અમેરિકામાં યુએસએઆઈડીના ઘણા કર્મચારીઓને રજા પર મોકલી દેવાયા, કેટલાકને નોકરીમાંથી કાઢી મૂક્યા- ન્યૂઝ અપડેટ

અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસને યુએસએડના મહત્તમ કર્મચારીઓને કાં તો રજા પર મોકલી દીધા છે અથવા તો નોકરીમાંથી કાઢી મૂક્યા છે.

યુનાઇડેટ સ્ટેટ્સ એજન્સી ફૉર ઇન્ટરનૅશનલ ડેવલપમૅન્ટ એટલે કે યુએસએઆઈડીના 4,200 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે અને 1,600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.

હજુ સ્પષ્ટ નથી કે તે પૈકી કેટલા કર્મચારીઓને ફરીથી કામ પર લેવાશે.

ટ્રમ્પ પ્રશાસન એલન મસ્કના ડિપાર્ટમેન્ટ ઑફ ઍફિશિયન્સીની યોજના હેઠળ ફેડરલ કર્મચારીઓની સંખ્યા ઓછી કરવાની કોશિશમાં છે. જેથી સરકારી ખર્ચ ઓછો કરવામાં આવે.

અમેરિકાના એક ફેડરલ જજે આ યોજના પર રોક લગાવી હતી જોકે તેમણે શુક્રવારે કહ્યું હતું કે આ રોક સ્થાયી નથી.

યુએસએઆઈડીની સ્થાપના વર્ષ 1961માં કરવામાં આવી હતી જેમાં હાલ થયેલા ઘટનાક્રમ પહલાં દસ હજાર કર્મચારીઓ કામ કરતા હતા.

પોપ ફ્રાંસિસની તબિયત નાજુક, વેટિકને તેમના વિશે શું કહ્યું?

પોપ ફ્રાંસિસની હાલત ગંભીર બનેલી છે. વેટિકને રવિવારે આપેલા નિવેદનમાં કહ્યું છે કે પોપને હજુ પણ ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.

વેટિકનના નિવેદન પ્રમાણે લોહીની તપાસમાં જાણવા મળ્યું છે કે તેમના હ્રદયમાં પરેશાની છે. આ ઉપરાંત કિડની સાથે જોડાયેલી સમસ્યા પણ છે.

વેટિકનના જણાવ્યા પ્રમાણે પોપ ફ્રાંસિસની થોમ્બ્રોકાઇટોપેનિયાની સ્થિતિ સ્થિર છે. જેમાં લોહીમાં પ્લેટલેટ્સની માત્રા ઓછી થઈ જાય છે.

ઘણા દિવસોથી શ્વાસ લેવામાં પરેશાની બાદ પોપને 14 ફેબ્રુઆરીના રોજ રોમના જેમેલી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હૉસ્પિટલમાં પહેલાં તેમને બ્રૉન્કાઇટિસની સારવાર આપવામાં આવી અને ત્યાર પછી તેમને ન્યૂમોનિયાની સારવાર આપવામાં આવી.

આર્જેન્ટિનાના પોપ ફ્રાંસિસ રોમન કૅથલિક ચર્ચના પ્રમુખ બનનારા પહેલા લેટિન અમેરિકન અને પહેલા જેસુઇટ છે.

જર્મનીમાં થયેલી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની જીત

જર્મનીમાં થયેલી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટી સીડીયૂ પાર્ટી દેશની સંસદમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી છે. આ પાર્ટીને સૌથી વધારે 28.8 ટકા વોટ મળ્યા છે.

જર્મનીમાં સીડીયુ અને સીએસયુ પાર્ટીના નેતા ફ્રિડ્રિખ મર્ત્ઝએ કહ્યું છે કે આજે અમે ઉજવણી કરી રહ્યા છીએ પરંતુ કાલે કામ કરીશું.

જર્મનીની ચૂંટણી બાદ મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. ચૂંટણીનાં પરિણામોમાં અલ્ટરનેટિવ ફૉર જર્મન પાર્ટી એટલે કે એએપડી બીજા સ્થાને અને સોશિયલ ડેમૉક્રેટિક પાર્ટી ત્રીજા સ્થાને રહી.

