ગુજરાત વિધાનસભા ચૂંટણી : ભાજપ, કૉંગ્રેસ, અને 'આપ' પોતાના ઉમેદવારોની પસંદગી કેવી રીતે કરે છે?

કૉંગ્રેસ ભાજપ આપ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં આગામી સરકાર કોની બનશે, તેના આડે એક મહિનાનો સમય બાકી રહ્યો છે. સોમવાર સુધી તમામ રાજકીય પક્ષે તેની પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના ઉમેદવારોના નામ જાહેર કરવાના રહેશે.

આમ આદમી પાર્ટીએ કુલ 182 બેઠકમાંથી 140 બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા છે અને આ સ્પર્ધામાં તે અગ્રેસર છે. જ્યારે કૉંગ્રેસે ઉમેદવારની ચાર યાદી જાહેર કરી છે, અને ભાજપે પણ પોતાના 166 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.

ત્યારે શું તમે ક્યારેય વિચાર્યું કે, એક-એક બેઠક પર બેથી માંડીને ડઝનબંધ દાવેદાર હોઈ શકે છે, ત્યારે રાજકીય પક્ષ કેવી રીતે ઉમેદવારના નામ નક્કી કરતા હોય છે? આ માટેની શું પ્રક્રિયા હોય છે?

સામાન્ય રીતે દરેક પક્ષના નેતાને આ પ્રશ્ન પૂછવામાં આવે કે, "ચૂંટણીમાં કોઈપણ બેઠક માટે ઉમેદવારો કેવી રીતે નક્કી થાય છે?" તો મોટાભાગે જવાબ મળે કે, જે-તે બેઠક પર ઉમેદવાર 'વિનેબિલિટી' એટલે કે 'જીતવાની ક્ષમતા' પરથી નક્કી થાય છે.

જોકે ઉમેદવારની 'વિનેબિલિટી' કેવી રીતે નક્કી થાય છે? એ વિશે ખૂબ ઓછી માહિતી હોય છે.

ઉમેદવારે પક્ષની લાયકાત અને જરૂરિયાત તો પૂર્ણ કરવાની રહે જ છે, સાથે-સાથે તેણે કેટલીક બંધારણીય અને કાયદાકીય જરૂરિયાતને પણ પૂર્ણ કરવાની હોય છે. જો તે આમ કરવામાં નિષ્ફળ રહે તો તેની ચૂંટણી અમાન્ય ઠરી શકે છે અને તેના ચૂંટણી લડવા પર પ્રતિબંધ પણ આવી શકે છે.

બીબીસી

ભાજપ કેવી રીતે નક્કી કરે છે ઉમેદવારની 'વિનેબિલિટી'?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ભારતીય જનતા પાર્ટીને ટિકિટ માટે ચાર હજાર 200 કરતાં વધુ અરજી મળી છે. મતલબ કે, એક બેઠક પર સરેરાશ 23 જેટલી અરજીઓ આવી છે.

ભાજપના પ્રવક્તા કિશોર મકવાણાએ પાર્ટીની ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરતા કહ્યું, "પાર્ટી દ્વારા દરેક બેઠક માટે ત્રણ-ત્રણ નિરીક્ષક મૂકવામાં આવે છે, જેમાંથી એક અનિવાર્યપણે મહિલા હોય છે. આ નિરીક્ષકો બીજા જિલ્લાના હોય છે."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

"પાર્ટીની વિચારસરણીને વરેલા કાર્યકર્તા તેમના સમક્ષ દાવેદારી કરી શકે છે. નિરીક્ષક પોતે પોતાના ગૃહ જિલ્લા માટે પણ ટિકિટની વિનંતી કરી શકે છે, પરંતુ તેની માટે તેણે જે-તે પેનલ સમક્ષ રજૂઆત કરવાની રહે."

"આ સિવાય પાર્ટીને કાર્યકરો તરફથી રજૂઆતો મળે છે. નિરીક્ષકો તેમના નામોની રાજ્ય સ્તરે છણાવટ અને છટણી કરે છે. એ પછી આ નામોની યાદીને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ પાસે મોકલવામાં આવે છે. જે રાજ્ય સ્તરથી આવેલી યાદીનું બૅકગ્રાઉન્ડ ચેક કરી તેને બહાર કરવાનું કામ કરે છે."

