સુનીતા વિલિયમ્સની જેમ નાસામાં અંતરિક્ષયાત્રી કઈ રીતે બની શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
બુધવારે વહેલી સવારે અવકાશમાં 285 દિવસ ગાળ્યા બાદ ગુજરાતી મૂળનાં અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ તેમના સાથીઓ સાથે સુરક્ષિતપણે ધરતી પર પરત ફર્યાં હતાં.
તેઓ જૂન, 2024માં ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર સંશોધન કરવા પહોંચ્યાં હતાં.
5મી જૂન, 2024ના રોજ બોઇંગની નવા સ્ટારલાઇનર અવકાશયાનમાં અંતરિક્ષયાત્રી સુનીતા વિલિયમ્સને ત્રીજી વખત અવકાશમાં મોકલાયાં હતાં. અવકાશમાં હતાં એ દરમિયાન તેઓ બોઇંગની સ્ટારલાઈનર ઍરક્રાફ્ટના ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશનના પાઇલટ તરીકે કાર્યરત હતાં.
આઇએસએસમાં સંશોધન કરવાનું કામ એ એક મહત્ત્વપૂર્ણ જવાબદારી છે, જેમાં તાલીમ અને વર્ષોના અનુભવની જરૂર હોય છે. વર્ષ 1998થી નાસામાં અવકાશ સંશોધનની કામગીરી કરનાર સુનીતા વિલિયમ્સે ઘણાં મહત્ત્વના પ્રોજેક્ટનો ભાગ રહ્યાં છે. શિક્ષણ, ટ્રેનિંગ અને આકરી મહેનત થકી તેઓ આ મુકામ સુધી પહોંચી શક્યાં છે.
હવે જ્યારે સુનીતા વિલિયમ્સ ધરતી પર પરત ફરી ચૂક્યાં છે, ત્યારે ઘણાના મનમાં એવા સવાલ પેદા થઈ રહ્યા છે કે નાસામાં અવકાશયાત્રી બનવા માટે કેવી તૈયારી કરવી પડે છે? કઈ ડિગ્રી લેવાથી તમને નાસામાં કામ કરવાની તક મળી શકે?

સુનીતા વિલિયમ્સની જેમ અંતરિક્ષયાત્રી બનવા માટેની જરૂરી લાયકાત શું છે?
નાસા પોતાના વિવિધ હ્યુમન સ્પેસ પ્રોગામ્સ માટે અંતરિક્ષયાત્રીઓની પસંદગી કરે છે. આર્મ્ડ ફોર્સના જવાનો-અધિકારીઓ ઉપરાંત સામાન્ય નાગિરકો પણ નાસામાં અંતરિક્ષયાત્રી બનવા માટે અરજી કરી શકે છે.
- અરજી કરનાર વ્યક્તિ અમેરિકન નાગરિક હોવી જોઈએ
- માન્ય કૉલેજમાંથી STEM (સાયન્સ, ટેકનૉલૉજી, એન્જિનિયરિંગ અને મૅથેમૅટિક્સ) ફિલ્ડમાં માસ્ટર્સ ડિગ્રી હોવી જોઈએ. બાયૉલૉજિકલ સાયન્સ, ફિઝિકલ સાયન્સ અને કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ ડિગ્રી પણ માન્ય છે. મેડિસિનની ડિગ્રી પણ માન્ય છે.
- ડિગ્રી બાદ વ્યક્તિ પાસે પૂરતો અનુભવ પણ હોવો જોઈએ. માસ્ટર્સ ડિગ્રી બાદ ઓછામાં ઓછાં બે વર્ષનો અનુભવ અથવા જેટ ઍરક્રાફ્ટના પાઇલટ-ઇન-કમાન્ડ તરીકે એક હજાર કલાકનો (પ્લેન ઉડાવવાનો) અનુભવ હોવો જોઈએ.
