You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હરિયાણામાં વનવિભાગની ભરતીમાં મહિલાઓની છાતીનું માપ લેવાના નિયમને કારણે વિવાદ
- લેેખક, સત સિંહ
- પદ, બીબીસી માટે
હરિયાણાના વનવિભાગમાં રેન્જર, ડૅપ્યુટી રેન્જર અને ફૉરેસ્ટર જેવાં પદોની ભરતી માટે બહાર પાડવામાં આવેલા જાહેરનામાને કારણે વિવાદ પેદા થયો છે.
હરિયાણા કર્મચારી પસંદગી પંચ(HSSC) તરફથી બહાર પાડવામાં આવેલા આ જાહેરનામામાં મહિલા અરજદારોની છાતીનું માપ લેવાની શરત પણ રાખવામાં આવી છે. આ શરત ‘શારીરિક માપ પરીક્ષણ’ અંતર્ગત રાખવામાં આવી છે.
મંડળએ જાહેરનામામાં જણાવાયું છે કે રેન્જર, ડૅપ્યુટી રેન્જર તથા ફૉરેસ્ટર પદો માટે મહિલા ઉમેદવારોની છાતી, ફુલાવ્યા વગર 74 સેમી અને ફુલાવ્યા બાદ 79 સેમી હોવી જોઈએ.
વિપક્ષે આ જાહેરનામાને હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરની સરકારની મનમાની હોવાનો આરોપ લગાવ્યો છે.
આ જાહેરનામામાં પુરુષો સાથે મહિલાઓની છાતીનું માપ પણ નક્કી કરવામાં આવ્યું છે. પુરુષો માટે છાતી ફુલાવ્યા વગર 79 સેમી અને ફુલાવ્યા બાદ 84 સેમી હોવી જોઈએ.
આ જાહેરનામામાં અન્ય પદો માટે માપદંડો અલગ-અલગ રાખવામાં આવ્યાં છે.
સોશિયલ મીડિયા પર સંગ્રામ
આ જાહેરનામું આવ્યા બાદ રાજ્યમાં મોટો વિવાદ ઊભો થયો છે. સામાજિક કાર્યકર્તા આ જાહેરનામાને મહિલા વિરોધી ગણાવે છે. રાજ્યના મોટા નેતાઓએ પણ આ જાહેરનામાનો વિરોધ કર્યો છે.
કૉંગ્રેસ નેતા રણદીપસિંહ સુરજેવાલાએ તેનો વિરોધ કરતા એક ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે આ નોટિફિકેશન મહિલાઓની ગરિમા સાથે ખિલવાડ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વીડિયો ટ્વીટ કરતા સુરજેવાલાએ લખ્યું, "ખટ્ટર સરકારનું નવું તુઘલખી ફરમાન! હવે હરિયાણાની દિકરીઓની ‘છાતી માપશે.’ ફૉરેસ્ટ રેન્જર અને ડૅપ્યુટી રેન્જરની ભરતી માટે."
તેમણે ટ્વીટમાં આગળ લખ્યું, "શું ખટ્ટર જી-દુષ્યંત ચૌટાલા જાણતા નથી કે હરિયાણામાં મહિલા કૉન્સ્ટેબલ અને મહિલા એસઆઈ પોલીસની ભરતીમાં ઉમેદવાર યુવતીઓની છાતી માપવામાં નથી આવતી."
"શું ખટ્ટરજી-દુષ્યંત ચૌટાલા જાણતા નથી કે સેન્ટ્રલ પોલીસ ઑર્ગનાઇઝેશનમાં પણ મહિલાઓની ‘છાતી’ માપવાનો કોઈ માપદંડ નથી."
"તો પછી હરિયાણાની દીકરીઓને અપમાનિત કરવા માટે ફૉરેસ્ટ રેન્જર અને ડૅપ્યુટી રેન્જરની ભરતીમાં આ ક્રૂરતાપૂર્ણ અને બેવકૂફભરી શરત શા માટે?"
સુરજેવાલાએ કહ્યું, "અમારી માગ છે કે ખટ્ટર સાહેબ તરત હરિયાણાની દીકરીઓની માફી માગે અને આ શરત પરત લે. આ હરિયાણાના યુવાઓ તરફથી એક ચેતવણી માનવામાં આવે."
શું છે આ જાહેરનામામાં?
વનવિભાગનાં પદો માટે બાહર પાડવામાં આવેલા ભરતીના આ જાહેરનામામાં પુરુષો સાથે મહિલાઓની પણ છાતી માપવાની વાત કહેવામાં આવી છે.
- પુરુષો માટે છાતી ફુલાવ્યા વગર 79 સેમી અને ફુલાવ્યા બાદ 84 સેમી હોવી જોઈએ.
- ત્યાં મહિલાઓ માટે આ બંને માપ 74 સેમી અને 79 સેમી રાખવામાં આવ્યા છે.
- આ પ્રકારે અલગ-અલગ પદો માટે અલગ-અલગ માપદંડો રાખવામાં આવ્યા છે.
HSSC દ્વારા શારીરિક માપ પરીક્ષાના માધ્યમથી ગ્રૂપ સી પદો(દ્વિતીય ચરણ)ની ભરતીના સબંધમાં 7 જુલાઈના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
તેમાં તમામ ટેસ્ટ 13 જુલાઈથી 23 જુલાઈના રોજ લેવાનું નક્કી કરવામાં આવ્યા છે.
