ગોધરાકાંડ બાદ થયેલા આણંદ રમખાણ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, શું હતો 2002નો આ મામલો?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત હાઇકોર્ટે હાલમાં જ 2002ના ગોધરાકાંડ પછીનાં તોફાનોના એક કેસનો ચુકાદો આપી કેસના આરોપીઓને નિર્દોષ છોડી દીધા છે.
2002 બાદ આણંદ જિલ્લામાં અલગઅલગ સ્થળે તોફાનો ફાટી નીકળ્યાં હતાં, જેમાં કુલ 27 લોકોનાં મૃત્યુ થયાં હતાં. તેની સાથે-સાથે અનેક લોકોનાં ઘરો અને દુકાનોને બાળી દેવામાં આવ્યાં હતાં.
તારીખ પહેલી માર્ચ, 2002 ના રોજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવી જ એક ફરિયાદ થઈ હતી, જેમાં ગામડીવાડ વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકોની દુકાનોને આગ ચાંપી દીધી હતી. જોકે તે ઘટનામાં કોઈની જાન નહોતી ગઈ, પરંતુ મિલકતને નુકસાન થયું હતું.
જે તે સમયે તોફાનોમાં ગેરકાયદેસર મંડળી રચી, દુકાનો બાળી નાખી લોકોની મિલકતને નુકસાન પહોંચાડવાના ગુનામાં પોલીસે ફરિયાદ નોંધી હતી, અને નવ આરોપીઓની ધકપકડ કરી હતી. તેમાંથી ત્રણ આરોપીઓને ગુજરાત હાઇકોર્ટે નિર્દોષ છોડી મૂક્યા હતા.
ગુજરાત હાઇકોર્ટમાં જુલાઈ 28ના રોજ જસ્ટિસ ગીતા ગોપીએ પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે ટ્રાયલ દરમિયાન યોગ્ય રીતે CrPC કલમ 313 હેઠળ આરોપીઓને પૂછપરછ કરવામાં આવી નહોતી, સાક્ષીઓનાં નિવેદનોમાં વિસંગતિ હતી, અને ફરિયાદીઓએ જે રીતે ઓળખ કરી હતી તે અનુમાન આધારિત હતી, માટે તેમને દોષમુક્ત કરી દેવામાં આવ્યા હતા.
આણંદ ટ્રાયલ કોર્ટે આપી હતી સજા

ઇમેજ સ્રોત, Getty Images
આણંદની ટ્રાયલ કોર્ટે તેમને IPCની વિવિધ કલમો જેમ કે IPC કલમ 147 (તોફાનો), 148 (હથિયાર સાથે તોફાનો), 436 (મિલકત પર આગ લગાડવી), 149 (અનૈતિક સમૂહના સભ્ય તરીકે ગુનાહિત કર્યામાં ભાગ લેવો) વગેરે કલમો હેઠળ સજા ફટકારી હતી.
ત્રણે આરોપીઓને મુખ્યત્વે IPC કલમ 436 હેઠળ 10 વર્ષની કઠોર કેદની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે અન્ય કલમો હેઠળ એકથી ત્રણ વર્ષની સજાઓ સંયુક્તરૂપે ફટકારવામાં આવી હતી, તેની સાથે દંડની રકમ પણ ફરમાવવામાં આવી હતી, જેને હવે હાઇકોર્ટે પરત આપવાનો આદેશ આપ્યો છે.
આ વિશે બીબીસી ગુજરાતીએ આરોપીઓના વકીલ વિજય પટેલ સાથે વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે જણાવ્યું કે, "કેસના બે મુખ્ય સાક્ષીઓ વચ્ચે સ્પષ્ટ વિસંગતિ જોવા મળી હતી. બે સાક્ષીઓ એકજ સ્થળેથી હુલ્લડો જોઈ રહ્યાં હતાં. તેમ છતાં, એક સાક્ષીએ આરોપીની ઓળખ કરી, જ્યારે બીજાએ—જે પહેલા સાક્ષીનો જ સંબંધી છે—કહ્યું કે તેઓ એટલા દૂર હતા કે ટોળામાં હજાર લોકોને ઓળખવા મુશ્કેલ હતા."