જો એક કરતાં વધુ દાવેદારોના નામ મળ્યા હોય તો દરેક પાસાની ચકાસણી કરીને છેવટે એક નામ નક્કી કરવામાં આવે છે.

મકવાણાના કહેવા પ્રમાણે, “'લોકતાંત્રિક ઢબે' અને 'પાર્ટીહિત'ને કેન્દ્રમાં રાખીને ઉમેદવારની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે."

"આ વખતે ભાજપે 75 વર્ષથી વધુ ઉંમરના નેતા તથા સંસદ સભ્યોના પરિવારજનોને ટિકિટ નહીં આપવાનું વલણ અપનાવ્યું છે.”

વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસના રાજીનામા વિશે પૂછવામાં આવતા ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું હતું કે, “75 વર્ષ કરતાં વધુ ઉંમરના દાવેદારોને ટિકિટ નહીં આપવાનું પાર્ટીએ નક્કી કર્યું છે. ભાજપમાંથી ટિકિટ નહીં મળે તેમ લાગ્યું હોય એવું લાગે છે.”

વ્યાસે આ નિવેદનને વખોડી કાઢ્યું હતું અને કહ્યું હતું કે, “ટિકિટ આપવાનો નિર્ણય કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો હોય છે.”

ભરૂચની બેઠકથી ભાજપના સંસદ સભ્ય મનસુખ વસાવાએ ગયા અઠવાડિયે ટ્વિટર પર લખ્યું હતું કે, “ગુજરાત વિધાનસભાના ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગાંધીનગરમાં ચાલુ છે."

"મેં તથા મારી દીકરી પ્રીતિબહેન વસાવાએ પણ ઉમેદવારી માટે માગણી કરી હતી. પરંતુ વર્તમાન MP-MLAના પરિવારજનોને ટિકિટ આપવામાં નહીં આવે તેવો પાર્ટીનો નિર્ણય છે. જે નિર્ણયને શિરોમાન્ય ગણીને પાર્ટીને જિતાડવા માટે કામ કરીશું."

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ

તેમણે વધુમાં લખ્યું હતું કે, “નાંદોદ-ડેડિયાપાડા વિધાનસભાના ઉમેદવારો માટે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ પેનલના નામો ગયાં છે."

"કોઈ પણ નામનો પક્ષ નિર્ણય કરશે તેમને અમે જિતાડીશું અને બીજા બધા આગેવાનોએ પણ પાર્ટીના જે કોઈ પણ ઉમેદવાર આવે તેમને અને ભાજપને જિતાડવા માટે કામે લાગી જવું જોઈએ.”

દરેક ચૂંટણી સમયે જરૂરિયાતના આધારે વ્યૂહરચના બદલાતી હોય છે. જેમ કે, 2014ની લોકસભા ચૂંટણી સમયે ભાજપે તેના વર્તમાન ધારાસભ્યોને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા, જ્યારે 2019માં રિપીટ ઉમેદવાર સિવાયના નવા ઉમેદવારને તક આપવામાં આવી હતી.

ભાજપની નિર્ણય પ્રક્રિયામાં સંઘના માળખાની પણ ભૂમિકા રહેલી હોય છે.

કહેવાય છે કે, પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી તથા તેમના મંત્રીમંડળ સામેના આક્રોશ વિશે સંઘનો પણ મત મેળવવામાં આવ્યો હતો, તે પછી સમૂળગું પરિવર્તન કરવામાં આવ્યું હતું.

