IPL: 89 રનમાં છ વિકેટ ગુમાવી દેનાર કેકેઆરની વહારે આવ્યા શાર્દુલ અને પછી બૉલરોએ બતાવ્યો દમ

    • લેેખક, અભિજીત શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

કોલકાતા નાઇટરાઇડર્સ vs રૉયલ ચેલેન્જર્સ બેંગલોર

  • કોલકાતા નાઇટ રાઇડર્સની અડધી ટીમ 89 રન બન્યા ત્યાં સુધીમાં પેવેલિયનમાં બેઠી હતી.
  • ત્યારે ઓપનિંગ બૅટ્સમૅન રહમાનુલ્લાહ ગુરબાઝ બીજી બાજુ ટકી રહ્યા અને 57 રનની ઇનિંગ રમી.
  • પછી રિંકૂસિંહ અને શાર્દુલ ઠાકુરે છઠ્ઠી વિકેટ માટે 100 રનથી વધુની ભાગીદારી નોંધાવી
  • રિંકૂસિંહે 46 રન તો શાર્દુલે 68 રન નોંધાવ્યા.
  • શાર્દુલે આ સિઝનના સૌથી વધુ ઝડપી અડધી સદીના રેકર્ડની બરાબરી કરી.
  • કોલકાતાએ 20 ઓવરોમાં સાત વિકેટે 204 રનને સ્કોર ઊભો કરી દીધો.
  • ગુરબાઝ, શાર્દુલ અને રિંકૂ સિવાય અન્ય કોઈ બૅટ્સમૅન બે આંકડાનો સ્કોર પર નોંધાવી ન શક્યા.
  • બૉલિંગ કરવા ઊતરેલી કેકેઆર તરફથી સુનીલ નારાઇન, વરૂણ ચક્રવર્તી અને સુયશ શર્માએ 9 વિકેટ ઝડપી.
  • રૉયલ ચેલેન્જર્સ બેંગલોરની આખી ટીમ 123 રન બનાવી આઉટ થઈ ગઈ અને આ મૅચ 81 રનના લાંબા અંતરથી હારી ગઈ.

“મને નથી ખબર કે આ ઇનિંગ મેં કઈ રીતે રમી. સ્કોરબૉર્ડ જોઈને કોઈ પણ કહી શકે એમ હતું કે અમે સંઘર્ષ કરી રહ્યા હતા. ત્યાં મેં પોતાને બળ પૂરું પાડ્યું, સંપૂર્ણ પ્રયાસ કર્યો અને આજે એમા સફળતા મળી. છગ્ગા મારવા માટે સ્કિલ હોવી જરૂર છે અને અમે નેટ્સમાં આના પર પ્રૅક્ટિસ કરીએ છીએ. ક્રિકેટ સ્ટાફ થ્રોડાઉન કરે છે. હું થ્રોડાઉન પર રેંજ હિટિંગની પ્રૅક્ટિસ કરું છું.”

મૅચ પછી આ નિવેદન પહેલાં કોલકાતાની આ પહેલી જીતમાં શાર્દુલ માત્ર 20 બૉલ રમીને અર્ધશતક બનાવી ચૂક્યા હતા.

આ પહેલી મૅચ હતી, જ્યારે શાર્દુલે આઇપીએલમાં અત્યાર સુધીની 76 મૅચ દરમિયાન 20થી વધુ બૉલનો સામનો કર્યો હોય.

શાર્દુલે 29 બૉલ પર 68 રન નોંધાવ્યા. આ આઇપીએલમાં તેમની પહેલી અડધી સદી હતી.

આ મૅચમાં શાર્દુલની સાથે જ પાંચ અન્ય ક્રિકેટરોએ પોતાની છાપ છોડી, પરંતુ શાર્દુલની ઇનિંગ બધાં ઉપર ભારે સાબિત થઈ અને તેઓ મોસ્ટ વૅલ્યૂએબલ પ્લેયરની સાથે જ ‘પ્લેયર ઑફ ધ મૅચ’ પણ બની ગયા.

મૅચ પછી શાર્દુલે પોતાની તોફાની ઇનિંગનો શ્રેય નેટ પ્રૅક્ટિસના થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટને આપ્યો.

શું કરે છે થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ?

આજના ક્રિકેટમાં દરેક ટીમની પાસે થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ હોય ચે કે જે નેટ્સ પર બૅટ્સમૅનોને વધુમાં વધુ બૅટિંગ પ્રૅક્ટિસ કરાવે છે.

બૅટ્સમૅનોને કવર ડ્રાઇવ, ડ્રાઇવ અથવા શૉર્ટ બૉલ કોઈપણ પ્રકારની બૅટિંગ પ્રૅક્ટિસ કરવી હોય તો આ થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટ તેમને નેટ્સમાં એજ લૅન્થ પર બૉલ નાખે છે.

થોડા જ મહિના પહેલાં ફૉર્મમાં પરત ફર્યા બાદ વિરાટ કોહલીએ પણ આજ થ્રોડાઉન સ્પેશિયાલિસ્ટને પોતાની સફળતાનો શ્રેય આપ્યો હતો.

