You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'રાહુલને બાળપણથી જ નાચવાનો અને અભિનયનો શોખ હતો, ગામમાં કોઈ તહેવાર હોય તો ડાયલૉગ બોલવા લાગતો', રાહુલના પિતા
ફિલ્મ 'છેલ્લો શો'માં બાળકલાકાર તરીકે ભૂમિકા ભજવનાર રાહુલ કોળીનું લ્યુકેમિયાની બીમારીથી અમદાવાદમાં મૃત્યુ થયું છે.
કરુણતા એ છે કે તેમની પ્રથમ ફિલ્મ 'છેલ્લો શો' ઑસ્કર સુધી પહોંચતા તેમને વિશ્વપ્રસિદ્ધિ તો મળી પરંતુ તેમણે જિંદગી ગુમાવી દીધી.
જામનગર પાસે આવેલા નાનકડા ગામ હાપામાં રહેતા અને ઑટોરિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા રામુભાઈ કોળીનો પરિવાર બીજી ઑક્ટોબર પહેલાં બેહદ ખુશ હતો.
તેમના પુત્ર રાહુલે ફિલ્મ 'છેલ્લો શો'માં બાળકલાકાર તરીકે કામ કર્યું હતું અને એ ફિલ્મ ઑસ્કરમાં ભારતની સત્તાવાર ફિલ્મ તરીકે મોકલવામાં આવી છે.
તાજેતરમાં રાહુલને અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. લ્યુકેમિયા રોગથી પીડાતા રાહુલને દાખલ કરાયા પહેલાં તેને લોહીની ઊલટીઓ થતી હતી અને બીજી ઑક્ટોબરે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
શું છે લ્યુકેમિયા?
- બોનમૅરોમાં થતા કૅન્સરને લ્યુકેમિયા કહે છે
- શરીરમાં જ્યાં હાડકાંની અંદર જ્યાં લોહીનું નિર્માણ થતું હોય તેને બોનમૅરો કહેવામાં આવે છે
- લ્યુકેમિયા સામાન્ય રીતે બાળપણ અને કિશોરાવસ્થામાં થતું હોય છે
- ભારતમાં દર વર્ષે અંદાજે 12 હજારથી વધુ બાળકો લ્યુકેમિયાનો ભોગ બને છે.
'બાળપણથી જ નાચવાનો અને અભિનયનો શોખ'
રાહુલે ફિલ્મ 'છેલ્લો શો'માં મુખ્ય બાળકલાકાર ભાવિન રબારીના મિત્રની ભૂમિકા ભજવી છે. ભાવિન અને રાહુલ બંને જામનગરના જ રહેવાસી છે અને આસપાસનાં ગામમાં જ રહે છે.
ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ દુનિયાને વિદાય કરી દેનારા રાહુલનો પરિવાર પુત્રના મૃત્યુથી ઘેરા શોકમાં છે. તાજેતરમાં રાખવામાં આવેલી એક પ્રાર્થનાસભામાં ગામ આખું શ્રદ્ધાંજલિ આપવા આવ્યું હતું.
રાહુલના પિતા રામુભાઈ બાવરી કહે છે કે રાહુલ તેની ઉંમરની સરખામણીએ વધારે ઉત્સાહી હતો. તે ગામમાં કોઈ તહેવાર કે પ્રસંગ હોય તો નાચવા અને ડાયલૉગ બોલવા માટે તત્પર રહેતો હતો. તેને અભિનયનો પણ ઘણો શોખ હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ આગળ કહે છે, "એક દિવસ સ્કૂલમાં બહારથી કોઈ સાહેબો આવ્યા અને તેમણે રાહુલની ગુજરાતી ફિલ્મ માટે પસંદગી કરી હતી. બાદમાં મને પૂછ્યું તો મેં સ્કૂલના પ્રિન્સિપાલ સાથે વાત કરીને પરવાનગી આપી."
ફિલ્મ અંગે તેઓ કહે છે, "અંદાજે ચારેક મહિના સુધી અમરેલી અને આસપાસમાં ફિલ્મનું શૂટિંગ ચાલ્યું હતું. બાદમાં રાહુલ પાછો ઘરે આવી ગયો હતો."
રાહુલની બીમારી અંગે પિતા રામુભાઈ જણાવે છે, "એક દિવસે અચાનક તાવ આવ્યા બાદ રાહુલને લ્યુકેમિયાનું નિદાન થયું હતું. શરૂઆતમાં અમે જામનગરની એક હૉસ્પિટલમાં સારવાર કરાવી, ત્યાંથી અમને અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં રિફર કર્યા. ત્યાં સારવાર દરમિયાન જ રાહુલનું મૃત્યુ થયું."
ફિલ્મના ડાયરેક્ટર પાન નલિનની વાત કરીએ તો તેમના પિતા રેલવેસ્ટેશન પર ચાનો સ્ટૉલ ચલાવતા હતા. પરંતુ પાન નલિનના જીવનની ગાડી તો બીજા સ્ટેશન પર રોકાવાની હતી. આઠ-નવ વર્ષની ઉંમર સુધી તો તેમણે સિનેમાહૉલ પણ નહોતું જોયું.
ત્યાંથી ઑસ્કર સુધીની સફરમાં તેમણે ઘણા ઉતાર-ચડાવ જોયા. આજે ભલે તેઓ ચર્ચામાં હોય પરંતુ તેઓ આ ઇન્ડસ્ટ્રીમાં બે દાયકાથી છે અને સફળ થયા છે. આ સફરમાં તેમણે જેન્ડરથી લઈને આધ્યાત્મ જેવા અનેક મુદ્દા અડ્યા છે.
2015માં આવેલી તેમની હિંદી ફિલ્મ ઍંગ્રી ઇન્ડિયન ગૉડેસસ જેન્ડરના વિષય પરની કહાણી છે જેમાં ચાર બહેનપણી, તેમનાં સપનાં, તેમની સમસ્યાઓની વાત છે અને પોતાનાં હિતો માટે ઊભી થનાર એક યુવતી પર બળાત્કાર થાય છે અને તેની હત્યા થઈ જાય છે તો બાકીની બહેનપણીઓ અવાજ ઉઠાવે છે.
ભારતથી નીકળીને પાન નલિને યુરોપમાં રહીને કેટલાય પ્રયોગો કર્યા અને ફિલ્મો બનાવી.
2001માં જ્યારે ફિલ્મ સમસારા આવી તો દુનિયામાં તેમની નોંધ લેવાઈ, જે ભારત, ઈટાલી, ફ્રાન્સ સહિત અનેક દેશોનું કો-પ્રોડક્શન હતું. આ એક બૌદ્ધ ભિક્ષુના મોક્ષ હાંસલ કરવાની કહાણી હતી. 2002માં આને મેલબર્ન ઇન્ટરનેશન ફિલ્મ ફૅસ્ટિવલમાં પુરસ્કાર મળ્યો હતો.
ત્યારે 2001માં આયુર્વેદ પર તેમની ડૉક્યુમેન્ટરીએ જર્મનીમાં સારી એવી કમાણી કરી હતી. આનું નામ હતું આયુર્વેદ આર્ટ ઑફ બિઈંગ. કહેવાનો અર્થ એ કે પાન નલિનની રેન્જ અને ટેલેન્ટ વ્યાપક છે.
ડિરેક્ટર પાન નલિન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો