You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL 2023 : એ ત્રણ ભૂલો જે ધોનીની ટીમે કરી અને ગુજરાત મૅચ જીતી ગયું
- લેેખક, અભિજીત શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
અમદાવાદથી આ વર્ષે આઈપીએલ 2023ની શરૂઆત ગત વર્ષની ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સની જીત સાથે થઈ છે. ચેન્નઈ સુપરકિંગ્સે ઋતુરાજ ગાયકવાડના 92 રનોની ઇનિંગની મદદથી 178 રન બનાવ્યા હતા. જે ગુજરાતે પાંચ વિકેટના નુકસાને છેલ્લી ઓવરના બીજા બૉલે જ બનાવી લીધા હતા.
ટૉસ બાદ મહેન્દ્રસિંહ ધોનીએ પણ કહ્યું હતું કે જો તેઓ ટૉસ જીત્યા હોત તો પહેલા બૉલિંગ જ પસંદ કરતા. પણ ઋતુરાજ ગાયકવાડની બૅટિંગ દરમિયાન ક્યાંય એવું ન લાગ્યું કે હાર્દિક પંડ્યાને ટૉસ જીતવાનો કોઈ ફાયદો મળ્યો હોય.
જોકે, અંબાતિ રાયડુ અને તેમના પછી શિવમ દુબેએ જે રીતે ધીમી ઇનિંગ રમી તો મૅચ બાદ ધોનીએ ખુદ કહેવું પડ્યું કે તેમની ટીમે 15-20 રન ઓછા બનાવ્યાં.
ધોનીએ કહ્યું, "અમને ખ્યાન હતો કે અહીં ઝાકળનાં ટીપાં પડશે. જો અમે 15-20 રન વધુ બનાવ્યા હોત તો સારું થાત."
ઋતુરાજ ગાયકવાડ શરૂઆતથી જ ચોગ્ગા અને છગ્ગા વરસાવીને આક્રમક બેટિંગ કરી રહ્યા હતા.
તો પછી ચેન્નઈ સુપરકિંગ્સથી ભૂલ ક્યાં થઈ?
IPL 2023: રેકૉર્ડ બુક
- IPLમાં ગુજરાત ટાઇટન્સ સામે ચેન્નઈ સુપરકિંગ્સનો આ સતત ત્રીજો પરાજય છે.
- IPL 2022માં ધોનીની ટીમ ગુજરાત સામેની બંને મૅચ હારી ગઈ હતી.
- ધોની પ્રથમ વખત IPLમાં આઠમા નંબરે બેટિંગ માટે આવ્યા હતા.
- મોહમ્મદ શમીએ લીધેલી ડેવોન કૉનવેની વિકેટ તેમની IPL કારકિર્દીની 100મી વિકેટ હતી.
- ઋતુરાજ ગાયકવાડે 9 છગ્ગા ફટકારીને મૅચમાં સૌથી વધુ 92 રન બનાવ્યા હતા.
- IPLના ઇતિહાસમાં પ્રથમ વખત ઈમ્પૅક્ટ પ્લેયરનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.
- તુષાર દેશપાંડે ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી પ્રથમ ઇમ્પૅક્ટ પ્લેયર બન્યાં.
- ગુજરાત ટાઇટન્સ તરફથી પ્રથમ ઇમ્પૅક્ટ પ્લેયર સાઈ સુદર્શન રહ્યાં.
પ્રથમ ભૂલ
શરૂઆતની નવ ઓવર સુધીમાં ચેન્નઈએ 90 રન બનાવી લીધા હતા. તે સમયે લાગતું હતું કે સ્કોર 200ને પાર પહોંચી જશે પરંતુ બેન સ્ટૉક્સ આઉટ થયા બાદ અંબાતિ રાયડુ અને બાદમાં શિવમ દુબે ઘણું ધીમે રમ્યા.
જાડેજા કે ધોની ખુદ પહેલાં પિચ પર આવી શકતા હતા પરંતુ તેમણે શિવમ દુબેને તક આપી. જેની સીધી અસર સામેની બાજુએ આક્રમક રીતે રમી રહેલાં ઋતુરાજ પર પડી. તેઓ જ્યારે 92 રન બનાવીને આઉટ થયા ત્યારે ત્રણ ઓવર બાકી હતી અને સ્કોર 151 રન જ હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ જ ઓવરમાં જાડેજા પણ આઉટ થયા અને 18મી ઓવરમાં માત્ર ચાર જ રન બની શક્યા. જાડેજા આઉટ થયા બાદ જ્યારે ધોની પીચ પર ઊતર્યાં ત્યારે માત્ર 14 બૉલ બાકી હતા અને શિવમ દુબે 15 બૉલ પર 11 રન બનાવીને રમી રહ્યા હતા. આ પહેલી વખત થયું હતું જ્યારે આઈપીએલમાં ધોની આઠમા નંબરે રમવા ઊતર્યા હોય.
અંતિમ ઓવરમાં ધોનીએ જે રીતે ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા, તેનાથી ચોક્કસ શક્ય હતું કે જો તેઓ પહેલા બેટિંગ માટે ઊતર્યા હોત તો ચેન્નઈનો સ્કોર 200ને પાર પહોંચી ગયો હોત.
બીજી ભૂલ
આ વખતે આઈપીએલમાં ઇમ્પૅક્ટ પ્લેયરનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે બંને ટીમો મૅચ દરમિયાન પોતાની પ્લેયિંગ ઇલેવન બહારના એક ખેલાડીને ટીમમાં સામેલ કરી શકે છે.