રેડ લાઇન

સારાંશ

  • ઉમેદવારે પક્ષની લાયકાત અને જરૂરિયાત તો પૂર્ણ કરવાની રહે જ છે, સાથે-સાથે તેમણે કેટલીક બંધારણીય અને કાયદાકીય જરૂરિયાતને પણ પૂર્ણ કરવાની હોય છે
  • મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ભારતીય જનતા પાર્ટીને ટિકિટ માટે ચાર હજાર 200 કરતાં વધુ અરજી મળી છે. મતલબ કે, એક બેઠક પર સરેરાશ 23 જેટલી અરજીઓ આવી છે
  • ભાજપ દ્વારા દરેક બેઠક માટે ત્રણ-ત્રણ નિરીક્ષક મૂકવામાં આવે છે, જેમાંથી એક અનિવાર્યપણે મહિલા હોય છે, આ નિરીક્ષકો બીજા જિલ્લાના હોય છે
  • પાર્ટીની વિચારસરણીને વરેલા કાર્યકર્તા તેમના સમક્ષ દાવેદારી કરી શકે છે. નિરીક્ષક પોતે પોતાના ગૃહ જિલ્લા માટે પણ ટિકિટની વિનંતી કરી શકે છે, પરંતુ તેની માટે તેણે જે-તે પેનલ સમક્ષ રજૂઆત કરવાની રહે
  • આ સિવાય પાર્ટીને કાર્યકરો તરફથી રજૂઆતો મળે છે. નિરીક્ષકો તેમના નામોની રાજ્ય સ્તરે છણાવટ અને છટણી કરે છે. એ પછી આ નામોની યાદીને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ પાસે મોકલવામાં આવે છે
  • આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર નક્કી કરતી વખતે ત્રણ 'C' ધ્યાને લેવામાં આવે છે. ઉમેદવાર ચરિત્રવાન (કૅરેકટર) હોવો જોઈએ, તેની ગુનાહિત પૃષ્ઠભૂમિ (ક્રિમિનલ) ન હોવી જોઈએ તથા તેની પર ભ્રષ્ટાચારના આરોપ (કરપ્શન) ન હોવા જોઈએ
  • વ્યવસાયિક સર્વે એજન્સી મતવિસ્તારના પ્રતિષ્ઠિત અને તટસ્થ લોકોનો સંપર્ક સાધીને પેનલના દાવેદારો વિશે મત મેળવે છે. જેના આધારે પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટીને નામોની ભલામણ મોકલવામાં આવે છે
  • કૉંગ્રેસના ઉમેદવારીનો દાવેદાર મતક્ષેત્રનો રહીશ હોવો જોઈએ અને તેનામાં જીતવાની ક્ષમતા હોવી જોઈએ. પાર્ટી શિક્ષણ, આરોગ્ય કે અન્ય માધ્યમથી જાહેરજીવન સાથે જોડાયેલા અને પાર્ટીની વિચારધારાને વરેલા કાર્યકરો અને લોકો દાવેદારી કરી શકે છે.
  • પાર્ટી દ્વારા 26 લોકસભા બેઠક માટે ઑબ્ઝર્વર નિમવામાં આવ્યા છે. જે-તે સંસદીય બેઠક હેઠળ આવતી વિધાનસભાના દાવેદારો આ ઑબ્ઝર્વર સમક્ષ દાવેદારી કરે છે
રેડ લાઇન

આમ આદમી પાર્ટીના 3C

અરવિંદ કેજરીવાલ અને ઈસુદાન ગઢવી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અરવિંદ કેજરીવાલ અને ઈસુદાન ગઢવી

પરંપરાગત રીતે ગુજરાતમાં બે પક્ષ વચ્ચે ચૂંટણી જંગ જામે છે. જોકે, આ વખતે આમ આદમી પાર્ટી સ્વરૂપે ત્રીજું પરિબળ પણ રાજકીય પરિદૃશ્ય પર ઉપસી આવ્યું છે.

પાર્ટીએ 140 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરીને ભાજપ-કૉંગ્રેસ પર સરસાઈ મેળવી છે. અગાઉથી જ નામની જાહેરાત થઈ ગઈ હોવાથી ઉમેદવારને તૈયારી કરવાનો તથા વધુને વધુ મતદારો સુધી પહોંચવાની તક મળે છે.

આપના પ્રવક્તા યોગેશ જાદવાણીના કહેવા પ્રમાણે, "આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર નક્કી કરતી વખતે ત્રણ 'C' ધ્યાને લેવામાં આવે છે. ઉમેદવાર ચરિત્રવાન (કૅરેકટર) હોવો જોઈએ, તેની ગુનાહિત પૃષ્ઠભૂમિ (ક્રિમિનલ) ન હોવી જોઈએ તથા તેની પર ભ્રષ્ટાચારના આરોપ (કરપ્શન) ન હોવા જોઈએ."

