કૉંગ્રેસ નીલેશ કુંભાણી સામે પગલાં લેવામાં મોળી પડી રહી છે?

Nilesh Kumbhani

ઇમેજ સ્રોત, Nilesh Kumbhani, Congress / Facebook

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું પરિણામ 4 જૂને જાહેર થાય એ પહેલાં જ ભારતીય જનતા પક્ષે (ભાજપ) રાજ્યની 26 બેઠકોમાંથી એક બેઠક જીતી લીધી છે. સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ તેની પાછળ કૉંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ થઈ જવું એ સૌથી મોટું કારણ હતું. કૉંગ્રેસના ઉમેદવારનું ફૉર્મ રદ થયા બાદ પાર્ટી ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગઈ હતી.

ફૉર્મ રદ થયા બાદ નીલેશ કુંભાણી સંપર્કવિહોણા થઈ ગયા હતા અને કૉંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ તેમના ઘરે જઈને વિરોધ કર્યો હતો. સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ ગયા અને સામે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીએ નિવેદનો કર્યા અને ભાજપ સામે આક્ષેપો કર્યા.

20 દિવસ બાદ નીલેશ કુંભાણી મીડિયા સમક્ષ આવ્યા હતા અને કૉંગ્રેસ પક્ષ અને તેની નેતાગીરી સામે અનેક આક્ષેપ કર્યા હતા. જોકે કૉંગ્રેસે નીલેશ કુંભાણીને ઔપચારિક રીતે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા સિવાય હજી સુધી કોઈ ફરીયાદ અથવા કાયદાકીય પગલાં લીધાં નથી.

કૉંગ્રેસ પાસે શું વિકલ્પ છે?

કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, NILESH KUMBHANI/FB

નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ થયા થોડા દિવસ બાદ અમદાવાદમાં કૉંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે ચૂંટણી બાદ પાર્ટી નીલેશ કુંભાણી સામે કાયદાકીય પગલાં લેશે. તેમણે રિર્ટનિંગ ઑફિસરના નિર્ણય સામે પણ સવાલ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, "વ્યક્તિની સહી સાચી છે કે ખોટી તે વિશે રિટર્નિંગ ઑફિસર કોઈ નિર્ણય લઈ શકે નહીં. તેઓ માત્ર એ નિર્ણય લઈ શકે છે કે સામે ઊભેલી વ્યક્તિ સાચી છે કે નહીં. ફૉરેન્સિક પુરાવા વગર તેઓ નક્કી ન કરી શકે કે સહી સાચી છે કે ખોટી. અહીં હાર જીતની નહીં પણ મૂલ્યોની વાત થઈ રહી છે."

આ મુદ્દે કાયદાકીય લડત વિશે પૂછતાં તેમણે કહ્યું કે ચૂંટણી પછી કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ લીગલ સેલના સભ્ય ઝમીર શેખ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, "પાર્ટી આ મુદ્દે અરજી દાખલ કરવાની છે. એક ગુજરાત હાઈકોર્ટમાં અને બીજી સુરતની સ્થાનિક કોર્ટમાં. હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન ફાઇલ કરીશું, જેમાં બિનહરીફ જાહેર થવાની પ્રક્રિયા સામે હશે. આ પિટિશન ફૉર્મ રદ થવાના 45 દિવસની અંદર ફાઇલ કરવાની હોય છે અને અમારી પાસે હજી સમય છે. અમે થોડા દિવસોની અંદર આ પિટિશન ફાઇલ કરીશું."

"અમે સુરત પોલીસને નીલેશ કુંભાણી અને તેમના ટેકેદારો સામે છેતરપિંડીનો કેસ કરવા માટે તારીખ છ મેના રોજ અરજી કરી છે. પોલીસને સાત દિવસમાં એફઆઈઆર નોંધવા માટે વિનંતી કરી છે. જો પોલીસ ફરિયાદ નહીં નોંધે તો અમે સુરતની સ્થાનિક કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ કરીશું."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

"કુંભાણીના ટેકેદારોએ સહી કરી હોવા છતાં દાવો કર્યો કે સહી તેમની નથી. આમ કહીને તેમણે છેતરપિંડી કરી છે. અમે ફૉરેન્સિક લેબમાં હેન્ડરાઇટીંગ ઍક્સ્પર્ટ પાસે તપાસ કરાવી છે, જેમાં તેઓ સ્વીકારે છે કે ફૉર્મમાં જે સહી હતી તે ટેકેદારોએ જ કરી હતી."