ગુરુવારની રાત્રે વિરાટ કોહલી મૅચ બાદ શાર્દુલ ઠાકુર સાથે વાત કરતા અને તેમને અભિનંદન આપતા જોવા મળ્યા.

શાર્દુલે જણાવ્યું કે વિરાટ કોહલીએ તેમને કહ્યું કે “જ્યારે ઇન્ડિયા માટે રમીશ ત્યારે પણ આજ રીતે રમજે”

શાર્દુલની સાથે રિંકૂસિંહે પણ 33 બૉલમાં 46 રનની ધારદાર ઇનિંગ રમી હતી.

શું બોલ્યા ક્રિકેટ ચાહકો?

મૅચની વચ્ચે અને પતી ત્યારબાદ આ બન્ને બૅટ્સમૅનોના ચાહકો ઘણાં જોવા મળ્યા.

કપ્તાન નીતીશ રાણાએ કહ્યું શાર્દુલ વિશે જેટલું કહેવાય એટલું ઓછું છે. તો કોચ ચંદ્રકાન્ત પંડિતે શાર્દુલ અને રિંકૂના વળતા પ્રહારના વખાણ કર્યા.

પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે પણ શાર્દુલની ઇનિંગના વખાણ કર્યા

શાર્દુલની આક્રમક ઇનિંગ પછી કોલકાતા કોલકાતા નાઇટરાઇડર્સના ટ્વિટર હૅન્ડલે તેમની તસવીર શેર કરતા લખ્યું “લૉર્ડ શાર્દુલ ઠાકુર” તો એ ટ્રૅન્ડ થવા લાગ્યું.

આના ઉપર એક પ્રશંસકે લખ્યું, દિલ ખુશ કરી દીધું આજે ચાહકોનું. તો કેકેઆરે જવાબમાં આ મીમ શેર કર્યું.

બીજેપીના લોકસભા સાંસદ પીસી મોહને શાર્દુલની એક તસવીર શેર કરતા ટ્વિટર પર લખ્યું, ”2018માં શાર્દુલ ઠાકુર અમિરાતની ફ્લાઇટમાં ટીમ ઇન્ડિયાની સાથે દક્ષિણ આફ્રિકાથી પાછા ફરતા હતા. ત્યારબાદ તરતમાં જ તેઓ અંધેરી રેલવે સ્ટેશન પર પહોંચ્યા અને ત્યાંથી પાલઘર માટે લોકલ ટ્રેન લીધી, આ એ રોજિંદું જીવન છે જેનું તેમણે પોતાના જીવનમાં મોટાભાગનો સમય પાલન કર્યું છે.”

એક યૂઝરે લખ્યું, “મૅચમાં તૈયારી તો આંદ્રે રસેલનો સામનો કરવાની હતી, પણ પાઠ્યક્રમમાં શાર્દુલ ઠાકુર નિકળ્યા”

અફઘાન ગુરબાઝની કમાલ

મૅચમાં શાર્દુલ અને રિંકૂએ કમાલ કરી એ પહેલાં રહમાનુલ્લાહ ગુરબાઝે કેકેઆરની ટીમના સ્કોરને 89 રન સુધી પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી.

જ્યારે એક છેડા પરથી સતત વિકેટ પડતી હતી ત્યારે અફઘાનિસ્તાનના આ બૅટ્સમૅને પોતાની બાજુ મજબૂતાઇથી પકડી રાખી અને ઝડપથી રન પણ જોડતા ગયા.

આ દરમિયાન તેમણે આઇપીએલના ઇતિહાસમાં પણ પોતાનું નામ નોંધાવી દીધું.

ગુરબાઝે 44 બૉલમાં 57 રનની ઇનિંગ રમી અને આઇપીએલના ઇતિહાસમાં અર્ધશતક બનાવનાર પહેલાં અફઘાન ક્રિકેટર બની ગયા.

આઇપીએલ રેકર્ડ બુક

  • ચાર વર્ષ પછી ઇડન ગાર્ડન્સના મેદાન પર આઇપીએલની મૅચ રમાઈ.
  • શાર્દુલ ઠાકુરે પહેલીવાર આઇપીએલમાં અડધી સદી ફટકારી.
  • પોતાની 100મી આઇપીએલ મૅચમાં શૂન્ય પર આઉટ થયા આંદ્રે રસેલ.
  • સુનિલ નારાઇને આઇપીએલમાં ચોથીવાર વિરાટ કોહલીની વિકેટ લીધી.
  • રહમાનુલ્લાહ ગુરબાઝ (44 બૉલમાં 57 રન) આઇપીએલમાં અડધી સદી બનાવનાર અફઘાનિસ્તાનના પહેલાં ક્રિકેટર બની ગયા.
  • આઇપીએલ 2023માં અત્યાર સુધી 9 મૅચ રમાઈ ચૂકી છે. એમાંથી છ મૅચમાં પહેલાં બેટિંગ કરનાર ટીમ જીતી છે.

