અમરેલી : મહિલા આરોપી પાયલ ગોટીને કોર્ટે જામીન આપ્યા, યુવતીએ કહ્યું- 'સત્યમેવ જયતે'

અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખની ફરિયાદ બાદ જેમની ધરપકડ કરવામાં આવી હતી એ પાટીદાર મહિલા આરોપીને સેશન્સ કોર્ટે જામીન આપી દીધા છે.

પાંચ દિવસ બાદ આરોપી યુવતી પાયલ ગોટીને રૂપિયા 15 હજારના બૉન્ડ પર જામીન આપવામાં આવ્યા છે.

તેઓ જેલમાંથી છૂટ્યાં ત્યારે તેમને લેવા માટે તેમનો પરિવાર, વકીલ અને સ્થાનિક કૉંગ્રેસી નેતા જેની ઠુમ્મર પણ પહોંચ્યાં હતાં.

તેમના સ્વાગત સમયે લાગણીસભર દૃશ્યો સર્જાયાં હતાં અને પાયલબહેનની આંખમાં આંસુ હતાં, જ્યારે તેમનો પરિવાર તેમને હૈયાધારણ આપી રહ્યો હતો.

અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત આ મામલો ચર્ચામાં રહ્યો હતો.

પાટીદાર મહિલા સાથે અન્યાય થઈ રહ્યો હોવાની વાત પાટીદાર સમાજના આગેવાનો, નેતાઓએ કરી હતી અને મામલો સોશિયલ મીડિયામાં પણ ખૂબ ચર્ચાસ્પદ બન્યો હતો.

'આરોપી મહિલાનું રસ્તા પર સરઘસ કાઢવામાં આવ્યું હતું કે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું' એ મામલે રાજ્ય સરકાર અને પોલીસ પર સવાલો ઊઠ્યા હતા.

આ મામલે કોણે શું કહ્યું?

યુવતીના વકીલ સંદીપ પંડ્યાએ મીડિયાને કહ્યું હતું કે, "નામદાર સેશન્સ કોર્ટમાં અમે જામીન અરજી દાખલ કરી હતી તેના આધારે નામદાર સેશન્સ કોર્ટે 15 હજાર રૂપિયાના જામીન પર પાયલબહેનને મુક્ત કર્યાં છે."

આમ આદમી પાર્ટીના નેતા અને ઍડવૉકેટ ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું, "પાયલબહેન નિર્દોષ હતાં અને તેમનો છૂટવાનો હક્ક હતો."

"પરંતુ જે લોકોએ તેમનું સરઘસ કાઢીને, રસ્તા પર ફેરવીને આખા ગુજરાતમાં તમાશો બનાવવાનું કામ કર્યું એમની સામે કાર્યવાહી કરવા અંગે કોઈ બોલવા તૈયાર નથી. કોઈ પગલાં તેમની સામે લેવાશે કે નહીં?"

જેલમાંથી બહાર આવીને પાયલ ગોટીએ કહ્યું હતું કે, "સત્યમેવ જયતે." એ સિવાય તેઓ વધુ કંઈ બોલી શક્યાં ન હતાં.

તેમના વતી કૉંગ્રેસ નેતા જેનીબહેન ઠુમ્મરે ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવવા માટે આભાર માન્યો હતો.

ખોડલધામના કન્વીનર અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, "અમે સુરતમાં આ મુદ્દે એક ફાર્મમાં મીટિંગનું આયોજન કર્યું હતું. પરંતુ અમે મીટિંગ કરીએ એ પહેલાં જ ફાર્મના માલિકને કોઈએ ડરાવ્યા હોવાથી તેમણે મીટિંગ અહીં ન કરવા વિનંતી કરી હતી."

"યુવાન દીકરી પર ખોટો ગુનો નોંધાયો તેનો વિરોધ છે, જેમણે હકીકતમાં ખોટું કર્યું છે તેના પર ગુનો નોંધાય તેનો અમને વાંધો-વિરોધ નથી."

