You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગાઝાના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં કઈ રીતે મદદ પહોંચે છે?- બીબીસીએ મદદ મોકલતા પ્લૅનમાં બેસી કર્યું નિરીક્ષણ
- લેેખક, લ્યુસી વિલિયમસન
- પદ, બીબીસી ન્યૂઝ, ગાઝાપટ્ટીથી
ગાઝાના પૂર્વ વિસ્તારથી એક હજાર માઈલ દૂર, અમેરિકાની સેનાના માલવાહક વિમાનમાં સહાય માટેનો મોટો જથ્થો ભરવામાં આવી રહ્યો છે. કતારના અલ-ઉદેદ ઍરબૅઝની આસપાસના રણના લૅન્ડસ્કેપ પર સવારના સૂર્યનાં કિરણોમાં ચમકી રહેલા આ માલવાહક વિમાનના ક્રૂ-મેમ્બર્સ તેમનું કામ કરી રહ્યા છે.
તેઓ 80 જેટલા મોટા સહાયસામગ્રી ભરેલાં ખોખાં વિમાનમાં ભરી રહ્યા હતા. આ દરેક મજબૂતાઈથી પૅક કરેલા ખોખાંને એક કાર્ડબૉર્ડના પૅલેટ સાથે બાંધીને તેના પર પૅરાશૂટ બાંધવામાં આવ્યું હતું.
ગાઝામાં ભોજન વગેરે સહાયસામગ્રી પહોંચાડવી એ હવે અતિશય અઘરું, જોખમી અને મલ્ટિ-નેશનલ ઓપરેશન બની ચૂક્યું છે. સહાય પહોંચાડતી સંસ્થા આરએએફે તેનું પહેલું ઓપરેશન આ અઠવાડિયે કર્યું હતું જેમાં બે વિમાનો સામેલ હતાં. ફ્રાન્સ, જર્મની, જૉર્ડન, ઇજિપ્ત અને યુએઈ પણ આ સહાય પહોંચાડવાની કામગીરીમાં ભાગ લઈ રહ્યા છે.
અમેરિકી દળો દ્વારા કરવામાં આવેલું આ 18મુ મિશન હતું. આ મિશન હેઠળ 40 હજાર તૈયાર ભોજનનાં પૅકેટ ગાઝાના યુદ્ધક્ષેત્રમાં પહોંચાડવા માટે તેમણે કતારના દોહાથી છ કલાકની રાઉન્ડ ટ્રીપ કરવી પડે છે.
જોકે, સહાય પહોંચાડવાની અન્ય રીતો કરતાં આ રીત વધુ ખર્ચાળ અને ઓછી કાર્યક્ષમ છે અને તેનું નિયંત્રણ કરવું પણ મુશ્કેલ છે.
કઈ રીતે પહોંચી રહી છે સહાય?
આ અઠવાડિયામાં જ દરિયામાં પડેલા રાહતસામગ્રીનાં પાર્સલને લેવા જવાનો પ્રયાસ કરતી વખતે 12 લોકો ડૂબી ગયા હોવાનું માનવામાં આવે છે. એ સિવાય રાહતસામગ્રી સુધી પહોંચવા માટે થયેલી નાસભાગમાં અન્ય છ લોકો કચડાઈ ગયા હોવાના પણ અહેવાલ છે.
વિમાનની કૉકપીટ પાસે ઊભા અમેરિકાનો ધ્વજ લઈને ઊભા રહેલા મિશન કમાન્ડર માજ બૂને કહ્યું હતું કે, “અમને આ તમામ સમાચારોની જાણ છે અને વધુ જાનહાનિ ન થાય તેવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ.”
તેઓ કહે છે, “અમે અમારાથી જેટલું શક્ય બને તેટલા પ્રયત્નો કરી રહ્યા છીએ. અમે હવે એવાં પૅરાશૂટનો ઉપયોગ કરી રહ્યા છીએ જેની ઝડપ ધીમી હોય અને તેનાથી ગાઝામાં રહેતા લોકોને આ રાહતસામગ્રી સુધી પહોંચવા વધુ સમય મળે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“અમારી પાસે એવાં સાધનો છે જેનાથી ડ્રોપ ઝોનનું અવલોકન કરી શકાય અને ત્યાંના લોકોને વિખુટા પાડી શકાય. જ્યાં ટોળું હોય ત્યાં અમે રાહતસામગ્રી નથી ફેંકતા.”
તેમના જણાવ્યા અનુસાર તેમણે આ સમગ્ર વિસ્તારની કાળજીપૂર્વક ચકાસણી કરી છે જેથી તેઓ સુરક્ષિત વિસ્તારમાં સલામત ખુલ્લી જગ્યાઓ પર આ સહાયસામગ્રીને પહોંચાડી શકે. પરંતુ પાર્સલને તેમણે સમુદ્રકિનારે છોડવાનું નક્કી કર્યું છે જેથી ખામીયુક્ત પૅરાશૂટવાળાં જે પાર્સલ હોય તે ઇમારતો અથવા લોકો પર પડવાને બદલે પાણીમાં પડે.
