પેલેસ્ટાઈન સમર્થકોના વિરોધપ્રદર્શનને લીધે ઑક્સફોર્ડ યુનિવર્સિટીની એક ઇમારત બંધ કરાઈ

વિરોધપ્રદર્શન

પેલેસ્ટાઈની સમર્થકોના એક ગ્રૂપના વિરોધપ્રદર્શનને કારણે ઑક્સફોર્ડ યુનિવર્સિટીની એક ઇમારતને બંધ કરાઈ છે.

ઑક્સફોર્ડ ઍક્શન ફૉર પેલેસ્ટાઈન નામનું આ ગ્રૂપ યુનિવર્સિટીની ઑફિસોમાં જઈને વિરોધ કરી રહ્યું છે.

આ ગ્રૂપ યુનિવર્સિટી સાથે ઇઝરાયલ-ગાઝા સંઘર્ષ સંબંધિત પોતાની નીતિઓ પર બેઠકની માગ કરી રહ્યું છે.

બીબીસી ઑક્સફોર્ડ રેડિયોના રિપોર્ટ ફિલ મેરસર અનુસાર, ઇમારતની બહાર સેંકડો વિદ્યાર્થીઓ હાજર છે અને પોલીસ તેમને અંદર જતા રોકી રહી છે.

તેમના અનુસાર, આ એક મોટું આંદોલન છે અને પોલીસ ગ્રૂપના લોકોને પાછા મોકલી રહી છે.

જોકે કેટલાક પ્રદર્શનકારીઓ પેલેસ્ટાઈનના ઝંડા સાથે ઇમારતની અંદર છે અને તેમની પાસે પોતાની માગનું લિસ્ટ છે.

વિરોધપ્રદર્શન કરતા ગ્રૂપના પ્રવક્તાએ કહ્યું, "અમારી માગણી પર બે અઠવાડિયાંથી યુનિવર્સિટીએ કોઈ જવાબ આપ્યો નથી. આથી અમે શાંતિપૂર્ણ ધરણાં પર બેઠા છીએ."

"પોતાના વિદ્યાર્થીઓ સાથે વાર્તા કરવાને બદલે વીસીએ ઇમારતને ખાલી કરાવવાનું પસંદ કર્યું. અમે માગ કરીએ છીએ કે પ્રશાસન તરત અમારી માગ સાંભળે."

યુનિવર્સિટીએ વિરોધપ્રદર્શન મુદ્દે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, સાત ઑક્ટોબર બાદ ગાઝામાં ઇઝરાયલના હુમલામાં 35 હજારથી વધુ પેલેસ્ટાઈન લોકોનાં મોત થયાં છે. તેમાં મોટાં ભાગનાં બાળકો અને મહિલા છે.

વડા પ્રધાન મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન પટિયાલામાં ખેડૂતોનું વિરોધપ્રદર્શન

વડા પ્રધાન મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન ખેડૂતો પટિયાલામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે
ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન ખેડૂતો પટિયાલામાં વિરોધપ્રદર્શન કરી રહ્યા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પટિયાલાથી ભાજપનાં ઉમેદવાર પરનીતકોર માટે ચૂંટણી રેલીને સંબોધન કરવા માટે પંજાબ પહોંચી રહ્યા છે.

પરનીતકોર પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદરસિંહનાં પત્ની છે. વર્તમાન લોકસભામાં તેઓ પટિયાલાથી કૉંગ્રેસનાં સંસદસભ્ય છે.

જોકે, કૅપ્ટન અમરિંદરસિંહ અને તેમનો આખો પરિવાર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયો છે. અને ભાજપે પરનીતકોરને પટિયાલાથી ઉમેદવાર બનાવ્યાં છે.

ખેડૂત સંગઠનો વડા પ્રધાનના પંજાબ પ્રવાસ દરમિયાન કેટલીક જગ્યાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે.

પટિયાલાથી 10 કિલોમીટર ચંદીગઢ-પટિયાલા રોડ પર બીબીસી સાથે વાત કરતા પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ કહ્યું કે સરકાર 2021ના ખેડૂત આંદોલન દરમિયાન માનેલી માગણીઓથી પાછળ હટી ગઈ છે.

“અમે પોલો ગ્રાઉન્ડ જવા ઇચ્છતા હતા. જોકે, અમને પરવાનગી ન મળી. અમને રોકવા માટે મોટા-મોટા બેરિકેડ્સ લગાડવામાં આવ્યા છે. અમને દિલ્હી જતી વખતે જે રીતે રોકવામાં આવ્યા હતા તે જ રીતે અમને રોકાઈ રહ્યા છે.”

