ભારત સરકાર હમાસને આતંકવાદી સંગઠન કેમ નથી માનતી?

    • લેેખક, પ્રેરણા
    • પદ, બીબીસી સંવાદદાતા

હમાસે ગત 7 ઑક્ટોબરના રોજ ઇઝરાયલ પર હુમલો કર્યો અને એને ‘ઑપરેશન અલ અક્સા ફ્લડ’નું નામ આપ્યું.

સમગ્ર વિશ્વના નેતાઓએ હમાસના આ હુમલાની નિંદા કરી. પશ્ચિમના દેશોએ ખૂલીને આને એક આતંકવાદી હુમલો ગણાવ્યો.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હુમલાની કઠોર નિંદા કરતું ટ્વીટ કરેલું. તેમણે પણ આને એક આતંકવાદી હુમલો ગણાવેલો. જોકે, વડા પ્રધાન મોદીના ટ્વીટમાં ક્યાંય હમાસનો ઉલ્લેખ નહોતો.

હમાસને ભારતે આધિકારિકપણે આતંકવાદી સંગઠન જાહેર નથી કર્યું, યુરોપિયન યુનિયન અને અમેરિકા હમાસને આ હુમલા પહેલાંથી જ આતંકવાદી સંગઠન માને છે.

ભારતમાં ઇઝરાયલના રાજદૂત નાઓર ગિલોને ગત બુધવારે મોદી સરકારને હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરવાની અપીલ કરી હતી. આ અપીલ બાદ એ વાત અંગે ચર્ચા થઈ રહી છે કે શું ભારત હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરી શકે ખરું?

હમાસ પર સમગ્ર વિશ્વમાં વિભાજિત મત પ્રવર્તે છે. આરબના ઇસ્લામિક દેશો હમાસ અંગે અલગ મત ધરાવે છે અને પશ્ચિમના દેશો અલગ. એશિયામાં પણ હમાસ અંગે સમાન મત નથી જોવા મળતો.

બુધવારે તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ આર્દોઆને તો એટલે સુધી કહ્યું કે હમાસ એ કોઈ આતંકવાદી સંગઠન નથી પરંતુ પોતાની જમીન અને લોકોના સ્વાતંત્ર્ય માટે ઝઝૂમનારું સંગઠન છે.

ઇઝરાયલના રાજદૂતે ભારતને હમાસ વિશે શું કહ્યું?

ભારતમાં ઇઝરાયલના રાજદૂત નાઓર ગિલોને બુધવારે મીડિયાકર્મીઓ સાથેની વાતચીતમાં કહેલું કે ભારત સમગ્ર વિશ્વમાં એક મહત્ત્વપૂર્ણ ‘અવાજ’ છે.

ગિલોને કહ્યું, “વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ શરૂઆતના વૈશ્વિક નેતાઓ પૈકી એક છે, જેમણે આતંકવાદી હુમલાની નિંદા કરેલી. ભારત ઇઝરાયલનું નિકટનું સહયોગી છે અને જ્યારે વાત આતંકવાદની હોય ત્યારે ભારત જાતે એક પીડિત છે... એ આની ગંભીરતા સમજે છે. તેથી હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરવા માટેનો આ યોગ્ય સમય છે.”

ઇઝરાયલી રાજદૂતે કહ્યું કે મોટા ભાગના લોકશાહી દેશોએ હમાસને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.

તેમણે કહ્યું, “અમે આ વિશે સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અને આવું અમે પહેલી વાર કર્યું હોય એવું નથી. અમે આતંકવાદી હુમલાના ખતરાને સમજીએ છીએ... અમે (ભારત પર) દબાણ નથી કરી રહ્યા; અમે માત્ર પૂછી રહ્યા છીએ.”

ભારતનો હમાસને આતંવાદી સંગઠન જાહેર કરવા મામલે જવાબ

7 ઑક્ટોબરે ઇઝરાયલ પર હમાસે કરેલા હુમલાને વડા પ્રધાન મોદીએ આતંકવાદી હુમલો ગણાવેલો. પરંતુ ભારતે અત્યાર સુધી આધિકારિકપણે હમાસને આતંકવાદી સંગઠન તરીકે નોંધ્યું નથી.

આવી સ્થિતિમાં ઇઝરાયલી રાજદૂતની આ અપીલ બાદ ન્યૂઝ વેબસાઇટ ‘ધ પ્રિન્ટ’એ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીનો સંપર્ક કર્યો હતો.