પરંતુ આમાંનો એકપણ રસ્તો સરળ નથી.
જેવો ભારેખમ માલવાહક વિમાનનો અવાજ આવે કે તરત જ લોકો તેનો પીછો કરવાનું ચાલું કરી દે છે અને એકઠાં થઈ જાય છે. આ વિમાનનો અવાજ માઇલો દૂરથી જ આવવા લાગે છે.
ભૂખને કારણે આ રાહતસામગ્રી સુધી પહોંચવા માટે લોકો મરણિયા બનીને તેના સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે.
હમાસે આ હવાઈરસ્તેથી ફેંકવામાં આવતી સામગ્રીને અટકાવવાની માંગ કરી છે કારણ કે તેનું માનવું છે કે આવા ઓપરેશનો ‘નકામાં’ છે અને ભૂખ્યાં લોકોનાં વધુને વધુ મૃત્યુ થવાની સંભાવના છે.
લોકો વિમાન પાછળ દોડી રહ્યા છે
વધુ સારા પ્લાનિંગ અને સંગઠિત રીતે કામ ન કરવાને કારણે, સહાયસામગ્રી પણ સારી રીતે વહેંચાતી નથી જેના કારણે લોકોના જીવ જવાની શક્યતાઓ વધી રહી છે.
જેવા અમે ગાઝામાં જમીનથી ખૂબ ઓછી ઊંચાઈએ ઊડવાં લાગ્યાં કે તરત જ અમને વિમાનનાં ખૂલેલાં ભાગમાંથી નષ્ટ થઈ ગયેલું શહેર દેખાવા લાગ્યું. બાકી બચેલી ઇમારતો જાણે કે ખંડેર બની ગયેલા શહેરમાં એકલી-અટૂલી ઊભી હતી.
અમેરિકન ફૂડ પાર્સલને એવાં સ્થળોએ ઊતારવામાં આવી રહ્યાં છે જ્યાં કદાચ અમેરિકન બનાવટનાં શસ્ત્રો પહેલેથી જ પોતાની છાપ છોડી ચૂક્યાં છે.
ઉપરથી અમે જોઈ શકતા હતા કે દરિયાકિનારે અમારી નીચે રસ્તાઓ લોકો અને વાહનોથી જાણે કે ઉભરાઈ રહ્યા હતા. અમે જે દિશામાં જઈ રહ્યા હતા તે જ દિશામાં તેઓ જઈ રહ્યા હતા, દેખીતી રીતે જ તેઓ પ્લૅન પાછળ દોડી રહ્યા હતા.
અમે જોયું કે પૅરાશૂટ ઝડપથી બહાર સરકી જાય છે, સેકંડમાં સ્પેક્સમાં સંકોચાઈ જાય છે. ઘણાં પૅરાશૂટ પાણી પર તરવા લાગ્યાં પરંતુ બે પૅરાશૂટ અટકી ગયાં, સીધા સમુદ્રમાં તૂટી પડ્યાં.
અમેરિકી વાયુસેનાના પ્રવક્તા માજ રાન ડીકૅમ્પને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે ઉપરથી આ રીતે સહાય પૅરાશૂટ વડે પહોંચાડવી એ શું શ્રેષ્ઠ રસ્તો છે તો તેમણે જવાબ આપ્યો હતો કે આ પરફેક્ટ રસ્તો નથી.
“અમે જાણીએ છીએ તે અંદાજે 20 લાખ લોકો એવા છે કે જે ભૂખ્યા છે અને ટળવળી રહ્યા છે. આ નિર્દોષ નાગરિકો છે જેમણે યુદ્ધની માંગ કરી ન હતી. અમે જે પૅકેટ ફેંકી રહ્યા છીએ એ માત્ર હજારોની સંખ્યામાં જ છે.”
“આ એક બાલદીની જરૂરિયાત સામે ટીપાં જેટલી સહાય નથી?”
“હા, આ ઓછી મદદ છે પરંતુ જો તમે ટળવળી રહેલાં પરિવારોનો વિચાર કરો તો આ તેમના માટે ટર્નિંગ પૉઇન્ટ બની શકે છે, તેમનો જીવ બચાવનારી મદદ સાબિત થઈ શકે છે.”
ભૂખને કારણે લોકોમાં તાકાત બચી નથી
બીબીસીના સહયોગી એવા ગાઝાના એક પત્રકારે આ અમેરિકી મદદનાં પૅરાશૂટ પડતાં જોયાં છે. તેમણે એ દિવસે ગણતરી કરી હતી તે પ્રમાણે 11 વખત વસ્તુઓ ફેંકવામાં આવી હતી. ઉત્તર વિસ્તારમાં રહેતા ઘણા રહેવાસીઓએ તેમના આખેઆખા દિવસો આ મદદની રાહ જોવામાં વિતાવ્યા છે.