નિષ્ણાતો અનુસાર ચૂંટણી આચાર સંહિતા અમલમાં હોય ત્યારે કોર્ટ ચૂંટણીની લગતા કોઈ પણ મામલામાં હસ્તક્ષેપ કરી શકે નહીં. ચૂંટણી પરિણામ આવી ગયા બાદ અને આચારસંહિતા પૂર્ણ થઈ ગયા બાદ કોર્ટ જરૂર આ મામલે સુનાવણી હાથ ધરી શકે છે. જો કોર્ટને લાગે તો સુરત લોકસભા બેઠકમાં ચૂંટણી માટેનો ઑર્ડર પણ કરી શકે છે.

ઍસોસિયેશન ફૉર ડેમૉક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના ફાઉન્ડર મેમ્બર પ્રોફેસર જગદીપ છોકર બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે, "સુરત લોકસભા બેઠકમાં ચૂંટણી થઈ શકે કે નહીં તેનો સમગ્ર મદાર અરજીકર્તા પર છે, જે આ કેસમાં કૉંગ્રેસ પાર્ટી છે."

"સુનાવણી દરમિયાન જો કૉંગ્રેસ પાર્ટી મજબૂત રીતે દલીલ કરે અને બધી વિગતો રજૂ કરે તો કોર્ટ આ મામલે કોઈ નિર્ણય લઈ શકે છે."

"ચુકાદો આપતા પહેલાં કોર્ટ વિવિધ પાસાંનું અવલોકન કરશે અને જો કોર્ટને લાગે કે પ્રક્રિયામાં ચૂક હતી તો કોર્ટ પુનઃ ચૂંટણી માટેનો હુકમ કરી શકે છે."

સુરતમાં પુન: ચૂંટણી શક્ય છે?

 ચૂંટણી બાબતે રિર્ટનીંગ ઑફિસર પાસે અમુક સત્તાઓ છે, જેનો તેઓ અમલમાં મૂકી શકે છે.

ઇમેજ સ્રોત, BBC/RUPESH SONAWANE

ઇમેજ કૅપ્શન, ચૂંટણી બાબતે રિર્ટનિંગ ઑફિસર પાસે અમુક સત્તાઓ છે, જેનો તેઓ અમલમાં મૂકી શકે છે

સુરત લોકસભા બેઠકમાં બિનહરીફ જાહેર થયા બાદ કૉંગ્રેસના નેતાઓનો આરોપ છે કે ભાજપે લોકોના મતદાનનો અધિકાર છીનવી લીધો છે. પાર્ટીના નેતાઓ કહે છે કે કોઈ ઉમેદવાર ન હોય તો પણ વહીવટીતંત્રને નોટા સાથે ચૂંટણી યોજવી જોઈતી હતી.

વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા અને કૉંગ્રેસ લીગલ સેલમાં કાર્યરત યોગેશ રવાણી બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, "ચૂંટણી થવી જરૂરી છે જેથી લોકોનો લોકશાહીમાં ભરોસો જળવાઈ રહે."

"રિપ્રેઝન્ટેશન ઑફ પીપલ્સ ઍક્ટ પ્રમાણે કોર્ટ સમગ્ર કેસનો અભ્યાસ કરીને યોગ્ય નિર્ણય લઈ શકે છે. કોર્ટ આ મામલે ચોક્કસ નિર્ણય લઈ શકે છે. ઇતિહાસમાં દાખલો છે જ્યારે અલાહાબાદ હાઈકોર્ટે વડાં પ્રધાન ઇંદિરા ગાંધીની ચૂંટણી રદ કરી દીધી હતી."

