વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ફરી 'ગરમાગરમી'? કોહલીએ કેમ કહ્યું '...દેખાય છે, એ બધું સત્ય નથી'

રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુના ભૂતપૂર્વ કપ્તાન વિરાટ કોહલી અને લખનૌ સુપરજાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં સોમવારે બંને ટીમો વચ્ચેના મુકાબલામાં બૅંગલુરુએ 18 રનથી જીત મેળવી હતી. મૅચ બાદ હૅન્ડશેક દરમિયાન આવું બન્યું હતું.

મૅચ અધિકારીઓએ આ બાબતની નોંધ લીધી છે અને બંનેને આ મૅચ માટે તેમના મહેનતાણા પર દંડ ફટકારવામાં આવ્યો છે.

દસ વર્ષ પહેલાં જ્યારે કોહલી બૅંગલુરુ ટીમના કપ્તાન હતા અને ગંભીર કોલકાતા ટીમના કપ્તાન હતા, ત્યારે પણ આવો જ વિવાદ જોવા મળ્યો હતો.

મૅચ બાદ બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવતા હતા. તે સમયે લખનૌ તરફથી રમતા બૉલર નવીન ઉલ હક અને કોહલી વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ પછી લખનૌના કાયલ મેયર્સ અને કોહલી વચ્ચેની વાતચીત દલીલમાં ફેરવાય તે પહેલાં લખનૌના મેન્ટર ગંભીરે મેયર્સને રોક્યા હતા.

ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, મૅચ બાદ કોહલી અને ગંભીર વચ્ચે જ્યારે બોલાચાલી થયા બાદ વિરાટ કોહલીએ તેમના સોશિયલ મીડિયા હૅન્ડલ પર એક પોસ્ટ કરી હતી. તેમણે જે ઉદાહરણનો ઉપયોગ કર્યો હતો, તે પૂર્વ રોમન સમ્રાટ, માર્કસ ઑરેલિયસનું હતું, જેમણે ઇ.સ. 161થી 180 સુધી શાસન કર્યું હતું અને સાથે જ તેઓ ફિલોસોફર પણ હતા.

થોડી સેકન્ડોમાં જ ગંભીર ગુસ્સામાં કોહલી તરફ ચાલતા જોવા મળ્યા હતા. લખનૌના કપ્તાન કેએલ રાહુલે ગંભીરને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

બૅંગલુરુ વતી કપ્તાન ફાફ ડુ પ્લેસિસે કોહલીને રોકવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ગંભીર સીધા કોહલી તરફ ગયા હતા.

કોહલી તેમના ખભા પર હાથ મૂકીને તેમની વાત પાર પાડવાના પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

વિવાદ વધતાં લખનૌના અનુભવી બૉલર અમિત મિશ્રાએ બચાવ કર્યો હતો. બૅંગલુરુના ખેલાડીઓએ કોહલીને છુટા પાડ્યા હતા અને લખનૌના ખેલાડીઓએ ગંભીરને છુટા પાડ્યા હતા.

આ દરમિયાન મૅચ અધિકારીઓએ તેની નોંધ લીધી છે અને આ મૅચ માટે કોહલી અને ગંભીરના મહેનતાણામાંથી 100 ટકા રકમ કાપવામાં આવશે.

લખનૌના બૉલર નવીન ઉલ હકના પગારમાંથી 50 ટકા કાપવામાં આવશે.

મૅચ દરમિયાન વિરાટ કોહલી ખૂબ જ આક્રમક રીતે ઇશારા કરતા જોવા મળ્યા હતા. લખનૌના કૃણાલ પંડ્યાને આઉટ કર્યા બાદ કોહલીએ ભીડ તરફ આંગળી ચીંધીને મૌન રહેવાનો ઈશારો કર્યો હતો.

થોડા દિવસો પહેલાં લખનૌની ટીમ બૅંગલુરુમાં જીતી હતી. તે સમયે ગંભીરે આવી જ રીતે શાંત રહેવાનો ઇશારો કર્યો હતો.

17મી ઓવર દરમિયાન નવીન ઉલ હક અને કોહલી વચ્ચે બોલાચાલી થઈ હતી. તે સમયે અમિત મિશ્રા અને અમ્પાયરે વચ્ચે પડીને બંનેને શાંત પાડ્યા હતા.

