અયોધ્યામાં જે મસ્જિદ બનવાની હતી, તેનું શું થયું – ગ્રાઉન્ડ રિપોર્ટ

ધન્નીપુર ગામમાં સરકારે મસ્જિદ બનાવવા માટે જમીન ફાળવી છે. આ તે મસ્જિદનું પ્રસ્તાવિત મૉડલ છે
ઇમેજ કૅપ્શન, ધન્નીપુર ગામમાં સરકારે મસ્જિદ બનાવવા માટે જમીન ફાળવી છે. આ તે મસ્જિદનું પ્રસ્તાવિત મૉડલ છે
    • લેેખક, સૈયદ મોઝિઝ ઇમામ
    • પદ, બીબીસી સંવાદદાતા, અયોધ્યાથી પાછા ફર્યા બાદ

ધન્નીપુર ગામ અયોધ્યાથી લગભગ 20 કિલોમીટર દૂર છે. આ ગામ છેલ્લાં કેટલાંક વર્ષોથી ચર્ચામાં છે, કેમકે, સરકારે અહીં મસ્જિદ બનાવવા માટે જમીન ફાળવી છે.

6 ડિસેમ્બર 1992એ અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વસ્ત કરી દેવામાં આવી હતી. લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ 9 નવેમ્બર 2019ના દિવસે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં અયોધ્યામાં રામમંદિરના નિર્માણની મંજૂરી આપી હતી.

તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વવાળી પાંચ સભ્યોની બૅંચે રામ જન્મભૂમિ–બાબરી મસ્જિદ કેસમાં સર્વસંમતિથી ચુકાદો આપ્યો હતો.

જેમાં, અયોધ્યાની 2.77 એકરની સમગ્ર વિવાદિત જમીન રામમંદિરનિર્માણ માટે આપી દેવામાં આવી હતી અને મસ્જિદ બનાવવા માટે મુસ્લિમ પક્ષને પાંચ એકર વૈકલ્પિક જમીન આપવાનો ચુકાદો સંભળાવાયો હતો.

એક બાજુ, અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને ટૂંક સમયમાં જ એક વર્ષ પૂર્ણ થઈ જશે, તો બીજી બાજુ, ધન્નીપુરમાં નવી મસ્જિદના નિર્માણકાર્યની હજી સુધી શરૂઆત પણ નથી થઈ શકી.

ઉત્તરપ્રદેશમાં ગોરખપુર–અયોધ્યા–લખનઉ હાઈવે પર રૌનાહી પોલીસ સ્ટેશનની બાજુના રસ્તા પરથી જ ધન્નીપુર ગામ શરૂ થાય છે. આ ગામમાં મસ્જિદની પ્રસ્તાવિત જગ્યા હાઈવેથી 200 મીટરના અંતરે છે.

પરંતુ, ત્યાં પહોંચીએ તો મેદાનમાં કેટલાક ટેન્ટવાળા મંડપ બનાવવા માટે વપરાતાં મોટાં કપડાં સૂકવતા જોવા મળે છે. ખેડૂત પોતાનાં ઢોરઢાંખર ચરાવી રહ્યા હતા અને મેદાનની વચ્ચે એક દરગાહ પર એકલદોકલ ઝાયરીન [ઝિયારત કે હજ કરનારા વ્યક્તિ] આવી રહ્યા હતા.

વૉટ્સઍપ
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાઈને સમાચારો અને રસપ્રદ કહાણીઓ વાંચવા અહીં ક્લિક કરો

સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે શું કહ્યું?

ફાઉન્ડેશનના અધ્યક્ષ ઝુફર ફારૂકીનું કહેવું છે કે મસ્જિદનિર્માણ માટે 100 કરોડ રૂપિયાની જરૂર છે
ઇમેજ કૅપ્શન, ફાઉન્ડેશનના અધ્યક્ષ ઝુફર ફારૂકીનું કહેવું છે કે મસ્જિદનિર્માણ માટે 100 કરોડ રૂપિયાની જરૂર છે

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકારે 2020માં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે જમીન આપી દીધી હતી.

ત્યાર બાદ બોર્ડે ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન (આઈઆઈસીએફ)ના નામનું એક ટ્રસ્ટ બનાવ્યું.

ફાઉન્ડેશનના અધ્યક્ષ ઝુફર ફારૂકીનું કહેવું છે કે પૂરતું ફંડ નહીં હોવાના કારણે નિર્માણકાર્ય શરૂ નથી થઈ શક્યું.

