ડાંગ દરબાર : ગુજરાતના એ રાજા, જે દેવા તળે દબાયેલા છે અને ઝૂંપડાંમાં રહે છે

ઇમેજ સ્રોત, UMESH GAVIT
- લેેખક, ઉમેશ ગાવિત
- પદ, બીબીસી ગુજરાતી માટે
સામાન્ય રીતે રાજાઓનું નામ પડે એટલે આપણા મનમાં રાજપાટ, જાહોજલાલી અને વૈભવી જીવનની યાદ આવે, પણ ગુજરાતમાં એવા પણ રાજાઓ છે, જે આ બધી કલ્પનાઓથી અલગ પડે છે.
દેશના અન્ય પૂર્વ રાજાઓની સરખામણીના ડાંગ જિલ્લાના પૂર્વ રાજાઓની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે, તેવું તેમની વાત પરથી જણાય છે.
ભારતના અન્ય રાજઓના વંશજો જોડે પોતાની વંશપરંપરાગત મિલકત જોવા મળે છે. આર્થિક રીતે સદ્ધર આ રાજાઓ પોતાનું વતન છોડીને અન્ય મોટાં શહેરોમાં વસવાટ કરવા લાગ્યા છે.
જોકે તેમની સરખામણીમાં ડાંગ જિલ્લાના રાજાઓની આર્થિક પરિસ્થિતિ સારી જણાતી નથી, વાંસ અને માટીના લીંપણથી બનાવેલાં કાચાં ઘરોમાં આ રાજાઓ પોતાના કુટુંબ સાથે વસવાટ કરે છે.
ઉપરાંત દરેક પૂર્વ રાજવી ખેતી ક્ષેત્રમાં જોડાયેલા છે. આ રાજાઓ ખેતી સિવાય અન્ય મજૂરી કરી પોતાનું જીવન ચલાવે છે અને વતન અને સંસ્કૃતિ સાથે જોડાયેલા છે.
ભારત અને ગુજરાતના ભીલ આદિવાસી રાજાઓને પૉલિટિકલ પેન્શન આપવામાં આવે છે. અંગ્રેજોના સમયથી ચાલી આવતી આ પ્રથા ગુજરાતના રાજ્યપાલ દ્વારા ચાલુ રાખવામાં આવી છે.
હોળીના પર્વ પહેલાં ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે દરબારનું આયોજન કરી લોકો સમક્ષ પૂર્વ રાજવીઓનું સન્માન કરવામાં આવે છે.
ડાંગમાં વર્ષ 1842 સુધી ડાંગી ભીલ રાજા અને નાયકો રાજ કરતા હતા, પરંતુ એ પછી આ વિસ્તાર પર બ્રિટિશરોનું પ્રભુત્વ સ્થાપિત થયું, જેના બદલામાં ભીલ રાજાઓને વાર્ષિક સાલિયાણું આપવામાં આવતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આજે સમગ્ર દેશમાં અપવાદરૂપ કહી શકાય એવા આ રાજાઓને દર વર્ષે પેન્શન મળે છે, પરંતુ તેમનો દાવો છે કે તેઓ દેવાના બોજ હેઠળ દબાયેલા છે અને ઝૂંપડાંમાં રહેવા મજબૂર છે.
વર્ષ 1842માં ડાંગના જંગલના પટ્ટા બ્રિટિશરોને આપવામા આવ્યા અને આ પટ્ટા ખાતે જંગલના અધિકારપત્રો પણ ભીલ રાજા, નાયકોએ બ્રિટિશરોને સુપરત કર્યા.
આ પટ્ટાની સામે ભીલ રાજાઓને આબકારી હકો, તેમજ હળપતિ સ્વરૂપે જમીનમહેસૂલ, ઢોર માટે ઘાસચારાની તથા બીજી પેશ્વાઈ ભથ્થાની વાર્ષિક રકમ, રાજાઓના પોતપોતાના રાજ્યના આજુબાજુના વિસ્તારમાંથી તથા બ્રિટિશ પ્રદેશમાંથી મળતી હતી.
રાજાઓ, નાયકો તથા તેમના ભાઈબંધો રંગબેરંગી પોશાકમાં પૉલિટિકલ પેન્શન લેવા આવતા. બેથી ત્રણ દિવસ દરબારના મેળાનો આનંદ માણતા હતા. અંગ્રેજોના પૉલિટિકલ એજન્ટોના હાથે સાલિયાણું મેળવવાની વાતને તેઓ ઘણું માનભર્યુ સમજતા હતા.
