You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL: મૅચનો છેલ્લો 'નો બૉલ' રાજસ્થાનના 214 રન પર કેવી રીતે ભારે પડ્યો?
- લેેખક, પ્રિયંકા ઝા
- પદ, બીબીસી સંવાદદાતા
રવિવારે આઈપીએલની બે મૅચ રમાઈ હતી.
ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચે રમાયેલી પ્રથમ મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગુજરાત જીતી ગયું હોવા છતાં, આ મૅચ ફીકી રહી હતી.
જ્યારે રાજસ્થાન રૉયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની બીજી મૅચમાં દર્શકોના છેલ્લા બૉલ સુધી ‘પૈસા વસૂલ’ જેવો રોમાંચ જોવા મળ્યો હતો.
જે મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ફરી એક વાર મજબૂત સ્થિતિમાં જોવા મળ્યું ન હતું, એ મૅચ ટીમે ચાર વિકેટે જીતી લીધી હતી.
રાજસ્થાન રૉયલ્સે 214 રનનો સ્કોર ખડક્યો હતો, તેમ છતાં હારી ગયું.
આ જીતની સ્ક્રિપ્ટ લખનાર એક પણ ખેલાડી નહોતા, પરંતુ જો છેલ્લા બૉલ પર જે થયું, એ ન થયું હોત તો આ મૅચ રાજસ્થાન રૉયલ્સના હાથમાં હોત.
છગ્ગાની હૅટ્રિકથી મૅચમાં વાપસી
ટૉસ જીત્યા બાદ રાજસ્થાન રૉયલ્સે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને 20 ઓવરમાં 214 રન બનાવ્યા હતા.
રાજસ્થાનથી કપ્તાન સંજુ સૅમસન, જૉસ બટલર અને યશસ્વી જયસ્વાલ ત્રણેયે શાનદાર ઇનિંગ રમી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હૈદરાબાદ બૉલિંગ બાદ બેટિંગ દરમિયાન પણ સંપૂર્ણ રીતે દબાણમાં જોવા મળ્યું હતું.
14મી ઓવર સુધીમાં સ્થિતિ એવી હતી કે ટીમને દરેક ઓવરમાં સરેરાશ 14 રનની જરૂર હતી.
18મી ઓવર સુધીમાં મૅચ સંપૂર્ણ રીતે સનરાઇઝર્સ હૈદરાબાદના હાથમાંથી નીકળી ગઈ હતી.
હૈદરાબાદે 5 વિકેટે ગુમાવીને 174 રન બનાવ્યા હતા.
ટીમને હજુ પણ 41 રનની જરૂર હતી, જે માત્ર 12 બૉલમાં બનાવવા લગભગ અશક્ય લાગતા હતા.
19મી ઓવરમાં બૉલિંગ માટે કુલદીપ યાદવ આવ્યા હતા. તેમની સામે હૈદરાબાદમાંથી ગ્લેન ફિલિપ્સ બેટિંગ કરી રહ્યા હતા.
યાદવે ફિલિપ્સને ફુલ ટૉસ બૉલ ફેક્યો હતો, જેનો ફાયદો ઉઠાવીને ગ્લેને શાનદાર છગ્ગા ફટકાર્યા હતા.
બે બૉલમાં બે છગ્ગા ફટકાર્યા બાદ ટીમને 10 બૉલમાં 29 રન જોઈતા હતા. જોકે ગ્લેને પછીના બે બૉલમાં પણ એક છગ્ગો અને ચોગ્ગો ફટકાર્યા હતા.
આ શૉટ્સના કારણે મૅચ હૈદરાબાદ તરફ આવી ગઈ હતી, પરંતુ પછીના બૉલમાં ગ્લેન ફિલિપ્સ આઉટ થઈ ગયા અને ટીમનો સ્કોર 196 રન પર 6 વિકેટ થઈ ગયો હતો.
જોકે માર્કો જૅનસને આ ઓવરના છેલ્લા બૉલ પર બે રન બનાવ્યા અને ટીમની જીતની આશા જીવંત રહી હતી.
એક નો બૉલે રાજસ્થાન પાસેથી છીનવી જીત
હવે છેલ્લી ઓવરની વાત. અંતિમ છ બૉલ પર હૈદરાબાદને 17 રનની જરૂર હતી.
આઈપીએલની અંતિમ ઓવરમાં આમ સામાન્ય રીતે 20થી વધુ રન હોય તો પણ થઈ જતા હોય છે.
સંદીપ શર્મા અંતિમ ઓવર ફેકવા આવ્યા હતા.
પ્રથમ બૉલ પર હૈદરાબાદ માટે અબ્દુલ સમદે બે રન બનાવ્યા હતા.
એ પછીના બૉલમાં સમદે શૉટ ફટકાર્યો હતો. બાઉન્ડરી લાઇન પર કૅચ પકડવાના પ્રયાસમાં આ બૉલ જૉસ બટલરના હાથમાં વાગ્યો અને સીધો બાઉન્ડરી પાર પડ્યો અને છ રન મળ્યા હતા.
હવે હૈદરાબાદને ચાર બૉલમાં નવ રનની જરૂર હતી.
સમદ ફરીથી પછીના બૉલ પર બે રન લીધા અને હવે હૈદરાબાદને ત્રણ બૉલમાં 7 રનની જરૂર હતી.
ચોથા અને પાંચમા બૉલમાં માત્ર એક-એક રન બન્યા હતા.
મૅચનો છેલ્લો બૉલ બાકી હતો અને હૈદરાબાદને પાંચ રન બનાવવાના હતા.
