વડા પ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામમંદિરની 'પ્રાણપ્રતિષ્ઠા'ના 22 મહિના બાદ હવે 'ધ્વજારોહણ' કેમ કરી રહ્યા છે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી સંવાદદાતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રામમંદિર પર 'ધ્વજારોહણ'ની વિધિ કરવા માટે અયોધ્યા ગયા છે.
પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોએ આપેલી માહિતી અનુસાર, તેઓ અયોધ્યામાં રામમંદિર પર 22 ફૂટની ધાર્મિક ધ્વજા ચઢાવશે. આ કાર્યક્રમમાં પણ મોટું આયોજન કરવામાં આવ્યું છે હજારો લોકોને તેમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ અગાઉ અયોધ્યામાં 22 જાન્યુઆરી, 2024ના રોજ ભગવાન રામની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ થયો હતો અને તેમાં પણ દેશ-વિદેશના હજારો મહેમાનોને આમંત્રિત કરીને મોટું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પણ મુખ્ય અતિથિ પીએમ મોદી હતા.
5 ઑગસ્ટ, 2020ના રોજ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને તેમાં પણ પીએમ મોદી મુખ્ય અતિથિ હતા.
એ સમયે સંપૂર્ણ રામમંદિરનું બાંધકામ પૂર્ણ થયું નહોતું પરંતુ શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર અનુસાર, હવે બાંધકામ પૂર્ણ થયું હોવાથી 'ધ્વજારોહણ' ની વિધિ કરવામાં આવી રહી છે. ત્યારે સતત બીજે વર્ષે આટલા મોટા આયોજનનો અર્થ શો છે?
'ધ્વજારોહણ'નું મોટું આયોજન

ઇમેજ સ્રોત, ANI
આજે અયોધ્યા રામમંદિરમાં વડા પ્રધાન મોદીના હસ્તે 'ધ્વજારોહણ'નો કાર્યક્રમ છે.
પીઆઈબીએ આપેલી માહિતી અનુસાર, "ધ્વજારોહણનો અર્થ અધર્મ ઉપર ધર્મનો વિજય એવો થાય છે અને આ કાર્યક્રમનો અર્થ વિશ્વભરના શ્રદ્ધાળુઓને આ ભવ્ય ઉજવણીમાં સામેલ થવાનું કાયમી નિયંત્રણ આપવામાં આવ્યું એવું થાય છે."
જોકે, ગત વર્ષે રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પછી જ લાખો લોકો રામમંદિરની મુલાકાતે આવી ચૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગત વર્ષે જ્યારે પ્રાણપ્રતિષ્ઠા થઈ એ સમયે જ મંદિરનું બાંધકામ પૂર્ણ ન થયું હોવાને કારણે મોટો વિવાદ થયો હતો.
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં એ સમયે કહ્યું હતું કે, "દિવ્યાંગ મંદિરમાં(અધૂરાં બાંધકામ) ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા કેવી રીતે કરી શકાય. જે મંદિરમાં શિખર અને ધ્વજ ન હોય અને તેમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવે તો મૂર્તિ તો રામની દેખાશે, પરંતુ તેમાં આસુરી શક્તિ આવીને બેસી જશે."
તેમણે એ સમયે એમ પણ કહ્યું હતું કે, "દિવ્યાંગ મંદિરમાં રામધૂન, ભજન-કીર્તન કરી શકાય પરંતુ પ્રાણપ્રતિષ્ઠા શબ્દ સંપૂર્ણ મંદિર બની જાય એ પછી જ કરવામાં આવશે."
જોકે, એ સમયે 'પ્રાણપ્રતિષ્ઠા'નો કાર્યક્રમ યથાવત્ રહ્યો હતો અને હવે આજે મંદિર પર 'ધ્વજારોહણ' થવા જઈ રહ્યું છે.
આ વખતે પણ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમની જેમ જ મોટા કાર્યક્રમનું આયોજન થયું છે અને હજારો લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
સતત બીજે વર્ષે રામમંદિરમાં મોટો કાર્યક્રમ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
22 જાન્યુઆરી, 2024ના દિવસે થયેલી 'પ્રાણપ્રતિષ્ઠા' પછી સતત બીજે વર્ષે રામમંદિરમાં મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે.
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક શરદ ગુપ્તાનું કહેવું છે કે આ આયોજન કોઈ સામાન્ય કાર્યક્રમ નથી.
તેઓ કહે છે, "સતત બીજે વર્ષે થયેલું આ મોટું આયોજન એ ભાજપે હિમાચલ પ્રદેશના પાલમપુરમાં 1989માં લીધેલા સંકલ્પને જ આગળ વધારે છે. ભાજપે પહેલાં કહ્યું હતું કે અમે રામમંદિરના નિર્માણમાં સહાય કરીશું અને પછી કોર્ટના ચુકાદા પછીની તેની સક્રિયતા અને નિર્માણ દર્શાવે છે કે ભાજપ માત્ર મંદિરનિર્માણમાં સહાય નથી કરી રહ્યો, પરંતુ રાજકીય હેતુને પણ સાધી રહ્યો છે."
શરદ ગુપ્તા કહે છે, "ભાજપ સતત 36 વર્ષથી પૂરજોરથી ધાર્મિક રાજકારણ કરી રહ્યો છે. રામમંદિરનું નિર્માણ હોય કે પછી કાશી-મહાકાલ કૉરિડોર હોય કે પછી કુંભમેળાનું આયોજન હોય, આ સક્રિયતા તમને સતત જોવા મળશે. એક પછી એક આયોજનો એ આ જ રાજકારણનો ભાગ છે. કુંભ, ધ્વજારોહણ, શિલાન્યાસ, ભૂમિપૂજન જેવા કાર્યક્રમો ચાલુ જ રહે છે."