મહેન્દ્રસિંહ ધોનીએ બેટિંગ બાદ અંબાતિ રાયડુની જગ્યાએ ફાસ્ટ બૉલર તુષાર દેશપાંડેને સ્થાન આપ્યું.જ્યારે ગુજરાતે પોતાના ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે સાઈ સુદર્શનને ઉતાર્યા અને તેમણે 17 બૉલમાં 22 રન બનાવીને ગુજરાતની ઇનિંગમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું.
તુષાર દેશપાંડેની પસંદગી કરવાનો ધોનીએ લીધેલો નિર્ણય તેમને એટલી 'ઇમ્પૅક્ટ' ન અપાવી શક્યો જેટલી તેમની ટીમની આશા હતી.
તુષાર દેશપાંડે મૅચમાં સૌથી ખર્ચાળ બૉલર્સ પૈકીના એક રહ્યા અને તેઓ નો-બૉલની સમસ્યા સામે પણ ઝઝૂમતા જોવા મળ્યા.
ધોનીના નિર્ણય વિશે બોલ્યા આ પૂર્વ કપ્તાન
ધોનીએ મૅચ બાદ કહ્યું, "અમે નો-બૉલ સહન ન કરી શકીએ, જે નિયંત્રણમાં હોય છે."
ઇમ્પૅક્ટની વાત તો દૂર તુષાર દેશપાંડે આ મૅચના સૌથી મોંઘા બૉલર સાબિત થયા. તેમણે 3.2 ઓવરમાં 15.30ની ઇકોનૉમીથી 51 રન આપ્યા.
હા, તુષાર દેશપાંડેની એટલી ઇમ્પૅક્ટ જરૂર રહી કે તેમણે શુભમન ગિલની કિંમતી વિકેટ મેળવી.
આ મૅચ પર ચર્ચા દરમિયાન ઇંગ્લૅન્ડના પૂર્વ કપ્તાન ઇયોન મૉર્ગને એ કારણ આપ્યું જે તુષાર દેશપાંડેને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે ઉતારવા પાછળ ધોનીનો હેતુ હોઈ શકે છે.
મૉર્ગને કહ્યું, "ધોની જાણે છે કે તેઓ શું કરી રહ્યા છે. તેઓ પોતાના ખેલાડીઓને વધુમાં વધુ તક આપે છે. ઋતુરાજ ગાયકવાડ તેનું ઉત્તમ ઉદાહરણ છે."
તેઓ કહે છે, "આજે જ્યારે પ્રથમ મૅચ હતી ત્યારે ધોનીએ ન માત્ર તુષાર દેશપાંડેને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે ઉતાર્યા પરંતુ એ કપરા સમયે બૉલિંગ આપી જ્યારે દબાણ ચરમસીમાએ હોય છે."
ધોની અને મૉર્ગનની કપ્તાનીની તુલના કરવા પર એક વખત મોઇન અલીએ કહ્યું હતું કે બંનેના વિચારમાં વધારે અંતર નથી. મોઇન અલી એ ક્રિકેટર છે જે બંને દિગ્ગજોની કપ્તાનીમાં રમી ચૂક્યા છે.
ઇમ્પૅક્ટ પ્લેયર
ગુજરાતની જીત થઈ છે પરંતુ આ મૅચમાં હાર્દિક પંડ્યા અને મહેન્દ્રસિંહ ધોની બંને 'ઇમ્પૅક્ટ પ્લેયર'ને લઈને અસમંજસની સ્થિતિમાં જોવા મળ્યા.
ટૉસ પહેલાં જ્યારે હાર્દિક પંડ્યાને ઇમ્પૅક્ટ પ્લેયર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, "એ(ઇમ્પૅક્ટ પ્લેયર) અલગ છે, મેં તેને કોચ (આશિષ નેહરા) પર છોડી દીધું છે. તેમણે એના માટે ઘણી મહેનત કરી છે કે એ કોણ હશે. મને એ વિશે વધારે ખ્યાલ નથી."
ગુજરાત તરફથી ઇમ્પૅક્ટ પ્લેયર સાઈ સુદર્શને 22 રન બનાવ્યા તો હાર્દિક મૅચ બાદ બોલ્યા, "ઇમ્પૅક્ટ પ્લેયરના નિયમે મારું કામ ઘણું અઘરું કરી દીધું છે કારણ કે અમારી પાસે ઘણા સારા ક્રિકેટર્સ છે."
ધોનીએ ટૉસ વખતે કહ્યું, "ઇમ્પૅક્ટ પ્લેયરનો નિયમ એક લક્ઝરી છે. તેનાંથી નિર્ણય લેવો સરળ થઈ જાય છે, કારણ કે તેનો ઉપયોગ ગમે ત્યારે કરી શકાય છે."
ધોનીએ કહ્યું, "આ નિયમના કારણે ઑલરાઉન્ડનું મહત્ત્વ થોડુંક ઓછું થઈ જાય છે પરંતુ એ ટીમની બૅન્ચ સ્ટ્રૅન્થ પર નિર્ભર કરે છે."
ગુજરાત ટાઇટન્સના બેટિંગ કોચ ગૅરી કર્સ્ટને કહ્યું કે તમામ ટીમો આ નિયમને લઈને અસમંજસની સ્થિતિમાં છે.
તેમણે કહ્યું કે જ્યાં બંને ટીમોને એક લાભ મળે છે પણ ત્યાં સાથેસાથે મૂંઝવણ પણ જોવા મળી રહી છે.
મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં જ્યારે ભારતે વર્ષ 2011માં વર્લ્ડકપ જીત્યો હતો ત્યારે ગૅરી કર્સ્ટન જ ભારતીય ક્રિકેટ ટીમના કોચ હતા.