You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મધદરિયે નાનકડી હોડી અને ચોતરફ વહેલ માછલીઓનું ઝૂંડ, 38 દિવસ સુધી ફસાયેલા પરિવારની કહાણી
- લેેખક, બીબીસી વર્લ્ડ સર્વિસ
- પદ, .
ડગલસ રૉબર્ટસન ખૂબ જ ભયભતી હતા : તેઓ સાથળ સુધી પાણીમાં હતા, બે મહિનાથી તેઓ પોતાના પરિવાર સાથે જે બોટમાં હતા, એનું દરિયામાં ગરકાવ થઈ જવાનું લગભગ નક્કી હતું. એ સમયે તેમને પાણીમાં રહેલી વિશાળકાય વહેલના જ વિચાર આવી રહ્યા હતા.
આ જ વહેલોએ થોડી ક્ષણો પહેલાં બોટને ધમરોળી નાખી હતી અને તેમના આખા પરિવારને આ ભયાનક સ્થિતિમાં ધકેલી દીધો હતો.
ડગલસ 50 વર્ષ પહેલાં બનેલી આ ઘટનાને યાદ કરતાં કહે છે કે, “એ આતંકની યાદો મારા મગજમાં હજુ તાજી છે, અમે કિલર વહેલને દરિયામાં સપાટી પર આવતી જોઈ ; તેમાંથી એકના માથાના ભાગમાં ઈજા થઈ હતી, એ જખમમાંથી લોહી વહી રહ્યું હતું.”
આ ઘટના એ ડગલસના પરિવાર માટે એક કપરી સ્થિતિની શરૂઆત હતી. આ ઘટનાને કારણે ડગલસના પરિવારની 38 દિવસની કપરી સફર શરૂ થઈ જે તેમણે એક નાનકડી બોટમાં પ્રશાંત મહાસાગરમાં ખેડવાની હતી.
આ સફર દરમિયાન તેમની પાસે માત્ર કેટલુંક સૂકવેલું કાચબાનું માંસ અને ડૂબી રહેલી બોટમાંથી કાઢી લાવેલ થોડું પીવાલાયક પાણી હતું.
એક દુ:સ્વપ્ન બનેલ આ સ્થિતિની શરૂઆત તેમના પિતા ડગલ રૉબર્ટસનના એક સ્વપ્ન સાથે થઈ હતી. તેઓ બ્રિટિશ રોબિન ક્નોક્સ-જૉન્સટનના વર્ષ 1969માં પ્રહેલવહેલી વખત એકલપંડે નાનકડી હોડીમાં પૃથ્વીનું ચક્કર કાપવાનો કીર્તિમાન સર્જ્યો હતો.
ત્રણ વર્ષ સુધી યોજના ઘડ્યા બાદ, ડગલસના પિતાએ મધ્ય ઇંગ્લૅન્ડમાં આવેલા પોતાના પૈતૃક ફાર્મને વેચવાનો નિર્ણય કર્યો. જેના બદલે મળેલ નાણાંનો ઉપયોગ તેઓ 13 મીટર લાંબી હોડી ખરીદવા કરવાના હતા, જેનું નામ હતું લુશેટ.
ડગલસ આ હોડીને યાદ કરતાં ભૂતકાળ વાગોળે છે : “એ જૂની હતી, પરંતુ એકદમ યોગ્ય સ્થિતિમાં હતી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
‘લુશેટની અંતિમ સફર’
વર્ષ 1970માં નિવૃત્ત નૅવી કૅપ્ટન ડગલ રૉબર્ટસન તેમનાં પત્ની લીન, 16 વર્ષીય પુત્ર ડગલસ, 17 વર્ષીય પુત્રી એન અને બે જોડિયાં બાળકો નવ વર્ષીય નીલ અને સેન્ડી સાથે ડેરી ફાર્મમાં રહેતા હતા.
