You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોર્ટે કેજરીવાલના રિમાન્ડ પહેલી એપ્રિલ સુધી વધાર્યા, કેજરીવાલ શું બોલ્યા?
દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડમાં ધરપકડ કરાયેલા મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના રિમાન્ડ વધુ સાત દિવસ લંબાવવાની માગ કરવામાં આવી હતી.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, કોર્ટે ચુકાદો સંભળાવતા પહેલી એપ્રિલ સુધી અરવિંદ કેજરીવાલની રિમાન્ડ વધાર્યા છે અને ત્યાં સુધી તેઓ ઈડીની કસ્ટડીમાં રહેશે.
બીબીસી સંવાદદાતા ઉમંગ પોદ્દારે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે.
ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સીએમ કેજરીવાલને ધરપકડના એક સપ્તાહ બાદ રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
બીબીસીના કાનૂની બાબતોના સંવાદદાતા ઉમંગ પોદ્દારના જણાવ્યા અનુસાર આ સુનાવણીમાં કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલ, દિલ્હી સરકારનાં મંત્રી આતિશી, સૌરભ ભારદ્વાજ પણ કોર્ટમાં હાજર હતાં.
ઈડીએ કોર્ટને કેજરીવાલની કસ્ટડી વધુ સાત દિવસ લંબાવવા જણાવ્યું હતું.
આ દરમિયાન કેજરીવાલે કોર્ટને કહ્યું કે તેઓ રિમાન્ડનો વિરોધ નથી કરતા, પરંતુ તેઓ ઈડી દ્વારા લગાવવામાં આવેલા આરોપોની સંપૂર્ણ તપાસ માટે તૈયાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, કેજરીવાલના વકીલે કોર્ટને કહ્યું કે કેજરીવાલ વિરોધ નથી કરી રહ્યા તેનો અર્થ એ નથી કે તેઓ ઈડી દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને સ્વીકારે છે.
તેમણે કહ્યું, "સાચું કૌભાંડ તો ઈડીની તપાસ પછી થયું છે. તેમનો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીને કચડી નાખવાનો છે. ઈરાદો એવું વાતાવરણ ઊભું કરવાનો છે કે આમ આદમી પાર્ટી ભ્રષ્ટ છે."
કેજરીવાલે કોર્ટમાં આરોપ લગાવ્યો કે, "ભાજપને ઇલેક્ટોરલ બૉન્ડ દ્વારા 55 કરોડનું દાન મળ્યું. આમાં મની ટ્રેઇલ સ્પષ્ટપણે સાબિત થઈ હતી. એક સહ-આરોપીએ ધરપકડ થયા બાદ રૂ. 55 કરોડનું દાન આપ્યું હતું. તપાસનો હેતુ આ જ હતો."
તેમણે આરોપ લગાવ્યો હતો કે ઈડીનો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીને કચડવાનો છે.
પીટીઆઈ અનુસાર, કોર્ટમાં રજૂ કરાય તે પહેલાં કેજરીવાલને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાના નિવેદન પર તેમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો હતો. વીકે સક્સેનાએ એવું કહ્યું હતું કે જેલમાંથી દિલ્હીની સરકાર નહીં ચાલે.
તેના પર કેજરીવાલે કહ્યું કે આ એક રાજકીય ષડયંત્ર છે, લોકો તેનો જવાબ આપશે.
અરવિંદ કેજરીવાલને મુખ્ય મંત્રીપદ પરથી હટાવવા માટેની અરજી દિલ્હી હાઈકોર્ટ ફગાવી, અદાલતે શું કહ્યું?
દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કરવામાં આવેલી જાહેર હિતની અરજી ફગાવી દીધી છે.
આ અરજીમાં તેમને મુખ્ય મંત્રી પદ પરથી હટાવવાની માગ કરવામાં આવી હતી.
કોર્ટે કહ્યું કે આ મામલે ન્યાયાલયના હસ્તક્ષેપની કોઈ સંભાવના નથી.
લાઇવ લૉ વેબ સાઈટ પ્રમાણે આ અરજી દિલ્હીના રહેવાસી સુરજીત સિંહ યાદવે કરી હતી જે પોતાને ખેડુત અને સામાજીક કાર્યકર્તા તરીકે ઓળખાવે છે.
તેમણે દાવો કર્યો હતો કે નાણાકીય ગોટાળાના આરોપી મુખ્ય મંત્રીને સાર્વજનિક પદ પર રહેવાની પરવાનગી ન આપવી જોઈએ.
મુખ્ય મંત્રી કેજરીવાલના નવી દિલ્હી સ્થિત ઘર પરથી ગયા ગુરૂવારે ઈડીએ તેમની ધરપકડ કરી હતી. તેમના પર દિલ્હીની દારૂનીતિમાં થયેલા કથિત ગોટાળામાં સામેલ હોવાનો આરોપ છે.
નિર્મલા સીતારમણે લોકસભાની ચૂંટણી લડવાની ના કેમ પાડી?
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે કહ્યું કે તેમણે લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.
નિર્મલા સીતારમણે કહ્યું કે મારી પાસે ચૂંટણી લડવા લાયક પૈસા નથી. આંધ્ર પ્રદેશ અને તામિલનાડુની ચૂંટણીમાં જ્ઞાતિ અને ધર્મનાં જે સમીકરણો છે તેમાં હું ફિટ બેસતી નથી.
અટકળો હતી કે નિર્મલા સીતારમણ આંધ્ર પ્રદેશ કે તમિલનાડુથી ચૂંટણી લડી શકે છે. હાલમાં તેઓ રાજ્યસભા સાંસદ છે.