ખેડૂતોએ રાજ્યની આમ આદમી પાર્ટીની સરકાર પર આરોપ લગાવ્યા અને કહ્યું કે આમ આદમી પાર્ટી ભાજપની ‘બી ટીમ’ છે. જો એવું ન હોત તો રાજ્યની પોલીસે અમને રોકવાને બદલે પરવાનગી આપી દેત.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન પટિયાલા-રાજપુરા રોડને સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવ્યો છે. કડક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તોફાન નિયંત્રણ પોલીસ પણ તહેનાત છે.

પંજાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પટિયાલા ઉપરાંત જાલંધર અને ગુરાદાસપુરમાં પણ ચૂંટણી સભાને સંબોધશે.

ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું, "દરેક મતદાન મથકનો ડેટા આપવાથી ભ્રમ વધશે"

ચૂંટણી પંચ

ઇમેજ સ્રોત, Getty Images

ચૂંટણીપંચે બુધવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે "અમે જો દરેક મતદાન કેન્દ્રના મતદાનની ટકાવારીનો ડેટા વેબસાઇટ પર સાર્વજનિક કરીએ તો ચૂંટણી મશીનરીમાં ભ્રમની સ્થિતિ ઊભી થઈ શકે છે. આ મશીનરી પહેલાં જ લોકસભાની ચૂંટણી માટે કામ કરી રહી છે."

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે, ચૂંટણીપંચે પોતાના પર લાગેલા આરોપોને ફગાવ્યા છે.

આ આરોપોમાં કહેવામાં આવ્યું છે કે શરૂઆતના બે તબક્કામાં મતદાનના દિવસે આપવામાં આવેલા સરેરાશ મતદાનનો ડેટા અને થોડાક દિવસો પછી જાહેર કરવામાં આવેલા અંતિમ ડેટામાં પાંચથી છ ટકાનો ફેર હતો.

ચૂંટણીપંચે કહ્યું કે બધી જ જાણકારી આપવી અને ફૉર્મ 17ને સાર્વજનિક કરવું એ કાયદાકીય ફ્રેમવર્કનો ભાગ નથી. આ કારણે આખા ચૂંટણી ક્ષેત્રમાં ગડબડ થઈ શકે છે. આ ડેટાની તસવીરોને મૉર્ફ કરી શકાય છે.

ફૉર્મ 17સીમાં દરેક મતદાન મથક પર પડેલા મતોની સંખ્યાની જાણકારી આપવામાં આવે છે.

ચૂંટણીપંચે આ વાત સુપ્રીમ કોર્ટને આપેલા સોગંધનામામાં જણાવી છે. એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સ દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી સામે ચૂંટણીપંચનો આ જવાબ હતો. આ એનજીઓએ પોતાની અરજીમાં કહ્યું હતું કે ચૂંટણીપંચ લોકસભાની ચૂંટણી દરમિયાન 48 કલાકની અંદર દરેક મતદાન મથક પર પડેલો મતોનો ડેટા જાહેર કરે.

બ્રિટનમાં ચાર જુલાઈના રોજ સામાન્ય ચૂંટણી યોજાશે

બ્રિટેનના વડા પ્રધાન ઋષિ સુનક

ઇમેજ સ્રોત, PETER NICHOLLS/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, બ્રિટેનના વડા પ્રધાન ઋષિ સુનક

બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકને જાહેરાત કરી છે કે ચાર જુલાઈના રોજ સામાન્ય ચૂંટણી યોજાશે.

ઋષિ સુનકે જાહેરાત કરતા કહ્યું કે, "દેશ માટે છેલ્લાં પાંચ વર્ષ બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી પડકારજનક સમય હતો. હું તમારો દરેકનો મત મેળવવા માટે આવનારા દિવસોમાં મહેનત કરીશ."

આ જાહેરાત પહેલાં બ્રિટનના કેબિનેટ મંત્રીઓ વડા પ્રધાન કાર્યાલયમાં જતા નજરે ચડ્યા હતા.

બ્રિટનની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના એક સૂત્રએ બીબીસીને જણાવ્યું કે પાર્ટીના કેટલાક સંસદસભ્ય ઋષિ સુનક સામે અવિશ્વાસ મતની માંગણી કરી રહ્યા છે.

એક સંસદ સભ્યએ પાર્ટીના વર્તમાન વાતાવરણને "પૅનિક"ની સ્થિતિ ગણાવી હતી.