ડગલસને યાદ છે કે ફાર્મમાંનું જીવન એ બિલકુલ સરળ નહોતું, આ સ્થિતિએ પણ પરિવાર સાથે દુનિયાની સફર ખેડવાના વિચારમાં યોગદાન આપ્યું હતું.
“અમે નિર્જન વિસ્તારમાં વચ્ચોવચ રહેતા હતા, મારાં માતાપિતા બંને પ્રૉફેશનલ કારકિર્દી માણી ચૂક્યાં હતાં. તેઓ માનતાં હતાં કે આ ટ્રિપ એ તેમનાં બાળકો માટે જીવનની યુનિવર્સિટીમાં શિક્ષણ આપવા માટેની રીત હતી.”
અપેક્ષા પ્રમાણે જ આ સફરના આયોજન માટે સમયની જરૂરિયાત હતી. ડગલે પોતાનું ખેતર વેચીને આ કપરી મુસાફરી માટે યોગ્ય હોડી ખરીદવાની હતી, અને આ બધું પરિવાજનોની ટીકા વચ્ચે પાર પાડવાનું હતું.
ડગલસ યાદ કરતાં કહે છે કે, “પરંતુ મારા પિતા આ કરવા માટે ખૂબ આગ્રહ કરી રહ્યા હતા. તેમણે કહેલું કે હોડીમાં આખા વિશ્વનું ચક્કર મારવાનું આ કામ તેઓ હાલ જે જીવન જીવી રહ્યા છે તેના કરતાં ખૂબ અલગ હતું.”
તેમના સફરના પ્રથમ ચરણમાં તેઓ પોર્ટુગલના લિસ્બન પહોંચ્યાં. તે બાદ કૅનરી આઇલૅન્ડમાં ટેનેરાઇફ ગયાં. 18 વર્ષની ઉંમરે આ પ્રકારની મહત્ત્વાકાંક્ષી મુસાફરીમાં જોડાયેલા ડગલસ માટે કૅનરી આઇલૅન્ડનો સૂર્ય એ તેમને એ બાબત સમજાવી કે તેઓ ખરેખર “વિશ્વની મુસાફરી”એ નીકળ્યા છે.
પ્રથમ મુલાકાત
એ સમયે એન 20 વર્ષનાં થઈ ચૂક્યાં હતાં. જ્યારે તેઓ બહામાસ પહોચ્યાં ત્યારે એન એક વ્યક્તિને મળ્યાં અને તેમણે તેમની સાથે જ રહેવાનું ઠરાવી દીધું. બાકીના પરિવારજનોએ પોતાની યાત્રા ચાલુ રાખી. ત્યાંથી તેઓ પનામા કૅનાલ થકી જમૈકા પાર કરી ગયાં.
ડગલ કહે છે કે બરાબર એ સમયે તેમની સાથે જાણે ભવિષ્ય ભાખતી એક ઘટના બની. તેઓ કહે છે કે, “એક 15 મીટર લાંબી વહેલ અમારી બોટને પ્રેમ કરવાનો પ્રયત્ન કરવા માંડી.”
“હું આ બાબતને લઈને એટલા માટે હજુય હસતો નથી કારણ કે એ સમયે વહેલે છોડેલા ગૅસની બદબૂ હજુ મારી સ્મૃતિમાં અંકિત છે. તેની વાસથી જાણે આખી બોટ સડી ગઈ હતી. પરંતુ, થોડી વારમાં એ આગળ વધી ગઈ.”
આ ભયભીત કરી દેનારો પ્રસંગ 15 મિનિટ સુધી ચાલ્યો. આ ઘટનાના કારણે પરિવાર આવા વિશાળ જળચરને કારણે થઈ શકતા નુકસાનના અહેસાસથી ભયભીત થઈ ચૂક્યો હતો.
પરિવારનો નેક્સ્ટ સ્ટોપ ગાલાપાગોસ હતો, ત્યાંથી તેઓ 45 દિવસની સફર ખેડીને માર્કેસીસ ટાપુ સમૂહ જવાનાં હતાં.