અપૂરતું પેન્શન

ઇમેજ સ્રોત, UMESH GAVIT
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત ડાંગ દરબાર' પુસ્તકના લેખક અને ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના અધ્યાપક ડૉ. અરુણ વાઘેલાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "ભારતનાં દેશી રજવાડાંના વિલીનીકરણ બાદ પૂર્વ રાજવીઓને પૉલિટિકલ સાલિયાણું આપવામાં આવતું હતું, જે 1971ની સાલમાં બંધ કરવામાં આવ્યું, પરંતુ અંગ્રેજોના સમયથી ચાલી આવતી વિશિષ્ટ સાંસ્કૃતિક પંરપરા અનુસાર ભારતના ફક્ત ડાંગ જિલ્લાના રાજાઓને પૉલિટિકલ પેન્શન આપવામાં આપવામાં આવે છે."
રાજાઓને ચૂકવવામાં આવતા પૉલિટિકલ પેશન બાબતે ડાંગના પાંચેય રાજાઓ નારાજ જણાઈ રહ્યા છે. પૉલિટિકલ પેન્શન વધારવા બાબતે તેઓ કલેક્ટરને આવેદન આપીને રજૂઆત પણ કરી ચૂક્યા છે.
લિંગાના રાજવી છત્રસિંહ ભંવરસિંહ સૂર્યવંશી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "રાજવીઓને આપવામાં આવતા પેન્શનથી મહિનાનો ચાનો ખર્ચ પણ નીકળતો નથી. રાજાઓને શોભે એવું પેન્શન આપવું જોઈએ. વર્ષો પહેલાં અંગ્રેજો દ્વારા રાજાઓને ચાંદીના પૈસા આપવામાં આવતા હતા. હાલ એના બદલામાં ચલણી નાણું આપવામાં આવે છે, પરંતુ આ પેન્શનમાંથી પોતાના ઘરનો ખર્ચ કાઢવો મુશ્કેલ છે."
દહેરના રાજા તપતરાવ આનંદરાવ પવારના કહેવા પ્રમાણે, રાજાઓને આપવામાં આવતા પેન્શનમાંથી મહિનામાં બીડીનો ખર્ચ પણ નીકળતો નથી.
'મોંઘવારીમાં જીવન ચલાવવું મુશ્કેલ'

ઇમેજ સ્રોત, UMESH GAVIT
ડાંગ જિલ્લાના રાજાઓ ભારતના એકમાત્ર એવા રાજાઓ છે કે જેઓને પૉલિટિકલ પેન્શન આપવામાં આવે છે. રાજાઓનું રાજ્ય તો નથી, પરંતુ તેઓ ગામના કારભારી દ્વારા પોતાનો વહીવટ ચલાવે છે.
ડાંગ દરબારના દિવસે એક દિવસ માટે રાજાઓને સન્માનિત કરવામાં આવે છે. એક દિવસના સન્માન પછી તેઓ બીજા વર્ષની રાહ જોતા હોય છે.
હોળી પૂર્વે ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવાના મુખ્ય માર્ગ ઉપર બગીઓમાં બેસાડીને રાજાઓને દરબાર હૉલમાં લઈ જવામાં આવે છે. જ્યાં રાજ્યપાલ દ્વારા પાંચ પૂર્વ રાજા, નવ નાયક અને તેમનાં 664 ભાઈબંધોનું સન્માન કરવામાં આવે છે.
પિંપરીના રાજા ત્રિમકરાવ સાહેબરાવ પવારે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓને મહિને રૂ. સાત હજાર જેટલું પેન્શન મળે છે, જેમાંથી તેઓએ કાકા, ભાઈનો પણ ભાગ વહેંચવાનો હોય છે. જે બાદ તેમની પાસે બે હજાર રૂપિયા જેટલી બચે છે. આટલા રૂપિયામા તેઓ પોતાનો જીવનનિર્વાહ કરી શકતા નથી. તેઓ ખેતી સાથે જોડાયેલા છે.
રાજ્ય સરકાર ઉપર આરોપ લગાવતાં લિંગાના રાજવી છત્રસિંહે જણાવ્યું, "રાજાઓને આપવામાં આવતું ફંડ ભાજપ સરકાર આવ્યા પછી બંધ કરવામા આવ્યું છે. તહેવારો અથવા તો મોટી જરૂરિયાત સમયે 25% સુધી આ ફંડ મળી શકતું હતું, રાજાઓના હકના આ ફંડનો હિસાબ સરકારે આપવો જોઈએ, તેમજ આ ફંડનો ઉપયોગ ફરી શરૂ થવો જોઈએ."