તેઓ કહે છે કે, "2001-02 પછી નરેન્દ્ર મોદીને સતત હિંદુ હ્રદયસમ્રાટ તરીકે રજૂ કરવામાં આવતા રહ્યા છે. આ એ જ છબિને નિખારવાનો સતત થતો પ્રયત્ન છે."
ભાજપ અને હિંદુત્વના રાજકારણ પર બારીક નજર રાખતા મહારાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર હેમંત દેસાઈ સાથે બીબીસીએ વાત કરી હતી. તેમનું માનવું છે કે સતત થતાં આવા કાર્યક્રમો એ ભાજપના દૂરોગામી ઍજન્ડાનો જ એક ભાગ છે.
તેઓ કહે છે, "તાજેતરમાં તમે જી-20માં આપેલું નરેન્દ્ર મોદીનું ભાષણ જુઓ તો એમાં તેઓ પ્રાચીન જ્ઞાનકોશ, યોગ જેવા વિષયો પર બોલે છે. રામનાથ ગોયન્કા મેમોરિયલ લેક્ચરમાં તેમનું ભાષણ જુઓ તો તેઓ મેકોલેને યાદ કરીને પ્રાચીન શિક્ષણપદ્ધતિ પર વાત કરે છે. કોઈપણ કાર્યક્રમ હોય તેમાં પોતાની વિચારધારા, સંકલ્પો, ઍજન્ડાને આગળ વધારવો તેવો જ સતત આરએસએસ, ભાજપનો પ્રયત્ન હોય છે. શિલાન્યાસ, ભૂમિપૂજન, ધ્વજારોહણ જેવા ધાર્મિક કાર્યક્રમોથી તેઓ સતત પોતાની હિંદુરાષ્ટ્રની સંકલ્પનાને વધુને વધુ મજબૂત કરવાની કોશિશ કરતા રહે છે."
રામમંદિરનો રાજકીય હેતુ પાર પાડવા ઉપયોગ?

વરિષ્ઠ પત્રકાર શરદ ગુપ્તાનું માનવું છે કે, બહુમતી પ્રજા પર પણ આ રાજકારણની સીધી અસર પડી રહી છે.
તેઓ કહે છે, "2014 પહેલાં મંદિરોમાં લોકોની મુલાકાતના આંકડા જુઓ અને હાલનાં વર્ષોમાં આંકડા જુઓ તો એ સ્પષ્ટ દર્શાવે છે કે આ સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. બહુમતી હિંદુ જનમાનસને પ્રતીત થઈ રહ્યું છે કે કોઈ સરકાર આવી છે જે અમારાં હિતોનું ધ્યાન રાખે છે. તેઓ પોતાને ગૌરવાન્વિત અનુભવી રહ્યા છે."
"વળી, ભારતનો ચૂંટણી કાર્યક્રમ સતત ચાલતો રહે છે. બિહાર ચૂંટણી તાજેતરમાં પૂર્ણ થઈ અને હવે આસામ અને બંગાળની ચૂંટણી આવવાની છે. આથી, ભાજપ પોતાની આ ભઠ્ઠીને ઠંડી થવા દેવા માગતો નથી. કારણ કે દરેક ચૂંટણીમાં તેનો પ્રયત્ન હોય છે કે પહેલાં કરતાં વધુ સારું કેવી રીતે કરી શકાય, વધુ મોટી જીત કેવી રીતે મેળવી શકાય."
રાજકીય વિશ્લેષક હેમંત દેસાઈ કહે છે, "ભૂતકાળમાં નહેરુ ધાર્મિક કાર્યક્રમોમાં દેશના વડાઓએ સામેલ ન થવું જોઈએ તેવો મત વ્યક્ત કરી ચૂક્યા છે. પરંતુ વડા પ્રધાન મોદી અનેક વાર આવા કાર્યક્રમોમાં સામેલ થઈ ચૂક્યા છે. કારણ કે તેમની વિચારધારા એવી છે કે રાષ્ટ્રની આધારશિલા ધર્મ છે અને તેઓ તેનું જ પાલન કરી રહ્યા છે."
ઘણીવાર લોકો આ આયોજનોને ભાજપના ચૂંટણી ઍજન્ડા સાથે જોડીને જુએ છે.
આ અંગે હેમંત દેસાઈ કહે છે કે, "આવા કાર્યક્રમોને ચૂંટણી સાથે જોડીને તેનો રાજકીય અર્થ કાઢવો એ પૂરતું નથી, પરંતુ આ તેમનું રાજકારણ છે અને એ આમ જ ચાલશે. જો તેમણે 2024ની લોકસભા ચૂંટણી પહેલાં અયોધ્યામાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા સમારોહનું આયોજન ન કર્યું હોત તો ભાજપને ઉત્તરપ્રદેશમાં જેટલી બેઠકો મળી તેનાથી પણ કદાચ ઓછી મળી હોત. કુલ 240 બેઠકો આવી તેની સંખ્યા પણ ઘટી હોત."
અહીં ઉલ્લેખનીય છે કે, 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના મુદ્દાને ગજવવા છતાં ભાજપને ઉત્તરપ્રદેશમાં મોટું નુકસાન થયું હતું અને માત્ર 33 બેઠકો જ મળી હતી. ભાજપ અયોધ્યા જેની હેઠળ આવે છે એ ફૈઝાબાદ લોકસભા બેઠક પણ હારી ગયું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