- નાસાની લૉંગ-ડ્યુરેશન સ્પેસ ફ્લાઇટ ફિઝિકલ ટેસ્ટ પણ પાસ કરવાની હોય છે. આ ટેસ્ટમાં દૃષ્ટિ તપાસવામાં આવે છે, બ્લડ પ્રેશર અને ઊંચાઈ માપવામાં આવે છે. વ્યક્તિની ઊંચાઈ 62થી માંડીને 75 ઇંચની વચ્ચે હોવી જોઈએ.
જો સુનીતા વિલિયમ્સે મેળવેલા શિક્ષણ વિશે વાત કરીએ તો તેમણે યુ એસ નેવલ ઍકેડેડમીમાંથી ફિઝિકલ સાયન્સમાં બૅચલરની ડિગ્રી મેળવી છે. જે બાદ તેમણે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીમાંથી એન્જિનયરિંગ મૅનેજમૅન્ટમાં માસ્ટર્સ કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 1998માં જ્યારે નાસામાં તેમની પસંદગી થઈ ત્યારે તેઓ અમેરિકાની નેવીમાં કામ કરતાં હતાં.
તેમણે અગિયાર વર્ષ સુધી અમેરિકાન નેવીમાં વિવિધ પદ પર કામ કર્યું જેમાં નેવલ ઍવિયેશન વિંગ પણ સામેલ છે. તેઓ અત્યાર સુધી 30 પ્રકારનાં વિમાન ઉડાવી ચૂક્યાં છે.

નાસા હ્યુમન સ્પેસ પ્રોગ્રામ માટે અરજીઓ મંગાવે છે, જેમાં અમેરિકાના નાગિરકો અને ત્યાંની સેનાના ત્રણેય પાંખના કર્મચારીઓ અરજી કરી શકે છે.
નાસામાં અંતરિક્ષયાત્રીઓની પસંદગી કરવાની જવાબદારી ઍસ્ટ્રોનોટ સિલેક્શન બોર્ડ પાસે હોય છે. જેટલી પણ અરજીઓ આવે છે એ દરેકની બોર્ડ દ્વારા ચકાસણી કરાય છે. ચકાસણી દરમિયાન અરજદારની શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતીઓની ખરાઈ કરવામાં આવે છે.
બધી અરજીઓની ચકાસણી બાદ સિલેક્શન બોર્ડ કેટલાક લોકોને પ્રથમ રાઉન્ડના ઇન્ટરવ્યૂ માટે બોલાવે છે. ઇન્ટરવ્યૂ સામાન્ય રીતે અમેરિકાના હ્યુસ્ટનસ્થિત નાસાના જૉન્સન સ્પેસ સેન્ટરમાં રાખવામાં આવે છે. ઇન્ટરવ્યૂની પ્રક્રિયા એક અઠવાડિયા સુધી ચાલે છે. પ્રથમ રાઉન્ડમાં સફળ ઉમેદવારોનો ફરીથી ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે.
ફાઇનલ ઇન્ટરવ્યૂ બાદ નાસાના નવા અંતરિક્ષયાત્રીઓની પસંદગી કરવામાં આવે છે, જેમને ટ્રેનિંગ માટે મોકલવામાં આવે છે. આ ટ્રેનિંગ જૉન્સન સ્પેસ સેન્ટરમાં જ રાખવામાં આવે છે અને તે બે વર્ષ માટે હોય છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પસંદગી પામેલા ઉમેદવારોને જૉન્સન સેન્ટરમાં બેઝિક ઍસ્ટ્રોનોટ ટ્રેનિંગ આપવામાં આવે છે, જેમાં સ્પેસ વૉકિંગ, સ્પેસ સ્ટેશન ઑપરેટ કરવા, T-38 જેટ પ્લેન ઉડાડવા અને રોબોટિક આર્મનું સંચાલન સામેલ હોય છે. આ સિવાય સ્પેકવૉક, પાણીની અંદર રહેવાની, સ્કુબા ડાઇવિંગ સહિતનાં કૌશલ્યો શીખવવામાં આવે છે.