"આપ દ્વારા જે-તે મતવિસ્તારની જનતાને પૂછવામાં આવે છે કે, તેમને કેવો ઉમેદવાર જોઈએ છે. પાર્ટીની વિચારધારાને વરેલો હોય, અગાઉના આંદોલનમાં સક્રિય રહેનાર, જનતાના લાભ માટે કોઈ લડત ચલાવી છે કે કેમ, જેવા મુદ્દા જોવામાં આવે છે. આ પછી ઉમેદવારોના નામોની પેનલ નક્કી કરવામાં આવે છે."

"વ્યવસાયિક સર્વે એજન્સી મતવિસ્તારના પ્રતિષ્ઠિત અને તટસ્થ લોકોનો સંપર્ક સાધીને પેનલના દાવેદારો વિશે મત મેળવે છે. જેના આધારે પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટીને નામોની ભલામણ મોકલવામાં આવે છે. જો એક કરતાં વધુ નામોની ભલામણ આવી હોય તો તેમાંથી View અને Review કરીને સૌથી કાબેલ દાવેદારનું નામ નક્કી કરાય છે."

જાદવાણીનો દાવો છે કે, “પાર્ટી દ્વારા ટિકિટ માટે કોઈ ફંડ લેવામાં નથી આવતું અને ધનવાનનું પલડું ભારે હોય તેવું બનતું નથી અને 15-20 હજારના પગારદાર, રીક્ષાચાલક, શાકભાજી વેંચનાર કે કોઈ સામાન્ય નાગરિક પણ તેનો ઉમેદવાર બની શકે છે.

બીબીસી
બીબીસી

કૉંગ્રેસની પસંદગી પ્રક્રિયા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસ દ્વારા 43 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. ભાજપ-આપથી વિપરીત પાર્ટીએ તેના મુખ્ય મંત્રીપદના ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીના કહેવા પ્રમાણે, "દાવેદાર મતક્ષેત્રનો રહીશ હોવો જોઈએ અને તેનામાં જીતવાની ક્ષમતા હોવી જોઈએ. પાર્ટી શિક્ષણ, આરોગ્ય કે અન્ય માધ્યમથી જાહેરજીવન સાથે જોડાયેલા અને પાર્ટીની વિચારધારાને વરેલા કાર્યકરો અને લોકો દાવેદારી કરી શકે છે. પાર્ટી દ્વારા 26 લોકસભા બેઠક માટે ઑબ્ઝર્વર નિમવામાં આવ્યા છે. જે-તે સંસદીય બેઠક હેઠળ આવતી વિધાનસભાના દાવેદારો આ ઑબ્ઝર્વર સમક્ષ દાવેદારી કરે છે."

"આ સિવાય ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના (જીપીસીસી) અધ્યક્ષ દ્વારા પણ પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ નામો રાજ્ય સ્તરના નેતૃત્વ પાસે પહોંચે છે. અહીં રમેશ ચેન્નીથલાના નેતૃત્વમાં સ્ક્રિનિંગ કમિટી નામની વિચારણા કરી, આ પ્રક્રિયામાં જિલ્લાના વડા, શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખના અભિપ્રાય અને સ્થાનિક સમીકરણો પણ ધ્યાને લે છે."

"ગુજરાત વિધાનસભામાં પાર્ટીના નેતા સુખરામ રાઠવા તથા જીપીસીસીના અધ્યક્ષના મત પણ લેવામાં આવે છે. એના આધારે એક-બે કે ત્રણ નામોની પેનલ નક્કી કરીને ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીને મોકલવામાં છે."

"તાજેતરમાં પાર્ટીએ જે પ્રથમ યાદી જાહેર કરી તેમાં એક નામ નક્કી થયું હોય અને પેનલ રચવાની જરૂર ન હોય તેવી બેઠકો હતી. સિટિંગ ધારાસભ્યના પર્ફૉર્મન્સ, કાર્યકરોના અભિપ્રાય તથા જનતાની વચ્ચે તેમની છાપ વગેરે જેવી બાબતોને ધ્યાને લઈને તેમને રિપીટ કરવા કે નહીં, તેના વિશેનો નિર્ણય કરવામાં આવે છે."