જોકે, ફંડ એકઠું કરવા માટે એક સમિતિ પણ બનાવવામાં આવી હતી, પરંતુ ચાલુ વર્ષના સપ્ટેમ્બરમાં તેને વિખેરી નાખવામાં આવી.

આઈઆઈસીએફના સચિવ અતહર હુસૈનનું કહેવું છે કે ફંડ એકત્ર કરવા માટે જે સમિતિ બનાવવામાં આવી હતી, તે પોતાનું કામ યોગ્ય રીતે કરી શકતી નહોતી.

વિખેરી નંખાયેલી સમિતિમાં હાજી અરાફાત શેખ પણ હતા. તેમને ફંડ એકઠું કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

બીબીસીએ ફોનના માધ્યમથી મુંબઈનિવાસી હાજી અરાફાત શેખનો સંપર્ક કર્યો તો તેમણે આ બાબતમાં કશી ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો.

તેમણે કહ્યું કે આ મુદ્દે વાત કરવા સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષનો સંપર્ક કરવામાં આવે.

ધન્નીપુરમાં શું ચાલી રહ્યું છે?

ધન્નીપુરમાં મસ્જિદ ઉપરાંત એક અત્યાધુનિક કૅન્સર હૉસ્પિટલ બનાવવાની પણ યોજના છે
ઇમેજ કૅપ્શન, ધન્નીપુરમાં મસ્જિદ ઉપરાંત એક અત્યાધુનિક કૅન્સર હૉસ્પિટલ બનાવવાની પણ યોજના છે

આઈઆઈસીએફ ટ્રસ્ટ અનુસાર, ધન્નીપુરમાં મસ્જિદની સાથોસાથ એક અત્યાધુનિક કૅન્સર હૉસ્પિટલ અને 1857ની આઝાદીની પહેલી લડાઈ [વિપ્લવ]ની સ્મૃતિની જાળવણી માટે માટે એક મ્યુઝિયમ બનાવાશે.

સંગ્રહાલયનું નામ 1857ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામના નાયક ફૈઝાબાદનિવાસી મૌલવી અહમદુલ્લાશાહની સ્મૃતિમાં રાખવામાં આવશે.

ફાઉન્ડેશનના અધ્યક્ષ ઝુફર ફારૂકીએ બીબીસીને જણાવ્યું કે મસ્જિદના નિર્માણ માટે 100 કરોડ રૂપિયાની જરૂર છે.

તેમણે જણાવ્યું કે બાકીની પરિયોજનાઓ માટે લગભગ 400 કરોડ રૂપિયાનો ખર્ચ આવી શકે તેમ છે. ફારૂકીના મતાનુસાર, આ પરિયોજનાઓનું કામ કરવા માટે વધારે પ્રારંભિક મૂડીરોકાણની જરૂર પડશે.

પૈસા એકત્ર કરવાની કોશિશ

આઇઆઇસીએફના સચિવ એતહર હુસૈનનું કહેવું છે કે ફંડ એકઠું કરવા માટે બનાવાયેલી સમિતિ યોગ્ય રીતે કામ નહોતી કરી શકતી
ઇમેજ કૅપ્શન, આઈઆઈસીએફના સચિવ એતહર હુસૈનનું કહેવું છે કે ફંડ એકઠું કરવા માટે બનાવાયેલી સમિતિ યોગ્ય રીતે કામ નહોતી કરી શકતી

ટ્રસ્ટ, ચૅરિટેબલ મૉડલ પ્રમાણે હૉસ્પિટલ ચલાવનારાઓનો સંપર્ક પણ કરી રહ્યું છે, જેમાંના કેટલાક લોકો આગળ આવ્યા છે.

ફારૂકીએ કહ્યું, "વિદેશમાંથી ઘણા લોકો દાન આપવા ઇચ્છુક છે, તેથી અમે એફસીઆરએ (ફોરેન કૉન્ટ્રિબ્યૂશન રેગ્યુલેશન ઍક્ટ) હેઠળ અરજી કરી છે."

"એવું થયા પછી નાણાંની અછત નહીં રહે. અમે બીજી જમીન શોધી રહ્યા છીએ, પરંતુ, એક વાર પૈસા આવી જાય તે પછી જ તે શક્ય બનશે."

મસ્જિદનો નકશો પણ બે વાર બનાવાયો છે. પહેલી વાર દિલ્હીના પ્રોફેસર એસએમ અખ્તરે નકશો બનાવ્યો હતો, પરંતુ, પછીથી બીજા કોઈને નકશો બનાવવા કહેવામાં આવ્યું.

પ્રોફેસર અખ્તરનું કહેવું છે કે કમિટીએ તેમનો નકશો શા માટે રદ કર્યો એ તો એ લોકો જ કહી શકે.