જોકે સમદનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અને એવું લાગી રહ્યું હતું કે હૈદરાબાદ મૅચ હારી ગયું.
જોકે મૅચનો અસલી રોમાંચ હજુ બાકી હતો. ખરેખર સંદીપનો આ અંતિમ બૉલ નો બૉલ પડ્યો હતો, એટલે કે તેમણે આ બૉલ ફરી નાખવાનો હતો, જે હૈદરાબાદ માટે ફ્રી હિટ હતો.
હવે હૈદરાબાદને એક બૉલમાં ચાર રનની જરૂર હતી. આ વખતે અબ્દુલ સમદ ચૂક્યા નહીં અને રાજસ્થાનની જીત હૈદરાબાદે છીનવી લીધી હતી.
રાજસ્થાનને 200થી વધુ રન બનાવવા છતાં મળી હાર
રાજસ્થાન રૉયલ્સ તરફથી ઓપનિંગ કરવા આવેલા યશસ્વી જયસ્વાલે ઝડપથી 35 રન બનાવ્યા હતા.
જોકે જયસ્વાલે થર્ડ મેનના હાથે કૅચ આપ્યો હતો અને અહીંથી હૈદરાબાદના બૉલરોનું ખાતું ખૂલ્યું હતું.
પરંતુ આ પછી રાજસ્થાનના કપ્તાન સંજુ સૅમસન બેટિંગ કરવા આવ્યા અને ઓપનર જૉસ બટલરે સાથે મળીને રનની મોટી ભાગીદારી કરી અને મૅચને 214 રન સુધી લઈ ગયા હતા.
મૅચ જીત્યા બાદ હૈદરાબાદના કપ્તાન એડન મારક્રમે કહ્યું હતું કે 215 રનનો લક્ષ્યાંક હાંસલ કરવો સરળ કામ નહોતું.
તે જ સમયે, સંજુ સૅમસને હારનું કારણ નો બૉલને ગણાવ્યું હતું.
આઈપીએલની આ સિઝનમાં રાજસ્થાને 200થી વધુ રનનો મોટો સ્કોર બનાવ્યો, પરંતુ તે તેને ડિફેન્ડ કરી શક્યું નહીં એવું બીજી વાર બન્યું છે.
અગાઉ 30 એપ્રિલે રાજસ્થાને પણ મુંબઈ ઇન્ડિયન્સ સામે 212 રન બનાવ્યા હતા, પરંતુ મુંબઈએ ત્રણ બૉલ બાકી રહેતા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
આઈપીએલની આ 1000મી મૅચ હતી.
પ્લેઑફની નજીક પહોંચ્યું હાર્દિક પંડ્યાનું ગુજરાત
રવિવારે રમાયેલી આઈપીએલની 51મી મૅચમાં બે ભાઈઓ એટલે કે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા કપ્તાન તરીકે આમને-સામને હતા.
ટૉસ જીત્યા બાદ લખનૌ સુપરજાયન્ટ્સના કપ્તાન કૃણાલ પંડ્યાએ પ્રથમ બૉલિંગ કરવાનું પસંદ કર્યું હતું.
પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 227 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જોકે, જવાબમાં લખનૌની મજબૂત શરૂઆત છતાં 171 રન જ બનાવી શક્યું અને 56 રનથી મૅચ હારી ગયું હતું.
ગત સીઝનની ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સે આ મોટી જીત સાથે પ્લેઑફમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે.
ટીમે 11 મૅચ રમી છે જેમાંથી તેમણે આઠ મૅચ જીતી છે. ટેબલમાં 16 પૉઈન્ટ સાથે ગુજરાત ફરી નંબર વન બની ગયું છે, જેના કારણે તેનું પ્લેઑફમાં પહોંચવું લગભગ નિશ્ચિત છે.
હરભજનસિંહે દિલ્હી કૅપિટલના ડેવિડ વૉર્નર માટે કેમ કહ્યું કે તે ટીમમાં માત્ર 'અંગ્રેજી બોલવા' માટે નથી
હૈદરાબાદ પ્લેઑફની રેસમાં યથાવત
ગયા વર્ષે ચૅમ્પિયન રહેલું ગુજરાત આ વખતે પણ એ જ મૂડમાં જોવા મળી રહ્યું છે અને પૉઈન્ટ ટેબલમાં નંબર વન પર છે.
બીજી તરફ ચેન્નઈ અને લખનૌ વચ્ચેની મૅચ રદ થવાને કારણે તેમને એક-એક પૉઈન્ટનો ફાયદો થયો છે. પરિણામે, તે બંને બીજા અને ત્રીજા સ્થાને છે.
જોકે હવે ટૂર્નામેન્ટ એક પ્રકારના નૉકઆઉટ તબક્કામાં આવી ગઈ છે, જ્યાં નીચેની ટીમો માટે બાકીની દરેક મૅચ જીતવી જરૂરી છે. બીજી તરફ, જો ઉપરોક્ત ટીમો પણ એક પણ મૅચ હારી જાય છે, તો તેમના માટે પોતાનું સ્થાન જાળવી રાખવું મુશ્કેલ બની રહેશે.
આઈપીએલની વર્તમાન સીઝન પાંચ અઠવાડિયાથી વધુ સમયની સફર નક્કી કરી ચૂકી છે, પરંતુ રવિવારે રાજસ્થાન રૉયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મૅચમાં નો બૉલે માત્ર હૈદરાબાદને જ જીતાડ્યું ન હતું, પરંતુ તેની પ્લેઑફની આશા પણ જીવંત રાખી હતી.