બીબીસી

આ પરિબળો પણ ધ્યાનમાં લેવાય છે

મતક્ષેત્રમાં જ્ઞાતિ-જાતિના સમીકરણોને પણ ધ્યાનમાં લેવાય છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મતક્ષેત્રમાં જ્ઞાતિ-જાતિના સમીકરણોને પણ ધ્યાનમાં લેવાય છે

રાજકીય પક્ષ રાષ્ટ્રીય સ્તરનો હોય કે પ્રાદેશિક, તેનો સૌથી પહેલો માપદંડ એ છે કે દાવેદાર જીતી શકે તેમ છે કે નહીં? આ સિવાય કેટલીક પાત્રતા એવી છે કે, જેના વિશે રાજકીય પક્ષો સત્તાવાર રીતે ચર્ચા કરવાનું ટાળતા હોય છે.

આ સિવાય મતક્ષેત્રમાં જ્ઞાતિ-જાતિના સમીકરણોને પણ ધ્યાનમાં લેવાય છે. ઉમેદવાર કઈ જ્ઞાતિનો છે, પોતાની જ્ઞાતિમાં તેનું કેવું પ્રભુત્વ છે, મતક્ષેત્રમાં તેનો દબદબો કેવો છે વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે.

ગત વિધાનસભા કે લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપે ગુજરાતમાંથી એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી ન હતી. આની પાછળ, પાર્ટીના નેતાઓએ ઔપચારિક રીતે 'જીતી શકવાની શક્યતા'ને કારણભૂત ગણાવી હતી.

જેમ કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ઉમેદવાર સત્તાવાર રીતે રૂ. 40 લાખ સુધીની રકમનો ખર્ચ કરી શકે છે, પરંતુ વાહન વ્યવસ્થા, કાર્યકરોની ખાણી-પીણી, ભીડ એકઠી કરવી, પ્રચાર સાહિત્ય છપાવવા, જાહેરાતો આપવા પાછળ થતો ખર્ચ આનાથી ઘણો વધારે હોઈ શકે છે.

ઉમેદવાર તેનું નિર્વહન કરવા માટે સક્ષમ છે કે નહીં, તે બાબત ધ્યાને લેવામાં આવે છે. એટલે ગુજરાત જ નહીં, પરંતુ દેશના તમામ રાજ્યોની વિધાનસભામાં કરોડપતિ ઉમેદવારોની સંખ્યા વધી રહી છે.

કોઈપણ રાજકીય પક્ષ પોતાના વર્તમાન ધારાસભ્યને ઉમેદવારીમાં પ્રાથમિકતા આપતો હોય છે. જો, તેની વિરુદ્ધ જનાક્રોશ હોય, કાર્યકરોની ફરિયાદો હોય, ગુનાહિત પ્રવૃત્તિમાં અથવા તો 'અસામાન્ય વિવાદ'માં સપડાયા હોય, તો જ રાજકીય પક્ષ દ્વારા પુનઃવિચાર કરવામાં આવે છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

જો ધારાસભ્ય દિગ્ગજ હોય, પક્ષના ટોચના નેતાઓ સાથે ઘરોબો હોય, તેમની સભાઓમાં ભીડ એકઠી કરી શકતો હોય અને 'સંસાધન સંપાદન' કરી શકે તેવો હોય તો મોવડીમંડળ દ્વારા આંખ આડા કાન પણ કરવામાં આવે છે.

અમેરિકામાં ઘણી વખત સ્થાનિક ઉમેદવારની પસંદગી સાર્વજનિક મતદાન કે ખાનગી મતદાન દ્વારા કરવામાં આવે છે. સાર્વજનિક મતદાનમાં વિસ્તારમાં રહેતા તમામ લોકો પોતાનો અભિપ્રાય જણાવી શકે છે, જ્યારે ખાનગી મતદાનમાં માત્ર પક્ષના નોંધાયેલા સભ્યો (રિપબ્લિકન કે ડેમોક્રેટ) જ મતદાન કરી શકે છે.