લો સ્કોરિંગ મૅચ

રવિવારની રન-સ્કોરિંગ મૅચ બાદ સોમવારની મૅચ લો સ્કોરિંગ રહી હતી. બૅંગલુરુના કપ્તાન ફાફ ડુ પ્લેસિસે ટૉસ જીતીને મુશ્કેલ પિચ પર બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

વિરાટ કોહલી અને ડુ પ્લેસિસે 62 રન બનાવીને શરૂઆત કરી હતી. યુવા રવિ બિશ્નોઈએ કોહલીને સ્પિનની જાળમાં ફસાવી દીધા હતા.

કોહલીએ બિશ્નોઈને ફટકારવાનો પ્રયાસ કરવામાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. તેમણે 30 બૉલમાં 31 રન બનાવ્યા હતા. બીજી બાજુ, શાહબાઝ અહમદના સ્થાને તક મેળવનાર અનુજ રાવત પણ ઝડપથી આઉટ થઈ ગયા હતા.

બિશ્નોઈની બૉલિંગને રિવર્સ સ્વીપ કરવાનો ગ્લેન મૅક્સવેલનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. તે માત્ર 4 રન બનાવી શક્યા હતા.

સુયશ પ્રભુદેસાઈને અનુભવી અમિત મિશ્રાએ કૃષ્ણપ્પા ગૌતમને કૅચ પકડાઈ દીધો હતો.

ત્યારે બીજી બાજુ ફાફ ડુ પ્લેસિસનું ધ્યાન ભટકતા કૃણાલ પંડ્યાના હાથે તેમનો કૅચ પકડાઈ ગયો હતો. ફાફે 44 રન બનાવ્યા હતા.

બૅંગલુરુના બૅટ્સમૅનો પિચને સમજવામાં થાપ ખાઈ ગયા હતા.

મહિપાલ લોમરુર અને વાનિન્દુ હસરંગા ડિસિલ્વા પણ ખાસ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. બૅંગલુરુની ટીમ 20 ઓવરમાં 126 રન જ બનાવી શકી હતી.

લખનૌ તરફથી નવીન ઉલ હકે 3 વિકેટ લીધી હતી, જ્યારે રવિ બિશ્નોઈ અને અમિત મિશ્રાએ 2-2 વિકેટ લીધી હતી. બૅંગલુરુની ઇનિંગ્સના અંતે લખનૌનો પક્ષ બળવંત લાગી રહ્યો હતો.

રાહુલ ઘાયલ થતાં આયુષ બડોનીએ કાયલ મેયર્સ સાથે ઓપનિંગ કર્યું હતું. મોહમ્મદ સિરાજે પ્રથમ બૉલમાં મેયર્સને આઉટ કરી દીધા હતા.

કૃણાલ પંડ્યાને મૅક્સવેલે આઉટ કરી દીધા હતા. આ સીઝનમાં રન માટે સંઘર્ષ કરી રહેલા દીપક હુડ્ડાને હસરંગાએ પવેલિયનમાં મોકલી દીધા હતા.

લાંબા સ્પૅલ બાદ વાપસી કરનારા જોશ હેઝલવુડે બડોનીની ઇનિંગ્સનો અંત લાવ્યો હતો.

લખનૌને માર્કસ સ્ટોઈનસ અને નિકોલસ પૂરનની જોડી પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ કરણ શર્માએ બંનેને પેવેલિયન પરત કરીને બૅંગલુરુની જીત સરળ કરી દીધી હતી. કૃષ્ણપ્પા ગૌતમે 23 રન બનાવી બૅંગલુરુની જીતને આગળ વધારી હતી.

જોકે શિસ્તબદ્ધ બૉલિંગ અને ફિલ્ડિંગના જોરે બૅંગલુરુએ 18 રનથી જીત મેળવી હતી. લખનૌ માત્ર 108 રન બનાવી શક્યું હતું. બૅંગલુરુ તરફથી હેઝલવુડ અને કરણ શર્માએ 2-2 વિકેટ લીધી હતી. ફાફ ડુ પ્લેસિસને મેન ઑફ ધ મૅચના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

20 દિવસથી ચાલી રહી હતી ટક્કર

આ સમગ્ર ઘટનાને લઈને ટ્વિટર પર કેટલાક યુઝર્સે દાવો કર્યો હતો કે આ કહાણી લખનૌમાં સોમવારે જોવા મળી હશે, પરંતુ લગભગ 20 દિવસ પહેલાં બૅંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં તેની શરૂઆત થઈ ગઈ હતી.

