મુંબઈના અડધોઅડધ હીરાના વેપારી તેમનો ધંધો સુરત કેમ ખસેડી રહ્યા છે?

    • લેેખક, પ્રાજક્તા પોલ
    • પદ, બીબીસી સંવાદદાતા

વલ્લભભાઈ લાખાણી મુંબઈ ડાયમંડ ઍસોસિયેશનના અધ્યક્ષ છે. તેઓ 1980માં ભાવનગરથી મુંબઈ આવ્યા હતા. તેમણે મુંબઈમાં હીરાનો કારોબાર શરૂ કર્યો હતો. ધીમેધીમે આ કારોબાર વધતો ગયો. સુરતમાં હીરાની બનાવટ થાય અને મુંબઈથી તેનું વેચાણ થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ હતી.

ત્યારપછી તેમણે મુંબઈના બીકેસી (બાંદ્રા-કુર્લા કૉમ્પલેક્સ)માં તેમની ઑફિસ બનાવી હતી. આજે તેમની કંપની કિરણ જેમ્સ પ્રાઇવેટ લિમિટેડનું વાર્ષિક ટર્નઓવર 20 હજાર કરોડ રૂપિયા છે. પરંતુ આટલાં વર્ષો પછી મુંબઈમાં વધતો ખર્ચ, ફુગાવો અને પ્રવાસમાં લાગતા સમયને ધ્યાનમાં રાખીને તેમણે પોતાનો આ વ્યવસાય સુરત ખસેડવાનું નક્કી કર્યું.

પરંતુ સવાલ એ છે કે શું આટલો મોટો ધંધો તેમણે માત્ર મોંઘવારીને કારણે સ્થળાંતરિત કરવાનું નક્કી કર્યું હશે? કે પછી બીજાં કારણો પણ હશે?

આ મુદ્દે વાત કરતા વલ્લભભાઈ કહે છે, “અમે કોઈથી નારાજ થતા નથી. કેન્દ્ર સરકારનો ટેક્સ બધાં રાજ્યોમાં એકસરખો છે. પરંતુ મુંબઈમાં મોંઘવારીની સમસ્યા મોટી છે. મુંબઈના બીકેસીમાં પ્રોપર્ટીની કિંમત અન્ય ચીજોની કિંમત સુરત કરતાં 10 ગણી વધુ છે. જો તેનાથી પૈસાની બચત થાય તો અમે અમારા ગ્રાહકોને 2-5 ટકા ઓછી કિંમતે માલ વેચી શકીએ. તેનાથી ગ્રાહકોને ફાયદો થશે.”

"તેનાથી નાના વેપારીઓને ફાયદો થશે. એટલે નાના વેપારીઓને સુરતમાં તેમનો વ્યવસાય સ્થળાંતરિત કરવાનો આગ્રહ કરવામાં આવ્યો. મેં જ તેની પહેલ કરી હતી. હું 21 નવેમ્બરે મારી આખી કંપની મુંબઈથી સુરત લઈ જઈ રહ્યો છું. મુંબઈના લગભગ 50 ટકા હીરાના વેપારીઓ તેમનો વ્યવસાય સુરતના હીરા બજારમાં ખસેડી રહ્યા છે."

તેઓ કંપનીના કર્મચારીઓ માટે ટાઉનશિપ પણ બનાવી રહ્યા છે. મુંબઈથી હજારો કામદારો સુરત આવશે. વલ્લભભાઈ લાખાણીની કંપની કિરણ જેમ્સ પ્રાઇવેટ લિમિટેડ મુંબઈથી સુરતના ડાયમંડ બુર્સમાં શિફ્ટ થઈ રહી છે. તે આમ કરનાર પહેલી પ્રાઇવેટ લિમિટેડ કંપની હશે.

શું સુરત ડાયમંડ ઍક્સચેન્જ મુંબઈની ખાધની ભરપાઈ કરશે?

આ બધા વેપારીઓ તેમનો કારોબાર શાનદાર સુરત ડાયમંડ બજારમાં લઈ જઈ રહ્યા છે. સુરતના હીરા વેપારીઓએ અંદાજે 3400 કરોડ રૂપિયા ખર્ચીને વિશ્વસ્તરીય હીરા વેપાર કેન્દ્ર બનાવ્યું છે.