આમ આદમી પાર્ટીએ ઇસુદાન ગઢવીને ગુજરાતના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર જાહેર કર્યા છે. પાર્ટીએ મિસકૉલ તથા ઈ-મેઇલ દ્વારા જનતાના અભિપ્રાય માગ્યા હતા. પંજાબની ચૂંટણી સમયે પણ આવું જ કરાયું હતું. જોકે, એક જ વ્યક્તિ બે અલગ-અલગ નંબર પરથી મતદાન કરે, કોઈ ચોક્કસ વિસ્તારની જ લાગણીનો પડઘો ઝીલાય વગેરે જેવી બાબતોના કારણે આ પદ્ધતિ 'સંપૂર્ણપણે વૈજ્ઞાનિક' નથી અને તેમાં ત્રુટિને અવકાશ રહેલો છે.

બીજી બાજુ, પ્રથમ ચૂંટણીથી જ દિલ્હીની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલને જ ચહેરા તરીકે રજૂ કરવામાં આવ્યા છે. આમ પાર્ટી દરેક ચૂંટણી સમયે અલગ-અલગ વ્યૂહરચના અપનાવી શકે છે.

અમુક સમયે નિવૃત્ત સરકારી કર્મચારી પક્ષ સાથે જોડાય અથવા તો અન્ય પક્ષમાંથી આવેલા નેતાને સમાવવાના હોય ત્યારે સ્થાનિક સ્તરેથી કરવામાં આવેલી પસંદગી અથવા તો કાર્યકરોની લાગણીના બદલે મોવડીમંડળ દ્વારા લેવામાં આવેલો નિર્ણય અંતિમ બની રહે છે. આવા સમયે લોકશાહી ઢબે યોજાઈ રહેલી ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીમાં જ લોકશાહી નથી રહેતી અને નેતાઓ દ્વારા લેવામાં આવેલો નિર્ણય અંતિમ બની રહે છે.

સોશિયલ મીડિયા પર દાવેદારની હાજરી, તેમના ફોલોઅર્સની સંખ્યા, તેમને મળતાં લાઇક્સ અને ટ્વિટર હોય તો શૅર વગેરે જેવી બાબતો પણ ધ્યાને લેવાતી હોય છે. અલબત્ત તે બહુ મોટું પરિબળ નથી હોતું.

બીબીસી

ઉમેદવાર માટે જરૂરી છે કે....

વિધાનસભાનો ઉમેદવાર ભારત દેશનો નાગરિક (અનુચ્છેદ 173(અ)) હોવો જોઈએ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિધાનસભાનો ઉમેદવાર ભારત દેશનો નાગરિક (અનુચ્છેદ 173(અ)) હોવો જોઈએ

જ્યારે પક્ષ દ્વારા કોઈ એક દાવેદાર પર પસંદગીનો કળશ ઢોળવામાં આવે એટલે તે પક્ષનો ઉમેદવાર બને છે. વ્યક્તિ કોઈપણ રાષ્ટ્રીય, પ્રાદેશિક માન્યતા ધરાવતા પક્ષના ઉમેદવાર તરીકે કે અપક્ષ તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવે ત્યારે તેણે કેટલીક બંધારણીય તથા કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવાનું હોય છે.

જેમ કે:

બંધારણના અનુચ્છેદ 173-બ તથા લોકપ્રતિનિધિ ધારાની જોગવાઈઓ મુજબ, ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષની હોવી જોઈએ. તે માનસિક રીતે સ્વસ્થ હોવો જોઈએ.

વ્યક્તિ અન્ય રાજ્યમાંથી લોકસભાની (અપવાદરૂપે આસામ, લક્ષદ્વીપ, સિક્કિમ વગેરે) ચૂંટણી લડી શકે, પરંતુ વિધાનસભાની ચૂંટણી તે પોતાના નિવાસી રાજ્યમાંથી જ લડી શકે. સામાન્ય ચૂંટણી હોય કે પેટાચૂંટણી, વ્યક્તિ એક સમયે મહત્તમ બે બેઠક પરથી ઉમેદવારી કરી શકે.

