You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિક્રમ ગોખલે : સક્ષમ અભિનયથી લઈને વિવાદાસ્પદ નિવેદનો સુધીની કહાણી
- લેેખક, હેમંત દેસાઈ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી મરાઠી માટે
નાના પાટેકર, અશોક સર્રાફ, નીના કુલકર્ણી અને પ્રતિમા કુલકર્ણી જેવા અનેક કલાકારોની યાદીમાં નાટ્ય નિર્દેશક વિજયા મહેતાની અભિનય શાળામાંથી બહાર આવેલા વિક્રમ ગોખલેના નામનો ઉલ્લેખ કરવો જરૂરી બની જાય છે.
પુણેની થિયેટર પરંપરા ઘણી સમૃદ્ધ છે અને આ યાદીમાં બાલ ગંધર્વ, છોટા ગંધર્વ, વસંત શિંદેથી લઈને ડૉ. જબ્બાર પટેલ, મોહન આગાશે, મોહન ગોખલે અને સતીશ આલેકરનો ઉલ્લેખ કરી શકાય છે.
એરિસ્ટોટલે કહ્યું હતું કે સાચા કલાકારે એક દાર્શનિક હોવું જરૂરી છે. વિક્રમ ગોખલેનો સ્પષ્ટ અભિપ્રાય હતો કે કોઈ પણ કવિને ઊંડાણપૂર્વક અને વ્યાપકપણે વાંચવા જોઈએ.
મનોવિજ્ઞાનની વાત આવે ત્યારે પણ તેઓ કહેતા હતા કે ફ્રૉઈડથી લઈને સાધના કામત સુધીના વિવિધ વિચારકોનાં ચાર હજારથી વધુ પાનાં તેમણે વાંચ્યાં છે.
તેમની કૉલેજમાં મનોવિજ્ઞાનને એક વિષય તરીકે ભણેલા ગોખલેએ ખૂબ કસરત કરીને સુદ્દઢ શરીર પણ બનાવ્યું હતું. માસ્ટર વિઠ્ઠલ, ચંદ્રકાંત માંડરે, વિવેક અને રવીન્દ્ર મહાજની એવા કેટલાક કલાકારોમાં આવે છે જેમને મરાઠી થિયેટર અને સિનેમામાં સુંદર ચહેરા ગણવામાં આવતા હતા.
તાજેતરની ઍવૉર્ડ વિજેતા ફિલ્મ 'ગોદાવરી'માં પણ વિક્રમે વૃદ્ધ દાદા તરીકે અદ્ભુત કામ કર્યું હતું.
અભિનયનો પારિવારિક વારસો
ગોખલેના પરનાની દુર્ગાબાઈ કામત ભારતીય સિનેમાનાં પ્રથમ અભિનેત્રી હતાં અને નાની કમલાબાઈ પ્રથમ બાળ અભિનેત્રી હતાં.
દાદાસાહેબ ફાળકે દ્વારા નિર્મિત ફિલ્મ 'મોહિની ભસ્માસુર'માં દુર્ગાબાઈએ પાર્વતીની ભૂમિકા અને કમલાબાઈએ મોહિનીની ભૂમિકા નિભાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દુર્ગાબાઈ નાટકોમાં પણ અભિનય કરતાં હતાં. કમલાબાઈએ નાટકોમાં પુરુષ ભૂમિકાઓ પણ ભજવી હતી. વિક્રમના પિતા ચંદ્રકાંત ગોખલેએ તેમના ગુરુ શ્રીધર જોગલેકર અને પરશુરામપંત શાલિગ્રામની રમેશ નાટક કંપનીમાં દસ રૂપિયાના પગારથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પછી તેમણે દીનાનાથ મંગેશકરની બળવંત સંગીત મંડળીની પ્રસ્તુતિ 'ભાવબંધન'માં પણ હીરોની ભૂમિકા ભજવી હતી.
ચંદ્રકાંત ગોખલેએ નવયુગ ફિલ્મ કંપનીની ફિલ્મ 'પુંડલિક'માં 40 રૂપિયાના પગાર સાથે ફિલ્મ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ હંમેશાં ગરીબ અને ઋજુ વૃદ્ધ પિતાની ભૂમિકામાં જોવા મળે છે.
જોકે વિક્રમને તેમના પરિવાર તરફથી કળાનો વારસો મળ્યો હતો, પરંતુ તેમણે તેમના કૉલેજ જીવન દરમિયાન ક્યારેય વિચાર્યું નહોતું કે અભિનયના ક્ષેત્રમાં પ્રવેશ કરશે.
જોકે, તેમણે અભિનય કારકિર્દીની શરૂઆત બાલ કોલ્હટકરના હિટ નાટક 'વાહ હી તો દુર્વાંચી જુડી'થી કરી હતી. તેમની સ્ટેજ પ્રસ્તુતિ એક હદે ઉટપટાંગ, લાગણીસભર, પારિવારિક ડ્રામા અને બનાવટી અભિનયથી ભરેલી હતી.
અભિનયની કોઈ ઔપચારિક તાલીમ ન હોવા છતાં વિક્રમે સરળ અને સહજતાથી આ ભૂમિકા નિભાવી હતી.
નાટકનો એક શો જોઈને જાણીતા અભિનેતા ડૉ. શ્રીરામ લાગૂએ કહ્યું કે આ આખા નાટકમાં માત્ર વિક્રમ જ અભિનય કરી રહ્યો હતો, અર્થાત કે માત્ર વિક્રમનો અભિનય જ તેમને વાસ્તવવાદી લાગ્યો હતો.
વિક્રમ કહેતા હતા, "મેં કોઈ થિયેટર કૅમ્પમાં તાલીમ લીધી નથી. પરંતુ વિજયા મહેતાના નાટક 'જાસવંડીયે'માં અભિનય કરતી વખતે મેં અભિનય વિશે ઘણું શીખ્યું હતું."
1977માં 'સ્વામી'ના માધવરાવ એટલે કે વિક્રમનો જયવંત દળવીના નાટક 'બૅરિસ્ટર'માં અવાજ મળ્યો. વિક્રમે પોતાની વાણી, હાવભાવ અને શબ્દોથી ગાંડપણ આચરનાર બૅરિસ્ટરના લાગણીસભર જીવનને રજૂ કર્યું હતું. તેમણે આ ભૂમિકાને સમગ્રતા સાથે ભજવી.
'મહાસાગર' સાથે 'કમલા', 'જાવઈ માઝા ભલા', 'દૂસરા મૅચ', 'સિગ્નેટ મિલાનાચા', 'અંજાને સબ કુછ હો ગયા', 'ઈન ધ ફ્રન્ટ હાઉસ', 'પુત્ર માનવાચા', 'હિડન રુસ્તમ', અને 'મકરંદ રાજાધ્યક્ષ' લોકપ્રિય નાટકો છે જેમાં વિક્રમ ગોખલેએ અભિનય કર્યો હતો.
નાટ્યકાર અરવિંદ ઔંધે હંમેશાં 'મકરંદ'માં વિક્રમના કામનાં વખાણ કરે છે.
વિવિધ ભૂમિકાઓને ન્યાય
તાજેતરના સમયમાં જ્યારે તેમની તબિયત સારી ન હતી ત્યારે પણ તેઓ 'કી દિલ અભી ભરા નહીં' નાટક કરતા રહેતા હતા.
ઘણાં વર્ષો પહેલાં ટેલિવિઝન સિરિયલ 'દ્વિધાતા'માં વિક્રમનો ડબલ રોલ ચર્ચાનો વિષય બન્યો હતો. તે ભૂમિકાઓમાં મનોવૈજ્ઞાનિક જટિલતાઓને રજૂ કરવામાં તેઓ અત્યંત સફળ રહ્યા હતા.
વિક્રમે કવિતા ચૌધરી લિખિત, દિગ્દર્શિત અને અભિનિત ક્લાસિક ટીવી સિરિયલ 'ઉડાન'માં આઈપીએસ નાયિકાના પિતાની ભૂમિકા ભજવી હતી. તેમણે સિરિયલ 'અગ્નિહોત્ર'માં મોરેશ્વર અગ્નિહોત્રીની મુખ્ય ભૂમિકા ભજવી હતી.
વિક્રમ ગોખલે મરાઠી ફિલ્મોમાં હીરો તરીકે બહુ સફળ રહ્યા ન હતા, પરંતુ ગદિમા અને વરહદી આ વજંત્રીમાં વિક્રમ હીરો હતા. પરંતુ પાછળથી તેમણે જોતિબચા નવાસ, ભીંગરી, લપંડાવ અને મહેરચી સાદી જેવી મુખ્ય પ્રવાહની ફિલ્મોથી પોતાની સ્વતંત્ર ઓળખ બનાવી.
'વાસુદેવ બળવંત ફડકે' પણ તેમની મહત્ત્વની ફિલ્મ છે. વિક્રમે તબીબી ક્ષેત્ર પર એક શાનદાર ફિલ્મ 'આઘાટ' પણ ડિરેક્ટ કરી હતી. વિક્રમ અને મુક્તા બર્વે બંનેનું પર્ફૉર્મન્સ એકબીજાથી ચડિયાતું હતું.
વિક્રમ ગોખલે સ્વર્ગ નરક, યે હૈ ઝિંદગી, તુમ બિન, અકેલા, અગ્નિપથ, ખુદા ગવાહથી લઈને હમ દિલ દે ચૂકે સનમ સુધીની ઘણી બોલીવૂડ ફિલ્મોમાં પોતાની અભિનયની છાપ છોડવામાં સફળ રહ્યા.
મરાઠીમાં 'નટસમ્રાટ' ફિલ્મમાં ગણપતરાવ બેલવલકરના મિત્ર રામભાઈ અભ્યંકરની ભૂમિકા ભજવતા, રામભાઈ ગુસ્સામાં તેમના મિત્રને લાફો મારે છે અને કહે છે કે 'તું નટના નામે ભિખારી છે, સાથે તું એક નીચ માણસ પણ છે'. આ દૃશ્યમાં અભિનેતા તરીકે વિક્રમની તાકાત ઊભરી આવે છે.
વિવાદાસ્પદ સામાજિક અને રાજકીય ભૂમિકા
પ્રખ્યાત પ્રાણી વિજ્ઞાની ડેસમંડ મૉરિસનાં અનેક પુસ્તકો વાંચીને વિક્રમને અભિનયની ઊંડી સમજણ મળી. તેમને ખબર પડી કે પ્રાણી હોય કે માણસ, તે મૂળભૂત રીતે એક ઉમદા અભિનેતા છે. તેની દરેક શારીરિક હરકત અભિનય કરે છે, તે પ્રાણીઓ અને મનુષ્યોની હરકતો પરથી તેનું નિરીક્ષણ કરવા માટે ટેવાયેલા હતા. તેઓ દિગ્દર્શકની સૂચના મુજબ એક જગ્યાએ સ્થિર થવું, વળવું, બીજી જગ્યાએ જવું જેવા દૃશ્યોનું મહત્ત્વ સમજીને અભિનય કરતા હતા.
મંચ અથવા સ્ક્રીન પર તેમની હાજરી માત્ર તે ભૂમિકામાં વજન ઉમેરી દેતી અને સાથે તેમની રાજકીય અને સામાજિક ભૂમિકાઓ વિવાદાસ્પદ રહી છે.
વિક્રમે અભિનેત્રી કંગના રનૌતના બેજવાબદાર નિવેદનનું સમર્થન કર્યું હતું કે ભારતને 1947માં આઝાદી મળી ન હતી અને સાચી આઝાદી 2014માં મળી હતી. કંગના રનૌતે આ નિવેદન 2014માં નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બનવાના સંદર્ભમાં આપ્યું હતું.
વિક્રમે અભિપ્રાય આપ્યો કે મહાન નેતાઓએ સ્વતંત્રતા હાંસલ કરવાનો પ્રયાસ કરી રહેલા યોદ્ધાઓને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. શહીદ ભગતસિંહને ફાંસીના માંચડેથી બચાવવા ગાંધી-નેહરુએ કેવા પ્રયત્નો કર્યા હતા તેની વિક્રમને ખબર નહીં હોય.