બીજા પેજ પર શારીરિક માપ અંગેના કૉલમમાં મહિલા અને પુરુષ વન રેન્જર અને ડૅપ્યુટી રેન્જરની છાતીનું માપ લખવામાં આવ્યું છે.
તેમાં ફુલાવ્યા પહેલાં અને ફુલાવ્યા બાદની છાતીના માપનું વર્ણન કરવામાં આવ્યું છે.
હવે ઇન્ડિયન નેશનલ લોકદળના મહાસચિવ અભય ચૌટાલાએ પણ ફૉરેસ્ટ રેન્જર અને ડૅપ્યુટી ફૉરેસ્ટ રેન્જરની ભરતીમાં મહિલાઓની છાતીનું માપ લેવાની અધિસુચનાને શર્મનાક અને મહિલા વિરોધી ગણાવી છે.
ચૌટાલાએ કહ્યું, "તેની જેટલી નિંદા થાય એટલી ઓછી છે. આ અમારી દીકરીઓનું અપમાન છે. ભાજપ સરકારે આ જાહેરનામું પરત લેવું જોઈએ."
છાતી માપવાનો અર્થ છે પરેશાની: શ્વેતા ઢુલ
છેલ્લાં કેટલાંક વર્ષોથી હરિયાણામાં શિક્ષણ અને ભરતી માટે અવાજ ઉઠાવતાં સામાજિક કાર્યકર્તા શ્વેતા ઢુલે કહ્યું છે કે આ જાહેરનામાને કારણે વન વિભાગમાં નોકરીનું આવેદન કરનારી મહિલાઓ ગભરાઈ ગઈ છે.
તેમના મત અનુસાર, મહિલાઓને સમજમાં નથી આવતું કે આ પ્રક્રિયા તેઓ કઈ રીતે પાર પાડશે.
તેઓ કહે છે, "જો, તેમના પતિઓએ તેમનું શારીરિક પરીક્ષણ કરવાનો ઇન્કાર કરી દીધો અથવા કોઈ તેના ઉદ્દેશ્ય મામલે પૂછે તો તેનો ઉત્તર શો છે? આ સમજાતું નથી."
તેમનું કહેવું છે, "આ તો સ્પષ્ટ રીતે મહિલાઓની છેડતી કરવા સમાન છે."
શ્વેતા કહે છે, "આ તો તેમને પરેશાન કરનારી બાબત છે. 2017માં મધ્ય પ્રદેશમાં આ પ્રકારની પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ વિરોધ બાદ સરકારે તેને પરત લેવાની ફરજ પડી હતી."
શ્વેતા હરિયાણામાં પોલીસ ભરતી દરમિયાન આવા કોઈ ટેસ્ટની જરૂર ન હોવાની વાત પણ કરે છે.
તેઓ કહે છે, "કેન્દ્રીય દળોમાં સામેલ થવા માટે મહિલાઓ માટે આવો કોઈ માપદંડ રાખવામાં આવ્યો નથી."
"મહિલા આઈપીએસ અધિકારીઓ માટે પણ આવો કોઈ નિયમ કે કાયદો નથી.”
"જો સરકાર મહિલાઓનાં ફેફસાંની ક્ષમતા માપવા માગતી હોય, તો સ્પાઇરોમીટર જેવાં ઉપકરણો કામ કરી શકે છે, પરંતુ ફુલાવેલી છાતી અને ફુલાવ્યા વગરની છાતીનું માપ લેવું એ માનવામાં નથી આવતું."
શ્વેતાનું કહેવું છે કે હરિયાણા સરકારના જાહેરનામા બાદ, તેમણે જમ્મુ અને કાશ્મીર જેવાં પહાડી રાજ્યમાં મહિલા ફૉરેસ્ટર રેન્જરની ભરતીના નિયમોની જાણકારી પણ મેળવી.
"વર્ષોથી મહિલાઓની છાતી માપવાનો કોઈ નિયમ નથી, જ્યારે હરિયાણા એક મેદાની ક્ષેત્ર છે. જ્યાં આ પ્રકારની કોઈ જરૂરત લાગતી નથી."
સરકારનો પક્ષ
હરિયાણાના શિક્ષણ અને વન મંત્રી કંવરપાલ ગુજ્જરને જ્યારે મહિલાઓની છાતી માપવા જાહેરનામા મામલે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આવી કોઈ બાબત તેમના ધ્યાનમાં આવી નથી.
વન મંત્રીએ કહ્યું, "ભરતીમાં એ નિયમ લાગુ છે જે પહેલાંથી ચાલી આવે છે. બાકી મને આ મામલે કોઈ જાણકારી નથી. જે કાયદા પ્રમાણે હશે તે જ થશે."
આ મામલે હરિયાણા કર્મચારી પસંદગી મંડળના અધ્યક્ષ ભોપાલસિંહ ખત્રીએ કહ્યું, "જ્યારે અમે આ પદો માટે નોટિફિકેશન જારી કર્યું તે પહેલાં જ જણાવી દીધું હતું કે આ પ્રકારની પરીક્ષા થશે."
"આ ટેસ્ટ કરવા માટે માત્ર મહિલા ડૉક્ટરો અને મહિલા પ્રશિક્ષકોને જ સામેલ કરવામાં આવશે."