તેમણે વધુમાં જણાવે છે કે, આ કેસમાં IPC કલમ 149 હેઠળ આરોપ કેવી રીતે સિદ્ધ થયા તે મામલે પણ પ્રશ્નો ઊભા થાય છે.
તેઓ કહે છે કે, "જ્યારે ટ્રાયલ કોર્ટએ આઠમાંથી ત્રણને નિર્દોષ જાહેર કર્યા હતા, ત્યારે બાકીના આરોપીઓને એકસાથે અનૈતિક જૂથના સભ્ય ગણવા કેવી રીતે યોગ્ય કહેવાય?"
હાઇકોર્ટે કહ્યું હતું કે, "સાક્ષીઓનાં નિવેદનોમાં વિસંગતતા અને તપાસ દરમિયાનની ખામીઓના કારણે આરોપીઓ વિરૂદ્ધ કેસ સાબિત થતો નથી. કોર્ટે નોંધ્યું છે કે આરોપીઓની ઓળખ પણ વિશ્વસનીય રીતે થઈ શકી ન હતી."
શું હતી ઘટના?

ઇમેજ સ્રોત, Getty Images
માર્ચ 1, 2002ના રોજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે તમામ નવ આરોપીઓ તેમજ ટોળામાં હાજર બીજા લોકો ગોધરા ટ્રેનની ઘટના બાદ આણંદ ટાઉન વિસ્તારમાં આસપાસના લોકોની મિલકતોને નુકસાન કરવાના ઇરાદાથી ભેગા થયા હતા.
આશરે બપોરે બે વાગ્યાથી માંડી રાત્રે 11 વાગ્યા સુધી તેઓ સાથે હતા, અને તેમની પાસે હથિયારો પણ હતાં. આ લોકોએ ભેગા મળી ફરિયાદીઓની દુકાનોને બાળી દીધી હતી, તેમાં રહેલા માલ-સામાનની ચોરી કરીને તેમને નુકસાન પહોંચાડ્યું હતું.
આ કેસમાં તેમની વિરુદ્ધ વર્ષ 2003માં ચાર્જશીટ કરવામાં આવી હતી, જ્યારે વર્ષ 2006માં તેમની વિરુદ્ધ આરોપ નક્કી કરવામાં આવ્યા હતા.
જોકે આ વિશે બીબીસી ગુજરાતીએ આરોપીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.
શું છે ગોધરાકાંડની પૃષ્ટભૂમિ?
વર્ષ 2002માં ગોધરા સ્ટેશન પર સાબરમતી ઍક્સપ્રેસના કોચ S-6 પર હુમલા બાદ 59 કારસેવકોનાં મૃત્યુ થયાં અને ત્યાર બાદ રાજ્યભરમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં.
આ ઘટનાની અસર હેઠળ નરોડા પાટિયા, ગુલબર્ગ સોસાયટી, અન્ય વિસ્તારોમાં સામૂહિક હત્યા, દુષ્કર્મ અને મિલકતના વિનાશના અનેક કેસો નોંધાયા હતા. સુપ્રીમ કોર્ટના આદેશથી નીમાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે અમુક કેસોની તપાસ કરી હતી. જોકે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના આ કેસની તપાસ એસઆઈટીએ નહોતી કરી.
નરોડા પાટિયા કેસમાં ભાજપના તે સમયનાં મંત્રી માયા કોડનાણીને સ્પેશિયલ કોર્ટે સજા ફટકારી હતી.
તેમને 2012માં દોષી ઠેરવાયા બાદ 2018માં હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. તે સમયે તેઓ રાજ્યની ભાજપ સરકારના મુખ્ય નેતાઓમાં ગણાતા હતા, પરંતુ આ તોફાનોમાં તેમની ભૂમિકા ચર્ચાસ્પદ રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












