ઘટનાના દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.

જોકે, કૉંગ્રેસ ભાજપના આ દાવા પાયાવિહોણા હોવાનું જણાવે છે. કૉંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ કહે છે, “કાયદો કાયદાનું કામ કરશે પણ સવાલ એ છે કે જો આ પ્રકારના સીસીટીવી ફૂટેજ મળ્યા હોય તો તેને એફએસએલમાં કેમ મોકલાતા નથી?”

તેમણે આગળ કહ્યું, “તપાસ એ વાતની પણ થવી જોઈએ કે જો હકીકતમાં સીસીટીવી ફૂટેજ મળ્યા હોય તો તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે લીક કોણ કરે છે?”

તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, “સુરતમાં રાહુલ ગાંધીની સભા વખતે અમે ઘણી ગાડીઓ ભાડે કરી હતી. એવામાં આ ગાડીમાં રોકડા ક્યાંથી આવ્યા તે કોને ખબર? બની શકે કે એ ભાજપનું જ કાવતરું હોય. મામલાની તપાસ થવી જોઈએ. કારણ કે સીસીટીવી ફૂટેજ સાથે છેડછાડ કરાઈ હોઈ શકે છે.”

તો ભાજપના પ્રવક્તા જગદીશ પટેલ જણાવે છે કે “અમને મળેલી માહિતી અનુસાર, જે ગાડીમાંથી રોકડા મળ્યા, એ ગાડીમાંથી કૉંગ્રેસના મહાસચિવ બી. એમ. સંદિપના નામનું રાહુલ ગાંધીની રેલી સમયનું વીવીઆઈપી કાર્ડ મળ્યું છે અને કૉંગ્રેસનું પ્રચાર સાહિત્ય પણ મળ્યું છે. જેના પરથી પ્રતીત થાય છે કે કૉંગ્રેસ કેવી રીતે ચૂંટણી લડી રહી છે.”

કૉંગ્રેસ દ્વારા ભાજપ પર કરાયેલા આક્ષેપોને લઈને તેઓ કહે છે, “આ મામલાને ભાજપ સાથે કોઈ લેવાદેવા નથી. ભાજપ પ્રામાણિકતાથી ચૂંટણી લડે છે. આવા કાવાદાવા કરીને નહીં.”