મેરઠ મર્ડર: પ્રેમી સાથે મળી યુવતીએ લંડનથી આવેલા પતિની હત્યા કરી, લાશને કૉન્ક્રિટમાં જમાવી દીધી

ઇમેજ સ્રોત, @meerutpolice
- લેેખક, શહબાઝ અનવર
- પદ, બીબીસી સંવાદદાતા
(ચેતવણીઃ આ લેખની કેટલીક માહિતી તમને વિચલિત કરી શકે છે)
ઉત્તર પ્રદેશના મેરઠમાં એક ચોંકાવનારી હત્યાનો કેસ બન્યો છે. પોલીસનું કહેવું છે કે સૌરભ રાજપૂત નામના યુવાનની હત્યા તેની પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને કરી છે.
29 વર્ષના સૌરભ રાજપૂત લંડનમાં કામ કરતા હતા અને ગયા મહિને જ ભારત પરત આવ્યા હતા.
સૌરભના પરિવારજનોએ મેરઠ પોલીસમાં તેઓ ગુમ થયા હોવાની ફરિયાદ લખાવી હતી.
આખો મામલો શું છે

ઇમેજ સ્રોત, SHIV PRAKASH
મેરઠ પોલીસે જણાવ્યું છે કે 28 વર્ષનાં મુસ્કાન રસ્તોગીએ પોતાના પ્રેમી સાહિલ શુક્લા સાથે મળીને ત્રીજી માર્ચની રાત્રે પોતાના પતિ સૌરભ રાજપૂતની હત્યા કરી હતી.
પોલીસે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે લાશને એક ડ્રમમાં નાખીને તેમાં કોંક્રિટ ભરી દેવાયો હતો.
પોલીસ તે ડ્રમને પોલીસમથકે લઈ આવી અને ત્યાર પછી કટર વડે ડ્રમને કાપીને લાશને બહાર કાઢી હતી.
સૌરભ રાજપૂતના મોટા ભાઈ રાહુલ ઉર્ફે બબલુની ફરિયાદ પરથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બંને આરોપીઓને મંગળવારે જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મેરઠના એએસપી આયુષ વિક્રમ સિંહે બુધવારે આ હત્યા વિશે મીડિયાને જણાવ્યું કે, "સૌરભ રાજપૂત ચોથી માર્ચથી ગુમ હતા. શંકાના આધારે તેમનાં પત્ની મુસ્કાન અને તેના પ્રેમી સાહિલ શુક્લાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં હતાં."
"પૂછપરછમાં જાણવા મળ્યું કે સાહિલ અને મુસ્કાને સાથે મળીને સૌરભની હત્યા કરી હતી. હત્યા કર્યા પછી લાશનું માથું અને બંને હાથ કાપીને એક ડ્રમમાં નાખીને તેમાં સિમેન્ટ અને રેતીનું મિશ્રણ ભરી દીધું હતું. ત્યાર પછી બંને આરોપી ફરવા માટે શિમલા, મનાલી અને કસૌલી જતા રહ્યાં."
મેરઠના બ્રહ્મપુરી વિસ્તારના સૌરભ રાજપૂતે વર્ષ 2016માં ઘરથી થોડે દૂર રહેતાં મુસ્કાન રસ્તોગી સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં.
પરિવારના વિરોધ છતાં બંનેએ લગ્ન કર્યાં હતાં. વર્ષ 2019માં મુસ્કાને એક દીકરીને જન્મ આપ્યો હતો.
છૂટાછેડાની નોબત આવી

ઇમેજ સ્રોત, @meerutpolice
પોલીસના જણાવ્યા પ્રમાણે આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે સૌરભનું પોતાનાં માતાપિતા સાથે બનતું ન હતું. ત્યાર પછી તેઓ મુસ્કાન સાથે નજીકના ઇંદિરાનગરમાં રહેવા લાગ્યા.
સૌરભની ગેરહાજરીમાં મુસ્કાન અને સાહિલ શુક્લા એકબીજાની નિકટ આવ્યાં હતાં.
એએસપી આયુષ વિક્રમ સિંહે જણાવ્યું હતું કે, "27 વર્ષીય સાહિલ સૌરભના ઘરથી થોડે દૂર રહેતો હતો. સાહિલ અને મુસ્કાન આઠમા ધોરણથી સહપાઠી હતા. સાહિલે બી. કૉમ સુધી અભ્યાસ કર્યો છે અને તે ઑનલાઇ ન ટ્રેડિંગ બિઝનેસ સાથે સંકળાયેલો હતો."
તેમના કહેવા પ્રમાણે સૌરભને જ્યારે પોતાની પત્ની અને સાહિલના સંબંધોની ખબર પડી, ત્યારે તેણે વર્ષ 2021માં છૂટાછેડા માટે કાનૂની માર્ગ અપનાવ્યો, પરંતુ નાની દીકરી હોવાના કારણે પરિવારના સભ્યોની સમજાવટ પછી તેણે ફરિયાદ પાછી ખેંચી લીધી.
પરંતુ બંને વચ્ચે સતત તણાવ રહેતો હતો.
ત્રીજી અને ચોથી માર્ચે શું થયું?