અરિંદમ બાગચીએ ‘ધ પ્રિન્ટ’ સાથેની વાતચીતમાં કહેલું કે કોઈ પણ સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર કરવાનો મામલો ‘કાયદાકીય’ છે.

તેમણે કહ્યું કે, “ભારતીય કાયદા અંતર્ગત અમુક સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર કરવું એ એક કાયદાકીય મામલો છે. આ મામલે હું આપને સંબંધિત અધિકારીઓ સાથે વાત કરવાની સલાહ આપીશ. મને લાગે છે કે અમે આને એક આતંકવાદી હુમલા સ્વરૂપે જોવા મામલે બિલકુલ સ્પષ્ટ છીએ. પરંતુ આતંકવાદી સંગઠનના સવાલે સંબંધિત લોકો જ પ્રતિક્રિયા આપવા માટે યોગ્ય વિકલ્પ હશે.”

આ અગાઉ ગત 12 ઑક્ટોબરે વિદેશ મંત્રાલયની પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન પણ બાગચીને એક પત્રકારે પૂછેલું, “શું ભારતે હમાસને એક આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે?”

એ સમયે પણ બાગચીએ આનો કોઈ સ્પષ્ટ જવાબ નહોતો આપ્યો. તેમણે કહેલું કે આ પ્રકારના નિર્ણય લેવાની જવાબદારી વિદેશ મંત્રાલયની નથી. ‘અમારું ધ્યાન અમારા નાગરિકોની મદદ’ કરવામાં કેન્દ્રિત છે.

ભારત હમાસને આતંકવાદી સંગઠન કેમ નથી માનતું?

હમાસને યુરોપિયન યુનિયન, અમેરિકા, બ્રિટન, કૅનેડા જેવા પશ્ચિમના દેશો આતંકવાદી સંગઠન માને છે. પરંતુ ભારતે હમાસને આંતકવાદી સંગઠન જાહેર નથી કર્યું.

આવું કેમ? આ સમજવા માટે બીબીસીએ જામિયા યુનિવર્સિટીના ‘સેન્ટર ફૉર વેસ્ટ એશિયન સ્ટડીઝ’નાં પ્રોફેસર ડૉક્ટર સુજાતા ઐશ્વર્યા અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ વર્લ્ડ અફેર્સના સિનિયર ફેલો સિવાય મધ્ય-પૂર્વના જાણકાર ડૉ. ફઝ્ઝુર્રહમાન સાથે વાત કરી હતી.

સુજાતા ઐશ્વર્યા કહે છે કે આ સવાલ પહેલાં પણ ઊઠતા રહ્યા છે અને ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાનોએ પણ આ સવાલોનો સામનો કરવો પડ્યો છે.

સુજાતા જણાવે છે કે, “ભારતની વિદેશનીતિમાં હમાસ અને હિઝબુલ્લાહ જેવાં સંગઠનોને આતંકવાદી સંગઠન જાહેર નથી કર્યાં, આનાં મુખ્ય ત્રણ કારણો છે. પ્રથમ એ કે હમાસ કે હિઝબુલ્લાહે ક્યારેય ભારતને સીધું નુકસાન નથી પહોંચાડ્યું. બીજાં સંગઠન કે જેમણે ભારતની સીમાની અંદર આતંકવાદી પ્રવૃત્તિઓ આચરી છે, તેમના વિરોધમાં ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં અવાજ ઉઠાવ્યો છે અ તેમને આતંકવાદી જાહેર કરવાની અપીલ કરી છે. જેમ કે જૈશ-એ-મોહમ્મદ.”

હમાસે વર્ષ 2006માં પેલેસ્ટાઇનિયન તંત્રની ચૂંટણીમાં ભાગ લીધેલો. તમામ વિદેશી તાકતોએ તેને એક રાજકીય પ્રતિદ્વંદ્વી તરીકે માન્ય રાખેલું. આમ, હમાસ રાજકીય સ્વરૂપે સક્રિય થયું ત્યારથી પેલેસ્ટાઇનિયન તંત્રનો ભાગ રહ્યું છે.

પરંતુ ચૂંટણીનાં પરિણામોથી પશ્ચિમના દેશ નાખુશ હતા. તેમણે હમાસને એક આતંકવાદી સંગઠન જાહેર કર્યું. તેમજ ઇઝરાયલે ગાઝા પર ઘણા પ્રતિબંધો લાદી દીધા. પરંતુ એ પણ તથ્ય છે કે પેલેસ્ટાઇનિયનોએ જ હમાસને ચૂંટ્યું છે.