ફંડની અછતની બાબતમાં આઈઆઈસીએફના સચિવ અતહર હુસૈનનું કહેવું છે, "શરૂઆતમાં જે પૈસા આવેલા તેનાથી કોવિડ દરમિયાન ધન્નાપુરથી ઍમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી હતી."

અયોધ્યામાં પત્રકાર અરશદ અફઝલ ખાન કહે છે કે, મદદ માટે લોકોમાં પહેલાં જેવો ઉત્સાહ નથી
ઇમેજ કૅપ્શન, અયોધ્યામાં પત્રકાર અરશદ અફઝલ ખાન કહે છે કે, મદદ માટે લોકોમાં પહેલાં જેવો ઉત્સાહ નથી

પરંતુ, બોર્ડ પાસે કેટલા પૈસા છે તેની માહિતી આપવામાં નથી આવી.

અયોધ્યામાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના પત્રકાર અરશદ અફઝલ ખાને કહ્યું, "ટ્રસ્ટે પોતાનું કામ ચાલુ કરી દેવું જોઈતું હતું. પૈસા માટે પછી તેઓ લોકોને અપીલ કરી શકતા હતા."

"શરૂઆતમાં કેટલીક મોટી હૉસ્પિટલ્સના માલિકોએ પોતાનો રસ બતાવ્યો હતો, પરંતુ, મોડું થવાના કારણે કદાચ, લોકોમાં હવે પહેલાં જેવો ઉત્સાહ નથી રહ્યો."

પરંતુ, ફારૂકીનું કહેવું છે કે, પૈસા ભેગા કરવા માટે 'દરેક રાજ્યમાં વૉલન્ટિયર બનાવાઈ રહ્યા છે અને ક્રાઉડ ફન્ડિંગ વિશે પણ વિચારાઈ રહ્યું છે'.

અયોધ્યામાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લગભગ એક વર્ષ થવા આવ્યું છે, પરંતુ અત્યાર સુધી મસ્જિદ ન બનવા બાબતે અમે ભાજપ નેતાઓ સાથે પણ વાત કરી.

આ વિશે ઉત્તરપ્રદેશ અલ્પસંખ્યક મોરચાના અધ્યક્ષ કુંવર બાસિત અલીએ કહ્યું, "ફાઉન્ડેશન આ કામ કરી રહ્યું છે. ટૂંક સમયમાં જ મસ્જિદ બનાવવાનું કામ શરૂ થઈ જશે."

"તેમાં ઘણા મિત્રોએ પૈસા આપ્યા છે. મસ્જિદ પાસે લગભગ એક કરોડ રૂપિયા આવી ગયા છે."

વાસ્તવિક સ્થિતિ શું છે?

ઑલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલના મહાસચિવ ખાલિક અહમદ ખાન કહે છે કે, જમીન જો પક્ષકારોને મળી હોત તો અત્યાર સુધીમાં મસ્જિદ બની ગઈ હોત
ઇમેજ કૅપ્શન, ઑલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલના મહાસચિવ ખાલિક અહમદ ખાન કહે છે કે, જમીન જો પક્ષકારોને મળી હોત તો અત્યાર સુધીમાં મસ્જિદ બની ગઈ હોત
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સરકારે 2020માં ધન્નીપુર ગામમાં મસ્જિદ માટે જમીન આપી હતી. પરંતુ, આટલાં વર્ષો પછી પણ જમીન પર કશું કામ શરૂ નથી થઈ શક્યું. ત્યાં ઘણી જગ્યાએ માત્ર બોર્ડ લાગેલાં છે.

બીજી તરફ, અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા પછી બાકી રહી ગયેલું નિર્માણકાર્ય ઝડપભેર ચાલી રહ્યું છે.

રામમંદિરના નિર્માણમાં લગભગ 1,800 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.

અયોધ્યામાં રામમંદિર સુધી રામપથ બની ગયો છે. સરકાર દ્વારા અયોધ્યાનું સૌંદર્યીકરણ પણ કરવામાં આવ્યું છે, જેના માટે સરકારે અલગથી નાણાં ફાળવ્યાં હતાં.

સરકારે શ્રદ્ધાળુઓના આવાગમન માટે એરપૉર્ટ ચાલુ કર્યું, નવું બસ સ્ટેશન બનાવ્યું અને રેલવેના વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે.