ઇડનમાં બીજી સૌથી મોટી જીત

ઇડન ગાર્ડન્સ પર આઇપીએલ ચાર વર્ષે પરત ફરી અને કોલકાતા નાઇટરાઇડર્સે આ મેદાન પર પોતાની બીજી સૌથી મોટી જીત (81 રને) મેળવી.

રસપ્રદ વાત એ છે કે ઘર આંગણે કોલકાતાની સૌથી મોટી જીત પણ આરસીબીની સામે વર્ષ 2017માં થઈ હતી. ત્યારે કેકેઆર 82 રને જીત્યું હતું.

એ મૅચમાં કોલકાતાએ બેંગલોરને આઇપીએલમાં તેમના સૌથી ઓછા સ્કોર 49 રને ઑલ આઉટ કર્યું હતું.

બીજો મોટો ટર્નિંગ પૉઇન્ટ

205 રનના લક્ષ્ય સામે વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસીના બૅટમાંથી રન વરસવા લાગ્યા હતા. 4.4 ઓવરમાં 44 રન બની ચૂક્યા હતા, તો એકવાર લાગ્યું કે બેંગલોરની ટીમ પહેલી મૅચની જેમ જ અહીં પણ જીતની તરફ આગળ વધી રહી હોય.

ત્યારે જ સુનીલ નારાઇને એ બૉલ નાખ્યો જે વિરાટ કોહલીના બૅટ અને પૅડની વચ્ચેથી જઈ સીધો સ્ટમ્પમાં લાગ્યો.

પછીની ઓવર નાખવા વરુણ ચક્રવર્તી આવ્યા અને તેમનો બૉલ ડુપ્લેસીના બૅટની અંદરના ખૂણે અડી સ્ટમ્પને અથડાયો તો આખું સ્ટેડિયમ ખુશીમાં ઝૂમવા લાગ્યું.

ત્યારબાદ તો આરસીબીની વિકેટ પાનખરની જેમ પડવા લાગી.

44 રન પર કોઈ નુકસાન વગરનો સ્કોર જ્યારે 86 રન પર આઠ વિકેટનું નુકસાન થઈ ચૂક્યું હતું જેમાં વરુણ ચક્રવર્તીની મુખ્ય ભૂમિકા રહી.

પ્રખ્યાત ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ ટ્વીટ કર્યું, “વરુણ ચક્રવર્તીની સણસણતી બૉલિંગ જોઈ આનંદ થયો. તેઓ એક અલગ બૉલર છે.”

તો બીજી બાજુ સુનિલ નારાઇન માટે તેમણે લખ્યું કે,”હું શરત મારી શકું કે સુનીલ નારાઇન 2047માં પણ કેકેઆર માટે બૉલિંગ કરતા હશે”

ઇમ્પૅક્ટ પ્લેયર સુયશ બન્યા મિસ્ટ્રી સ્પિનર

આવા સમયે જ્યારે એક બાજુ સુનિલ નારાઇન અને વરુણ ચક્રવર્તી પોતાની સ્પિન બૉલિંગ પર રૉયલ ચેલેન્જર્સ બેંગલોરના બૅટ્સમૅનોને પોતાના જાળમાં ફસાવી રહ્યા હતા ત્યારે ત્રીજા સ્પિનરના રૂપમાં ડેબ્યૂ કરી રહેલા સુયશ શર્માને બૉલ આપવામાં આવ્યો.

સુયશ એ મિસ્ટ્રી સ્પિનર છે જેના પર ખેલાડીઓની ઑક્શન વખતે કોલકાતાએ દાવ લગાવ્યો હતો.

એમના માટે કપ્તાન નીતીશ રાણા પોતે પણ કહેતા હતા કે તેઓ તેમને પહેલાંથી નથી ઓળખતા. મૅચ બાદ સુયશ માટે નીતીશ રાણાએ કહ્યું કે, “એ એક અલગ ક્રિકેટર છે. આમ તો તેઓ દિલ્હીથી છે, પણ અમે અહીંયાં જ કૅમ્પમાં મળ્યા”

સુયશ 19 વર્ષના છે અને લેગ બ્રેક બૉલિંગ કરે છે.

મોટી મૅચમાં પહેલીવાર રમી રહેલા સુયશે પોતાની બૉલિંગ પર બેંગલોરના બૅટ્સમૅનને ન માત્ર હેરાન કર્યા પણ વિકેટો પણ મેળવી.

સુયશ શર્માને ઇમ્પૅક્ટ પ્લેયરના રૂપમાં વેંકટેશ અય્યરની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

સુયશે ત્રણ વિકેટ લીધી અને મૅચમાં પોતાની ઇમ્પેક્ટ પણ સારી રીતે છોડી.

81 રનના અંતરથી મળેલી આ પહેલી જીતની સાથે કોલકાતા નાઇટરાઇડર્સ પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી ગઈ છે.

કોલકાતાનો નેટ રન રેટ 2.056 છે જે આઇપીએલની દસ ટીમમાં સૌથી સારો છે. જ્યાં રૉયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે અત્યાર સુધીમાં એક મૅચ જીતી છે, પણ આ મોટી હાર પછી નેટ રન રેટ -1.256 થઈ ગયો અને તે સાતમા નંબરે ખસી ગઈ.