નિષ્ણાતો અનુસાર જો ચૂંટણી બાબતે રિર્ટર્નિંગ ઑફિસર પાસે કેટલીક સત્તાઓ છે, જેને તેઓ અમલમાં મૂકી શકે છે.

જગદીપ છોકર કહે છે કે, "ચૂંટણીપંચના કાયદા પ્રમાણે જો ચૂંટણીમાં એક જ ઉમેદવાર હોય તો રિટર્નિંગ ઑફિસર બેઠકને બિનહરીફ જાહેર કરી શકે છે. અધિકારી એવું કહી શકે છે કે બેઠકમાં ચૂંટણીની જરૂર નથી."

"કાયદા પ્રમાણે ચૂંટણીમાં જો નોટા અને એક જ ઉમેદવાર વચ્ચે ચૂંટણી થાય છે અને નોટામાં 99.99 ટકા મતદાન થાય તો પણ ઉમેદવારને જ વિજેતા જાહેર કરવામાં આવશે. સુરતની બેઠકમાં એક જ ઉમેદવાર હતા અને એટલે રિટર્નિંગ ઑફિસરે કાયદા પ્રમાણે નિર્ણય કર્યો છે, પરંતુ કૉંગ્રેસ તેને કોર્ટમાં પડકારી શકે છે."

બીબીસી સંવવાદાતા જય શુક્લ સાથે વાત કરતાં સુરત કલેક્ટર ડૉ. સૌરભ પારધી કહે છે કે, "ભારતીય ચૂંટણીપંચની જે માર્ગદર્શિકા છે તે પ્રમાણે જો એક જ ઉમેદવાર હોય તો ચૂંટણી યોજવાની જરૂર રહેતી નથી અને તેમને બિનહરીફ જાહેર કરી શકાય છે."

કુંભાણીને અમે સસ્પેન્ડ કર્યા છેઃ કૉંગ્રેસ

નીલેશ કુંભાણી

ઇમેજ સ્રોત, BBC/ SHEETAL PATEL

ઇમેજ કૅપ્શન, નીલેશ કુંભાણી

સુરતમાં કૉંગ્રેસની ચૂંટણી લડવા માટેની જે તૈયારીઓ હતી તેના પર નીલેશ કુંભાણીના ફૉર્મ રદ થવાના કારણે પાણી ફરી વળ્યું હતું. સુરતની સ્થાનિક નેતાગીરીએ તે વખતે નીલેશ કુંભાણી પર આક્ષેપ કર્યો હતો કે તેમને સામે ચાલીને ભાજપને તક આપી છે.

કૉંગ્રેસના કાર્યકર્તાઓએ નીલેશ કુંભાણીના ઘરે જઈને પોસ્ટરો પણ લગાવ્યાં હતાં. પક્ષ વિરોધી કાર્ય માટે આકરી સજા થાય તેની પણ માગ કરી હતી.

સુરત કૉંગ્રેસના નેતા અસલમ સાઇકલવાલા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે,"નીલેશ કુંભાણીએ જે ત્રણ લોકોના ટેકેદાર તરીકે ફૉર્મમાં સહી કરાવી છે તે વિશે કૉંગ્રેસ પાર્ટી અને તેના નેતાઓને કોઈ જાણ નહોતી. પક્ષ દ્વારા આ વિશે કોઈ તપાસ પણ કરાઈ નહોતી, કારણકે ત્રણેય તેમના સંબંધી થાય છે. અમે નીલેશ કુંભાણી સામે કાયદાકીય પગલાં લેવાની માંગ કરી છે."

21 એપ્રિલના રોજ નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ કરવામાં આવ્યું હતું અને 26 એપ્રિલે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસની શિસ્ત સમિતિએ સુરતના કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. પરંતુ ત્યાર બાદ નીલેશ કુંભાણી સામે હજી સુધી કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવ્યાં નથી.

કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસ પાર્ટી નીલેશ કુંભાણી સામે કેવાં પગલા લેશે? તેના જવાબમાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "અમે તેમને સસ્પેન્ડ કરી દીધા છે અને હવે અમે ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન ફાઇલ કરીશું, જે ભાજપના ઉમેદવારને બિનહરીફ જાહેર કરવાની પ્રક્રિયા થઈ તેની સામે હશે. અમે આ મુદ્દે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપીશું."