અહમદ તાફેશ નામના ગાઝાના રહેવાસીએ કહ્યું કે, “અમે બે વખત સવારે આ મદદ મેળવવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ અમને સફળતા ન મળી. જો અમને થોડાઘણા દાણા પણ ખોરાકના મળી જાય તો પણ અમને ઘણો સહયોગ મળશે. અમને એવી આશા છે કે અમને આજે ખાવાનું મળશે. ભૂખે જાણે કે તમામ લોકોની ઊર્જા શોષી લીધી છે, હવે તેમનામાં કોઈ તાકાત બચી નથી.”
તાજેતરના વૈશ્વિક મૂલ્યાંકનમાં ગાઝામાં થોડા સમયમાં જ દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. જેને લઈને યુએનની ઉચ્ચ કોર્ટે ઇઝરાયલને આ અઠવાડિયે આદેશ જાહેર કર્યો હતો કે તે એવી વ્યવસ્થા કરે કે સહાયનો પ્રવાહ અવરોધિત ન થાય.
માજ બૂન કહે છે, “લોકો ભૂખથી ટળવળી રહ્યા છે અને આપણે તેને ખાવાનું પહોંચાડી રહ્યા છીએ. અત્યારે આપણે વધુમાં વધુ આટલું જ કરી શકીએ છીએ.”
“હું જાણું છું કે અન્ય લોકો પણ ઘણા પ્રયત્નો કરી રહ્યા છે પણ તેમાં વધુ સમય લાગી રહ્યો છે. અમને સંદેશ મળ્યો તે પછીના 36 કલાકમાં જ અમારી સી17ની ટીમે અહીં ખોરાક પહોંચાડ્યો અને અમે અમારાથી બનતું બધું જ કરી રહ્યા છીએ.”
ગાઝાનાં દૃશ્યો અમેરિકાના રાજકારણને કરી રહ્યાં છે પ્રભાવિત
જોકે, ઇઝરાયલે દુષ્કાળ વિશેનું વિશ્લેષણ અને યુએનની કોર્ટનો ઑર્ડર બંનેને નકારી કાઢ્યા છે. તેણે કહ્યું છે કે, “અમે આવી રહેલી રાહતસામગ્રીને અટકાવી રહ્યા છીએ એવા તમામ આરોપોમાં કોઈ દમ નથી. હકીકતમાં તો હમાસ આ રાહતસામગ્રીને ચોરી રહ્યું છે.”
ગાઝા માટેની માનવસહાય એ અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે તાજેતરમાં ઊભી થયેલી ખેંચતાણનાં ઘણાં કારણો પૈકીનું એક કારણ છે.
અમેરિકા ઝડપથી વધુ સહાય મેળવવા માટે ગાઝામાં અસ્થાયી મથક બનાવી રહ્યું છે. ઇઝરાયલનું સૌથી વ્યસ્ત કાર્ગો પૉર્ટ જે ગાઝા સિટીથી 48 કિમી (30 માઇલ) દૂર આવેલુ છે તેને સહાય માટે ખોલવામાં આવ્યું નથી.
અમેરિકી રાષ્ટ્રપતિ જૉ બાઇડન ઇઝરાયલના વડા પ્રધાન પર જમીની સ્તરે કાફલાની પહોંચ વધારવા માટે સખત દબાણ કરી રહ્યા છે. આ હજુ પણ વધુ ઝડપથી મોટી માત્રામાં સહાય મેળવવાની શ્રેષ્ઠ રીત છે.
ગાઝાની હૉસ્પિટલોમાં બીમાર, કુપોષિત બાળકોનાં મૃત્યુનાં દૃશ્યો અમેરિકામાં ચૂંટણીના રાજકારણને પણ પ્રભાવિત કરી રહ્યાં છે.
આરબ અને પશ્ચિમી દેશો સહાય માટેની સેવાઓ વધારી રહ્યા છે, પરંતુ તે જોખમી અને બિનકાર્યક્ષમ રીતે કામ કરી રહ્યા છે. તેઓ એકઠાં થયેલાં ટોળાંમાં થોડી માત્રામાં ખોરાક છોડી દે છે.
આ દેખીતી રીતે આકર્ષક ન લાગે તેવો છેલ્લો ઉપાય છે.
પણ આ સહાયનું મૂલ્યાંકન અંતે બે સરળ પ્રશ્નોથી કરવામાં આવે છે. આ સહાયથી તેઓ ગાઝાની વસ્તી પરના દબાણને થોડેઘણે અંશે ઓછું કરે છે કે કેમ? તેઓ બીજી સરકારો પરના દબાણને કેટલું ઓછું કરે છે?