ચાલુ વર્ષના બજેટમાં અયોધ્યાના વિકાસ માટે 100 કરોડ આપવામાં આવ્યા છે. ઍરપૉર્ટના વિસ્તરણ માટે 150 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

જોકે, ટ્રસ્ટના સચિવ અતહર હુસૈનનું કહેવું છે કે બંનેની સરખામણી ન કરી શકાય, કેમકે, રામમંદિરની તૈયારી ઘણા દાયકાઓથી ચાલી રહી હતી અને તેમાં સરકારને પણ રસ હતો.

ધન્નીપુર ગામના ઘણા લોકો મસ્જિદ વિશે વાત કરવાનું ટાળે છે.

પરંતુ, સ્થાનિક નિવાસી મોહમ્મદ ઇસ્લામ કહે છે, "મસ્જિદ માટે ઘણી વાર તારીખ જણાવાઈ, પરંતુ, કામ શરૂ ન થઈ શક્યું."

"પહેલાં કમિટીના લોકો 15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરીએ ધ્વજારોહણ માટે આવતા હતા, પરંતુ, આ વખતે ન આવ્યા એટલે ગામલોકોએ જાતે ધ્વજવંદન કર્યું."

મોહમ્મદ ઇસ્લામનું કહેવું છે કે જો હૉસ્પિટલ બની હોત, તો વિસ્તારના લોકોને ઘણો ફાયદો થયો હોત અને તેમણે લખનઉ જવા માટે ચાર-છ કલાકની મુસાફરી ન કરવી પડી હોત.

લોકોનો અભિપ્રાય

બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં પક્ષકાર રહેલા ઇકબાલ અન્સારીએ પણ મસ્જિદનું કામ આગળ નહીં વધવાની બાબતે પોતાની નારાજગી વ્યક્ત કરી છે
ઇમેજ કૅપ્શન, બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં પક્ષકાર રહેલા ઇકબાલ અન્સારીએ પણ મસ્જિદનું કામ આગળ નહીં વધવાની બાબતે પોતાની નારાજગી વ્યક્ત કરી છે

ધન્નીપુરમાં બનનારી મસ્જિદ બાબતે ઑલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલના મહાસચિવ ખાલિક અહમદ ખાન કહે છે કે, જમીન તો સુન્ની સેન્ટ્રલ બોર્ડને આપવામાં આવી છે, તેમનું કામ છે કે નિર્માણ શરૂ કરાવે.

ખાન કહે છે કે, "જો આ જમીન અહીંના લોકો અથવા પક્ષકારોને મળી હોત, તો અત્યાર સુધીમાં મસ્જિદ બની ગઈ હોત."

"બાબરી મસ્જિદમાં નમાજ પઢનારાઓ માટે મસ્જિદ બનવાની હતી, પરંતુ, એટલે દૂર પાંચ ટાઇમની નમાજ પઢવા કોણ જશે?"

ચાલુ વર્ષની શરૂઆતમાં, બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં પક્ષકાર રહેલા ઇકબાલ અન્સારીએ પણ મસ્જિદનું કામ આગળ નહીં વધવાની બાબતે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

બીબીસી સાથે વાતચીત કરતાં તેમણે કહેલું, "મસ્જિદ બનાવવા માટે વક્ફ બોર્ડને જમીન મળી ચૂકી છે, એ સ્થિતિમાં, અત્યાર સુધી કામ જ શરૂ નથી થયું અને એ બાબતે કશાં નક્કર પગલાં ભરવામાં નથી આવતાં."

"વક્ફ બોર્ડે જમીનનો કબજો લઈ લીધો છે. હવે એ તેમની જવાબદારી છે કે મસ્જિદનું કામ પૂરું થાય. જ્યાં સુધી મસ્જિદ અયોધ્યામાં હતી, અમે લોકો તેની દેખરેખનું કામ કરતા હતા."

ઇન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગના પ્રદેશ અધ્યક્ષ નઝમૂલ હસન ગનીનું કહેવું છે કે, "જમીન જેમને મળી છે તેમણે અહીંના લોકો સાથે વાત કરીને કામ શરૂ કરવું જોઈએ, પરંતુ, તેમને ઓછો રસ હોય તેમ લાગી રહ્યું છે."

અયોધ્યાના રહેવાસી કાશાન અહમદનું કહેવું છે કે, "સરકારે હજી સુધી કોઈ કાગળ નથી આપ્યા. કોઈ સરકારી અધિકારી પણ કશું જણાવવા નથી આવ્યા. જો કામ શરૂ થાય તોપણ, પાછળથી અવરોધ આવી શકે છે."

શું હતો અયોધ્યા વિવાદ?