નિર્મલા સીતારમણ નરેન્દ્રી મોદીના બન્ને કાર્યકાળમાં મંત્રી રહ્યાં અને બન્ને વખતે રાજ્યસભા થકી જ સંસદ પહોંચ્યાં.
ભાજપ આ વખતે રાજ્યસભા દ્વારા સંસદમાં પહોંચેલા મંત્રીઓને લોકસભાની ચૂંટણીમાં ઉતાર્યા છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ ઉપરાંત પર્યાવરણ અને શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. હાલ બન્ને રાજ્યસભાના સાંસદ છે.
લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થઈ રહી છે. નિર્મલા સીતારમણને ન્યૂઝ ચેનલ ટાઇમ્સ નાઉના એક કાર્યક્રમમાં સવાલ પૂછવામાં આવ્યો કે શું તેઓ ચૂંટણી લડશે?
આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું, "ના. પાર્ટીએ મને આ વિશે કહ્યું હતું પરંતુ દસ દિવસ સુધી વિચાર કર્યા પછી મેં કહ્યું કે કદાચ નહીં. પાર્ટી અધ્યક્ષે મને કહ્યું હતું કે શું તમે દક્ષિણનાં રાજ્યો તમિલનાડુ કે આંધ્ર પ્રદેશથી ચૂંટણી લડવાનુ પસંદ કરશો?"
નિર્મલા સીતારમણે કહ્યું, "ચૂંટણી લડવા લાયક રૂપિયા મારી પાસે નથી. મારી સાથે અન્ય એક સમસ્યા છે. આંધ્ર પ્રદેશ અથવા તમિલનાડુમાં ચૂંટણી જીતવા માટે જે માપદંડો છે હું તે માપદંડો પર ખરી નથી ઊતરતી. કેટલાક ખાસ સમાજ અને ધર્મને લગતાં પર સમીકરણો હોય છે. આ કારણે મેં ના પાડી કારણ કે હું આ માપદંડો પર ખરી નથી ઊતરતી. હું આભારી છું કે પાર્ટીએ મારી વાતનો સ્વીકાર કર્યો. અધ્યક્ષ કહ્યું કે જો તમારું મન ન હોય તો કોઈ વાંધો નહીં. હું ચૂંટણી નથી લડી રહી."
નિર્મલા સીતારમણનો રાજ્યસભાનો કાર્યકાળ 2029 સુધી છે.
નિર્મલા સીતારમણે નરેન્દ્ર મોદીના પહેલા કાર્યકાળમાં સપ્ટેમ્બર 2017માં રક્ષા મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ દેશના પ્રથમ પૂર્ણકાલીન નાણા મંત્રી છે.
સાબરકાંઠામાં ભાજપના લોકસભા ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ કેમ થઈ રહ્યો છે?
ભાજપ તરફથી સાબરકાંઠા લોકસભા માટે પડતા મુકાયેલ ઉમેદવાર ભીખાજી ઠાકોરના સમર્થનમાં તેમના કાર્યકરોએ અરવલ્લી અને મોડાસામાં કમલમના કાર્યાલય ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા.
સાબરકાંઠા લોકસભા માટે પહેલાં ભીખાજી ઠાકોરને લોકસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.
જોકે તેમની અટક અને જ્ઞાતીને લઈને થયેલા વિવાદ પછી તેમણે ગત શનિવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને જણાવ્યું કે, "હું લોકસભા 2024ની ચૂંટણી અંગત કારણોસર લીધે નહીં લડી શકું."
ભાજપે પોતાની જાહેર કરેલી અંતિમ યાદીમાં સાબરકાંઠાથી શોભનાબહેન બારૈયાને ટિકિટ આપી હતી.
કાર્યકરોએ કહ્યું કે "શોભનાબહેન બારૈયા આયાતી ઉમેદવાર છે અને તેઓ પાર્ટીનાં સભ્ય પણ નથી. તેમને જો સીધી ટિકિટ આપવામાં આવતી હોય અને પાર્ટી માટે 20-25 વર્ષથી કામ કરતા કાર્યકરોની કદર ન થતી હોય તો આવનારા સમયમાં કૉંગ્રેસમાંથી આવેલા ઉમેદવારો આ પાર્ટીને લઈ લેશે અને ભાજપના કાર્યકરોએ ઘરે બેસી જવું પડશે. એટલે જ ભાજપે ફરીથી ભીખાજી ઠાકોરને ટિકિટ આપવી જોઈએ અને અમે ખાતરી આપીએ છીએ કે તેમને અમે જંગી બહુમતીથી જિતાડીશું."
સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે ગાંધીનગરમાં ભીખાજી ઠાકોર સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા ભીખાજી ઠાકોરે કહ્યું, "પાર્ટીનો નિર્ણય મારા માટે માથા પર છે. હું નારાજ નથી. હું પાર્ટીનું કામ કરીશ અને કાર્યકરોને પણ સમજાવીશ."
અહીં ઉલ્લેખનીય છે કે ભાજપના વડોદરા લોકસભાનાં ઉમેદવાર રંજનબહેન ભટ્ટે પણ આંતરિક વિરોધ પછી પોતે લોકસભાની ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી હતી. જ્યારે પોરબંદરથી ભાજપના ઉમેદવાર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા વિરુદ્ધ પણ પોરબંદર લોકસભા વિસ્તારમાં બેનરો લાગ્યાં હતાં.