વર્ષ 2006 અગાઉ ગાઝા જેરિકો પ્લાન અંતર્ગત ક્ષેત્રમાં ગાઝાનું વાણિજ્યિક દૂતાવાસ પણ કામ કરી રહ્યું હતું. તેથી ભારત હમાસને પેલેસ્ટાઇનિયન પ્રશાસનના એક ભાગ સ્વરૂપે જુએ છે. જોકે, ભારતનો હમાસ સાથે કોઈ આધિકારિક સંબંધ નથી.

સુજાતા જણાવે છે કે હમાસને આતંકવાદી સંગઠન જાહેર ન કરવા પાછળ ભારતનું નૈતિક કારણ પણ હોઈ શકે. ભારત પોતે પોતાના સ્વાતંત્ર્યની લડત લડી ચૂક્યું છે. ભારતની સ્વતંત્રતાના આંદોલનમાં એવી તાકતોય તેનો ભાગ હતી, જે હિંસાનો આશરો લઈ રહી હતી.

“આમને બ્રિટન આતંકવાદી સંગઠન માનતું હતું, લગભગ તમામ રાષ્ટ્રીય આંદોલનોમાં એક ચરમપંથી તાકત રહી જ છે. એટલે સુધી કે યહૂદીઓના આંદોલનમાં વર્ષ 1940 દરમિયાન હિંસક તાકતો સામેલ હતી. જેમ કે – સ્ટર્ગ ગૅંગ અને ઇર્ગુન, આ તમામ આતંકવાદી સંગઠનો હતાં. તેથી ભારતના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો એક નૈતિક દબાણેય આ વલણ પાછળનું કારણ હોઈ શકે.”

ફઝ્ઝુર્રહમાન આ વલણ માટે ભારતીય વિદેશનીતિના મિજાજનેય એક મહત્ત્વપૂર્ણ કારણ માને છે.

તેઓ કહે છે કે, “ભારતીય વિદેશનીતિ હંમેશાંથી તટસ્થ રહી છે. આપણે હંમેશાં મધ્ય માર્ગ પસંદ કરતા આવ્યા છીએ. અમેરિકા, યુરોપિયન સંઘ, બ્રિટનની માફક અમે આક્રમક નથી. ભારત ક્યારેય કોઈ અન્ય દેશના રાજકારણને ડિક્ટેટ નથી કરતું અને પેલેસ્ટાઇન સાથે તેના સંબંધ તો ઇઝરાયલ કરતાંય પુરાણા છે. તેથી એક જૂના સાથીદાર તરીકે ભારત પેલેસ્ટાઇન જ નહીં બીજા દેશોના આંતરિક રાજકારણનું માન રાખે છે અને તેમાં કોઈ દખલ નથી કરતું.”

આતંકવાદી સંગઠન જાહેર કરવાની પ્રક્રિયા

સુજાતા ઐશ્વર્યા કહે છે કે આ કરવાની બે રીતો છે. ઘરેલુ સ્તરે તમે પૉલિસી ઘડીને, તમામ તથ્યો અને કારણોને રેખાંકિત કરીને અમુક સંગઠનને આતંકવાદી જાહેર કરી શકો છો.

તેમજ જો આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર કરવું હોય તો તેના માટે સંયુક્ત રાષ્ટ્ર છે.

સંયુક્ત રાષ્ટ્ર નક્કી કરે છે કે જે-તે સંગઠન આતંકવાદી છે કે નહીં. આ અંગે સભ્ય દેશો પોતાનો મત મૂકી શકે અને વીટોનો ઉપયોગ પણ કરી શકે.

તેમજ રહમાન જણાવે છે કે મારી જાણકારી અનુસાર કોઈ પણ દેશ પાસે આવું કરવ માટેના કોઈ નિયમ-માપદંડ નથી... જેનાથી નક્કી કરી શકાય કે અમુક સંગઠન આતંકવાદી છે કે કેમ.

આવી સ્થિતિમાં જે દેશમાં આ સંગઠન કામ કરે છે, કે કોઈ નુકસાન પહોંચાડે છે, તો એ દેશ આ સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર કરી શકે. આવું તેના અધિકારક્ષેત્રમાં છે.

જેમ કે – જે પેલેસ્ટાઇનિયન મુક્તિ સંગઠન (પીએલઓ)ની આજે ઇઝરાયલ સરાહના કરી રહ્યું છે અને જે પેલેસ્ટાઇનિયન ઑથૉરિટી સાથે પોતે હોવાની વાત કરી રહ્યું છે, એ સંગઠનને શરૂઆતના દિવસોમાં એ પેલેસ્ટાઇનિયન રાષ્ટ્રીય આતંકવાદી સંગઠન કહેતું હતું.