વહેલનો હુમલો
ડગલસ યાદ કરતાં કહે છે કે, “1972માં 15 જૂનના રોજ સવારનો દસ વાગ્યાનો એ સમય હતો, જ્યારે અમને અચાનક મોટા અવાજ સંભળાવા લાગ્યા. અમને ખબર જ ન પડી કે અમારી બોટને કોણ ટક્કર મારી રહ્યું હતું.”
ડગલસ જ્યારે તેમના ભાઈઓ સાથે બોટના ડેક પર હતા ત્યારે તેમને પાણીની સપાટી પર ઓર્કાનો (કિલર વહેલ) સમૂહ દેખાયો. જે પૈકી એકને માથાના ભાગે ઈજા થઈ હતી, એ જખમમાંથી લોહી વહી રહ્યું હતું.
“તેણે અમારી બોટને સંપૂર્ણપણે ઉઠાવી લીધી હતી. તેને હચમચાવી નાખી હતી.”
ડગલસ તાબડતોડ પોતાના પિતાને બોલાવવા ગયા, જેઓ ડેકની નીચે પહેલાંથી ઘૂંટણસમા પાણીમાં હતા. તેઓ ડગલસને બોટ ડૂબી રહી હોવાની વાત સમજાવે એ પહેલાં પાણી તેમની કમર સુધી પહોંચી ગયું હતું.
ડગલસે કહ્યું, “બરાબર આ જ સમયે મારા પિતાએ અમને બોટ છોડવા કહી દીધું, પરંતુ બોટ છોડીને ક્યાં જવું, અમે તો સમુદ્રની વચ્ચોવચ હતા.”
ધીરે ધીરે આ પરિસ્થિતિને કારણે યુવાન ડગલસ હેબતાઈ ગયા : “મને લાગ્યું કે આ બધું એક સપનું છે, હું જાગીશ ત્યારે બધું ઠીક થઈ જશે.”
“પરંતુ કશું ઠીક નહોતું.”
ડગલસ કહે છે કે તેઓ અચાનક વિચારોમાંથી બહાર આવ્યા અને કૅનરી આઇલૅન્ડમાંથી ખરીદેલી હવા ભરીને ફુલાવી શકાતી બે નાનકડી હોડી (રાફ્ટ)માં હવા ભરવાનું શરૂ કરી દીધું. આ નાનકડી હોડી તૈયાર થયા બાદ તેઓ તેના પર હાથમાં આવે એટલો સામાન ચઢાવવા લાગ્યા.
થોડી મિનિટોમાં તો તેઓ જે બોટ પર થોડી વાર પહેલાં સવાર હતા એ દરિયામા સમાઈ ગઈ. લીન જીવનજરૂરિયાતની અમુક વસ્તુઓ તેમાંથી કાઢી લેવામાં સફળ થયેલાં, જેમાં બોટનું બિલ, એક ચપ્પુ, દસ નારંગી અને છ લીંબુ સહિત અન્ય વસ્તુઓ સામેલ હતી.
ડગલસ કહે છે કે, “નાનકડી હોડીમાં હું સૌથી છેલ્લે સવાર થયો, મેં જોયું કે બંને જોડિયાં ભાઈ રડી રહ્યા હતા, પરંતુ તેઓ ગભરાટને કારણે નહીં બલકે અમારી લુશેટ અમે ગુમાવી દીધી હોવાને કારણે રડી રહ્યા હતા.”
થોડી વારમાં તેમનો આ અંજામ કરનારી કિલર વહેલ તો જતી રહી પરંતુ આ પરિવારને પ્રશાંત મહાસાગરમાં રઝળતો મૂકી ગઈ હતી.
કપરી વાસ્તવિકતા
જો ડગલસને તેમના પિતાના વ્યક્તિત્વ વિશે કોઈ એક વાત યાદ હોય તો એ એ છે કે તેઓ ખૂબ જ મજબૂત હતા.