ઇમેજ સ્રોત, UMESH GAVIT
ડાંગ જિલ્લાના રાજાઓના પેન્શન વધારા અંગે ડાંગ ભાજપ પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવારે જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા દર વર્ષે રાજાઓના વાર્ષિક પેન્શનમાં વધારો કરવામાં આવે છે. છેલ્લા વર્ષના જો આંકડા જોવામાં આવે તો ભાજપ સરકાર દ્વારા જ રાજાઓ આર્થિકપણે સધ્ધર થાય તે માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે. ભાજપ સરકારમાં રાજાઓના પેન્શનમાં વધારો નથી થતો એ વાત તદ્દન ખોટી છે.
દહેરના રાજા તપતરાવ આનંદરાવ પવાર બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે કે તેઓ ફક્ત એક દિવસના રાજા હોય છે. તેઓના વિસ્તારમા સમાવિષ્ટ ગામોમાં તેઓનું માન-પાન હોય છે, પરંતુ સરકારી તંત્ર દ્વારા તેઓની અવગણના કરવામાં આવે છે.
તેમના મતે, વર્ષો પહેલાં સરકારી તંત્ર તેમજ તેમના વડીલો સાથે મળીને ડાંગનાં વિકાસકાર્યોમાં સહભાગી થતાં હતાં, પરંતુ આજે તેમને પૂછવામાં આવતું નથી.
પિંપરીના રાજા ત્રિમકરાવ સાહેબરાવ પવારે જણાવ્યું હતું, "હાલની મોંઘવારીમાં ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. મોંઘવારીના કારણે તેઓ પોતાનાં બાળકોને વધુ ભણાવી શક્યાં નથી. બાળકોએ ફક્ત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સુધીનું જ શિક્ષણ મેળવ્યું છે."
રાજાઓને વાર્ષિક ચૂકવાતું પેન્શન
- કરણસિંહ યશવંતરાવ પવાર- ગાઢવી રાજ- વાર્ષિક રૂ. 1,29,898 (મહિને રૂ. 10,574)
- છત્રસિંહ ભંવરસિંહ સૂર્યવંશી - લિંગા રાજ- વાર્ષિક રૂ. 95,816 (મહિને રૂ. 7,984)
- ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશી - વાસુર્ણ રાજ- વાર્ષિક રૂ. 77,739 (મહિને રૂ. 6,478)
- તપતરાવ આનંદરાવ પવાર - દહેર રાજ - વાર્ષિક રૂ. 86,391 (મહિને રૂ. 7,199)
- ત્રિમકરાવ સાહેબરાવ પવાર - પિંપરી રાજ- વાર્ષિક રૂ. 1,04,316 (મહિને રૂ. 8,693)
બ્રિટિશકાળમાં દરબારની ઉજવણી
ડાંગ જિલ્લા પંચાયત દ્વારા પ્રકાશિત ઇતિહાસકાર તેમજ સંશોધનકાર ડૉ. ભાસ્કર ચિત્તળેની 'ડાંગ એક સમ્યક દર્શન' પુસ્તકના સંદર્ભ અનુસાર વર્ષ 1876/77માં રાણી વિક્ટૉરિયાનો ભારતનાં મહારાણી તરીકે રાજ્યાભિષેક થયો તે પ્રસંગ ધુળિયામાં (હાલ મહારાષ્ટ્ર) દરબાર યોજવામાં આવ્યો હતો.
તે પછી પીપળનેર, પીપલાઈદેવી, અને શીરવાડામાં પણ દરબાર યોજાયો હતો. ઈ.સ.1900ના મે માસમાં આ દરબાર વઘઈ ખાતે યોજવામા આવ્યો હતો.
આ દરબાર વખતે રાજાઓને જંગલ સબસિડી અને શિરપાવ આપવામાં આવતો. નાયકો તથા પોલીસ પટેલોને પણ આગનિવારણ તથા બીજાં કામો માટે બક્ષિસો આપવામાં આવતી.
