બ્રિટનમાં હિંસક પ્રદર્શનો ચાલુ, અત્યાર સુધી 400 લોકોની ધરપકડ

બ્રિટનમાં વિરોધ પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

બ્રિટનમાં ગત સપ્તાહે શરૂ થયેલા હિંસક પ્રદર્શનોમાં અત્યાર સુધી 400 લોકોની ધરપકડ કરવામાં આવી છે. નેશનલ પોલીસના ચીફ કાઉન્સિલે જણાવ્યું છે કે હજુ ધરપકડોનો આંક વધી શકે છે.

આ પહેલાં વડા પ્રધાન કિએર સ્ટાર્મરે જણાવ્યું હતું કે પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે વિશેષજ્ઞ અફસરોનું દળ તહેનાત છે.

પ્લિમથમાં પોલીસે જણાવ્યું કે હિંસક પ્રદર્શનો દરમિયાન કેટલાય પોલીસ અધિકારીઓ ઘાયલ પણ થયા છે.

સાઉથપૉર્ટની એક ડાન્સ પાર્ટીમાં ત્રણ ગત સોમવારે (29 જુલાઈ)એ ત્રણ બાળકીઓની હત્યા કરાઈ હતી. આ ઘટનાને પગલે આખા દેશને આઘાત લાગ્યો અને એને પગલે હલ, લિવરપુલ, બ્રિસ્ટલ, માન્ચેસ્ટર, સ્ટ્રોક-ઑન-ટ્રેન્ટ, બ્લૅકપુલ અને બેલફાસ્ટમાં હુલ્લડો થયાં. હુલ્લડો દરમિયાન પથ્થરમારો થયો, દુકાનો લૂંટાઈ અને પોલીસ પર હુમલાઓ પણ થયા.

આ વિરોધપ્રદર્શનોમાં પ્રવાસીવિરોધી અને ઇસ્લામવિરોધી સૂત્રોચ્ચાર સાંભળવા મળ્યા છે. બીજી તરફ, આ પ્રદર્શનોની સામે પણ ક્યાંકક્યાંક વિરોધપ્રદર્શનો યોજાયાં છે અને એને પગલે પોલીસને સ્થિતિ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

લીવરપુલ, હલ, બ્રિસ્ટલ, માનચેસ્ટર, બ્લૅકપુલ અને બેલ્ફાસ્ટમાં પ્રદર્શનો હિંસક બન્યાં હતાં. દુકાનો લૂંટવામાં આવી અને પોલીસકર્મીઓ પર પણ હુમલા કરાયા હતાં. લીવરપુલમાં આવા જ એક પ્રદર્શન દરમિયાન પોલીસ પર ઈંટો, બૉટલો અને ફ્લેયર ફેંકવામાં આવ્યાં. એક પોલીસકર્મી પર ખુરશીથી હુમલો પણ કરાયો, જેમાં તેમને માથા પર ઈજા પહોંચી. આ પ્રદર્શનમાં ઇસ્લામના વિરોધમાં અપશબ્દો પણ સાંભળવ્યા મળ્યા.

જોકે, આ હિંસક પ્રદર્શનના જવાબમાં લીવરપુલના જ લાઇમ સ્ટ્રીટ સ્ટેશનમાં લંચ ટાઇમ દરમિયાન ફાસીવાદીવિરોધી પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા અને તેમણે એકતા અને સહિષ્ણુતાની અપીલ કરી હતી. તેમણે 'શરણાર્થીઓનું અહીં સ્વાગત છે' અને 'નાઝી ગંદકી અમારા રસ્તાઓથી હઠો' જેવા સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

દેશના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે જણાવ્યું છે કે નફરત જન્માવનારા 'અતિવાદીઓ' વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસને સરકારનું પૂર્ણ સમર્થન પ્રાપ્ત છે.

બીબીસી ગુજરાતી

વિવાદનું મૂળ

બ્રિટનમાં વિરોધપ્રદર્શન

સાઉથપૉર્ટમાં ત્રણ બાળકીની હત્યા કરાયા બાદ દેશનાં કેટલાંય શહેરોમાં વિરોધપ્રદર્શનો યોજાયાં હતાં અને એમાં ક્યાંકક્યાંક હિંસા પણ થઈ હતી.

હત્યાની ઘટના બાદ જ્યારે દેશ આઘાતમાં હતો ત્યારે સોશિયલ મીડિયા પર આ અંગે ફેક ન્યૂઝ ફેલાવાયા હતા અને આ ઘટનામાં શંકાસ્પદ 17 વર્ષના ઍલેક્સ રુદાકુબાનાને ઉગ્રવાદી ઇસ્લામિક ઇમિગ્રન્ટ ગણાવાયો હતો.