સમુદ્રમાં બધું ગુમાવીને ખ્રિસ્તી ધર્મમાં અપાર આસ્થા રાખનાર લીન પોતાનાં બાળકોને એકત્રિત કરીને તેમની સાથે પ્રાર્થના કરી રહ્યાં હતાં. જ્યારે ડગલસે જોયું કે તેમના પિતા આ વિધિમાં નથી જોડાયા તો તેમણે પિતાને સામેલ થવાનું કહ્યું, પરંતુ પિતાએ સ્પષ્ટ જણાવી દીધું કે : “હું નાસ્તિક છું, ભગવાનમાં નથી માનતો.”
પ્રાર્થના બાદ પરિવારે બોટ ડૂબી ગયા બાદ સપાટી પર તરતી રહી ગયેલી ઉપયોગી વસ્તુઓ એકઠી કરવાનું શરૂ કર્યું, જે આગામી સમયમાં તેમના માટે બચાવની ચાવી બની. “મારાં માતાની સીવણકામની બાસ્કેટ, અમે જેમાં ગૅસ સિલિન્ડર રાખતા એ બૉક્સ, આ બધું અમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડ્યું.”
એક આપદામાંથી હાલ જ બચેલ આ પરિવાર આઘાતમાંથી બહાર આવ્યો. પરંતુ હવે તેમના મગજમાં એક જ પ્રશ્ન ભમી રહ્યો હતો, “શું અમે બચશું ખરા?”
“મારા પિતાએ અમારી તરફ જોયું અને કહ્યું કે અમે તેમનો પરિવાર હોવાને કારણે આવા સમયે અમને સત્ય જાણવાનો અધિકાર છે. પિતાએ કહ્યું કે તેમની ગણતરી અનુસાર તેમની પાસે રહેલા પાણીનો જથ્થો દસ દિવસ સુધી પરિવારને ટકાવી રાખી શકે તેમ હતો. તેમણે એક યોજના ઘડી કાઢી.”
ડગલસ આ વાત યાદ કરતાં કહે છે કે, “તેમણે મને અમુક કન્ટેનર લઈને ગાલાપાગોસ આઇલૅન્ડ તરફ જઈને અમારી સ્થિતિ અંગે ખબર પહોંચાડવા કહ્યું.”
“પરંતુ મેં તેમને આવું કરવાની ના પાડી. મેં કહ્યું કે હું બચવા માટે એકલો જવા કરતાં તમારી સાથે અહીં જ મરીશ. મને લાગ્યું કે તેઓ મને મારવાના છે, પરંતુ તેમણે મારી આંખમાં જોયું અને કહ્યું, ‘સૉરી ડગલસ, મારે તને આવું કરવા માટે પૂછવું નહોતું જોઈતું.’”
ડગલસ યાદ કરતાં કહે છે કે આ પ્રથમ વખત હતું જ્યારે મારા પિતાએ તેમના કોઈ સંતાનની માફી માગેલી.
પડકારનો સામનો
પરિવારને બચાવ માટે પાણીની જરૂર હતી : તેમની પાસેનું પાણી માત્ર દસ દિવસ સુધી જ ચાલવાનું હતું અને તેમની સૌથી નજીકના સ્થળ ગાલાગોપાસ આઇલૅન્ડ સુધી પહોંચવા માટે 20 દિવસનો સમય લાગવાનો હતો. પરંતુ એ દરમિયાન પડેલાં વરસાદે તેમને બચાવી લીધા.
તેમજ તેમની નાનકડી હોડી પાસે આવનાર જિજ્ઞાસુ કાચબા તેમનો આ દરમિયાન ખોરાક બન્યા. પરંતુ આ એટલું સરળ નહોતું.
“કાચબો ખૂબ નજીક આવ્યો તેના માથા પર હલેસું ફટકારી દીધું. પરંતુ એ નાસી છૂટ્યો. બીજો કાચબો મારી પાસે આવ્યો પરંતુ એ મારા હાથમાંથી છટકી ગયો. અંતે ત્રીજા કાચબે મને ખરી સફળતા મળી, એને પકડવાની સાથે મને વિચાર આવ્યો કે અમે પાણીના સ્થાને તેનું લોહી પણ પી શકીએ.”
એ 38 દિવસ દરમિયાન પરિવાર માંસને વધુ સમય સુધી ટકાવી રાખવા તેને સૂર્યપ્રકાશમાં સૂકવતા અને વરસાદના પાણીનો ઉપયોગ કરતા શીખ્યો.
જ્યારે ફરી એક વાર પાણીની અછત સર્જાઈ ત્યારે તેમનાં માતાને વરસાદના ગંદા પાણીનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો. આ પાણીમાં લોહી અને ગ્રીસ પણ હતું. તેમણે પરિવારજનોને આ પાણી એનિમા (ગુદા માર્ગે શરીરમાં દ્રવ્ય દાખલ કરવાની પ્રક્રિયા) મારફતે ઉપયોગમાં લેવાની ભલામણ કરી.
“કંઈક આવી રીતે અમે એ ગંદું પાણી પણ ઉપયોગમાં લઈ શક્યાં, તમારું આંતરડું પાણી તો શોષી લે છે પરંતુ એ શરીરમાં અન્ય સ્થળેથી આવી રહ્યું હોવાથી તેમાં રહેલાં ઝેરી તત્ત્વો શોષતું નથી. આ એક ફિલ્ટર જેવી પ્રક્રિયા છે.”
તેમણે પોતાની આ સ્થિતિનો મજાક ઉડાડવાનીય શરૂઆત કરી દીધી હતી. તેમણે વિચારેલું કે જ્યારે તેઓ એક રેસ્ટોરાં ખોલશે ત્યારે તેઓ અહીં શીખેલ તમામ કૌશલ્ય અજમાવશે. તેમજ જ્યારે તેમને બોટ મળશે ત્યારે તેઓ તેને હલેસા વડે ચલાવીને મધ્ય અમેરિકા લઈ આવશે.
“અમે કોસ્ટા રિકા તરફ આગળ વધી રહ્યાં હતાં, અમે બચાવ અંગે સાવ ભૂલી જ ગયા, પિતા ઘડી ઘડી રેસ્ટોરાંની વાત કરતા, તેઓ કહેતા કે પેલી તરફ એક બોટ છે અને ફરીથી પોતાની રેસ્ટોરાંની વાત શરૂ કરી દેતા.”
“અમે શિપ સ્વરૂપે સામે આવેલી તક વિશે લગભગ ધ્યાન જ ન આપ્યું, અમે કોસ્ટા રિકા પહોંચવાના અને બચ્યા રહેવાના અમારા હેતુ પર એટલું બધું ધ્યાન આપી રહ્યા હતા.” પરંતુ ત્યારે ડગલ ફ્લેર (સમુદ્રમાં બચાવ માટે ધ્યાન આકર્ષિત કરવા ઉપયોગમાં લેવાતી ધુમાડો છોડતી વસ્તુ) દ્વારા સંકેત આપવા ઊઠ્યા. પ્રથમ ફ્લેર બાદેય શિપ પોતાની દિશામાં જ આગળ વધતી રહી.
“પરંતુ બીજી ફ્લેર બાદ અમે જોયું કે વહાણ લગભગ 20 ડિગ્રી વળ્યું, તે અમારી દિશા તરફ આવી રહ્યું હતું. પરંતુ જ્યારે વહાણે વધુ 20 ડિગ્રીનો વળાંક લીધો ત્યારે મને સમજાયું કે એ અમારી તરફ જ આગળ આવી રહ્યું હતું. એ સમયે જ હૉર્ન વાગ્યું.”
“તેઓ અમને બચાવવા આવી રહ્યા હતા, આખરે એ ક્ષણ આવી ગઈ જેનો અમે પાછલા 38 દિવસથી ઇંતેજાર કરી રહ્યા હતા.”