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી મોટે ભાગે ગુરુવારે યોજાય છે.

ચાર જુલાઈ 2024ના રોજ પણ ગુરુવાર જ છે.

સંસદની પહેલી બેઠકના પાંચ વર્ષ પછી જ સંસદને ભંગ કરવામાં આવે છે. વર્તમાન સંસદની પહેલી બેઠકના પાંચ વર્ષ 17 ડિસેમ્બર 2024ના રોજ થવાની હતી.

સંસદને ભંગ કર્યા પછી ચૂંટણીની તૈયારી માટે 25 કામનાં દિવસો જેટલો સમય આપવામાં આવે છે.

જો, નક્કી કરાયેલી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હોત તો 28 જાન્યુઆરી 2025 પહેલાં બ્રિટેનમાં ચૂંટણીનું આયોજન થયું હોત.

કલકત્તા હાઇકોર્ટ દ્વારા ઓબીસી સર્ટિફિકેટ રદ કરવા મુદ્દે મોદીએ શું કહ્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી

દિલ્હીમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કલકત્તા હાઇકોર્ટના એક નિર્ણયને મુદ્દો બનાવીને વિપક્ષી દળો પર નિશાનો સાધ્યો છે.

તેમણે કહ્યું, "કલકત્તા હાઇકોર્ટે આજે જ ઇન્ડી અલાયન્સને એક મોટો તમાચો માર્યો છે. કોર્ટે 2010 પછી અપાયેલા બધા જ ઓબીસી સર્ટિફિકેટો રદ કરી દીધાં છે. આ સર્ટિફિકેટો એટલા માટે રદ કરવામાં આવ્યાં કારણ કે પશ્ચિમ બંગાળની સરકાર મુસ્લિમોની વોટ બૅન્ક જાળવી રાખવા મુસ્લિમોને ઓબીસી સર્ટિફિકેટ આપી દીધાં હતાં."

વડા પ્રધાન મોદીએ કહ્યું કે આ વોટ બૅન્કનું રાજકારણ, આ તુષ્ટિકરણનું રાજકારણ, આ પ્રકારનું તુષ્ટિકરણ હદ પાર કરી રહ્યું છે. કોર્ટે આજે તમાચો માર્યો છે.

કલકત્તા હાઇકોર્ટે બુધવારે પશ્ચિમ બંગાળમાં 2010 પછી અપાયેલાં ઓબીસી સર્ટિફિકેટને રદ કરવાનો આદેશ આપ્યો હતો.

કોર્ટે કહ્યું કે વહીવટીતંત્રએ નિયમોને તાક પર રાખીને સર્ટિફિકેટ આપ્યાં હતાં.

વડા પ્રધાન મોદીએ કહ્યું, "આ ખાન માર્કેટ ગૅન્ગ, એ પાપની ભાગીદાર છે. આ જ લોકો કહે છે કે દેશનાં સંસાધનો પર પહેલો હક્ક મુસલમાનનો છે. આ લોકો વોટના બદલે સરકારી જમીન પણ વક્ફ બોર્ડને આપી રહ્યા છે. આ લોકો દેશના બજેટના 15 ટકા લઘુમતી માટે રિઝર્વ કરવા માગે છે."

તેમણે કહ્યું, "આ લોકો બૅન્કમાં મળતી લોન પણ ધર્મના આધારે દેવા માગે છે. આ લોકો ધર્મના આધારે સરકારી ટેન્ડર દેવા માગે છે. ધર્મના આધારે આ લોકો રમત-ગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રવેશ આપવા માંગે છે. આ વોટ બૅન્કના રાજકારણની ચરમસીમા છે."

મોદીએ કહ્યું કે પોતાની વોટ બૅન્કને ખુશ રાખવા માટે વિપક્ષના દળો સીએએનો વિરોધ કરી રહ્યા છે.

તેમણે કહ્યું, "મોદી જેટલી વખત મુસ્લિમ શબ્દ બોલે ત્યારે તેઓ કહે છે કે મોદી સાંપ્રદાયિકતાવાળાં ભાષણો કરે છે. મિત્રો, હું જ્યારે વાસ્તવિકતા અને તથ્યો દ્વારા તેમની ઘોર સાંપ્રદાયિક પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરું છું ત્યારે તેમની આખી ઇકો સિસ્ટમ પોકારે છે કે મોદી હિન્દુ-મુસ્લિમ કરી રહ્યા છે."