વર્ષ 1910માં પિંપરીના નાયકને જંગલખાતાની ઉપયોગી સેવા કરવા બદલ એક બંદૂક બક્ષિસમાં આપવામાં આવી હતી. તે જ વર્ષમાં સારી જાતના પાક માટે, કેટલાક પોલીસ પટેલોને કદરરૂપે ચાંદીનાં કડાં બક્ષિસ તરીકે આપવામાં આવ્યાં હતાં.
વર્ષ 1911માં ચિંચલી-ગડદના નાયકને બ્રિટિશ સરકાર પ્રતિ વફાદાર રહેવા બદલ સોનાની વીંટી આપવામાં આવી હતી.
તો ગાઢવી, પીંપરી, દહેર, ચિંચલી, કિરલી તથા વાસુર્ણાના રાજાઓ તથા ગાઢવી રાજાના કુટુંબના એક વયોવૃદ્ધ આસામીને દિલ્હી દરબાર તરફથી ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા.
ભીલ રાજાઓ તથા નાયકોએ બ્રિટિશ હકૂમત સામે બળવો પોકાર્યો

ઇમેજ સ્રોત, UMESH GAVIT
વર્ષ 1914માં ભીલ રાજાઓ તથા નાયકોએ બ્રિટિશ હકૂમત સામે બળવો પોકાર્યો હતો. પરંતુ તેમાં રાજાઓ ફાવ્યા નહીં. ઈ.સ. 1915માં દરબાર વખતે જે રાજાઓ અને નાયકોએ બળવામાં ભાગ લીધો હતો તેમને દંડ કરવામાં આવ્યો. અને જેમણે ભાગ ન લીધો તેમને ચાંદીનાં ઘરેણાં અને રોકડ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
વર્ષ 1935માં ભરાયેલો દરબાર વિશિષ્ટ પ્રકારનો હતો. આ દરબાર ખાસ "રૌપ્ય મહોત્સવ" દરબાર તરીકે ઊજવવામાં આવ્યો હતો.
આ દરબારમાં રોકડ રકમ અને શિરપાવની વહેંચણી કરવામાં આવી હતી. વર્ષ 1947 સુધીમાં ત્રણ વખત આહવામાં દરબાર યોજાયો હતો.
ઈ.સ. 1947માં ડાંગનું વિલીનીકરણ થયું. છતાં દરબાર પ્રતિવર્ષ નિયમિત ભરવામાં આવતો. વર્ષ 1954થી મુંબઈ સરકારે રાજા, નાયકો અને ભાઈબંધોને પેશગી આપવાની પ્રથામાં ફેરફાર કરી તેમના મૂળ હકોને બદલે તેમને વંશપરંપરાગત પૉલિટિકલ પેન્શન આપવાનું નક્કી કર્યું.
વર્ષ 1954થી આજ સુધી આ દરબાર આહવા ખાતે જ યોજવામાં આવે છે.
ડાંગ દરબારમાં આદિવાસી સંસ્કૃતિનાં દર્શન

ઇમેજ સ્રોત, UMESH GAVIT
ડાંગ દરબારનો મેળો ઘણો રંગીન છે. આ દરબારમાં ભારતનાં અન્ય રાજ્યોના આદિવાસીઓ દ્વારા પોતાની સંસ્કૃતિનાં નૃત્યો રજૂ કરાય છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, આસામ, મધ્ય પ્રદેશના આદિવાસીઓ પોતાનાં નૃત્યો રજૂ કરે છે.
ડાંગ જિલ્લાનું આદિવાસી નૃત્ય ખૂબ જ પ્રખ્યાત છે. આ નૃત્યમાં પિરામિડ બનાવવામાં આવે છે. ડાંગી નાચમાં સ્ત્રીઓ અને પુરુષો જોડે નાચતાં હોય, જે આદિવાસી પ્રજાની એકતાને પ્રદર્શિત કરે છે.
મેળામાં રોજ રાત્રિ દરમિયાન આદિવાસી નૃત્યો રજૂ થતાં હોય છે. ડાંગી નૃત્ય, ઠાકરે નાચ, પાવરી નાચ, આ ઉંપરાત અન્ય રાજ્યોના આદિવાસીઓ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવે છે.
ડાંગ દરબારમાં આદિવાસી પ્રજાની રહેણીકરણી, વેશભૂષા અને તેમની અનોખી સંસ્કૃતિનાં દર્શન થાય છે. અહીં પ્રકૃતિમાંથી બનાવેલાં સંગીતવાદ્યો દ્વારા વિવિધ નાચગાન રજૂ કરવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