જેને પગલે ઍન્ટી-ઇમિગ્રેશન પ્રદર્શનકારીઓ સાઉથપૉર્ટમાં એકઠા થવા લાગ્યા હતા અને પ્રદર્શન કરવા લાગ્યા હતા. જોકે, પોલીસે ત્રણ બાળકીની હત્યાની ઘટનાને આતંકવાદ સાથે સાંકળવાનો ઇન્કાર કર્યો હતો આરોપી યુકેમાં જ જન્મ્યો હોવાનું જણાવ્યું હતું.

એના વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ તથા હથિયાર રાખવા સંબંધિત ગુના નોંધવામાં આવ્યા છે. હાલ આરોપી વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે અને ઑક્ટોબર સુધી એને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો છે.

સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સરોએ કેવો ભાગ ભજવ્યો?

બ્રિટનમાં વિરોધપ્રદર્શન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસીને જાણવા મળ્યું છે કે કોઈ એકલદોકલ સંગઠનને બદલે સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સરો લોકોને ઉશ્કેરી રહ્યા છે.

પ્રદર્શનમાં સામલે તમામ લોકો પણ ના તો કટ્ટરવાદી વિચારધારાથી પ્રભાવિત છે કે ના તો ઉગ્ર જમણેરી સંગઠનો સાથે સંકળાયેલા છે. કેટલાક લોકો હિંસક ગુનાઓના વિરોધમાં આવાં પ્રદર્શનોમાં સામેલ થયા હતા અને અને આરોપીનો સંબંધ ગેરકાયદે પ્રવાસીઓ સાથે હતો કે કેમ, એની એમને જાણ પણ નહોતી.

આ દરમિયાન સાઉથપૉર્ટમાં થયેલાં હિંસક પ્રદર્શનોમાં અને એ બાદ દેશનાં કેટલાંય શહેરોમાં શરૂ થયેલાં પ્રદર્શનોમાં ઇંગ્લિશ ડિફેન્સ લીગ (ઈડીએલ) સામેલ હોવાનું પોલીસનું માનવું છે. જોકે, લીગે આ આરોપ ફગાવી દીધો છે. ઈડીએલ ઉગ્ર જમણેરી અને ઇસ્લામવિરોધી સંગઠન છે.

'લૉર્ડ સિમોન' જેવા સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સરોએ 'એક્સ' પર હત્યાના આરોપી અંગે ખોટી માહિતી ફેલાવીને દેશવ્યાપી પ્રદર્શનો કરવાની હાકલ કરી હતી. સંબંધિત વીડિયો, તસવીરો તથા પોસ્ટ ટીકટૉક, એક્સ અને ફેસબુક પર મોટા પ્રમાણમાં શૅર કરવામાં આવી રહ્યાં છે.

મૅથ્યુ હૅન્કીન્સન જેવા ઉગ્ર જમણેરી કાર્યકરોએ હત્યાની ઘટનાનો ઉપયોગ પોતાના સંદેશા ફેલાવવા માટે કર્યો છે. હૅન્કીન્સન નવનાઝી સંગઠન 'નેશનલ ઍક્શન'ના પૂર્વ સભ્ય છે. તેમણે સોશિયલ મીડિયા પર હિંસાનો બચાવ કર્યો છે અને વંશિય કૉન્ટેન્ટનો ફેલાવો કર્યો છે.

ટૉમી રૉબિન્સનના નામે જાણીતા સ્ટીફન યૅક્ઝેટલી લીનન નામના મીડિયા ઇન્ફલુએન્સરની સાઉથપૉર્ટ સંબંધિત પોસ્ટ એક્સ પર મોટા પ્રમાણમાં શૅર કરાઈ રહી છે. રૉબિન્સનનું એકાઉન્ટ ઍક્સ પરથી હઠાવી દેવાયુ હતું. જોકે, એ રિસ્ટોર થયા બાદ તેમણે પોતાની છબી ફરીથી લોકપ્રિય કરવા માટે આ પ્રદર્શનનો ઉપયોગ કર્યો હતો.

બીબીસીને એ પણ જાણવા મળ્યું કે શુક્રવારે આ પ્રકારનાં ઓછામાં ઓછાં 30 પ્રદર્શનોની યોજના બનાવાઈ હતી. જેમાં ત્રણ બાળકીની હત્યાથી લઈને બાળસુરક્ષા અને પ્રવાસી સંબંધિત સામાન્ય ચિંતા સુધીનાં કારણોને આગળ ધરીને લોકોને પ્રદર્શનમાં સામેલ થવા માટે હાકલ કરાઈ હતી.