ઇમેજ સ્રોત, SHIV PRAKASH
પોલીસે કહ્યું કે પૂછપરછ દરમિયાન મુસ્કાને પોતાનો ગુનો સ્વીકારી લીધો છે.
મુસ્કાને પોલીસને જણાવ્યું કે બે વર્ષ પહેલાં સૌરભ નોકરી કરવા લંડન ગયા હતા. આ સમયગાળા દરમિયાન મુસ્કાન અને સાહિલ વચ્ચેની મિત્રતા વધી હતી.
મુસ્કાને પોલીસને જણાવ્યું કે સૌરભનો પાસપોર્ટનો ઍક્સપાયર થવાનો હતો અને 24 ફેબ્રુઆરીએ તેને રિન્યુ કરાવવા ભારત આવવાના હતા.
પોલીસના કહેવા મુજબ મુસ્કાન અને સાહિલે પહેલેથી આખી યોજના ઘડી લીધી હતી. તેમણે છરી અને બેહોશીની દવાઓ પણ ખરીદી રાખી હતી.
હત્યાના દિવસે એટલે કે ત્રીજી માર્ચે રાતે મુસ્કાને સૌરભના ભોજનમાં બેભાન કરવાની દવા ભેળવી દીધી. સૌરભ બેહોશ થઈ ગયા ત્યારે સાહિલે તેના હાથ પકડ્યા અને મુસ્કાને છરીથી કેટલાક પ્રહાર કર્યા હતા.
પોલીસના કહેવા મુજબ બંને જણ સૌરભની લાશને બાથરૂમમાં લઈ ગયા જ્યાં તેના ત્રણ ટુકડા કર્યા. પૂરાવાનો નાશ કરવા માટે બ્લીચિંગ પાઉડરથી રૂમ ધોઈ નાખ્યો હતો.
ચોથી માર્ચે મુસ્કાને બજારમાંથી એક ડ્રમ અને સિમેન્ટ ખરીદ્યું અને સૌરભના અંગોને તેમાં ભરીને ડ્રમમાં સિમેન્ટ કૉન્ક્રિટ નાખી દીધું.
હત્યાનું રહસ્ય કેવી રીતે ખૂલ્યું?

ઇમેજ સ્રોત, SHIV PRAKASH
પોલીસના કહેવા મુજબ સૌરભની લાશ છુપાવ્યા પછી મુસ્કાન પોતાની દીકરીને માતા પાસે છોડીને પોતે સાહિલ સાથે ફરવા નીકળી ગઈ હતી.
લગ્ન પછી સૌરભનો પોતાના પરિવાર સાથે સંબંધ નહોતો રહ્યો. તેથી ઘણા દિવસો સુધી આ વાતની કોઈને ખબર પડી ન હતી.
17 માર્ચે મુસ્કાન પાછી આવી ત્યારે છ વર્ષની દીકરીએ પોતાના પિતા સૌરભ વિશે પૂછ્યું. તેથી મુસ્કાન ભાવુક થઈ ગઈ. તે પોતાના માવતરે ગઈ અને સાસરિયા પર સૌરભની હત્યાનો આરોપ મૂક્યો. જોકે, મુસ્કાનના પરિવારજનોને ભરોસો ન બેઠો અને તેઓ જાતે તેને પોલીસ સ્ટેશને લઈ ગયા.
પૂછપરછ દરમિયાન મુસ્કાને પોતાનો ગુનો સ્વીકારી લીધો અને ત્યાર પછી ડ્રમ પણ મળી આવ્યું હતું.
સૌરભના ભાઈએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, SHIV PRAKASH
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોતાના ત્રણ ભાઈબહેનોમાં સૌરભ સૌથી નાના હતા. તેમના ભાઈ રાહુલ ઉર્ફે બબલુએ બીબીસીને કહ્યું કે, "જાલિમોએ મારા ભાઈને મારી નાખ્યો. મુસ્કાને જ મારા ભાઈને પરિવારથી અલગ કર્યો હતો. આમાં કોઈ મોટું ષડયંત્ર હોઈ શકે છે. મને મુસ્કાનના પરિવારની સામેલગીરીની શંકા છે. જે પણ દોષિત હોય તેને સખત સજા થવી જોઈએ."
સૌરભ જ્યાં રહેતા હતા તે ઘરના મકાનમાલિક ઓમપાલસિંહે બીબીસીને કહ્યું, "મને બિલકુલ માનવામાં ન આવ્યું કે મુસ્કાન આવું કંઈક કરી શકે છે."
સ્થાનિક કાઉન્સિલર રાજીવ ગુપ્તાએ કહ્યું કે, "મુસ્કાનનું સાહિલ સાથે અફેર હતું, સૌરભ સાથે તેના સંબંધો પહેલેથી જ ખરાબ હતા."
બીજી તરફ મુસ્કાનનો પરિવાર પણ તેની સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યો છે. મુસ્કાન રસ્તોગીનાં માતા અને પિતાએ પોતાની પુત્રીને સમાજ માટે ખતરનાક ગણાવીને તેના માટે ફાંસીની સજાની માંગ કરી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈને તેમણે કહ્યું કે, "મારી દીકરીએ પોતાના એક મિત્ર સાથે મળીને પોતાના જ રૂમમાં પતિની હત્યા કરી દીધી. તે આ સમાજ માટે લાયક નથી અને અન્ય લોકો માટે પણ ખતરારૂપ છે... તેને મોતની સજા મળવી જોઈએ."
મુસ્કાનનાં માતાએ એએનઆઈ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે સૌરભ ઘણો સારો છોકરો હતો અને તેમની પુત્રીએ તેની સાથે અન્યાય કર્યો છે.
બુધવારે પોલીસ જ્યારે સાહિલ શુક્લા અને મુસ્કાન રસ્તોગીને કોર્ટમાં રજૂ કરવા લઈ ગઈ ત્યારે કેટલાક વકીલોએ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બંનેને ટોળાથી બચાવ્યા અને તેમને ત્યાંથી બહાર લઈ ગઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