ઇજિપ્ત, યુએઈ, સાઉદી અરેબિયા જેવા દેશો હમાસને આતંકી સંગઠન માને છે પરંતુ એ જ જીસીસી (ગલ્ફ કોઑપરેશન કાઉન્સિલ)નો ભાગ હોવા છતાં કતાર તેને આતંકવાદી સંગઠન નથી માનતું. બલકે હમાસનો એક બ્યૂરો કતારમાં જ છે.

અમુક સંગઠનને આતંકવાદી જાહેર કરી દેવાયા બાદ શું થાય છે?

ફઝ્ઝુર્રહમાન કહે છે કે સૌપ્રથમ તેમનાં નાણાકીય સંસાધનોના સ્રોતોની તપાસ કરાય છે. પછી સંગઠન કયા બીજાં સંગઠનોના સંપર્કમાં છે, તેના પર નજર રખાય છે.

સંગઠનનાં રાજકીય લક્ષ્યોનું કયા દેશો સમર્થન કરે છે અને કયા દેશો તેના વિરોધમાં છે, એ પણ જોવામાં આવે છે.

જેમ કે જે ખાલિસ્તાની સમર્થકો વિરુદ્ધ ભારતે કેસ દાખલ કરેલા છે, તેમને બ્રિટનમાં શરણ મળેલી છે. તેઓ કૅનેડામાં પણ રહી રહ્યા છે. આ દેશોએ તેમના ત્યાં આમને જગ્યા આપી છે. તેમને અમુક પ્રકારે નાણાકીય મદદ મળે છે, આ તમામ પ્રવૃત્તિઓ પણ નજર રખાય છે.

હમાસ શું છે?

હમાસ પેલેસ્ટાઇનનું એક ચરમપંથી જૂથ છે. વર્ષ 1987માં પ્રથમ ઇંતિફાદા (વેસ્ટ બૅન્ક અને ગાઝા પટ્ટીમાં ઇઝરાયલની હાજરી વિરુદ્ધ વિદ્રોહ) બાદ સમૂહ અસ્તિત્વમાં આવેલું.

આ સમૂહ ઇઝરાયલના અસ્તિત્વના અધિકારને નથી માનતું અને દ્વિ-રાષ્ટ્ર સમાધાનનો વાયદો કરનાર ઓસ્લો પ્રક્રિયાનોય વિરોધ કરે છે.

સંગઠન લાંબા ગાળાનો ઉદ્દેશ પેલેસ્ટાઇનમાં ઇસ્લામી રાજ્યની સ્થાપનાનો છે. હમાસ રાજકારણમાં સક્રિય છે અને ચૂંટણી પણ લડી ચૂક્યું છે.

સંગઠની એક રાજકીય અને એક સૈન્ય પાંખ છે. તેનાં બે પ્રમુખ કામો છે –

  • વેસ્ટ બૅન્ક અને ગાઝા પટ્ટીમાં સ્કૂલ, હૉસ્પિટલનું નિર્માણ કરાવવું. સામાજિક અને ધાર્મિક રીતો વડે સમુદાયની મદદ કરવી. ઇસ્માઇલ હાનિયા હમાસના પૉલિટિકલ બ્યૂરોના પ્રમુખ અને દસમી પેલેસ્ટાઇનિયન સરકારના વડા પ્રધાન છે.
  • હમાસની સૈન્ય શાખા કાસિમ બ્રિગેડ્સે ઇઝરાયલી ઠેકાણાં વિરુદ્ધ ઘણા ઘાતકી હુમલાને અંજામ આપ્યો છે. મોહમ્મદ દીફ હાલ આ બ્રિગેડના પ્રમુખ છે.

વર્ષ 2006માં હમાસે કબજાવાળાં પેલેસ્ટાઇનિયન ક્ષેત્રોમાં ચૂંટણી જીતેલી.

વર્ષ 2007થી ગાઝામાં હમાસનું શાસન છે. ત્યાં તમામ વિભાગો હમાસ જ ચલાવે છે. તેના ઘણા વરિષ્ઠ નેતા મીડિયામાં ચહેરો ઢાંકીને ફરતા દેખાય છે.

વર્ષ 2017માં હમાસે અપ્રત્યક્ષપણે ઇઝરાયલના અસ્તિત્વનો સ્વીકાર કર્યો અને બે રાષ્ટ્રના સમાધાન પર પોતાની સંમતિ વ્યક્ત કરી.