સાથે જ વાસ્તવિકતા એ પણ છે કે હિંદુત્વ સમર્થક વિક્રમ ગોખલેએ સ્વતંત્રતા ચળવળમાં ઐતિહાસિક ભૂમિકા ભજવનાર ગાંધી-નેહરુ અને અન્ય નેતાઓનો ક્યારેય ગર્વથી ઉલ્લેખ કર્યો નથી.
ઊલટું, અંગ્રેજો સાથે હાથ મિલાવનારા કે આડકતરી રીતે એમને ટેકો આપનારા અથવા સ્વતંત્રતા ચળવળ સાથે કોઈ સંબંધ ન રાખનારા નેતાઓનું તેઓ મહિમામંડન કરતા રહ્યા.
‘70 વર્ષમાં કશું થયું નથી’ તેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનને સમર્થન આપતા વિક્રમની વાતો પરથી એવું લાગે છે કે તેમને નેહરુએ આ દેશમાં આધુનિક વિજ્ઞાન અને ઉદ્યોગનો પાયો કેવી રીતે નાખ્યો તેના ઇતિહાસની કોઈ જાણકારી નથી.
'આ દેશ ક્યારેય હરિયાળો નહીં હોય, ભગવો જ રહેશે' કહેતા વિક્રમ હંમેશાં હિંદુ રાષ્ટ્રની હિમાયત કરતા જોવા મળ્યા હતા.
એક તરફ તેઓ કહેતા હતા કે બાબાસાહેબ આંબેડકર એક મહાન વ્યક્તિત્વ હતું અને બીજી તરફ તેઓ આ દેશના બંધારણની હિમાયત કરવાને બદલે હિંદુ રાષ્ટ્રનો જયજયકાર કરતા હતા.
વિક્રમ ગોખલેએ પણ ગુસ્સામાં કહ્યું હતું, 'જે આ દેશના ટુકડા કરવાની વાત કરે તેમને ગોળી મારી દો.' પરંતુ તેમણે આ દેશના બંધારણની વિરુદ્ધ જઈને ધર્માંધતા કેળવનારાઓ સામે ક્યારેય આક્રમક ભાષાનો ઉપયોગ કર્યો નથી.
જોકે તેમણે લેખિકા નયનતારા સહગલની અભિવ્યક્તિની આઝાદી છીનવી લેવા સામે નારાજગી બતાવી હતી અને નોટબંધીને ઉતાવળમાં લેવાયેલો નિર્ણય ગણાવ્યો હતો અને સ્વીકાર્યું હતું કે બુલેટ ટ્રેન આપણી પ્રાથમિક જરૂરિયાત નથી.
તદુપરાંત, તેમણે ગૌરક્ષકોના હુમલાને પણ સમર્થન આપ્યું ન હતું. તેમણે એમ પણ કહ્યું કે રાજ ઠાકરેનું ભાષણ સાંભળવું એ મનોરંજન જેવું લાગે છે. એટલે તેમને એક જ દૃષ્ટિકોણથી જોવાનું ઉચિત નહીં ગણાય.
તેમણે એમ પણ કહ્યું હતું કે જે લોકો સર્જિકલ સ્ટ્રાઈક અંગે સવાલ પૂછી રહ્યા છે કે ભારતે કેટલા લોકોને માર્યા, તેમને દેશદ્રોહી કહેવું ખોટું છે. તેમને આવી ટીકાઓમાંથી રાજકીય ફાયદો મેળવવાનું પસંદ નહોતું. અક્ષયકુમારે મોદીનો ઇન્ટરવ્યૂ લીધો હતો અને તેને બિનરાજકીય હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે વિક્રમ ગોખલેએ કહ્યું હતું કે જો તે બિનરાજકીય છે તો તેને વારંવાર કેમ બતાવવામાં આવ્યો.