આવી જ રીતે લોકસભાની ચૂંટણી દરમિયાન એક રાજ્યનો એસસી કે એસટી કૅન્ડિડેટ અન્ય રાજ્યની એસસી કે એસટી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી શકે છે, પરંતુ વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ પ્રકારની છૂટ મળતી નથી. જે તે રાજ્યના એસસી કે એસટી ઉમદેવાર પોતાના ગૃહરાજ્યમાં જ અનામત બેઠક પરથી ચૂંટણી જંગમાં ઝંપલાવી શકે છે. ઉમેદવારે પોતાની જાતિ અંગેનું સર્ટિફિકેટ જમા કરાવવાનું હોય છે.

ઉમેદવારને બે વર્ષ કે તેથી વધુની સજા ન થયેલી હોવી જોઈએ. જો સજા થઈ હોય અને તેના પર કોર્ટે સ્ટે ન આપ્યો હોય તો તે ગેરલાયક ઠરે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રાજકીય પક્ષો અને ઉમેદવારે રાષ્ટ્રીય, રાજ્યના અને સોશિયલ મીડિયા પર ગુનાહિત રેકોર્ડ ધરાવવા છતાં શા માટે ઉમેદવારને પસંદ કર્યો, તેના વિશે જણાવવું પડે છે.

ઉમેદવારે ચૂંટણી માટે નિર્ધારિત ડિપોઝિટ ભરવાની રહે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉમેદવારે ચૂંટણી માટે નિર્ધારિત ડિપોઝિટ ભરવાની રહે છે

રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષના ઉમેદવારને એક સ્થાનિક રહીશની, જ્યારે માન્યતા નહીં ધરાવતા પક્ષ કે અપક્ષને 10 સ્થાનિક રહીશની પ્રસ્તાવક તરીકે જરૂર રહે છે.

પોતે રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષનો માન્ય ઉમેદવાર (સરળ શબ્દોમાં ટિકિટ કે મૅન્ડેટ મળવો) છે, તેની સાબિતીરૂપે ફૉર્મ 'અ' અને 'બ' જમા કરાવવાના રહે છે. એ પછી જ રિટર્નિંગ ઓફિસર ઉમેદવારને જે-તે પક્ષનું ચૂંટણી ચિહ્ન ફાળવે છે. આ મૅન્ડેટ ઝેરોક્ષ કે ફેક્સ સ્વરૂપે નથી ચાલતા અને તેની અસલ નકલ જ જમા કરાવવાની હોય છે.

ઉમેદવારે તેની પાસેથી બાકી નીકળતા સરકારી લેણાં, તેની ચલ-અચલ સંપત્તિ, તેમનું દેવું અને સંતાનો (જો સગીર હોય તો) તેમની સંપત્તિનું વિવરણ આપવાનું રહે છે.

ઉમેદવારે ચૂંટણી માટે નિર્ધારિત ડિપોઝિટ ભરવાની રહે છે. વિધાનસભા ચૂંટણી માટે આ રકમ રૂ. 10 હજાર અને લોકસભા ચૂંટણી માટે રૂ. 25 હજાર છે.

અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના ઉમેદવારને અનામત પેટેની રકમમાં 50 ટકા રાહત આપવામાં આવે છે.

જો ઉમેદવારને કુલ માન્ય મતના છઠ્ઠા ભાગ કરતાં ઓછા મત મળે, તો તેણે જમા કરેલી રકમ જપ્ત થઈ જાય છે. જો તમામ ઉમેદવારને કુલ માન્ય મતના છઠ્ઠા ભાગ કરતાં ઓછા મત મળ્યા હોય, તો માત્ર વિજેતાને બાકાત કરતાં અન્ય તમામ ઉમેદવારોની ડિપૉઝિટ જપ્ત કરવામાં આવે છે.

ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમના છેલ્લા દિવસે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ઉમેદવારી દાખલ કરવાની રહે છે.

વિજેતા પાંચ વર્ષ માટે ચૂંટાઈ આવે છે. તે વિધાનસભાની મુદ્દત પૂરી થાય (અથવા વિધાનસભા ભંગ થાય ત્યા સુધી) ત્યા સુધી ધારાસભ્ય રહે છે. એ પછી તેણે નવેસરથી જનાદેશ લેવાનો રહે છે.

બીબીસી
બીબીસી