બ્રિટનના વડા પ્રધાન કીએર સ્ટાર્મરે કહ્યું છે કે બ્રિટન અને જર્મની સાથે મળીને બંને દેશોની સુરક્ષા અને વિકાસ માટે કામ કરશે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોંએ પણ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ફ્રિડ્રક મર્ત્ઝને અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે બંને સાથે મળીને એક તાકતવર યુરોપ માટે કામ કરશે.

ભારત સામે પાકિસ્તાનની હાર બાદ શોએબ અખ્તરે આપી આ પ્રતિક્રિયા

ભારત સામે દુબઈમાં રમાયેલી મૅચમાં હાર બાદ પાકિસ્તાની બૉલર શોએબ અખ્તરે પાકિસ્તાની ટીમ મૅનેજમેન્ટની આકરી ટીકા કરી છે.

શોએબ અખ્તરે કહ્યું, "મને ખબર હતી કે હવે શું થવાનું છે. દુનિયા 6 બૉલરો સાથે રમે છે અને તમે ઑલરાઉન્ડરોને લઈને ચાલો છો."

"આ બુદ્ધિશાળી નિર્ણય નથી. તેમાં ખેલાડીઓને શું કહેશો. તેમને ખબર નથી. તેમની પાસે વિરાટ કોહલી, રોહિત શર્મા કે શુભમન ગિલ માફક સ્કીલ સૅટ નથી. જેવું મૅનેજમેન્ટ ચાહે તેવા ખેલાડી હશે. આ બહુ નિરાશાજનક છે."

ભારતીય ટીમે રવિવારે દુબઈમાં થયેલી આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફીની મૅચમાં પાકિસ્તાનને છ વિકેટે હરાવી દીધું હતું. આ મૅચમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હતી અને ભારતે 242 રનોનો ટાર્ગેટ માત્ર 42.3 ઓવરમાં હાંસલ કરી દીધો હતો.

રશિયા-યુક્રેન યુદ્ધ: ઝેલેન્સ્કી બોલ્યા- શાંતિ કે નાટો સભ્યપદ મળે તો પદ છોડવા તૈયાર

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે યુક્રેનમાં શાંતિ માટે તેઓ રાષ્ટ્રપતિપદ છોડવા તૈયાર છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે તેઓ અમેરિકા સાથે યુક્રેનનાં સંસાધનોને લઈને સમજૂતિ કરવા અંગેની ચર્ચા કરવા તૈયાર છે.

રવિવારે ઇયર 2025 ફોરમમાં રાજધાની કિએવમાં સંવાદદાતાઓ સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે યુક્રેનને યુરોપ અને અમેરિકા એમ બંનેનું સમર્થન જોઈએ છે. તેમણે આ દરમિયાન યુક્રેનના નાટો સભ્યપદ અને રાષ્ટ્રપતિપદ પર બની રહેવા અંગેના સવાલો પર પણ જવાબ આપ્યો.

સોમવારે યુરોપિય દેશોના નેતાઓની એક બેઠક યુક્રેનમાં થવા જઈ રહી છે. આ મામલે એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે આ બેઠકમાં કેટલાક મુશ્કેલ નિર્ણયો લેવામાં આવશે.

તેમણે કહ્યું, "ત્યાં નેતાઓ આવનારા વર્ષ માટે પોતાની રણનીતિ પર ચર્ચા કરશે. સાથે યુક્રેનની સુરક્ષાની ગૅરંટીઓ પર પણ વાતચીત કરશે."

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વાતને સમર્થન આપતા કહ્યું હતું કે યુક્રેનમાં ચૂંટણી થઈ જવી જોઈતી હતી. પરંતુ યુદ્ધને કારણે તે સંભવ નહોતી. આ સંબંધમાં ઝેલેન્સ્કીને એક સવાલ પૂછવામાં આવ્યો.

જવાબમાં ઝેલેન્સ્કીએ જણાવ્યું, "હું ખુશીથી રાષ્ટ્રપતિપદ છોડવા તૈયાર છું, જો યુક્રેનની શાંતિ માટે તે હોય. કે પછી નાટોનું સભ્યપદ મળે તે માટે."

તેમણે એમ પણ કહ્યું કે તેમનું ધ્યાન યુક્રેનની આજની સુરક્ષા અંગે નહીં પરંતુ આવનારા 20 વર્ષો માટે. તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે યુક્રેનની સુરક્ષાની ગૅરંટી પણ માગી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.