તેમણે એ પણ સવાલ કર્યો કે શરદ પવારે મહારાષ્ટ્રનો બારામતી જેવો વિકાસ કેમ ન કર્યો. વિક્રમે કહ્યું હતું કે તેઓ તેમના પિતાના એ નિવેદન સાથે ક્યારેય સહમત નથી કે મુસલમાનોને પાકિસ્તાન મોકલી દેવામાં આવે.
પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે દાભોલકર, પાનસરે, કલબુર્ગી, ગૌરી લંકેશ જેવાં વિચારકોની હત્યા અંગે તેમનો શું મત છે, તો તેમણે સામો સવાલ કર્યો હતો, "શું એવા પુરાવા છે કે ભૂતકાળમાં આવી હત્યાઓ ક્યારેય થઈ નથી અને સત્તામાં રહેલા લોકોએ તે કરી છે?"
આ જવાબ સાથે વિક્રમ ગોખલેએ બતાવી દીધું કે તેઓ કયા પક્ષે ઊભા છે.
'મરાઠી સિરિયલ જોવાનું બંધ કરો'
વિક્રમ ગોખલેએ મરાઠી ફિલ્મ 'વઝીર'માં કામ કર્યું હતું, પરંતુ તેમણે સ્પષ્ટ કહ્યું કે આ ફિલ્મ નકામી છે.
તેમણે એવું કહેવાની પણ હિંમત બતાવી કે કાશીનાથ ઘાણેકરનો અભિનય, અભિનય ન હતો. જ્યારે તેમણે કહ્યું કે ફાલતું સિરિયલો જોવાનું બંધ કરો, ત્યારે ઇન્ડસ્ટ્રીના અન્ય લોકોએ તેમને યાદ અપાવ્યું કે તમે પણ પૈસા માટે કેટલીક ભૂમિકાઓ કરી છે.
વિક્રમ ગોખલે સૂક્ષ્મ અથવા સરળ અભિનય કરી શકતા ઉચ્ચ ગુણવત્તાના અભિનેતા હતા. પરંતુ તેમના ગુણોનો એટલો ઉપયોગ થયો નથી જેટલો નાટક અને ફિલ્મમાં થવો જોઈએ. ડૉ. લાગૂને હિન્દી ફિલ્મોમાં પણ બહુ ઓછી ભૂમિકા મળી.
વિક્રમ ગોખલેએ હિન્દી સિનેમામાં પોતાનો હાથ અજમાવ્યો છે, પરંતુ તેમના વિચારોની દુનિયા પારંપરિક અને પુણે રહી હતી. વિજય તેંડુલકરને પસંદ કરવા છતાં તેમની કટ્ટરતા ઓછી થઈ ન હતી.
મરાઠી થિયેટર અને ફિલ્મ ઉદ્યોગમાં આર્યન ફિલ્મ કંપનીના નાનાસાહેબ સરપોતદાર, ભાલજી પેંઢારકર અથવા માસ્ટર દીનાનાથ મંગેશકર ઘરાનાને આભારી હિન્દુત્વ, સાવરકરી વિચારો અને બાબાસાહેબ પુરંદરે દ્વારા વર્ણવેલ ઇતિહાસનો ઘણો પ્રભાવ જોવા મળે છે. આ પરંપરા નીલુ ફૂલે, ડૉ. શ્રીરામ લાગૂ, સદાશિવ અમરાપુરકર, અમોલ પાલેકર કે દિલીપ પ્રભાવલકર સુધી જોવા મળે છે.
ઉદારવાદી વિચારોનો પ્રભાવ અને ગાંધી-નેહરુ-આંબેડકર અથવા તો લોહિયા સહિતનો પ્રભાવ સાવ અલગ છે. આજે કલા જગતમાં ગાંધીવાદી અને ગાંધીવિરોધી બંને જૂથો સ્પષ્ટપણે દેખાય છે.
વિરોધાભાસ કેવો દેખાય છે તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ ગોડસેવાદી વિચાર ભયાનક છે અને કોઈ તથાકથિત કલાકાર પાસે પણ તેમના સમર્થનની અપેક્ષા રાખી શકાતી નથી.