IPL: દિલ્હી કૅપિટલ્સના ફિલિપ સૉલ્ટે સિક્સ મારીને જીતી મૅચ, કોહલીની ટીમ ક્યાં ચૂકી?

આઈપીએલમાં શનિવારે રમાયેલી બીજી મૅચમાં દિલ્હી કૅપિટલ્સે રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુને 7 વિકેટથી હરાવ્યું હતું અને દિવસની પ્રથમ મૅચમાં ચેન્નઈ સુપરકિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું હતું.

દિલ્હી કૅપિટલ્સે 16.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 182 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. દિલ્હીએ શરૂઆતમાં જ મૅચમાં પકડ બનાવી રાખી હતી. ડેવિડ વૉર્નર અને ફિલિપ સૉલ્ટની દિલ્હી કૅપિટ્લ્સની ઓપનિંગ જોડીએ ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. બંનેએ 60 રનની ભાગીદારી કરી હતી.

છઠ્ઠી ઓવરના પ્રથમ બૉલ પર જોશ હૅઝલવુડ ડેવિડ વૉર્નરને કૅચ આઉટ કરવામાં સફળ રહ્યા હતા. કપ્તાન વૉર્નર 14 બૉલમાં 22 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.

પ્રથમ પાવરપ્લેના અંતે ટીમનો સ્કોર 1 વિકેટના નુકસાને 70 રન હતો, જે ટીમની મજબૂત સ્થિતિ દર્શાવે છે. સાથે ક્રિઝ પર ફિલિપ સૉલ્ટ 35 રન અને મિચેલ માર્શ 10 રન બનાવીને ટકી રહ્યા હતા.

ફિલિપ સૉલ્ટે 28 બૉલમાં ત્રણ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. 17 રનના વ્યક્તિગત સ્કોર પર દિનેશ કાર્તિકે ફિલિપ સૉલ્ટનો કૅચ છોડ્યો હતો, જે બૅંગલુરુને ઘણો ભારે પડ્યો હતો.

જોકે ટીમને જીતવા માટે 11 રનની જરૂર હતી, ત્યારે સૉલ્ટ કરણ શર્માના બૉલ પર ક્લીન બોલ્ડ થઈ ગયા હતા. સૉલ્ટ 45 બૉલમાં છ છગ્ગા અને આઠ ચોગ્ગાની મદદથી 87 રન બનાવીને પાછા ફર્યા હતા.

લોમરોર અને કોહલીનું પ્રદર્શન

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બૅંગલુરુએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા.

બૅંગલુરુના કપ્તાન ફૅફ ડુપ્લેસી અને વિરાટ કોહલીએ મજબૂત શરૂઆત કરી હતી. ડુપ્લેસીના આઉટ થયા બાદ કોહલી અને મહિપાલ લોમરોરે ટીમની રન ગતિ જાળવી રાખી હતી.

કોહલીએ 55 રન, મહિપાલે અણનમ 54 રન અને ડુપ્લેસીએ 45 રન બનાવ્યા હતા.

આ સાથે દિવસની પ્રથમ મૅચ ચેન્નઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ હતી, આ એકતરફી મૅચમાં ચેન્નઈએ મુંબઈને 6 વિકેટે હરાવ્યું હતું.

કોહલી અને ડુપ્લેસીએ કરી મજબૂત શરૂઆત

પ્રથમ પાવરપ્લે સુધી કોહલી અને ડુપ્લેસીએ ખૂબ સાવચેતીપૂર્વક બેટિંગ કરી હતી. તેથી બૅંગલુરુનો સ્કોર 6 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 51 રને પહોંચી ગયો હતો. બૅંગલુરુ માટે આ ખૂબ મજબૂત શરૂઆત હતી.

બંનેની જોડી 10.3 ઓવરમાં તૂટી ગઈ હતી, પરંતુ ત્યારસુધીમાં ટીમનો સ્કોર 82 રને પહોંચી ગયો હતો. કપ્તાન ફૅફ ડુપ્લેસી મિચેલ માર્શના હાથે કૅચઆઉટ થયા હતા. ડુપ્લેસીએ 32 બૉલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 45 રન બનાવ્યા હતા.

ત્યારબાદ બેટિંગ કરવા આવેલા ગ્લેન મૅક્સવેલ તેમના બીજા જ બૉલમાં માર્શના હાથે કૅચઆઉટ થયા હતા.

મૅક્સવેલ બાદ બેટિંગ કરવા આવેલા મહિપાલ લોમરોરે ક્રીઝ પર સ્થિર થવાનું શરૂ કર્યું હતું અને કોહલી સાથે મળીને 55 રનની ભાગીદારી કરી હતી.

બીજી તરફ વિરાટ કોહલીએ પોતાની બેટિંગ ચાલુ રાખી અને 42 બૉલમાં પોતાની અડધી સદી પુરી કરી હતી. જોકે 16મી ઓવરના છેલ્લા બૉલ પર તેઓ મુકેશ કુમારના હાથે કૅચ આઉટ થઈ ગયા હતા.

જોકે બીજી તરફ મહિપાલ લોમરોરે ટકી રહીને પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી. મહિપાલ લોમરોરે 26 બૉલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. લોમરોર 29 બૉલમાં ત્રણ છગ્ગા અને છ ચોગ્ગાની મદદથી અણનમ 54 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.

દિલ્હી તરફથી મિચેલ માર્શે બે વિકેટ અને ખલીલ અહમદ અને મુકેશકુમારે એક-એક વિકેટ લીધી હતી.