પરિવારનો બચાવ
રૉબર્ટસન ફૅમિલીને આખરે એક જાપાની ફિશિંગ શિપે બચાવી લીધી. જ્યારે ડગલે જોયું કે માછીમારો તેમની પાસે રહેલા કાચબા અને શાર્કનું સૂકવેલું માંસ ફેંકવાના છે ત્યારે તેમને આઘાત લાગ્યો, તેઓ હજુ પણ સર્વાઇવલ મોડમાં હતા.
“અમે એ ભોજન ફેંકી દેવા માટે તૈયાર નહોતા. અમને એ વાતે પૂરો ભરોસો નહોતો કે તેમની પાસે વહાણમાં ભોજન છે. એ સમયે અમારા મગજમાં આ જ ચાલી રહ્યું હતું.”
પરિવારને બચાવીને પનામ સિટી સુધી પહોંચાડાયો, ત્યાં પહોંચતાવેંત આ પરિવારની કહાણી પ્રસરવા માંડી અને ઇન્ટરનૅશનલ પ્રેસમાં આ સ્ટોરી છવાઈ ગઈ. તેમને એક હોટલમાં લઈ જવાયાં, જ્યાં તેમણે સંતોષપૂર્વક ભોજન લીધું. તેમને એનીમિયાની અસર હતી, તેમજ તેમના શરીરમાં પાણીની અછત હતી, છતાં પરિવારના લોકોનું સ્વાસ્થ્ય આશ્ચર્યજનક રીતે સારું હતું.
વધુ આશ્ચર્યની વાત તો એ છે કે તેઓ પોતાના બચાવના અમુક દિવસ બાદ જ ફરીથી બોટ મારફતે ઇંગ્લૅન્ડ પહોંચ્યાં.
ડગલસ માને છે કે તેમનાં માતાપિતા પોતાનાં બાળકોને આવી ખતરનાક સ્થિતિમાં મૂકવાના આઘાતમાંથી ક્યારેય બહાર ન આવી શક્યાં અને બંનેએ છૂટાછેડા લઈ લીધા. લીન ફાર્મ પરત ફર્યાં અને ડગલે તેમના આ પ્રવાસ વિશે પુસ્તક લખ્યું અને પોતાનું બાકીનું જીવન ભૂમધ્ય સાગરમાં બોટમાં પસાર કર્યું.
ડગલસ આગળ જઈને નૅવીમાં જોડાયા અને બાદમાં વાહણોના વ્યવસાયમાં સંકળાઈ ગયા. તેમણે પણ આ મુસાફરી અંગે પુસ્તક લખ્યું. જેનું નામ હતું “ધ લાસ્ટ વૉયાજ ઑફ લુશેટ.” તેઓ કહે છે કે તેઓ સમુદ્રમાં જે શીખ્યા એ તેમના માટે જીવનમાં હંમેશાં દિશાસૂચક બન્યું.
“મેં ઘણાં અલગ અલગ જીવન માણ્યાં છે, પરંતુ એ બધું જીવનના આ અનુભવ સામે ઝાંખું પડી જાય છે. મારા પુત્રનો ગંભીર અકસ્માત થયો હતો, કાર અકસ્માતમાં તેનું મગજ ઈજાગ્રસ્ત થયું હતું, એ સમયે દરિયામાંના મારા એ અનુભવોએ મને તેની સંભાળ લેવામાં મદદ કરી.”
“હું મારા પિતાની માફક કામ પૂરું કરવામાં માનું છું. તેઓ બારીકાઈ પર ધ્યાન કેન્દ્રિત કરતા, અને કામ પૂરું ન થાય ત્યાં સુધી જંપતા નહીં. હું તેમની પાસેથી આ વાત શીખ્યો અને મારાં બાળકોને એ વાત શીખવવા માગતો હતો.”
“પરંતુ મારાં બાળકો અત્યારથી જ કહેવા લાગ્યા છે કે ફરીથી દરિયામાં ગાળેલા એ 38 દિવસની વાત ન કરશો.”