અત્યાર સુધી અમેરિકાના પેન્ટાગોનને દુનિયાની સૌથી મોટી ઇમારત તરીકે ગણવામાં આવતી હતી. પરંતુ સુરતના વેપારીઓનું કહેવું છે કે સુરતના ડાયમંડ બુર્સને દુનિયાની સૌથી મોટી ઇમારતનો ખિતાબ આપવામાં આવ્યો છે.

મુંબઈના બીકેસીમાં આવેલું ભારત ડાયમંડ બુર્સ એક વિશ્વસ્તરીય ડાયમંડ કૉમ્પલેક્સ છે. તેમાં 2500 ઑફિસો છે. તેનું ક્ષેત્રફળ 2 લાખ સ્ક્વેર ફૂટ છે. આ બિલ્ડિંગમાં એકસાથે 40 હજાર લોકો આવી શકે છે.

સુરત ડાયમંડ બુર્સની ક્ષમતા તેનાથી પણ વધારી દેવામાં આવી છે. આ ઇમારત એકસાથે 1 લાખ લોકોને સમાવી શકે છે. તે 6 લાખ 60 હજાર સ્ક્વેર ફૂટનું ક્ષેત્રફળ ધરાવે છે. આ ઇમારતમાં 4700થી વધુ ઑફિસ બની શકે છે. આ ઇમારતમાં 9 ટાવર છે.

સુરત ડાયમંડ બુર્સના મૅનેજમૅન્ટે જણાવ્યું છે કે 16 માળની આ ઇમારત 81.9 મીટર ઊંચી છે. આ બિલ્ડિંગમાં અનેક આધુનિક સુવિધા છે.

આ ઇમારત બનાવતા 4 વર્ષનો સમય લાગ્યો છે. આ હીરા વેપાર કેન્દ્રનું ઉદ્ઘાટન 17 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે.

સુરત ડાયમંડ બુર્સ સાથે સંકળાયેલા દિનેશ નાવડિયા કહે છે, “બીકેસી બુર્સમાં મારી ભાડા પર એક નાની ઑફિસ છે. પરંતુ વધુ પડતું ભાડું, મુંબઈમાં પ્રવાસ માટે લાગતો સમય અને અન્ય ખર્ચ ખૂબ વધી જાય છે. તેના કારણે અમે અમારો ધંધો સુરત ખસેડવા માટે મજબૂર થયા છીએ. ઉદ્યોગ માટેની તમામ જરૂરી નવીનતમ સુવિધાઓ સુરત ડાયમંડ બુર્સમાં છે. એ પરિસ્થિતિમાં સુરતમાં ઓછા ખર્ચે ધંધો કરી શકાશે.”

સુરતમાં હીરાનાં અસંખ્ય કારખાનાં છે. હીરાનું સૌથી વધુ ઉત્પાદન સુરતમાં થાય છે. દુનિયામાં મળતા 11 પ્રકારના હીરામાંથી 9 પ્રકારના હીરા સુરતમાં મળી આવે છે. હીરાના ઉત્પાદન માટે જરૂરી કાચો માલ સુરતથી આવે છે.

સુરતનાં કારખાનાંમાં બનેલા હીરાની દુનિયાભરમાં નિકાસ કરવા માટે ગુજરાતથી મુંબઈ, જયપુર અને દિલ્હી જવું પડે છે.

કસ્ટમ હાઉસ અને મુંબઈની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીને કારણે મુંબઈ હીરાના વેપારનું કેન્દ્ર બની ગયું. પરંતુ ગુજરાત સરકાર સુરત ડાયમંડ બુર્સમાં એક મોટું કસ્ટમ હાઉસ શરૂ કરી રહી છે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ પણ વધારવામાં આવશે.

કેન્દ્ર સરકારે પણ સુરતથી વધુમાં વધુ દેશો માટે વિમાની સેવાઓ શરૂ કરવાનો વાયદો કર્યો છે.

વેપારીઓનું કહેવું છે કે જો આ વિમાન સેવા શરૂ થઈ જશે તો કનેક્ટિવિટી માટે મુંબઈની જરૂર નહીં પડે.