"હાલમાં આ મુદ્દે કાયદાકીય લડત આપવાના છીએ અને એટલા માટે હું વધુ માહિતી આપવાની સ્થિતિમાં નથી. નીલેશ કુંભાણી સામે પાર્ટીએ કાર્યવાહી કરી છે અને અમે કાયકાકીય લડત પણ ચલાવીશું."

કૉંગ્રેસ નેતાઓ અને પાર્ટી સામેના આક્ષેપો વિશે પૂછતાં તેમણે કહ્યું કે નીલેશ કુંભાણીના આક્ષેપોમાં કોઈ તથ્ય નથી.

રાજકીય વિશ્લેષક અજય ઉમટ કહે છે કે, "કૉંગ્રેસે આ સમગ્ર ઘટનામાં પાર્ટી સ્તરે કાર્યવાહી કરી છે. પરંતુ હજી સુધી કોર્ટમાં ગઈ નથી. આ મામલામાં પાર્ટીએ કોર્ટ જવું જોઈએ કારણ કે ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈને પણ ઘણો સમય થઈ ગયો છે."

જોકે, કૉંગ્રેસ અનુસાર તેઓ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં મોડા નથી.

ઝમીર શેખ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "પાર્ટી પાસે આ મામલે પિટિશન કરવા માટે 2 જૂન સુધીનો સમય છે. મે મહિનાના ત્રીજા અઠવાડિયામાં પાર્ટી ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરશે અને ત્યાર બાદ સુરતની સ્થાનિક કોર્ટમાં પણ પિટિશન ફાઇલ કરશે.

નીલેશ કુંભાણી મામલો શું છે?

મુકેશ દલાલ અને સી.આર.પાટીલ

ઇમેજ સ્રોત, @BJP4GUJARAT

ઇમેજ કૅપ્શન, મુકેશ દલાલ અને સી.આર.પાટીલ

ગુજરાતમાં લોકસભા ચૂંટણી અગાઉ સુરતના કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફૉર્મ રદ કરી દેવાયું હતું અને ભાજપના મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા.

કૉંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીના ઉમેદવારીપત્રક અંગે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે નીલેશ કુંભાણીના ટેકેદારોની સહી યોગ્ય નથી. વિવાદ બાદ કૉંગ્રેસના ઉમેદવારના ટેકેદારો હાજર ન થતાં આ ફૉર્મ રદ થયું હતું.

આ મામલે રિટર્નિંગ ઑફિસર સમક્ષ બંને પક્ષોએ પોતપોતાની દલીલો રજૂ કરી હતી અને પછી ચુકાદો આપવામાં આવ્યો છે.

નીલેશ કુંભાણીના ટેકેદારો તરીકે જે ચાર વ્યક્તિઓએ સહી કરી હતી તેમાંથી ત્રણ લોકોએ સોગંદનામું કર્યું હતું કે તેમણે આ ફૉર્મમાં સહી કરી નથી. આથી, કલેક્ટરે નીલેશ કુંભાણી પાસેથી ખુલાસો માગ્યો હતો.

ત્યાર બાદ નીલેશ કુંભાણીએ એવો દાવો કર્યો હતો કે તેમના ટેકેદારો હાજર થશે. જોકે, તેમના ટેકેદારો હાજર થયા ન હતા અને રિટર્નિંગ ઑફિસર સામે બંને પક્ષોએ પોતપોતાની દલીલો રજૂ કરી હતી. બાદમાં તેમનું ફૉર્મ રદ કરી દેવાયું હતું.

ફૉર્મ રદ થઈ જતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ અને નાના પક્ષોના આઠ ઉમેદવારો વચ્ચે ચૂંટણી થાય એવાં સંજોગો ઊભા થયા હતા. પરંતુ ગણતરીના કલાકોમાં બધા આઠ ઉમેદવારોએ ફૉર્મ પરત ખેંચી લેતા મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.