10 એપ્રિલના રોજ આ બંને ટીમો બૅંગલુરુના ચિન્નાસ્વામી મેદાન પર સામસામે આવી ગઈ હતી અને આઈપીએલની 16મી સીઝનના સૌથી સનસનાટીભર્યા રન ચેઝમાં લખનૌએ બૅંગલુરુને છેલ્લા બૉલ પર 213 રન બનાવીને એક વિકેટથી હરાવ્યું હતું.

મૅચ બાદ લખનૌના મેન્ટર ગૌતમ ગંભીરની એક તસવીર વાયરલ થઈ હતી. ઘણા લોકોએ દાવો કર્યો હતો કે તેમણે બૅંગલુરુના સ્ટેડિયમમાં હાજર આરસીબી ચાહકોને ચૂપ રહેવાની સૂચના આપી હતી.

સોમવારની મૅચમાં 127 રનનો બચાવ કરતી વખતે વિરાટ કોહલી લખનૌની દરેક વિકેટ પડ્યા પછી જે રીતે ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે ઘણા લોકોએ તેને તેમના તરફથી ગંભીરને જવાબ આપવા તરીકે જોયું હતું.

ગુરમીત નામના એક ટ્વિટર યુઝરે દાવો કર્યો કે, “તેથી વિરાટ કોહલીની દુનિયા દીવાની છે, તે કોઈની ઉધારી રાખતો નથી."

જો કે, વિરાટ કોહલીની કારકિર્દી પર નજીકથી નજર રાખનારા ઘણા કોમેન્ટેટરોને મૅચ દરમિયાન તેમની બોડી લેંગ્વેજમાં કંઇ અલગ કે અનોખું જોવા મળ્યું ન હતું.

તેમના કહેવા પ્રમાણે, વિરાટ કોહલી મેદાન પર માત્ર ચાર્જઅપ જ દેખાય છે. આ જુસ્સો તેમની ઓળખનો એક ભાગ છે.

આ જીત વિરાટ માટેની બેવડી ખુશી હોઈ શકે છે. અહીં વાત માત્ર લખનૌથી 'રિવેન્જ ગેમ' જીતવાની નહોતી. સોમવારે તેમનાં પત્ની અનુષ્કા શર્માનો પણ જન્મદિવસ હતો.

જોકે, હવે જીત અને ઉજવણી કરતા વધુ વિવાદની ચર્ચા થઈ રહી છે, જેના વિશે ઘણા લોકો માત્ર અનુમાન લગાવી રહ્યા છે.

એ અલગ વાત છે કે આવા વિવાદો અને આવી અટકળો આઈપીએલ માટે ક્યારેય આશ્ચર્યચકિત રહી નથી.

જો આ વિવાદની વાસ્તવિક કહાણી લીક ન થાય અને છુપાયેલી રહે તો આશ્ચર્ય જરૂર થશે.

રાહુલ થયા ઘાયલ

લખનૌના કપ્તાન રાહુલને દોડતી વખતે પગમાં ઈજા થઈ હતી. તેથી ફિઝિયો તરત જ મેદાનમાં આવી ગયા હતા. રાહુલને પીડા થતી હોવાથી તેઓ રડી રહ્યા હતા, તેથી ફિઝિયો અને બીજા મિત્રો તેમને બહાર લઈ ગયા હતા.

તેમની સારવાર કરવામાં આવી હતી. રાહુલ અગિયારમાં નંબરે બેટિંગ કરવા આવ્યા, કારણ કે ટીમ નાના લક્ષ્યનો પીછો કરતી વખતે મુશ્કેલીમાં આવી ગઈ હતી. ચાલતી વખતે રાહુલને દુખાવો થતો હોય તેવું લાગી રહ્યું હતું.

રાહુલ લખનૌની હાર ટાળી શક્યા નહીં. લખનૌએ હજુ સુધી તેમની ઈજાની પ્રકૃતિ અંગે નિવેદન બહાર પાડ્યું નથી.

આઈપીએલ બાદ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલ ઈંગ્લૅન્ડમાં યોજાશે. રાહુલની ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે.

જયદેવ ઉનડકટ ગંભીર રીતે ઘાયલ

લખનૌના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ પ્રૅક્ટિસ કરતા ઘાયલ થયા છે. ત્યારે ડાબોડી બોલર જયદેવ ઉનડકટ રન-અપ લઈ રહ્યા હતા ત્યારે તેમનો પગ જાળીમાં ફસાઈ ગયો અને તેઓ પડી ગયા.

તેમના ખભામાં ગંભીર ઈજા થઈ છે અને તેમને સારવાર માટે મુંબઈ મોકલવામાં આવ્યા છે.