તો શું હવે આખું બજાર સુરત તરફ જશે? હીરાના વેપારી ઘનશ્યામ ધોળકિયા કહે છે, “અમને મહારાષ્ટ્ર સામે કોઈ ફરિયાદ નથી. ટેક્સ તો કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવે છે. તેથી આ ટેક્સ તમામ રાજ્યોમાં સમાન છે. અમારું ઉત્પાદન સુરતમાં થાય છે. કોવિડ પછી ભારતીય ગ્રાહકોમાં ઘટાડો થયો છે. તેથી જ મોટા ભાગના હીરાની નિકાસ થાય છે."

મુંબઈના ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ અને કસ્ટમ હાઉસને આનો ફાયદો થશે. હીરાની નિકાસ કરવી હોય તો મુંબઈથી કરો કે સુરતથી તેમાં કોઈ ફર્ક પડતો નથી. હવે એ સુવિધાઓ પણ છે. ઊલટું ખર્ચ પણ ઘટી રહ્યો છે. પરંતુ તમામ વેપારીઓ ગુજરાત જવાના નથી. જેમનો મુંબઈમાં વેપાર છે તેઓ અહીં જ રહેશે.

કારોબાર ગુજરાત જવા પર રાજકારણ

વેદાંત ફૉક્સકોનનો 1 લાખ 54 હજાર કરોડનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રને બદલે ગુજરાતમાં ગયો. તે જ સમયે ટાટા એરબસનો 21935 કરોડનો મોટો પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં આવવાનો હતો પરંતુ તે ગુજરાતમાં ગયો.

મહારાષ્ટ્રમાં વિપક્ષી દળોએ આ અંગે ભાજપની સરકારની ટીકા કરી હતી. હવે વિરોધ પક્ષો ટીકા કરી રહ્યા છે કે મુંબઈથી સુરત ડાયમંડ બુર્સમાં વેપારીઓના સ્થળાંતરણને કારણે ભાજપ મુંબઈનું મહત્ત્વ ઘટાડવાની કોશિશ કરી રહ્યો છે.

એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ ટ્વીટ કરીને રાજ્યની ઔદ્યોગિક નીતિની આલોચના કરી છે.

તેમણે કહ્યું, "મુંબઈનો હીરા ઉદ્યોગ હવે સંપૂર્ણપણે ગુજરાત જઈ રહ્યો છે. ઘણા હીરાના વેપારીઓ સુરત ડાયમંડ બુર્સ બિલ્ડિંગમાં સ્થળાંતર કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાંથી વધુ એક મહત્ત્વનો ઉદ્યોગ જતો રહ્યો છે અને ભાજપ સતત મુંબઈનું મહત્ત્વ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. રાજ્યના મુખ્ય મંત્રીને તેમની ઔદ્યોગિક નીતિ ક્યાં ખોટી પડી રહી છે તેની સમીક્ષા કરવાની જરૂર છે. દુખની વાત એ છે કે સરકારના આ સંવેદનહીન વલણને કારણે મહારાષ્ટ્રના યુવાનોના અધિકારો છીનવાઈ રહ્યા છે."

રાજ્યના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે સુપ્રિયા સુલેની ટીકાનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે દેશનું સૌથી મોટું ડાયમંડ ક્લસ્ટર નવી મુંબઈમાં હશે.

આ વિશે વધુ વાત કરતાં તેમણે કહ્યું કે, "દેશના મોટા ભાગના લોકો નવી મુંબઈ અને મહારાષ્ટ્રમાં આવશે. વેપાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રવાહિત થતો હોય છે. હું સુરતથી નંદુરબાર અને નવાપુર ગયો, જ્યાં ગુજરાતમાંથી એક ટેક્સટાઈલ કંપની આવી રહી છે. દેશનું સૌથી મોટું ડાયમંડ ક્લસ્ટર નવી મુંબઈમાં હશે. તેમાં રોકાણ કર્યા પછી, ઉદ્યોગ મંત્રી તરીકે હું જ તમને જણાવીશ કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલા ઉદ્યોગો છે."