તો પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ મીડિયાને કહ્યું હતું કે, "સામાજિક સંસ્થાઓ અને આગેવાનોના પ્રયાસથી જામીન મળ્યા છે, દીકરીને લડાઈમાં જીત મળી છે, હવે આગળ ગુજરાતમાં આવી ઘટનાઓ ન બને તે માટે દરેક સમાજે જાગૃત રહેવું જોઈએ."

પોલીસે શું કહ્યું હતું?

ધરપકડ બાદની પ્રક્રિયા વિશે વાત કરતાં અમરેલી જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ, સંજય ખરાટે બીબીસી ગુજરાતીને કહ્યું હતું, "પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે હજી ઘણા પુરાવાઓની કમી છે, અને પુરાવાઓ ભેગા કરવા માટે પોલીસ તેમને વઘાસિયાની ઑફિસે લઈ ગઈ હતી. તે સમયે સ્થળ પર મીડિયાકર્મીઓ હાજર હતા. કાયદાની મર્યાદામાં રહીને પુરાવા ભેગા કરવા માટેની આ એક પ્રક્રિયા હતી."

સંજય ખરાટે કહ્યું હતું, "આખી પ્રક્રિયા કાયદાની મર્યાદામાં રહીને કરવામાં આવી છે. એવું કંઈ નહોતું કે જે અમે કોર્ટના ઑર્ડર વિરુદ્ધ કર્યું હોય. આ આખી ઘટનાને કોઈ બીજું જ સ્વરૂપ આપી દેવાયું છે."

યુવતીની ધરપકડ બાદ રાજકીય પ્રતિક્રિયા શું હતી?

અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાએ 27મી ડિસેમ્બરે સવારે તેમના ફોનમાં તેમના જ લેટરપેડ પર, તેમની જ સહીવાળો એક કાગળ વૉટ્સઍપનાં વિવિધ ગ્રૂપોમાં મુકાયેલો જોયો. આ પત્રમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. તેમની સહી સાથેનો આ પત્ર વાઇરલ થઈ રહ્યો હતો.

વિવાદ વિશે વિગતવાર વાત કરતાં કાનપરિયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "આ મૅસેજ જોયા બાદ મેં પોલીસને સંપર્ક કરીને અજાણ્યા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મારી ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી."

જોકે, પોલીસ તપાસ દરમિયાન, આ લેટરપેડનો આ વિવાદ યુવા ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ મનીષ વઘાસિયા સુધી પહોંચ્યો હતો. ફરિયાદના બીજા જ દિવસે પોલીસે વઘાસિયા અને તેમની સાથે બીજા ત્રણ લોકો – જશવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોળિયા, જિતુ ખાત્રા અને મનીષ વઘાસિયાની ઑફિસમાં કામ કરતાં પાયલ ગોટી નામનાં યુવતીની ધરપકડ કરી હતી.

આ ધરપકડ થયા બાદ આરોપીઓને પોલીસ કથિતપણે વઘાસિયાની ઑફિસમાં લઈ ગઈ હતી, જ્યાં એ પત્ર કે લેટરપેડ તૈયાર થયો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

આ પ્રક્રિયામાં આ પાયલ ગોટીને જે પ્રકારે પોલીસના દાવા અનુસાર 'ગુનાના સ્થળે' લઈ જવામાં આવ્યાં હતાં, તે બાબતે ખોડલધામ સહિત બીજાં સામાજિક સંગઠનો, કૉંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાત, તેમજ બીજા પાટીદાર નેતાઓએ વિરોધ કર્યો હતો.

ત્યારબાદ આ ઘટનાએ ભાજપ અને કૉંગ્રેસ વચ્ચેની રાજકીય લડાઈનું સ્વરૂપ લઈ લીધું હતું. એક તરફ ભાજપના નેતાઓએ કૉંગ્રેસ પર આ સમગ્ર ઘટનાને રાજકીય સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવાના આરોપો લગાવ્યા હતા. તો બીજી બાજુ કૉંગ્રેસે અમરેલી ભાજપને પોલીસ સાથે મળીને પાટીદાર યુવતીને હેરાન કરવાના આરોપો લગાવ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.