આ સિવાય ફરજિયાત ડાઇવિંગ ટેસ્ટ હોય છે. આ ટેસ્ટમાં 25 મીટર લાંબા સ્વિમિંગ પુલના અટક્યા વગર ત્રણ રાઉન્ડ કરવાના હોય છે. આ થયા બાદ બીજી સ્વિમિંગ ટેસ્ટ હોય છે જેમાં સ્પેસ ફ્લાઇટ સૂટ અને ટેનિસ શુઝ પહેરીને 25 મીટર લાંબા પુલના ત્રણ રાઉન્ડ કરવાના હોય છે. અહીં પણ અટક્યા વગર ત્રણેય રાઉન્ડ પૂર્ણ કરવાના હોય છે.
વાતાવરણના દબાણને સહન કરવાની પણ તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત મોડિફાઇડ જેટ ઍરક્રાફ્ટમાં માઇક્રોગ્રેવિટી માટેની ટ્રેનિંગ પણ હોય છે. આ બંને ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની હોય છે. અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ ન હોવાના કારણે આ તાલીમ ખૂબ જ જરૂરી હોય છે.
ટ્રેનિંગના બીજા તબક્કામાં કમ્પ્યુટર બેઝ્ડ તાલીમ હોય છે, જેમાં નાસાના સ્પેસ શટલ, લૉન્ચ વિહિકલ અને સ્પેસક્રાફટને ઑપરેટ કઈ રીતે કરવું તે શીખવવામાં આવે છે. જો સ્પેસક્રાફ્ટની કોઈ સિસ્ટમમાં ખામી સર્જાય તો તેને કેવી રીતે ઓળખવી અને તેને કઈ રીતે રિપૅર કરવી તે વિશે પણ તાલીમ અપાય છે.
જૉન્સન સેન્ટરમાં તાલીમ આપવા માટે આઇએસએસનું મૉડલ તૈયાર કરાયું છે. અહીં તાલીમાર્થીઓને ભોજન બનાવવાની, સાધનોનો ઉપયોગ અને જાળવણી, કૅમરોનો ઉપયોગ અને અલગ-અલગ ઑપરેશન વિશે મહત્ત્વની માહિતી અપાય છે.
સમગ્ર ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જો વ્યક્તિ સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂર્ણ કરે તો તેની નાસામાં અંતરિક્ષયાત્રી તરીકે નિમણૂક કરવામાં આવે છે. જે લોકો આ ટ્રેનિંગ પૂર્ણ નથી કરી શકતા તેમને નાસાના અન્ય વિભાગમાં કામ સોંપાય છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇન્ડિયન સ્પૅસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન(ઇસરો) ગગનયાન મિશન પર કામ કરી રહી છે જેમાં ત્રણ અંતરિક્ષયાત્રીઓ ત્રણ દિવસ સુધી અવકાશમાં રહેશે અને ત્યાર બાદ પૃથ્વી પર પરત ફરશે.
ભારતનું આ પ્રથમ હ્યુમન સ્પેસ મિશન છે. ઇસરોએ આ મિશન માટે ભારતીય ઍરફોર્સના ચાર પાઇલટોની પસંદગી કરી છે. પ્રશાંત બાલકૃષ્ણ નાયર, અજિત કૃષ્ણન, અંગદ પ્રતાપ અને શુભાંશુ શુક્લાની એક લાંબી પ્રક્રિયા બાદ મિશન માટે પંસદગી કરવામાં આવી છે.
રશિયામાં 13 મહિના તાલીમ લીધા બાદ ચારેય અંતરિક્ષયાત્રીઓ ઇસરોની ઍસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફૅસિલિટીમાં તાલીમ લઈ રહ્યાં છે.
વર્ષ 2035 સુધીમાં અંતરિક્ષમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાની ઇસરોએ જાહેરાત કરી છે. તે ભારતીય અંતરિક્ષ સ્ટેશન તરીકે ઓળખાશે. 2040 સુધી ચંદ્ર પર અંતરિક્ષયાત્રી મોકલવાની ઇસરોની યોજના છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