અયોધ્યામાં રામમંદિર સુધી રામપથ બની ગયો છે. સરકાર દ્વારા અયોધ્યાનું સૌંદર્યીકરણ પણ કરવામાં આવ્યું છે
ઇમેજ કૅપ્શન, અયોધ્યામાં રામમંદિર સુધી રામપથ બની ગયો છે. સરકાર દ્વારા અયોધ્યાનું સૌંદર્યીકરણ પણ કરવામાં આવ્યું છે

ઈ.સ. 2019માં ચુકાદો આવ્યો તે પહેલાં અયોધ્યાના વિવાદનો ઇતિહાસ લગભગ દોઢસો વર્ષનો છે.

1528 : અયોધ્યામાં એક એવા સ્થળ પર એક મસ્જિદનું નિર્માણ કરાયું હતું જેને અનેક હિન્દુઓ ભગવાન રામનું જન્મસ્થળ માને છે.

1853 : પહેલી વાર આ સ્થળ પાસે કોમી રમખાણ થયાં. એવું માનવામાં આવે છે કે મુગલ સમ્રાટ બાબરે આ મસ્જિદ બનાવી હતી, જેના લીધે બાબરી મસ્જિદના નામથી ઓળખવામાં આવતી હતી.

1859 : બ્રિટિશ શાસકોએ વિવાદિત સ્થળે વાડ કરી નાખી અને પરિસરની અંદરના ભાગમાં મુસલમાનોને અને બહારના ભાગમાં હિન્દુઓને પ્રાર્થના કરવા માટેની મંજૂરી આપી દીધી.

1949 : મસ્જિદમાં ભગવાન રામની મૂર્તિઓ જોવા મળી. કથિત રીતે, અમુક હિન્દુઓએ આ મૂર્તિઓ ત્યાં રખાવી હતી. એ બાબતે મુસલમાનોએ વિરોધ પ્રગટ કર્યો અને બંને પક્ષોએ અદાલતમાં કેસ દાખલ કરી દીધો. સરકારે આ સ્થળને વિવાદિત જાહેર કરીને અહીં તાળાં મારી દીધાં.

1984 : વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વ હેઠળ ભગવાન રામના જન્મસ્થળને 'મુક્ત' કરાવવા અને ત્યાં રામમંદિરનું નિર્માણ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી. પછીથી આ અભિયાનનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા લાલકૃષ્ણ અડવાણીએ કર્યું.

1986 : જિલ્લા અદાલતે હિન્દુઓને પ્રાર્થના કરવા માટે વિવાદિત મસ્જિદના દરવાજા પર લાગેલાં તાળાંને ખોલવાનો આદેશ આપ્યો. મુસલમાનોએ તેના વિરોધમાં બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિ બનાવી.

1989 : વિશ્વ હિન્દુ પરિષદે રામમંદિરનિર્માણનું અભિયાન ઝડપી કરી દીધું અને વિવાદિત સ્થળની નજીક રામમંદિરનો પાયો નાખ્યો.

1990 : વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ બાબરી મસ્જિદને થોડું નુકસાન પહોંચાડ્યું. ત્યારના વડા પ્રધાન ચંદ્રશેખરે વાતચીત દ્વારા વિવાદના ઉકેલની કોશિશ કરી, પરંતુ સફળતા ન મળી.

1992 : વિશ્વ હિન્દુ પરિષદ, શિવસેના અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ 6 ડિસેમ્બરે બાબરી મસ્જિદને ધ્વસ્ત કરી દીધી. ત્યાર પછી આખા દેશમાં હિન્દુ અને મુસલમાન વચ્ચે કોમી રમખાણો ફાટી નીકળ્યાં.

30 સપ્ટેમ્બર 2010 : એક ઐતિહાસિક નિર્ણય દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બૅંચે અયોધ્યાના વિવાદિત સ્થળને રામજન્મભૂમિ જાહેર કર્યું અને ત્રણ ભાગમાં વહેંચી દીધું.

9 મે 2011 : સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈ કોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મૂક્યો અને આદેશ આપ્યો કે સુનાવણી દરમિયાન હાઈ કોર્ટનો નિર્ણય લાગુ કરવા પર પ્રતિબંધ રહેશે. સાથે જ વિવાદિત સ્થળ પર 7 જાન્યુઆરી 1993 સમયે હતી તે સ્થિતિ જળવાયેલી રહેશે.

9 નવેમ્બર 2019 : સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં અયોધ્યામાં રામમંદિરના નિર્માણને મંજૂરી આપી. સાથે જ મસ્જિદ બનાવવા માટે મુસ્લિમ પક્ષને પાંચ એકર વૈકલ્પિક જમીન આપવાનો નિર્ણય પણ સંભળાવ્યો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.